પ્રશાંત દયાળ (દીવાલઃ ભાગ-75): મહંમદનું બધુ કામ તેના નક્કી કરેલા સમય પ્રમાણે ચાલી રહ્યું હતું, મહંમદની યોજના પ્રમાણે તો સુરંગ ચોમાસા પહેલા ખોદાઈ જાય અને તેઓ પોતાની બેરેકમાંથી નીકળી જવાના હતા, પણ ચોમાસુ બેસી ગયું હતું. અમદાવાદમાં ચોમાસા વખતે બહુ ઓછો ધોધમાર વરસાદ પડે છે, પાછલા ચોમાસાની જેમ ધીમી ધારનો વરસાદ છેલ્લાં ત્રણ દિવસથી પડી રહ્યો હતો, બંદી ખુલતી અને બંધ થતી હતી, પણ બેરેકની બહાર વરસાદ પડી રહ્યો હોવાને કારણે કેદીઓ બેરેકની બહાર ભાગ્યે જ નીકળતા હતા, ચોમાસાનો કેદીઓને કંટાળો આવી રહ્યો હતો કારણ બહાર પાણી હોવાને કારણે તેઓ બેરેકની બહાર નીકળી શકતા ન્હોતા. મહંમદની બેરેકમાં પણ તેવી જ સ્થિતિ હતી, વરસાદને કારણે હવે તેઓ બેરેકની બહાર જતા ન્હોતા, પણ માખીઓ બેરેકમાં આવી જતી હતી. માથા ઉપર પંખો ફરતો હોવા છતાં માખીઓ જાણે તેને કાનમાં કઈક વાત કહેવા આવતી હોય તેમ ક્યારેક કાન ઉપર તો ક્યારેક હાથ પગ ઉપર બેસતી માખીઓને મહંમદ ઉડાડી રહ્યો હતો. મહંમદ કઈક વાંચી રહ્યો હતો, તેનું ધ્યાન પુસ્તકમાં હતું કે નહીં તે કહેવુ મુશ્કેલ હતું, પણ તેના હાથમાં ખુલ્લુ પુસ્તક હતું. ઘણી વખત તેને કોઈની સાથે વાત કરવી ના હોય ત્યારે તે હાથમાં પુસ્તક લઈ બેસી જતો હતો. ચોમાસાને કારણે તેમનું સ્કુલે જવાનું પણ બંધ હતું, આઈજીપી સાહેબ છેલ્લે વીઝીટમાં આવ્યા પછી કોઈ જેલ અધિકારી ચેકીંગમાં આવ્યા ન્હોતા. યુનુસ ઘણી વખત બારીમાં ઊભો થઈ ઝરમર વરસી રહેલા વરસાદને જોઈ વિચાર કરતો હતો કે જો તેઓ સુરંગમાંથી નીકળી ગયા હોત તો આજે પોતાના પરિવાર સાથે કોઈ અજાણી જગ્યામાં જતો રહ્યો હોત, પણ કદાચ તેની તકદીરમાં જ સાબરમતી જેલ લખી હશે. જેલમાંથી નીકળવા માટે તો બધા સવાર સાંજ મહેનત કરતા હતા આમ છતાં હજી તેઓ પોતાની બેરેકમાં જ હતા. હવે બેરેકની પાછળ તરફ જ્યાં તેઓ સુરંગ ખોદી રહ્યા હતા તે તરફ જતા પણ ન્હોતા.

વરસાદની ઋતુમાં જેલ સીપાઈઓને પણ નિરાંત હતી કારણ કેદીઓ ભાગ્યે જ બેરેકની બહાર નીકળતા હોવાને કારણે તેમની ઉપર બહુ ઓછી નજર રાખવી પડતી હતી, જેલની અન્ય પ્રવૃત્તીઓ પણ લગભગ બંધ થઈ ગઈ હતી. જેનો કેદીઓને કંટાળો પણ આવતો હતો આખો દિવસ બેરેકમાં બેસીને શું કરવુ તે એક પ્રશ્ન હતો. પણ સૌથી વધારે કંટાળો પોતાના મગજનો આવતો હતો કારણે ખાલી મગજ બેરેકમાં બેસી બહુ વિચાર્યા કરતુ હતું. જેલ અંદર અને બહારની સુરક્ષા વ્યવસ્થા પણ યથાવત હતી દર આઠ કલાકે જેલની અંદર અને બહાર રહેલા એસઆરપી જવાનની ડ્યૂટી બદલાયા કરતી હતી. તેમાં કોઈ ફેરફાર થયો ન્હોતો, તે દિવસે સવારે લઘભગ દસ વાગ્યા હતા, જેલની બહારના પોઈન્ટ ઉપર રહેલા એસઆરપી જવાનને ટીફીન આપવા માટે મેસવાન રોજ પ્રમાણે નીકળી હતી, જવાનનો જ્યાં પોઈન્ટ હોય ત્યાં જઈ મેસવાન તેમને ટીફીન આપી રહી હતી, જેલની ઊચી દિવાલની પાછળ પોઈન્ટ ઉપર રહેલા જવાનને ટીફીન આપવા મેસવાન દિવાલને અડી કાચા રસ્તા ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે ડ્રાઈવર સાઈડની પાછળનું વ્હીલ અચાનક માટીમાં ધસી ગયું, ડ્રાઈવરે પોતાનું ડોકુ બારીની બહાર કાઢી, પાછળની તરફ જોયું અને વ્હીલ બહાર કાઢવા માટે એકસીલેટર પેડલ દબાવ્યું, પણ તેને પાછળના વ્હીલ તરફ નજર કરી તો આગળના વ્હીલ જોર કરી રહ્યા હતા, પણ પાછળનું વ્હીલ ફરવાને બદલે વધારે જમીનની અંદર તરફ જતું રહ્યું હતું, ડ્રાઈવરને પોતાની પાછળની બારીમાંથી બુમ પાડી ટીફીન ભરી આપવા માટે બેઠેલા જવાનને ઉદ્દેશી બુમ પાડી કહ્યું બાપુ ગાડી ફસાઈ ગઈ છે. પાછળ બેઠેલા બન્ને જવાનો નીચે ઉતર્યા અને તેમણે જમીનમાં એક તરફ ખુંપી ગયેલા વ્હીલને જોયું, ડ્રાઈવર હજી પોતાની સીટ ઉપર જ બેઠો હતો.

