મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: અમદાવાદ પોલીસ દળમાં શિસ્તના નામે ડંડો કાયમ નાના પોલીસવાળા ઉપર જ ઉગામવામાં આવે છે.  શિસ્તનો આગ્રહ રાખતા આઈપીએસ અધિકારી માટેના ત્રાજવા અલગ હોય છે. કોઈ પણ નાના કર્મચારીની બદલી થાય પછી તેમની પાસે પોતાની ફરજના નવા સ્થળે હાજર થવા સિવાય કોઈ વિકલ્પ હોતો નથી, પણ આઈપીએસ અધિકારી પોતાની વગનો ઉપયોગ કરી પોતાનું ધાર્યુ કરાવી લેતા હોય છે. આવુ જ કંઈક સુરત રેન્જના આઈજીપી જીએસ મલિક કરી રહ્યા છે. હવે તેઓ એડીશનલ ડીજીપી થયા છે. તેમની બઢતી પહેલા જ તેમને બીએસએફમાં પ્રતિનિયુક્તિ ઉપર જવાનો આદેશ થઈ ગયો હતો પણ હજી સુધી તેઓ બીએસફમાં ગયા નથી.

આ અંગે મળતી જાણકારી પ્રમાણે તેમને ભાજપના ટોચના નેતા સાથે ઘરોબો હોવાને કારણે મલિક ગૃહ વિભાગ પાસે પોતાનું ધાર્યુ કરાવતા રહ્યા છે, તેઓ જો આઈજીપીના પદ ઉપર જ બીએસએફમાં જતા રહેતા તો તેમને મળનારી બઢતી તેઓ ગુજરાતમાં પાછા ફરે ત્યાં સુધી અટકી જતી હતી, જેના કારણે તેમણે પહેલા આગ્રહ એવો રાખ્યો કે તેમને મળનારી એડિશનલ ડીજીપીની બઢતી સાથે તેઓ બીએસએફમાં જશે. હવે તો તેમને બઢતી પણ મળી ગઈ છે છતાં તેઓ પ્રતિનિયુક્તિમાં જવા માટે આનાકાની કરી રહ્યા છે.

બીએસએફના સંપર્ક  સુત્રોની માહિતી પ્રમાણે હાલમાં પંજાબમાં બીએસએફની જગ્યા ખાલી છે. ભારત સરકારે તેમને પંજાબ મોકલવા માગે છે, પરંતુ જી એસ મલિક પંજાબ જવા માગતા નથી, તેમને બીએસએફમાં પણ ગાંધીનગર જ રહેવુ છે. હાલમાં બીએસએફમાં ગુજરાત કેડરના અધિકારી અજય તોમર છે. તેઓ ગુજરાત કેડરમાં પાછા ફરવાના છે. જી. એસ. મલિક પોતાની વગનો ઉપયોગ કરી પોતાને ગાંધીનગરમાં જગ્યા મળે તેવા પ્રયત્ન પોતાના રાજકિય આકાઓ મારફતે કરી રહ્યા હતા. આમ પોતાની જીદ પુરી કરવા માટે જી. એસ. મલિક રોકાઈ રહ્યા છે હોવાની ચર્ચા છે. પરંતુ જ્યારે નાના કર્મચારી સામે કાર્યવાહી કરવાની હોય ત્યારે ગૃહ વિભાગ માનવીય ધોરણો પણ બાજુએ મુકી કાયદાની ભાષામાં જ વાત કરે છે, પણ મલિકના કિસ્સામાં કાયદો અપવાદ બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.