પ્રશાંત દયાળ (દીવાલ-ભાગ 78): સાબરમતી સેન્ટ્રલ જેલ સુપ્રીટેન્ડન્ટ વસાવાએ પોતાના ઉપરી અધિકારીઓને ફોનથી જેલમાં સુરંગ ખોદાઈ ગઈ હોવાની જાણ કરી હતી, જો કે બધા જ ઉપરી અધિકારી પુછી રહ્યા હતા કે જેલમાંથી કેટલાંક કેદીઓ ભાગી ગયા છે, પણ વસાવા પોતે કન્ફયુઝ હતા કારણ તેમને પોતાને જ હજી ખબર પડી ન્હોતી કે સુરંગ કયા, કોણે અને કયારે ખોદી હતી અને સુરંગ ખોદાઈ ગયા પછી તેમાંથી કોઈ કેદી ભાગ્યા નથી તેવુ તેમને લાગી રહ્યુ હતું પણ ખરેખર ભાગ્યા છે કે  નહીં તે અંગે તેઓ કઈ જાણતા ન્હોતી. વસાવાએ અમદાવાદ સિટી કંટ્રોલ રૂમને જાણ કરી કંટ્રોલરૂમના ફોન એક પછી એક રણકવા લાગ્યા હતા, ડેપ્યુટી પોલીસ કમિશનરથી લઈ પોલીસ કમિશનરને સાબરમતી જેલમાં સુરંગ ખોદાઈ હોવાની જાણકારી કંટ્રોલરૂમ અધિકારી આપી રહ્યા હતા, સાબરમતી જેલ રાણીપ પોલીસના તાબામાં આવતી હતી, જેના કારણે રાણીપ પોલીસને પણ જેલ ઉપર પહોંચી જવા માટે સુચના આપવામાં આવી હતી.. મામલો ખરેખર ગંભીર હતો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત એન્ટી ટેરેરીસ્ટ સ્કવોર્ડને પણ જાણ કરી દેવામાં આવી હતી, જેના કારણે સાબરમતી જેલના દરવાજા દર પાંચ મિનીટે પોલીસની એક કાર આવી ઉભી રહેતી હતી. સુપ્રીટેન્ડન્ટ વસાવાએ જેલર કૌશીક પંડ્યાને પોતાની ચેમ્બરમાં બોલાવી પુછયુ આજે કેટલા કેદીઓ છે, ખરેખર તો જેલ સુપ્રીટેન્ડન્ટની ચેમ્બરમાં તેમની સામે જ એક બોર્ડ મારેલુ હતું તેની ઉપર રોજ કેદીઓની વધ-ઘટની નોંધ થતી હતી. જેલર પંડ્યાએ એસપીનો પ્રશ્ન સાંભળી તરત બોર્ડ ઉપર નજર કરી બોર્ડ ઉપરની નોંધ પ્રમાણે કાચા કામના 1258 અને પાકા કામના 1835 કેદી હતા કુલ 3093 કેદીઓ જેલમાં હતા. પંડ્યા કહ્યુ 3093 સાહેબ, વસાવાએ આદેશ આપ્યો તમે તરત ગણતરી શરૂ કરો, જેલર પંડ્યા સલામ કરી પોતાના સ્ટાફ સાથે કેદીઓની ગણતરી કરવા માટે જેલમાં ગયા.


 

 

 

 

 

