પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): નરેન્દ્ર મોદી સાથે અને નરેન્દ્ર મોદીના રાજકારણ સાથે કોઈને એકસો વાંધા હોઈ શકે છે, પરંતુ નરેન્દ્ર મોદી સાથે બદલો લેવા માટે જશોદાબહેનનો ઉપયોગ થાય તે જરા પણ વાજબી નથી. રમઝાનના મહિનામાં જશોદાબહેન અમદાવાદના રીલીફ રોડ વિસ્તારમાં મુસ્લિમ બીરાદરોની ઈફતારીમાં સામેલ થયા હતા અને તેની તસવીરો પણ અખબારમાં છપાઈ અને સોશ્યીલ મીડિયામાં વાયરલ થઈ હતી. જશોદાબહેન ઈફતારીમાં આવે છે તે બહુ સહજ ઘટના છે, પરંતુ શા માટે જશોદાબહેનને ઈફતારીમાં બોલાવવામાં આવ્યા અને ત્યાર પછી તેમની તસવીરો અખબારો સુધી પહોંચતી થઈ અને વાયરલ પણ થઈ તે ઘટના સહજ નથી. ( આ તસવીરમાં જશોદાબહેનની આસપાસ જે મહાનુભાવો બેઠા છે તેમનો રેકોર્ડ અમદાવાદની પોલીસ ક્રાઈમ બ્રાન્ચ પાસે છે)

જશોદાબહેનની પાછળ કદાચ નરેન્દ્ર મોદીનું નામ જોડાયું ના હોત તો જશોદાબહેનને ઈફતારીમાં આમંત્રણ પણ મળતુ નહીં અને માની લો કે મળ્યું પણ હોત તો તેની પણ ચર્ચા પણ થઈ ના હોત. નરેન્દ્ર મોદી અને જશોદાબહેનના સંબંધ તે બંન્નેની બહુ જ વ્યકિતગત બાબત છે, તેઓ કેમ સાથે રહ્યા નહીં તે પુછવાનો અને જાણવાનો કોઈને પણ અધિકાર નથી. દુનિયામાં હજારો દંપત્તી છુટાછેડા વગર અલગ રહેતા હોય છે. તે જ પ્રકારની આ એક ઘટના છે (જે દંપત્તી વર્ષો સુધી સાથે રહે છે તેમના સંબંધો પણ સારા અને મધુર હોય છે તેવું પણ હોતુ નથી) નરેન્દ્ર મોદીના વિરોધીઓને ખબર છે નરેન્દ્ર મોદીને કદાચ પીડા આપવા માટેનો સૌથી સહેલો રસ્તો એટલે જશોદાબહેનના નામનો ઉપયોગ છે અને  જશોદાબહેનના નામનો જ્યારે પણ વિરોધીઓ ઉપયોગ કરે છે ત્યારે વિરોધીઓને ખબર છે કે મોદી આ મુ્દ્દે કઈ બોલાવાના નથી.

કોઈ પણ સંબંધોનું તૂટવું કોઈની પણ માટે પીડાદાયક જ હોય છે. નરેન્દ્ર મોદી અને જશોદાબહેનના મનમાં થયેલી અથવા થતી ઉથલપાથલોની આપણને ખબર પડતી નથી. નરેન્દ્ર મોદી આ સંબંધો માટે કોઈને ખુલાસો આપવા બંધાયેલા નથી, તેઓ ઈચ્છતા તો સત્તાવાર રીતે કાગળ ઉપર છૂટા પડી શકતા હતા. કારણ જશોદાબહેન સાથે જોડાયેલા નામને કારણે જશોદાબહેનનો ઉપયોગ કરી જ્યારે વિરોધીઓ તેમના તરફ તીર તાકે છે કદાચ તેમણે છૂટાછેડા લઈ લીધા હોત તો વિરોધી પાસેથી એક હથિયાર ઓછું થઈ જતું, પણ નરેન્દ્ર મોદીએ જશોદાબહેન સાથે કાગળ ઉપર અલગ થવાનો નિર્ણય ક્યારેય કર્યો નહીં. આવું મોદીએ કેમ કર્યું તેના કારણો તેમના અંગત છે.

જશોદાબહેન ઈફતારીમાં ગયા તે તસવીર ઉપર લોકોએ ખુબ કોમેન્ટ કરી જો કે મોટાભાગની કોમેન્ટ હકારાત્માક હોવા છતાં બીટવીન ધી લાઈન્સ તેનો મેસેજ જુદો હતો, આવું પહેલી વખત થયું નથી. અગાઉ પણ વિવિધ મુદ્દે થયું છે. જ્યાં સુધી જશોદાબહેનનો સવાલ છે ત્યાં સુધી તેમને તેમના સામાન્ય પારિવારીક રાજકારણ પણ સમજાતું નથી, એક અત્યંત સરળ અને ભોળી સ્ત્રી છે. જશોદાબહેનને ખબર જ પડતી નથી કે અત્યારે તેમના ઉપર ઓળઘોળ થતાં આ લોકો થોડા વર્ષો પહેલા તેમને કેમ યાદ કરતા ન્હોતા અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી અચાનક બધાને કેમ જશોદાબહેન યાદ આવી ગઈ, નરેન્દ્ર મોદીના વિરોધીઓ તેમનો ઉપયોગ કરી રહ્યા છે તેવી સાદી સમજ પણ તેમની પાસે નથી.

થોડીક ક્ષણ માટે આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જશોદાબહેનને ભુલી જઈએ તો પણ એક સ્ત્રી અને પુરૂષના સંબંધનો પણ અહીં મલાજો જળવાતો નથી, જશોદાબહેનના નામનો ઉપયોગ કરી વિરોધી મોદીને નીચુ દેખાડતા નથી, પણ એક સંબંધની મશ્કરી કરી રહ્યા છે. તેમાં પણ નરેન્દ્ર મોદી સાથે વાંધો હોય અને તેમને માફ ના કરી શકો તો પણ કઈ નહીં, પણ  વિરોધીઓએ જશોદાબહેન જેવી સ્ત્રીને બક્ષવી જોઈએ.