નવી દિલ્હી: કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના કોઈપણ નેતા ભગતસિંહ અને બટુકેશ્વર દત્તને જેલમાં મળવા ગયા ન હતા તેવો દાવો કર્યો હતો તે ખોટો સાબિત થયો છે.

ગત 9 મે ના રોજ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાને સંબોધિત કરતા કહ્યું હતુ કે જ્યારે દેશની આઝાદી માટે લડી રહેલા શહીદ ભગતસિંહ, બટુકેશ્વર દત્ત, વીર સાવરકર જેવા મહાન લોકો જેલમાં હતા, ત્યારે શું કોંગ્રેસના કોઈ નેતા તેમને મળવા ગયા હતા? પરંતુ હવે કોંગ્રેસના નેતા જેલમાં બંધ ભ્રષ્ટ નેતાઓને મળે છે. મોદીનો ઇશારો રાહુલ ગાંધી તરફ હતો. રાહુલ ગાંધી થોડા દિવસ પહેલા ઘાસચારા કૌભાંડમાં સજા ભોગવી રહેલા લાલુ પ્રસાદ યાદવને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં મળવા ગયા હતા.

વડાપ્રધાન મોદીએ દાવો કર્યો હતો કે બ્રિટિશ શાસનમાં જ્યારે ભગતસિંહ, બટુકેશ્વર દત્ત અને સાવરકર જેલમાં હતા ત્યારે કોંગ્રેસના કોઈ નેતાએ તેમની મુલાકાત કરી ન હતી. પરંતુ ખરેખરમાં મોદીનો આ દાવો ખોટો છે. ઓલ્ટ ન્યૂઝએ આ દાવાની તપાસ કરી અને જાણવા મળ્યુ કે ઐતિહાસિક રીતે વડાપ્રધાન મોદીનો દાવો ખોટો છે.

દેશના પ્રથમ વડાપ્રધાન અને કોંગ્રેસના અગ્રણી નેતા જવાહરલાલ નેહરુએ પોતાની આત્મકથા ‘ટુવર્ડ ફ્રિડમ-ધ ઓટોબાયોગ્રાફી ઑફ જવાહરલાલ નેહરુ’ માં ભગતસિંહ સાથે લાહોર જેલમાં થયેલી મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે. આ મુલાકાત વર્ષ 1929માં થઇ હતી જ્યારે એસેમ્બલીમાં બોમ્બ વિસ્ફોટ બાદ ભગતસિંહ અને બટુકેશ્વર દત્તની ધરપકડ કરવામાં આવી હતી. આ પુસ્તકના પાના નંબર 204ના છેલ્લા પેરાગ્રાફમાં નેહરુએ લખ્યું છે કે, જ્યારે જેલમાં ભૂખ હડતાળનો એકાદ મહિનો થયો તે સમયે હું લાહોરમાં હતો. મને જેલમાં કેટલાક કેદીઓને મળવાની મંજૂરી મળી અને મેં તેનો ફાયદો ઉઠાવ્યો. મેં પહેલી વખત ભગતસિંહ, જતીન્દ્રનાથ દાસ અને અન્ય કેટલાકને જોયા. તેઓ શારીરિક રીતે ખૂબ જ નબળા દેખાતા હતા અને પથારીવશ હતા તથા તેમની સાથે વાત કરવી પણ મુશ્કેલ હતી. ભગતસિંહનો ચહેરાથી આકર્ષક અને સમજદાર હતા અને અપેક્ષાનુસાર શાંત દેખાઇ રહ્યા હતા. તેમનમાં કોઈપણ પ્રકારનો ગુસ્સો દેખાતો ન હતો. તેમણે ખૂબ જ સૌમ્ય રીતે વાત કરી પરંતુ મને લાગે છે કે કોઈ એવો વ્યક્તિ જે એક મહિનાથી અનશન પર હોય, તે આધ્યાત્મિક અને સૌમ્ય દેખાય જ. જતિન દાસ કોઈ યુવતીની જેમ સૌમ્ય અને શાલીન દેખાતો હતો. જ્યારે મેં તેમને જોયા ત્યારે તેઓ ખૂબ પીડામાં લાગી રહ્યા અહ્તા અને અનશનનાં 61મા દિવસે તેમનું મૃત્યુ થયુ હતું.

જવાહરલાલ નેહરુની આ મુલાકાત વિશે 9 અને 10 ઓગસ્ટ 1929ના ધ ટ્રિબ્યુન અખબારમાં ન્યૂઝ છપાયો હતો. તે સમયે ધ ટ્રિબ્યુન અખબાર લાહોરથી જ છપાતુ હતું. જેની કોપી પણ ઉક્ત ફોટોમાં પ્રસ્તુત કરાઇ છે. આ અહેવાલમાં લખવામાં આવ્યું છે કે, પંડિત જવાહરલાલ નેહરુ, ડૉ. ગોપીચંદ, એમએલસી સાથે આજે લાહોર સેંટ્રલ અને બોરસ્ટલ જેલમાં ગયા અને લાહોર કોન્સપિરેસી કેસમાં ભૂખ હડતાળ પર બેઠેલા લોકો સાથે વાત કરી. પંડિત નહેરુ પહેલા સેંટ્રલ જેલ ગયા જ્યાં તેઓ સરદાર ભગતસિંહ અને બટુકેશ્વર દત્તને મળ્યા અને તેમની સાથે ભૂખ હડતાળ વિશે વાત કરી. આ બે કેદીઓને મળ્યા બાદ તેઓ બોરસ્ટલ જેલ ગયા જ્યા અનશન કરી રહેલ જતિન દાસ, અજય ઘોષ અને શિવ વર્મા સહિત અન્ય લોકો સાથે મુલાકાત કરી જેઓ હોસ્પિટલમાં દાખ હતા.