અમદાવાદ શહેરના મોટા અધિકારીઓ જેલમાં આવી રહ્યા હતા, વસાવા તેમના જુનિયર અધિકારી હોવાને કારણે દરેકને સલામ કરતા હતા અને બધા જ તેમને એક સરખી માહિતી પુછી રહ્યા હતા, સુરંગ કયાં ખોદાઈ, કેવી રીતે ખોદાઈ, કોણે ખોદી, તમારા ધ્યાન ઉપર કેમ આ વાત આવી નહીં, વસાવાને બધાને એક જ સરખો જવાબ આપતા ગુસ્સો અને કંટાળો આવી રહ્યો હતો, છતાં નોકરી હતી, વસાવાનું બ્લડ પ્રેસર વધી રહ્ય હતું સિનિયર અધિકારીઓ સવાલ પુછતી વખતે વસાવા સામે એવી નજરે જોતા હોતા જાણે વસાવાએ જ સુરંગ ખોદી હોય, વસાવા બધા અધિકારીઓને સમજાવતા હતા કે જેલમાં હમણાં ગણતરી ચાલુ છે ખરેખર કેદી ભાગ્યા છે કે તેની ખબર પડશે, વસાવની ચેમ્બરમાં એક પછી એક કેદીઓની વધારો થઈ રહ્યો હતો, તેમને જેલર પંડ્યા ઉપર ગુસ્સો પણ આવી રહ્યો હતો કે ગણતરીમાં કેટલી વાર લગાડી રહ્યા છે, પોણો કલાક પછી જેલર પંડ્યા એકદમ વસાવાની ચેમ્બરમાં દાખલ થયા, તેમને ખબર ન્હોતી કે સુપ્રીટેન્ડન્ટની ચેમ્બરમાં આટલા બધા સિનિયર અધિકારીઓ આવી બેઠા છે., પહેલા તો ડઘાઈ ગયા, પણ પછી તરત તેમણે સલામ કરતા વસાવા સામે જોઈ કહ્યુ સર પુરા 3093 છે. પંડ્યાના શબ્દો સાંભળતા વસાવાના મનમાં હાશ થઈ, તેનો અર્થ જેલમાંથી એક પણ કેદી ભાગ્યો ન્હોતો, જો કે વસાવાની ચેમ્બરમાં બેઠેલા પોલીસ અધિકારીઓ જેલર પંડ્યા સામે એવી નજરે જોઈ રહ્યા હતા કે જાણે પંડ્યા ખોટુ બોલી રહ્યા હોય. પંડ્યા સંકોચ સાથે સુપ્રીટેન્ડન્ટની નજીક આવ્યા અને તેમણે પોતાનું મોંઢુ તેમના કાન પાસે લાવી કઈક કહ્યુ પંડ્યાની વાત સાંભળી વસાવાસ ઉભા થઈ ગયા, બધા જ સિનિયર અધિકારીઓ તેમની સામે જોયુ, વસાવાએ બધાની સામે જોતા કહ્યુ સર બ્લાસ્ટના કેદીઓએ સુરંગ ખોદી છે, તેમની બેરેકની પાછળથી એન્ટ્રી પણ મળી છે. બધા જ અધિકારીઓ પણ આ સાંભળી ઉભા થઈ ગયા, જાણે પંડ્યાએ પોતે સુરંગ ખોદી હોય તેવુ તેમને લાગ્યુ તેમણે કહ્યુ સર પણ મેં તેમની બેરેક ચેક કરી બ્લાસ્ટવાળા તો આઠે આઠ કેદીઓ તેમની જ બેરેકમાં છે. બધા અધિકારીઓ એકબીજા સામે જોવા લાગ્યા, તેમને સમજાયુ નહીં ખરેખર જેલમાં સૌથી જોખમી અને ખુંખાર કેદીઓમાં બ્લાસ્ટના કેદીઓ પહેલા નંબરે હતા, તેમણે સુરંગ ખોદી તો નાખી પણ ભાગ્યા ન્હોતા, શુ તેમને ભાગવાનો સમય મળ્યો નહીં કે પકડાઈ જવાના ડરથી તેઓ ભાગ્યા ન્હોતા, આવા અનેક પ્રશ્ન હતા ઉત્તર પોલીસને શોધવાના હતા, બધા અધિકારીઓ એક સાથે સુપ્રીટેન્ડન્ટની ચેમ્બરમાંથી નિકળી જેલનો બીજો દરવાજો પાર કરી બ્લાસ્ટના કેદીઓને જયા રાખ્યા હતા તેમની બેરેક તરફ ચાલવા લાગ્ય, ધીમો વરસાદ પણ ચાલુ હતુ, પણ આજે કોઈ પણ અધિકારીને ભીના થઈ જઈશુ તેની ચીંતા ન્હોતી, જેલ આખી સુમસામ થઈ ગઈ હતી કારણ તમામ કેદીઓને પોતાની બેરેકમાં બંધ કરી દેવામાં આવ્યા હતા, પોલીસ અધિકારીઓના બુટનો અવાજ બેરેકમાં બંધ કેદીઓના કાને પડી રહ્યો હતો, જે કેદીઓને જેલમાં કઈક થયુ છે તેનો સંકેત આપી રહ્યો હતો.


