મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લાના મોડાસામાં આવેલા ભાજપ કાર્યાલય ખાતે સાબરકાંઠા લોકસભાની બેઠક લઈને પ્રદેશ ભાજપના નિયુક્ત ત્રણ નિરીક્ષકો પ્રદીપસિંહ વાઘેલા, મોતીભાઈ વસાવા અને નૌકાબેન પ્રજાપતિએ લોકસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથધરી હતી. જેમાં લોકસભા લાડવા માંગતા વર્તમાન સાંસદ દીપસિંહ સહીત બંને જીલ્લામાંથી ઉમેદવારો મોટી સંખ્યામાં ટેકેદારો સાથે પહોંચી દાવેદારી રજુ કરી હતી. મેરાન્યૂઝ દ્વારા સેન્સ પ્રક્રિયા દેખાવપૂર્તિ હોવાની સાથે સાબરકાંઠા જીલ્લામાંથી ક્ષત્રિય ઠાકોર ઉમેદવારને મેદાને ઉતારવાનું ભાજપના મોવડી મન માનવી લીધું હોવાના સમાચાર અગાઉ પ્રસિદ્ધ કરાયા હતા. ભાજપે જાહેર કરાયેલ ૧૫ ઉમેદવારોમાં સાબરકાંઠા લોકસભા બેઠક માટે દીપસિંહ રાઠોડને રિપીટ કરાતા અહેવાલ સચોટ સાબિત થયો હતો. દીપસિંહ રાઠોડ નરેન્દ્ર મોદી અને અમિતશાહના નિકટના સાંસદ તરીકે સ્થાન ધરાવે છે. ઉલ્લેખનીય છે કે અમિત શાહ ગાંધીનગરથી લોકસભા લડશે તે અંગેની માહિતી પણ મેરાન્યૂઝ દ્વારા વાચકોને પ્રથમ આપવામાં આવી હતી.

સાબરકાંઠા લોકસભાની ચૂંટણી જાહેરથતા લોકસભામાં ઉમેદવારી કરવામાં માંગતા ભાજપના ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું અને દિલ્હી અને નાગપુર આરઆરએસ કાર્યાલય સુધી દોટ લાગવાની સાથે વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડ સામે તેમના વિસ્તારમાંથી ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સંસદની ગ્રાન્ટનો દુર ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ લગાવી છબી ખરડાવાનો પ્રયત્ન થતા રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો. દીપસિંહ રાઠોડનું પત્તુ કાપશે તેવું મોટાભાગના બીજેપીના અગ્રણીઓ, કાર્યકરો અને રાજકીય વિશ્લેષકો માનતા હતા. જોકે તમામની ધારણાઓ ખોટી પાડતા અમિતશાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરીથી તેમના

નામ પર મહોર મારતા લોકસભા બેઠક લાડવા માંગતા ઉમેદવારોમાં સોપો પડી ગયો હતો.

સાબરકાંઠા બેઠક માટે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિહં વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને ભાજપમાંથી પેરાશુટ ઉમેદવાર ઉતારવાના હોવાની ચર્ચા અને વિરોધના સુર પર આ જાહેરાત સાથે પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું, ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા 26મી તારીખે સાબરકાંઠામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં યોજાનાર ભાજપના વિજય સંકલ્પ સંમેલનમાં ભાજપમાં પુનઃ પ્રવેશ કરશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે તેમની સાથે ભાજપ સાથે જોડાવવા અંગે ટેલિફોનિક ચર્ચા કરતાં તેમને સ્પષ્ટ જણાવ્યું હતું કે હજુ કઈ નક્કી નથી અને એવું કઈ હશેતો તમને જણાવીશ કહી હાલ પૂરતી ચુપકીદી સાધી લીધી હતી.

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના રાજકીય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર ભાજપ મહેન્દ્રસિંહ વાઘેલાને રાજ્યસભાના સાંસદ બનાવે તેવી વકી છે. જોકે સત્ય સમય જ બહાર લાવી દેશે.