મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી એવા સીબીઆઇના સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની લાંચના આરોપમાં મુશ્કેલીઓ વધતી નજર આવી રહી છે. દિલ્હી હાઇકોર્ટે આજે શુક્રવારે રાકેશ અસ્થાના સામે દાખલ એફઆઇઆર રદ કરવાની અરજી નામંજૂર કરી દીધી હતી. જેથી હવે લાંચ લેવા મામલે અસ્થાના સામે તપાસ શરુ થશે.  

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી અને સીબીઆઇના સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના તથા સીબીઆઇના ડીવાયેસપી દેવેન્દ્ર કુમાર સામે સીબીઆઇના તત્કાલીન વડા આલોક વર્માના આદેશથી માંસ વેપારી મોઇન કુરેશી પાસેથી બે કરોડ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં સીબીઆઇને એફઆઇઆર દાખલ કરવા જણાવ્યું હતું. મની લોન્ડરિંગ કેસની તપાસમાં માંસ વેપારી મોઇન કુરેશી પાસેથી આ લાંચની રકમ લેવામાં આવ્યાના આક્ષેપ છે. જેથી સીબીઆઇ દ્વારા રાકેશ અસ્થાના અને દેવેન્દ્ર કુમાર સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. જેથી રાકેશ અસ્થાનાએ આ આક્ષેપ ખોટા ગણાવી એફઆરઆર રદ કરવા માટે દિલ્હી હાઇકોર્ટમાં અપીલ કરી હતી.

દિલ્હી હાઇકોર્ટે રાકેશ અસ્થાનાની અરજીની સુનાવણી કરતા આજે શુક્રવારે આ અરજી નામંજૂર કરી દીધી હતી. એટલે કે રાકેશ અસ્થાના વિરૂદ્ધ બે કરોડ રૂપિયાની લાંચ મામલે તપાસ કરવાનો માર્ગ મોકળો કરતા હવે રાકેશ અસ્થાનાની મુશ્કેલીઓ વધી શકે છે.