મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું મોડાસા રોડ ઉપર આવેલું રખિયાલ ગામ, તેના ગામના વિકાસની ટેકનીકથી આગળ વધ્યું છે. 

ગામમાં લોક સહકાર અને લોકભાગીદારીના હેતુથી ગામમાં મહિલા સરપંચ ગીતાબહેન રમણલાલ પટેલની આગેવાનીમાં વિકાસ કરવામાં આવ્યો છે અને ગ્રાન્ટના નાણાંનો બચાવ થાય અને લોકોને સુખ સુવિધા ઊભી થાય એ રીતે ગામમાં વિકાસ કરવામાં આવ્યો છે.

ગામના આગેવાન અને સહકારી મંડળીના ચેરમેન રમણલાલ પટેલે જણાવ્યું કે, ગામમાં હાલ 30 વર્ષ જુના પથ્થર નાખેલા રસ્તાનું રીનોવેશન કરવામાં આવી રહ્યું છે આ આશરે 8,000 ચોરસ મીટરના રસ્તામાં આરસીસી રોડ બનાવવાના ખર્ચને ટાળી અને નાણાંનો વ્યય અટકાવી ખૂબ જ ઓછા આશરે 2થી 3 લાખના બેજમાં સરકારી મંજૂરી સાથે રસ્તા બનાવવામાં આવી રહ્યા છે જેથી મજબૂત રસ્તા બને અને સરકારના આશરે 15થી 17 લાખ રૂપિયાનો બચાવ થાય. આ યુક્તિને કારણે હાલ ગામમાં રસ્તા પહોળા પણ થઈ રહ્યા છે જેનું કારણ સરપંચ અને પંચાયત દ્વારા લોકોને સમજાવી રસ્તા પરના દબાણો દૂર કરી રસ્તા બનાવવામાં આવી રહ્યા છે.

રમણલાલ પટેલે જણાવ્યું કે સરકાર દ્વારા ગ્રામ પંચાયતોમાં વર્ષ 2011ની વસ્તી મુજબ ગ્રાન્ટ આપવામાં આવે છે અને આજે વસ્તી વધી હોવા છતાં ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો નથી અને આને કારણે વિકાસના કામો કરવામાં ઘણી પંચયાતોને તકલીફ પણ પડતી હોય છે.

રખિયાલ ગામની વસ્તી 10,000 જેટલી છે જેમાં ગામના બસ સ્ટેન્ડમાં વોટર કુલર, શૌચાલય જેવી જાહેર સુવિધાઓ લોક ભાગીદારીથી ઊભી કરવામાં આવી છે જ્યારે ગામનું સ્મશાન પણ અત્યાધુનિક રીતે બનાવવામાં આવ્યું છે.

ગ્રામ પંચાયત દ્વારા ગામમાં 700 જેટલા પરિવારોને ઉજ્વલા યોજનામાં LPG સિલિન્ડર આપવામાં આવ્યા છે અને ગામમાં 900 જેટલી સ્ટ્રીટ લાઈટ પણ નાખવામાં આવી છે.

રમણલાલ પટેલે જણાવ્યું કે, ગ્રામ પંચાયતમાં 16 જેટલા કર્મચારીઓ કામ કરે છે અને ગ્રામજનોને લગતી તમામ કામગીરી માટે તેઓ હાજર હોય છે.

આવનાર 15મી ઓગસ્ટના રોજ ગ્રામ પંચાયતના મકાનની ઉપર લોકભાગીદારીથી લાયબ્રેરી ચાલુ કરવામાં આવશે જે બે દાતાઓ, મધુભાઈ ડાબરિયા દ્વારા પુસ્તક અને હેમંતભાઈ શાહ દ્વારા ફર્નિચરના સહયોગથી ચાલુ કરવામાં આવનાર છે.

ગ્રામ પંચાયત દ્વારા રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવામાં આવે છે જેમાં ગામના 2400 પરીવારને આમંત્રણ આપવામાં આવે છે જેથી ગામમાં કોઈ ભેદભાવ કે અસમાનતા ન રહે.