 

 

 

 

 

વસાવા સાથે જયારે સિનિયર પોલીસ અધિકારીએ બ્લાસ્ટના કેદીઓ જે બેરેકમાં હતા તેના વોર્ડમાં દાખલ થયા ત્યારે દંગ રહી ગયા, વોર્ડમાં તૈયાર થયેલો સુંદર બગીચો કહેતો હતો કે આ જેલનો ભાગ જ નથી. જેલમાં આટલો સુંદર બગીચો કોઈ અધિકારીએ જોયો ન્હોતો અને હવે તો વરસાદની સીઝન હતી જેના કારણે બગીચો એકદમ લીલોછમ લાગતો હતો. અધિકારીઓ વસાવા સામે જોતા તેમણે કહ્યુ બ્લાસ્ટના કેદીઓએ જ બગીચો બનાવ્યો છે. બધાને ખુબ આશ્ચર્ય થયુ તેમને થયુ કે જેલમાં આજે બધા જ આશ્ચર્યો એક સાથે મળી રહ્યા છે. વસાવાએ સાથે રહેલા જેલર પંડ્યા સામે જોતા તેમણે તરત પોતાની સાથે રહેલા જેલ સીપાઈ સામે જોયુ, સીપાઈ તરત બેરેકના દરવાજા તરફ દોડયો, તે દોડયો તેના કારણે તેના હાથમાં રહેલો ચાવીઓને ઝુંડો અવાજ કરી રહ્યો હતો, બધા અધિકારી બેરેકના દરવાજા તરફ ગયા, સીપાઈએ ચાવીઓના ઝુંડામાંથી એક ચાવી શોધી તેણે લોંખડી તાળુ ખોલ્યુ અને લોંખડી દરવાજો પણ ખોલ્યો, અધિકારીઓ બેરેકની દરવાજામાં આવી ઉભા રહ્યા, તેમણે બેરેકમાં નજર કરી તે મહંમદ, યુનુસ, અબુ, રીયાઝ, દાનીશ, ચાંદ પરવેઝ અને યુસુફ પોતાની જગ્યા ઉપર બેઠા હતા, મહંમદ અને યુનુસ માત્ર દરવાજામાં ઉભા રહેલા અધિકારીઓ સામે જોઈ રહ્યા હતા બાકીનાઓએ પોતાની નજર નીચી કરી લીધી હતી. પોતાના સિનિયર અધિકારીઓ સાથે હોવા છતાં વસાવાના મોંઢામાંથી એકદમ મોટી ગાળ નિકળી માદર.. તમે કયારેય સુધરવાના નથી, તમારી ઉપર દયા કરી તેનો તમે આ બદલો આપ્યો સાલા મીયોઓની જાત આવી છે. એક સિનિયર અધિકારીએ વસાવા સામે જોયુ, વસાવાને સમજાયુ કે તેમણે ખોટા શબ્દનો પ્રયોગ કર્યો, વસાવાએ માફીના સ્વરમાં કહ્યુ સાહેબ મેં આઉટ ઓફ વે જઈ તેમને મદદ કરી, કે તેઓ ભલે કેદી હોય પણ માણસ તો છે, પણ જોયુ સાહેબ આ લોકો ભલાઈને લાયક જ નથી., પોલીસ અધિકારીઓ પોતાની કમર ઉપર હાથ રાખી ઉભા હતા, તેઓ આઠે કેદીઓને જોઈ રહ્યા હતા. વસાવા એકમદ બરાડયા  અને મહંમદનો હાથ પકડી તેને ખેંચીને ઉભો કરતા કહ્યુ તમારા બાપ આવ્યા છે તમીઝ પણ નથી ઉભા થવાની? ઉભા થાવ. (ક્રમશ:)

દીવાલ ભાગ 77: સાબરમતી જેલની દીવાલ પાછળ ખાડો જોઈ સુપ્રિટેન્ડેન્ટ વસાવાનું લોહી થીજી ગયું