મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાતમાં દારુબંધીના કડક કાયદા છતાં દારુનું વેચાણ થઇ રહ્યું છે. સાથે જ બુટલેગરો પણ બેફામ બન્યા છે. તાજેતરમાં અમદાવાદના ડીઆઇજી અશોક યાદવને એક મહિલા બુટલેગરે અમે દારુ જ વેચીશું તેમ કહી દેતા સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જ્યાર બાદ પોલીસ દ્વારા છારાનગર, સરદારનગર સહિતના વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. હવે શિવાનંદ ઝા એ પણ દારુબંધી કડક બનાવવા આદેશ આપ્યો છે કે છારાનગરમાં દિવસમાં બે શિફ્ટમાં રેડ પાડવામાં આવે.

રાજ્યના કાયમી ડીજીપી બન્યા બાદ શિવાનંદ ઝાએ પોલીસ અધિકારી અને પોલીસકર્મીઓને સાપ્તાહિક પરેડમાં હાજર રહેવા અને ડ્રેસ પહેરવાના આદેશ આપ્યા બાદ હવે દારુબંધીના કડક અમલ માટે આદેશ આપ્યા છે. ડીજીપી શિવાનંદ ઝાએ અમદાવાદ પોલીસ કમિશ્નરને પત્ર લખી કુબેરનગર, છારાનગરમાં સતત દરોદા પાડવા સૂચના આપી છે. સાથે જ સેક્ટર 2 ના એડિશનલ કમિશ્નરને સુપરવિઝન રાખવા આદેશ કર્યો છે. ડીજીપી શિવનંદ ઝા દ્વારા કોઈપણ ભોગે કુબેરનગર, છારાનગર, સરદારનગરમાંથી દારુનું દૂષણ દૂર કરવા માટેના આદેશ આપી દેવાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે જ્યારે અમદાવાદના ડીઆઇજી અશોક યાદવ મહિલા બુટલેગરોને દારુની બદી દૂર કરવા સમજાવી રહ્યા હતા ત્યારે એક મહિલા બુટલેગર આવી હતી અને રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે અમે દારુ વેચતા હતા અને વેચીશું. અમારા બાળકોને કોઈ નોકરી આપતુ નથી. દારુ વેચવા સિવાય અમારી પાસે બીજો કોઇ રસ્તો નથી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયલર થયા બાદ પણ છારાનગરમાં દરોડાની કાર્યવાહી કરાઇ હતી. જ્યાર બાદ હવે ડીજીપી દ્વારા દારુબંધીના કડક અમલ માટે આદેશ અપાયા છે.