પ્રશાંત દયાળ (દીવાલ-ભાગ-9): યુનુસ અને યુસુફ હાથમાં રહેલા કાગળો જોવા લાગ્યા. યુસુફને ગુજરાતી વાચતાં પણ આવડતુ હતું, કાગળો ગુજરાતીમાં હતા. યુસુફ કાગળો ધ્યાનથી ઝડપભેર વાંચી ગયો. તેને કંઈ સમજાયુ નહીં, કાગળોમાં શુ લખ્યુ છે તે સાંભળવા યુનુસ ધ્યાનથી યુસુફ સામે જોઈ રહ્યો હતો. કાગળો ઉપર નજર કરી લીધા બાદ કાગળો યુનુસને બતાવતા પ્રશ્ન કર્યો, મેજર શુ કરવા માગે છે મને તો કંઈ સમજાતુ નથી. જો કે હજી યુનુસને કાગળમાં શુ લખ્યુ તેની જ ખબર ન્હોતી એટલે યુસુફે ફોડ પાડતા કહ્યુ, ઈન્દીરા ગાંધી ઓપન યુનિવર્સિટીના અભ્યાસક્રમના કાગળો છે. મહંમદ ખરેખર શુ વિચારી રહ્યો છે તેની મને તો ખબર જ પડતી નથી. યુનુસ યુસુફની સામે જોઈ રહ્યો હતો પણ તેના મનમાં બીજા જ વિચાર ચાલી રહ્યા હતા. મહંમદને તે વર્ષોથી ઓળખતો હતો. તેને ખબર હતી કે જ્યારે યુનુસ વિચારવાનું બંધ કરે ત્યાંથી મહંમદ વિચારવાનું શરૂ કરતો હતો. હજી યુનુસ સમજી શકતો ન્હોતો કે મહંમદે ભણવાનો વિચાર કેમ કર્યો હતો, તે વ્યવસાયે વકીલ હતો. હવે પછી તે શુ ભણવા માગતો હતો મહંમદ સિવાય બીજા કોઈને ક્યારેય ભણવાનો વિચાર આવ્યો ન્હોતો તો પછી મહંમદે જેલર સામે અમે બધા ભણવા માગીએ છીએ કેમ કહ્યુ હતું. યુસુફ રાહ જોઈ ઉભો હતો કે યુનુસ કઈ ફોડ પાડે પણ તે વિચારમાં જ હતો. તેના કારણે યુસુફના એક હાથમાં કાગળો હતા એટલે તેણે બીજા હાથે યુનુસને ખભાથી હલાવી મુકતા પુછ્યુ ભાઈ કંઈક તો બોલ શુ ચાલી રહ્યુ મને કઈ કહે તો ખરો...

યુનુસ એક સફાળો થઈ વિચારોમાંથી પાછો ફર્યો તેણે યુસુફનો હાથ પકડ્યો અને જાણે તેના વિચારોની પણ આજુબાજુ કોઈને ખબર પડી નથી તેની ખાતરી કરવા માટે ચારે તરફ નજર ફેરવી અને યુસુફને એક તરફ વોર્ડના ખુણા તરફ લઈ ગયો. જેના કારણે યુસુફની કુતુહલતામાં વધારો થયો. ખુણામાં ગયા પછી ફરી યુનુસે ચારે તરફ નજર ફેરવતા કહ્યુ જો સાંભળ બટકે મહંમદે ભણવાની યોજના બનાવી હશે તો કંઈક તેની યોજના હશે. મહંમદને હું સારી રીતે ઓળખુ છું, તે ભલે ઓછુ બોલતો હોય પણ આપણા કરતા વધારે અને દુર સુધીનું તે વિચારી શકે છે. હવે આપણે ભણવાનું છે, મને ખબર નથી કે શુ કામ ભણવાનું છે અને જેલમાં ભણી આપણે ક્યા હવે નોકરી કરવા જવાના છીએ, પણ મહંમદ કહે તેમ આપણે બધાએ કરવાનું છે. તુ, ચાંદ-દાનીશ, અબુ, રીયાઝ અને પરવેઝ સાથે વાત કરી લેજે. કોઈ મહંમદને આવુ કેમ કરી રહ્યો છે તેવા સવાલ પુછતાં નહીં અને પુછશો તો તે તમને જવાબ આપશે પણ નહીં. તેના કારણે તે જે કહે આપણે કરવાનું છે, કંઈક સારૂ થવાનું જ હશે તેમ કહેતા યુનુસે આકાશ તરફ જોયુ અને અલ્લાહનો આભાર માન્યો. જો કે યુસુફના માથા ઉપરથી બધી વાતો પસાર થઈ ગઈ હતી છતાં તેની પાસે અત્યારે યુસુફની વાત ઉપર ભરોસો કરવા સિવાય કોઈ વિકલ્પ જ ન્હોતો. થોડીવાર સુધી યુનુસ અને યુસુફ એકબીજા સાથે વાત કર્યા વગર એકદમ શાંત ઉભા રહ્યા. જાણે તેઓ વિચાર શુન્ય થઈ ગયા હોય તેવી તેમની દશા હતી ત્યારે એકદમ પરવેઝ લંગડો બેરેકની બહાર આવ્યો, તેણે જોયુ કે યુનુસ અને યુસુફ વોર્ડમાં એક ખુણામાં ઉભા છે એટલે તે થોડીવાર ઉભો રહ્યો કે તેમનું ધ્યાન પોતાની તરફ પડે પણ તેવુ થયુ નહીં. એટલે ઝડપથી બેરેકના ઉંચા ઓટલાના ત્રણ પગથીયા ઉતરી તેમની પાસે ગયો પણ ત્યાં સુધી તેમને ખબર ના પડી કે પરવેઝ આવી ગયો. પરવેઝે બંન્નેના ખભા ઉપર હાથ મુકતા કહ્યુ ક્યા હુવા કોઈ પ્રોબ્લેમ હૈ.

પરવેઝનો પ્રશ્ન સાંભળી યુસુફને મસ્તી સુઝી તેણે કહ્યુ આજુબાજુ જોઈ કોઈ સાંભળતુ નથી તેવો ડોળ કરી પરવેઝના કાન પાસે મોઢુ લાવી કહ્યું એક મોટો પ્રોબ્લેમ છે. મને તો ખબર જ પડતી નથી આપણે શુંં કરીશું? તરત પરવેઝના ચહેરા ઉપર ચિંતાનો ભાવ દોડી આવ્યા, તેણે શુ થયુ છે તે સમજવા પોતાનું તમામ ધ્યાન યુસુફ તરફ ફેરવ્યુ. યુસુફને તેના હાથમાં કાગળ મુકતા કહ્યુ જો હવે આપણે ફરજીયાત ભણવુ પડશે તેવુ જેલવાળા કહે છે. પહેલા તો પરવેઝે કાગળો હાથમાં લીધા પણ જેવુ ખબર પડી કે ભણવાના કાગળો છે તો જાણે સળગતો અંગારો પકડી લીધો હોય તેમ તરત કાગળો પાછા યુસુફના હાથમાં મુકતા કહ્યુ અરે ભાઈ મે કોઈ પઢાઈ કરને વાલા નહીં, સુપ્રીટેન્ડન્ટના બાપ બોલેગા તો ભી નહીં. યુનુસ એકદમ હસવા લાગ્યો તેને જોઈ યુસુફ પણ હસી પડ્યો. પરવેઝ સમજી ગયો કે તેઓ તેને મુર્ખ બનાવી રહ્યા છે, તેના ચહેરા ઉપર હવે ખીન્નતા આવી. જો કે તરત યુનુસે પરવેઝના ખભા ઉપર હાથ મુકતા કહ્યુ, પરિક્ષામાં પાસ થવુ જરૂરી નથી પણ ભણવુ જરૂરી છે. જેલવાળા સાહેબ નહીં પણ મહંમદની ઈચ્છા છે કે આપણે ભણવાનું છે એટલે આપણે ભણવાનું છે. 

