હિતેશ ચાવડા (મેરાન્યૂઝ.ગાંધીનગર): ગુજરાતમાં ગરીબ પરિવારોની સ્થિતિ અને તેમને મળતા અન્નના  જથ્થા અંગે માહિતી મેળવવા રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં મેરાન્યૂઝ દ્વારા માહિતી અધિનિયમ-૨૦૦૫ હેઠળ એક RTIની અરજી કરવામાં આવ હતી. જેમાં રાજ્યમાં વસતા કુલ નાગરિકોમાંથી (ગીરીબી રેખા નીચે જીવતા) BPL કાર્ડ ધરાવતાં પરિવારોની સંખ્યાની માહિતી માંગવામાં આવી હતી. જે માહિતી અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વાયબ્રન્ટ ગુજરાત અને ગરીબ કલ્યાણ મેળાનાનું વિશ્લેષણ કરતા એ સાબિત થાય છે કે સરકાર દ્વારા ગરીબોની સ્થિતિ સુધારવા અને કલ્યાણ કરવા માત્ર સરકારી કાર્યક્રમો જ કરવામાં આવ્યા જેનું કોઈ નક્કર પરિણામ ન આવ્યું.

આ મુદ્દે અન્ન અને નાગરિક પુરવઠાના કચેરીના જાહેર માહિતી અધિકારીએ માહિતી પુરી પાડતા રાજ્યમાં વર્ષ ૨૦૦૮ થી ૨૦૮ સુધી રાજ્યમાં રહેલા BPL અને અંત્યોદય કાર્ડ ધારક પરિવારોની માહિતી મળી. આ માહિતીમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા જેમાં રાજ્યમાં છેલ્લા દસ વર્ષમાં ગરીબો અને ગરીબ પરિવારોની સંખ્યમાં વધારો થયો છે જે સરકારના વિકાસના દાવાઓને પોકળ અને ખોખલા સાબિત કરે છે. આ આંકડામાં એ જાણકારી મળી કે હાલ (૨૦૧૮- ૩૧મી માર્ચ) રાજ્યમાં ૨૭,૪૬,૨૬૪ BPL (ગરીબી રેખા નીચે જીવતા) કાર્ડ ધારક પરિવારો છે અને ૮,૧૫,૮૭૧ પરિવારો અંત્યોદય કાર્ડ ધરાવે છે. આ સંખ્યા વર્ષ ૨૦૦૮ની સરખામણીએ વધી જવા પામી છે જ્યારે ૨૦૦૮માં રાજ્યમાં ૨૬,૬૯,૪૫૩ પરિવારો  BPL (ગરીબી રેખા નીચે જીવતા) કાર્ડ ધરાવતાં હતા અને ૭,૯૫,૫૪૧ પરિવારો અંત્યોદય કાર્ડ ધરાવતાં હતા.

આ આંકડા સાબિત કરે છે કે રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા નવા ઉદ્યોગોને સબસીડી આપી રોજગારીની વાતો કરવામાં આવી, ૨૦૦૩થી રાજ્યમાં વાયબ્રન્ટ ગુજરાત જેવી આંતરરાષ્ટ્રીય સમીટો રાખવામાં આવી ૨૩,૮૮૯ કરોડનો ખર્ચ કરીને રાજ્યમાં ૯ વર્ષ માં ૧૪૯૧ જેટલા ગરીબ કલ્યાણ મેળા કરવામાં આવ્યા તેમ છતાં રાજ્યમાં ૧૧ વર્ષમાં  ૯૭,૧૪૧ જેટલા  ગરીબ પરિવારો વધ્યા છે.

આ ઉપરાંત અન્ય મુદ્દાની માહિતી  આપી હતી કે રાજ્યમાં વર્ષ ૨૦૧૭-૧૮માં રાજ્યના BPL અને અંત્યોદય કાર્ડના લોકોને રૂ. ૧૬૭.૨૧ કરોડની ખાંડ અને રૂ. ૭.૪૬ કરોડનું આયોડાઈઝ મીઠું અને રૂ. ૨૫.૭૫ કરોડનું ખાદ્યતેલ આપવા માટે જોગવાઈ કરવામાં આવી જેમાં ૨૭,૪૬,૨૬૪ BPL પરિવારો અને ૮,૧૫,૮૭૧ પરિવારોને લાભ આપવામાં આવ્યો.

રાજ્યના વિકાસની વાતો કરી ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી દેશના વડાપ્રધાન બની ગયા પરંતુ ગુજરાતમાં હજી વિકાસના ફળ રૂપે ગરીબી હટાવી શક્યા નથી કે કોઈ ગરીબની સંખ્યામાં ઘટાડો કરી શક્યું નથી.

{૨૩,૮૮૯ કરોડનો ખર્ચ - ડેટા સોર્સ (પંચાયત, ગૃહ નિર્માણ અને ગ્રામીણ વિકાસ વિભાગ- ગુજરાત સરકાર)}