મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: દેવા માફી, શેરડીના યોગ્ય ભાવ સહિતની અન્ય માગણીઓ મુદ્દે દિલ્હી કૂચ કરી ગયેલા હજારો ખેડૂતોને દિલ્હી બોર્ડર પર પોલીસે બેરિકેડિંગ કરી આજે રોકી લીધા હતા. ત્યાર બાદ પણ ખેડૂતોએ આગળ વધવાનો પ્રયાસ કરતા પોલીસે લાઠીચાર્જ, ટીયરગેસના સેલ તથા પાણીનો મારો ચલાવ્યો હતો. જેમાં કેટલાક ખેડૂતો ઘાયલ થયા હતા. આ સમગ્ર મામલે રાજકારણ ગરમાયુ છે.

રાહુલ ગાંધીએ આ ઘટના અંગે ટ્વિટ કર્યું કે, વિશ્વ અહિંસા દિવસ પર શાંતિપૂર્વક દિલ્હી આવી રહેલા ખેડૂતોની બર્બરતાપૂર્વક મારઝૂડ કરવામાં આવી. હવે ખેડૂતો દેશની રાજધાની આવીને પોતાનુ દર્દ પણ નથી કહી શકતા.

જેડીયુના સિનિયર નેતા કે.સી. ત્યાગીએ કહ્યું કે શાંતિપૂર્ણ અને ખાલી હાથ આવી રહેલા ખેડૂતોને રાજઘાટ પહોંચવાથી રોકવામાં આવ્યા. ખેડૂતો સાથે કૂરતાપૂર્વકનો વ્યવહાર કરાયો છે. ખેડૂતો પર લાઠીચાર્જ અને ટીયરગેસ છોડવામાં આવ્યો.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હી બધાનું છે. ખેડૂતોને દિલ્હી આવતા ન રોકી શકાય. ખેડૂતોની માગણી યોગ્ય છે અને તેમણી માગણીઓ માનવી જોઈએ.

દરમિયાન કેન્દ્ર કૃષિ રાજ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવટે કહ્યું કે ગૃહમંત્રી રાજનાથ સિંહે ખેડૂતોના નેતાઓ સાથે મુલાકાત કરી છે અને તેમની માગણીઓને લઇને ચર્ચા કરી. ખેડૂતોની ઘણી મહત્વપૂર્ણ માગણીઓ પર સમજૂતી થઇ છે. ખેડૂત નેતા, યુપીના મંત્રી લક્ષ્મી નારાયણ, સુરેશ ખન્ના અને હું ખેડૂતોની મુલાકાત કરવા જઇ રહ્યા છીએ.