પરવેઝ યુનુસ સામે જોઈ રહ્યો, યુનુસે વધુ સારી રીતે ફોડ પાડતા કહ્યુ આપણને જેલમાં આઠ વર્ષ થઈ ગયા. હજી જેલમાં આપણી ટ્રાયલ પણ શરૂ થઈ નથી. ટ્રાયલ ક્યારે શરૂ થશે, ફાંસીની સજાનો હુકમ ક્યારે થશે? ફાંસી શબ્દ સાંભળતા પરવેઝ અને યુસુફના શરીરમાંથી જાણે કરંટ પસાર થઈ ગયો હોય તેવુ લાગ્યુ. યુનુસે પોતાની વાત આગળ વધારતા કહ્યુ, અને ફાંસીના હુકમ બાદ ફાંસી ક્યારે થશે તેની પણ ખબર નથી તો મહંમદે ભણવાનો નિર્ણય કર્યો છે તેના કારણો હશે. આપણે કંઈ વિચાર કરવાનો નથી આપણા બધાનો વિચાર મહંમદ કરશે. પરવેઝ પણ કંઈ સમજ્યો નહીં તે પણ માત્ર સાંભળતો હતો. ત્યારે સવારના દસ થવા આવ્યા હતા. જમવાનું આવી ગયુ બધા પોતાની થાળીમાં જમવાનું લેવા કતારમાં ઉભા રહી ગયા, મહંમદ પણ હતો. યુનુસનું ધ્યાન મહંમદના ચહેરા તરફ હતુ, તેના ચહેરા ઉપર એક પ્રકારની પ્રસન્નતા હતી પણ તે પ્રયત્ન કરી રહ્યો હતો તેની અંદરની ખુશીની જાણ કોઈને થાય નહીં. બધા રોજ પ્રમાણે બેરેકમાં કુંડાળુ કરી જમવા બેઠા હતા. મંહમદ ચુપચાપ થાળી સામે જોઈ જમી રહ્યો હતો. બાકીના એક પછી એક મહંમદ સામે જોતા હતા પણ તેનું ધ્યાન કોઈ તરફ ન્હોતુ. મહંમદનું ધ્યાન બાજુમાં જમી રહેલા ચાંદ તરફ ગયુ. તેણે રોટલીનો ટુકડો તોડ્યો હતો પણ તે રોટલીનો ટુકડો દાળમાં ડબોળી બહાર કાઢતો અને ફરી દાળમાં ડુબાડતો હતો. આવુ તેણે બે-ત્રણ વખત કર્યુ મહંમદે ચાંદના પગ ઉપર હાથ મુકતા અચાનક ચાંદે ઉપર જોયુ અને દાળમાં ડુબાડેલો રોટલીનો ટુકડો ઉપાડી કોળીયો પોતાના મોંઢામાં મુક્યો. મહંમદે કંઈ પુછ્યુ ન્હોતુ પણ તેના ચહેરાનો ભાવ ચાંદને પુછી રહ્યા હતા કે શુ કરે છે. મહંમદ હસવા લાગ્યો ચાંદના ચહેરા ઉપર થોડીક રાહત આવી. મહંમદ ભાગ્યે જ હસતો, મહંમદના ચહેરા ઉપર હાસ્ય જોઈ બધાના ચહેરા ઉપર હાસ્ય આવ્યુ હતું. આ તકનો લાભ લેતા યુનુસે કહ્યુ મહંમદ બધાના મનમાં એક પ્રશ્ન છે, તેમ કહી તેણે બધા સામે જોયુ મહંમદની નજર થાળીમાં રહેલા શાક તરફ હતી, પણ જેવુ યુનુસે કહ્યુ તેની સાથે તેણે પોતાની ડોક નીચે રાખી માત્ર નજર યુનુસ તરફ ઉંચી કરી. યુનુસ જાણે બીજા વતી જ પ્રશ્ન પુછી રહ્યો હોય તેવા ભાવ સાથે કહ્યુ આપણે જેલમાં શુ કામ ભણવુ જોઈએ? યુનુસની વાત સાંભળતા મહંમદે હાથમાં રહેલો કોળી પાછો પોતાની થાળીમાં મુક્યો, બધાને લાગ્યુ કે મહંમદ નારાજ થઈ ગયો. બધાએ પોતાના કોળીયાવાળા હાથ નીચે કરી દીધો. મહંમદે બધાની સામે જોયુ અને તેણે બોલવા માટે પોતાના હોઠ ખોલ્યા...

(ક્રમશ:)