પ્રશાંત દયાળ (દીવાલઃ ભાગ-76): પોલીસની ક્રેઈન ખાડામાં ફસાયેલી મેસવાનને કાઢવા માટે આવી હતી, વાતાવરણ વાદળ છાયુ અને ધીમા વરસાદનું હતું. પોલીસની ક્રેઈન આવી પહોંચતા ફસાયેલી મેસવાનનો ડ્રાઈવર વાનમાંથી બહાર આવ્યો, ક્રેઈનના ડ્રાઈવરે ન્યુટ્રલ કરી એન્જીન બંધ કર્યું અને હેડ બ્રેક ખેંચી તે ક્રેઈનમાંથી નીચે ઉતર્યો તેની સાથે ક્રેઈન ઉપર રહેલા તેના બે હેલ્પર પણ નીચે આવ્યા, ત્રણેએ નીચે ઉતરી મેસવાનનું ટાયર કેટલુ જમીનમાં ગયું છે તે જોઈ લીધુ, તેમને અંદાજ આવી ગયો કે મેસવાને પાછળથી ખેંચવી પડશે. ક્રેઈનનો ડ્રાઈવર પોતાની સીટ ઉપર બેઠો અને ક્રેઈન સ્ટાર્ટ કરી તેને ક્રેઈનને રીવર્સ કરી, ઉંઘી કરી ક્રેઈન મેસવાન પાસે લાવ્યો. ક્રેઈનનો હેલ્પર ક્રેઈન ઉપર ચઢયો અને તેને લીવર દબાવી ક્રેઈનમાં લાગેલો રોપ નીચે કર્યો, રોપ નીચે આવતા બીજા હેલ્પરે તેનું હુક મેસવાન સાથે લોક કર્યું તેણે હાથનો ઈશારો કર્યો તેની સાથે ક્રેઈન ઉપર રહેલા હેલ્પરે લીવર ચેઈજ કર્યું અને રોપ ટાઈટ થવા લાગ્યો, રોપ ટાઈટ થતાં મેસવાનને એક સામાન્ય ઝટકો વાગ્યો તેણે ફરી લીવર ન્યુટ્રલ કર્યું તેણે ક્રેઈનની ડ્રાઈવર કેબીન ઉપર હાથ પછાડયો, તેનો અર્થ તે ડ્રાઈવરને કહેવા માગતો હતો કે કે ક્રેઈન આગળ લો, ડ્રાઈવરે ફસ્ટ ગીયરમાં ક્રેઈન નાખી અને કલચ ઉપરથી પગ ઉપાડી, એકસીલેટર વધારવાની શરૂઆત કરી, હવે મેસવાન સાથે બાંધેલા રોપને કારણે ક્રેઈન આગળ જતા મેસવાન ક્રેઈન તરફ ખેંચાવવા લાગી, પહેલા ખાડાને કારણે એકસીલીટર ઉપર વધારે જોર આપવુ પડયુ, પણ બીજી જ મિનિટે મેસવાન ખાડામાંથી બહાર નીકળી, ક્રેઈન પાંચ મીટર આગળ જતા ક્રેઈન ઉપર રહેલા હેલ્પરે ડ્રાઈવર કેબીન ઉપર જોરથી ધબ્બો મારી ક્રેઈન ઊભી રાખવા કહ્યું મેસવાન ખાડામાંથી નીકળી ગઈ હતી, ક્રેઈન ઉપર રહેલા હેલ્પરે મેસવાન સાથે જોડાયેલો ક્રેઈનનો રોપ છુટો કરવા રોપનું લીવર રીલીઝ કર્યું. મેસવાન તો બહાર નિકળી ગઈ હતી, પણ મેસવાનનો ડ્રાઈવર જે ખાડામાં વાનનું વ્હીલ ફસાયુ હતું તેને ધ્યાનથી જોઈ રહ્યો હતો, વરસાદ ઝરમર હતો, પણ ખાડામાં વાન પડી રહી ત્યારે ત્યાં જમા થયેલુ પાણી હવે વાન નિકળી ગયા પછી જે ખાડો હતો તેની અંદર તરફ જઈ રહ્યું હતું, ક્રેઈનને ડ્રાઈવર પણ એન્જીન બંધ કરી નીચે ઉતર્યો હતો, તેને આશ્ચર્ય થયું કે મેસવાનનો ડ્રાઈવર ખાડામાં શું જોઈ રહ્યો છે.

