મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વાંધાજનક ટ્વીટ કરતા દેશદ્રોહના થયેલા કેસથી ભારે ચર્ચામાં આવેલી કોંગ્રેસના સોશિયલ મીડિયા સેલની સંયોજક દિવ્યા સ્પંદનાએ રાજીનામું આપી દીધાના મીડિયા રિપોટ્સ આવ્યા હતા. જો કે કોંગ્રેસ ધ્વારા દિવ્યા સ્પંદનાના રાજીનામાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ મામલે કોંગ્રેસના સોશિયલ મીડિયા સેલની સંયોજક દિવ્યા સ્પંદનાએ મીડિયાને જણાવ્યું છે કે તેણે કોઈ રાજીનામુ આપ્યું નથી. હાલ તે રજા પર છે અને ગુરુવારે ફરીથી જોબ જોઇન કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે વાંધાજનક ટવીટ કરી દિવ્યા સ્પંદના ચર્ચામાં આવી હતી. આ અગાઉ પણ તે આ પ્રકારે વડાપ્રધાન સામે વાંધાજનક ટવીટ કરી ચુકી છે. પરંતુ આ વખતે તેની સામે લખનૌમાં દેશદ્રોહ તેમજ આઇટી એક્ટ મુજબ અરજી દાખલ કરવામાં આવી છે. આથી એવું માનવામાં આવી રહ્યું છે કે, આ કારણોસર દિવ્યાએ રાજીનામું આપી દેવું પડ્યું છે. દિવ્યા સામે આ પોલીસ કેસ કરનાર સૈયદ રીઝવાન અહમદે કહ્યું હતું કે, આ ટવીટ વાંધાજનક હોવા સાથે દેશના પ્રધાનમંત્રી પદ માટેની આ ટવીટ આપણા દેશનું અપમાન છે. આથી દિવ્યાએ આ પદ અને દેશનું અપમાન કર્યું છે.