મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ ટુંકાગાળામાં ગુજરાત પોલીસ અધિકારીઓની આત્મહત્યાનું પ્રમાણ વધ્યુ છે, પોલીસની અનિયમિત જીંદગી અને કામના દબાણને કારણે ગુજરાત પોલીસના નાના મોટા અધિકારીઓ માનસિક રોગનો ભોગ બની રહ્યા છે. પોલીસની નોકરીમાં હથિયાર હાથવગુ હોવાને કારણે તેમને આત્મહત્યા કરવામાં વખત લાગતો નથી. અગાઉ અમદાવાદ અને વડોદરાના પોલીસ સબઈન્સપેકટરો આત્મહત્યા કરી ચુંક્યા છે, હવે શુક્રવારના રોજ વડોદરાના જ એક આસીસ્ટન્ટ પોલીસ સબઈન્સપેકટરે પોતાના શરિર ઉપર કેરોસીન છાંટી જીવનનો અંત આણવાનો  પ્રયાસ કર્યો હતો જેમાં તે 60 ટકા દાઝી ગયા હતા. જોકે તેમની સારવારના 24 કલાક પણ નહોતા થયા કે તેમનું મૃત્યું થયું હતું.

વડોદરાના સયાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસીસ્ટન્ટ પોલીસ સબઈન્સપેકટર  હસમુખ પરમાર છેલ્લાં કેટલાંક દિવસથી ડિપ્રેશનનો ભોગ બન્યા હતા, આ અંગે તેમના પરિવારજનો તેમને મનોચીકીત્સક પાસે પણ લઈ ગયા હતા અને તેમની સારવાર પણ શરૂ કરવામાં આવી હતી, પરંતુ ડિપ્રેશનમાં સરી પહેલા હસમુખ પરમારને સતત આત્મહત્યાનો વિચાર આવતો હતો અને તેમણે થોડા દિવસ પહેલા જીવનનો અંત આણવા ઉંઘની ગોળીઓ ખાઈ લીધી હતી, પરંતુ બચી ગયા હતા પરંતુ શુક્રવારના રોજ તેઓ ઘરે હતા ત્યારે તેમણે પોતાના શરિર ઉપર કેરોસીન છાંટી દિવાળી ચાંપી દેતા તેઓ ભડભડ સળગવા લાગ્યા હતા, અચાનક ઘરમાં આગ અને ધુમાડો દેખાતા પરિવારના સભ્યો દોડી આવ્યા હતા.

અને તેમણે સળગી રહેલા હસમુખ પરમારના શરિર ઉપરની આગ ઓલવી તેમને બચાવી લઈ સીધા સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને ખાનગી હોસ્પિચટલમાં ખસેડવામાં આવ્યા છે. જયાં તેમની હાલત ગંભીર હોવાનું ડૉકટરએ જણાવ્યું હતું. જોકે મોડી રાત્રે તેમની હાલત અતિગંભીર બની હતી. મોડી રાત્રે તેઓ અવસાન પામ્યા હતા. પરિવારનો આરોપ છે કે કામના સતત ભારણને કારણે તેઓ ડિપ્રેશનમાં ગયા અને તેમણે આ પગલુ ભર્યું છે, અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉ જ્યારે પોલીસ અધિકારીઓએ આત્મહત્યા કરી ત્યારે અમે સમાચારો દ્વારા ડીજીપીનું આ બાબત પર ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમણે આ તેમની જવાબદારી નથી પણ સ્થાનિક કક્ષાના અધિકારીઓનો વિષય હોવાનું લેખિતમાં જણાવ્યું હતું.

અમે પણ જાણીએ છીએ કે ગુજરાત પોલીસના નાના મોટા અધિકારીના સારા નરસા કામ માટે ડીજીપી જવાબદાર નથી પણ પોલીસ દળના વડાના નાતે આ મામલે હવે કોઈ પોલીસ અધિકારી માનસીક રોગી બની આત્મહત્યા કરે નહીં તે દિશામાં આપના તાબામાં નાના મોટા પોલીસ અધિકારીઓને આદેશ આપો અને પોલીસને બચાવી લો એટલી જ વિનંતી છે.