ક્રેઈનના હેલ્પરો, છુટો થયેલો રોપ ફીટ કરી રહ્યા હતા, ત્યારે મેસવાનનો ડ્રાઈવર અને ક્રેઈનનો ડ્રાઈવર ખાડામાં જોઈ રહ્યા હતા, ક્રેઈનના ડ્રાઈવરને પણ ખાડો જોઈ આશ્ચર્ય થયું તે ખાડા પાસે ઉભડક પગે બેસી પોતાની શંકાનું સમાધાન કરવા બેઠો, તેની આંખો ચાર થઈ ગઈ, તેણે ડોક ઉંચી કરી પાછળ તરફ ફેરવી તેણે મેસવાનના ઉભા રહેલા ડ્રાઈવર સામે જોયુ, બંન્નેની આંખો કહી રહી હતી, મને જે સમજાય છે તે જ તને પણ સમજાઈ રહ્યું છે. ઉભડક પગે બેઠેલો ડ્રાઈવર ઊભો થયો, તેણે મેસવાનના ડ્રાઈવરને પુછ્યું બાપુ શું કરવું છે, મેસવાનના ડ્રાઈવરે કહ્યું સાહેબને કહેવું પડશે. ક્રેઈનના ડ્રાઈવરે માથુ હલાવી હા પાડી, મેસવાનના ડ્રાઈવરે શર્ટના ઉપરના ખીસ્સામાં રહેલો પોતાનો મોબાઈલ ફોન કાઢયો, વરસાદ ચાલુ હતો, તેમના કપડા તો સામાન્ય ભીના થઈ ગયા હતા, એટલે તેણે ખીસ્સામાંથી ફોન કાઢી પહેલા થોડો લુંછયો, ફોન ભીનો ન્હોતો, પણ તેના ઉપર ભીનાશ હતી. તેણે ફોન ઉપર આડો હાથ રાખ્યો. કારણ વરસાદના છાંટા ફોન ઉપર પડતા હતા. મેસવાનના ડ્રાઈવરે પોતાના સાહેબને વાન ફસાઈ ગઈ અને નિકળી ગઈ છે, તેની જાણ કરી, સામે છેડે રહેલા મોટર ટ્રાન્સપોર્ટ સેકશનના ઈન્સપેકટરને ડ્રાઈવરની આ ફાલતુ વાત સાંભળવમાં રસ ન્હોતો, એટલે તેણે કહ્યું સારૂ તમારી વાન નીકળી ગઈ છે, ત્યાં નીકળો હેડકવાર્ટર આવી જાવ. ડ્રાઈવરે કહ્યું સાહેબ વાત તો સાંભળો, પછી તેણે વાન નીકળી તે ખાડામાં શું થયુ તેની માહિતી ઈન્સપેકટરને આપી, ઈન્સપેકટર વાત સાંભળી ચમકી ગયા. થોડીવાર પછી ફોન પુરો થયો, ક્રેઈનના ડ્રાઈવરે પુછ્યું શું કહ્યું સાહેબે.. મેસવાનના ડ્રાઈવરે કહ્યું તમે જગ્યા છોડતા નહીં. બંન્ને ડ્રાઈવરોની બુધ્ધી પણ ડ્રાઈવર જેટલી જ હતી, તેમણે સાહેબે કેમ જગ્યા છોડવાની ના પાડી તે ખબર પડી નહીં, પણ સાહેબનો આદેશ એટલે આદેશ સમજી તેઓ ત્યાં જ ઊભા રહ્યા, ક્રેઈન ઉપર રહેલા હેલ્પરોને કઈ જ ખબર ન્હોતી, તેમણે ક્રેઈનના ડ્રાઈવરને ઈશારો કર્યો ચલો નીકળવું નથી, ડ્રાઈવરે તેમને નીચે આવવાની સૂચના આપી, બંન્ને હેલ્પરો પણ ક્રેઈન ઉપરથી નીચે ઉતર્યા, ડ્રાઈવરે તેમને ખાડા તરફ ઈશારો કર્યો.

