મેરાન્યૂઝ નેટવર્ક.જામનગર : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકના પોલીસ સ્ટેશનમાં થયેલા જોરદાર વિસ્ફોટનો વિડીયો વાયરલ થયો છે. બપોરે આ સ્ટોર રૂમમાંથી ધુમાડાના ગોટેગોટા બહાર આવ્યા બાદ પ્રચંડ વિસ્ફોટ થયો હોવાનું વિડીયોમાં સ્પષ્ટ થયું છે. પોલીસ દ્વારા એફએસએલની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ હોસ્પિટલ ખસેડાયેલા ગંભીર ઇજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.

ધ્રોલ તાલુકાના પોલીસ દફતર પરીસરમાં આવેલ સ્ટોર રૂમમાં ગઇકાલે બપોરે એકાદ વાગ્યાના સુમારે જોરદાર વિસ્ફોટ થયો હતો. ધડાકાભેર થયેલા બ્લાસ્ટના પગલે મુદામાલ સંગ્રહીત રૂમ ત્વરીત કાટમાળમાં ફેરવાય ગયો હતો. આ ઘટના પગલે પોલીસ દફતરમાંથી નિકળી સ્ટોર રૂમ તરફ નિરીક્ષણ કરવા ગયેલા પોલીસ કોન્સટેબલ હરપાલસિંહ તિવ્ર ગતિથી વછૂટેલા સ્ટોરરૂમના કાટમાળનો ભોગ બની જતાં ગંભીર રીતે ઘવાય ગયા હતાં. પોલીસ દ્વારા તાત્કાલીક ઘવાયેલા પોલીસ કર્મીને તાત્કાલીક રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટના બાદ એએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને એફએસએલ અધિકારીઓની મદદથી બ્લાસ્ટ અંગે વિધીવત તપાસ હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ પોલીસ દફતરના સીસી ટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઇ હોવાનો આજે વિડીયો વાયરલ થયો છે જેમાં પ્રથમ સ્ટોર રૂમની બારી-દરવાજામાંથી ધુમાડા ગોટેગોટા વછૂટયા હતાં. પ્રથમ એક મહિલા પોલીસકર્મીને આ ધુમાડા અંગેની જાણ થતાં તેઓએ પોલીસ દફતર પરીસરમાંથી આ ઘટના અંગે કોઇને જાણ કરી રહ્યા હોય તેમ ફોન પર વાત કરતા નજરે પડે છે ત્યાર બાદ તેઓ પોલીસ દફતર અંદર ચાલ્યા જાય છે અને પોલીસ દફતરમાંથી ઘવાયેલા કોન્સ્ટેબલ હરપાલસિંહ બહાર આવે છે અને સ્ટોરરૂમ તરફ જાય છે ત્યાં જ પ્રચંડ વિસ્ફોટ થતો હોવાનું વિડીયોમાં સ્પષ્ટ થયું છે. સ્ટોર રૂમ નજીક વિજ ટ્રાન્સફોર્મરમાંથી સ્પાર્ક થતાં ઝરેલા તણખા રૂમ અંદર પડતા તેના કારણે આગ લાગ્યા બાદ વિસ્ફોટ થયો હોવાનો પોલીસે પ્રાથમીક અનુમાન લગાવ્યો છે. બીજી તરફ કાટમાળમાં ફેરવાયેલા સ્ટોર રૂમના કાટમાળને ફંફોળી એફએસએલ દ્વારા સચોટ કારણ જાણવા તપાસ વિસ્તારવામાં આવી છે.