હવે બંન્ને હેલ્પરો પણ ખાડા તરફ જોવા ગયા, પહેલા તો તેમને લાગ્યું કે ખાડા જેવો ખાડો હશે, તેમાં શું જોવાનું છતાં તેઓ ખાડો જોવા માટે ઉભડક પગે ખાડા પાસે બેઠા, વરસાદના પાણીની એક નાની ધાર હવે ખાડાની અંદર જવા લાગી હતી, પહેલા તો તેમણે પાણી કેવી રીતે જમીનની અંદર તરફ જઈ રહ્યું છે તે સમજવાનો પ્રયત્ન કર્યો, પણ થોડીક જ વારમાં તેમને સમજાઈ ગયું તેઓ એકદમ ડર અને ચિંતા સાથે ઊભા થઈ ગયા, તેઓ ડ્રાઈવર પાસે આવ્યા. તેમના ચહેરા ઉપરનો ભાવ કહેતો કે આવું કેવી રીતે બને, અને હવે શું.. ક્રેઈનના ડ્રાઈવરે કહ્યું એમટી સેકશનના પીઆઈને જાણ કરી, તેમણે કહ્યું જગ્યા છોડતા નહીં, તે સીટી કંટ્રોલરૂમ સાથે વાત કરે છે. હેલ્પરોએ પોલીસની અનેક ફસાયેલી વાન કાઢી હતી અને ખાસ કરી ચોમાસામાં તો આવું જ થતુ હોય છે. પણ તેમણે આવો ખાડો ક્યારેય જોયો ન્હોતો, પોલીસ ખાતામાં સામાન્ય રીતે ડ્રાઈવરોને માન મળતુ નથી, કારણ ડ્રાઈવરને પોલીસના વાહન ચલાવવામાં ખાસ કઈ બુધ્ધીનો ઉપયોગ કરવો પડતો નથી તેવુ જ ઉપરી અધિકારી માનતા હોય છે, પણ ક્રેઈન અને મેસવાનના ડ્રાઈવરે જે કર્યું તેની કોઈને કલ્પના ન્હોતી. માથા ઉપર વરસાદ ચાલુ હતો પણ તેમણે જે જોયું હતું તેની ચિંતામાં તેઓ ભુલી ગયા હતા કે તેઓ ભીંના થઈ રહ્યા છે. તેમની ચારેના ચહેરા ઉપર એક સરખો ભાવ હતો, તેમણે પોતાના સાહેબને ફોન કર્યો તેની બારમી મિનિટે જેલની દિવાલના કાચા રોડ ઉપર એક અત્યંત ઝડપે આવી રહેલી પોલીસ જીપ તેમણે જોઈ કાચા રોડ ઉપર પાણી પણ ભરાયા હતા, છતાં પોલીસ જીપનો ડ્રાઈવર રોજની સ્પીડ કરતા વધુ ઝડપે જીપ ચલાવી રહ્યો હતો, જીપની સ્પીડને કારણે ખાડામાં જીપ પછડાતી અને કાદવ પણ ઉડતો હતો, જીપ એકદમ મેસવાન અને ક્રેઈન ઊભી હતી ત્યાં આવી ઊભી રહી, ડ્રાઈવરે જીપની સ્પીડને રોકવા બ્રેક મારી છતાં જીપના ટાયરો ભીની જગ્યાને કારણે બ્રેક થયા પછી પણ એકાદ ફુટ આગળ જઈ થંભી ગયા, જીપમાંથી ઝડપભેર એક સબઈન્સપેકટર ઉતર્યો, તેને જોતા બંન્ને ડ્રાઈવરો અને હેલ્પરોએ તેમને સલામ કરી, પીએસઆઈ કઈ પુછે તે પહેલા મેસવાનના ડ્રાઈવરે ખાડા તરફ ઈશારો કર્યો, પીએસઆઈએ પહેલા ઊભા રહી ખાડાની અંદર તરફ જોયું અને પછી તે પણ ઉભડક પગે બેઠા, અડધી મિનિટ ખાડો જોયા પછી તે ઊભા થયા તેઓ ખાડાથી થોડા દુર ગયા, અને તેમણે ખીસ્સામાંથી મોબાઈલ ફોન કાઢી કોઈની સાથે વાત કરી, જો કે તેઓ શું વાત કરી રહ્યા છે તે કઈ સમજાતુ ન્હોતુ, તેમણે ફોન મુકયો અને જીપ પાસે ઊભા રહ્યા, અને થોડીક જ વારમાં સાબરમતી જેલમાં રહેલી તમામ સાયરનો એક પછી ગુંજી ઉઠી હતી...

(ક્રમશ:)

દીવાલઃ ભાગ-75: ત્રણ મહિના પછી: ચોમાસુ બેસી ગયુ, ચોમાસા પહેલા તેઓ જેલમાંથી નીકળી જવાના હતા, પણ…