પેલા જવાનોએ કહ્યું અમે ધક્કો મારીએ છીએ, તમે એકસીલેટર દબાવો, ડ્રાઈવરે ફરી સેલ માર્યો, એન્જીન ચાલુ થયુ, પાછળ રહેલા મેસવાનના બંન્ને જવાનોએ ગાડીને ધક્કો મારવાની શરૂઆત કરી, એકસીલેટર વધારવાને કારણે સાયલન્સમાંથી નીકળતો કાળો ધુમાડો સીધો એક જવાનના મોંઢા ઉપર આવી રહ્યો હતો, બે જવાનોની તાકાત અને મેસવાનનું એન્જીન એક વ્હીલને માટીમાંથી કાઢવામાં સફળ થયા નહીં, ધીમી ધારે પડી રહેલા વરસાદને કારણે માટી પોચી થઈ ગઈ હતી, જેમ જેમ પ્રયત્ન થતાં ગયા તેમ વ્હીલ વધારે અંદર જવા લાગ્યુ હતું, ડ્રાઈવરે એન્જીન બંધ કર્યું, તે વાનમાંથી નીચે ઉતર્યો, તેણે પણ વ્હીલ પાસે નીચે બેસી કયાસ કાઢી જોયો પણ તેને સમજાઈ ગયુ કે ક્રેઈન વગર અથવા બીજી કોઈ વાનની ખેંચ્યા વગર વાન બહાર નીકળી શકે તેમ ન્હોતી. ડ્રાઈવરે કાંડા ઘડીયાળ તરફ જોયુ સવારના દસ વાગી વીસ મિનિટ થઈ હતી, એસઆરપીના નિયમ પ્રમાણે સાડા દસ સુધીમાં તમામ પોઈન્ટ ઉપર જમાવનું પહોંચી જવું જરૂરી હતું, ડ્રાઈવરે ટીફીન ભરનાર જવાનને પુછ્યું કેટલાં પોઈન્ટ બાકી છે, જવાને વાનની અંદર પડેલા રાંધેલા ખોરાકના તબેલા તરફ જોયુ અને તેમાં પડેલી તૈયાર રસોઈ ઉપરથી અંદર લગાવી કહ્યું 12-15 પોઈન્ટ બાકી છે, ડ્રાઈવરે ફરી ઘડીયાળ જોઈ, તેને અંદાજ આવ્યો કે જો વાન કાઢવામાં સમય કાઢયો તો મોડું થઈ જશે, તેણે ખીસ્સામાંથી ફોન કાઢયો અને શાહીબાગ હેડક્વાર્ટરને જાણ કરી કે મેસવાન ફસાઈ ગઈ છે, તરત એક નાની વાન મોકલો, ત્યાર પછી મોટર ટ્રાન્સપોર્ટ સેકશનને જાણ કરી કે ક્રેઈન મોકલી આપો., ડ્રાઈવરની સાથે રહેલા બંન્ને એસઆરપી જવાનો હવે ગપ્પા મારવા લાગ્યા, તેઓ ત્રણે હવે મેસવાનની પાછળના ભાગે રહેલી બેંચ ઉપર બેસી ગયા હતા, ધીમો વરસાદ ચાલુ હતો, જેના કારણે વાનની બહાર ઊભા રહે તો ભીંજાઈ જાત, જેના કારણે તેઓ વાનમાં બેસી વાતો કરી રહ્યા હતા. ડ્રાઈવરે આજે કઈ રસોઈ બની છે તે જોવા માટે તપેલા ખોલ્યા, દાળ-ભાત, રોટલી અને ફુવાવરનું શાક હતું, શાકની સોડમ અદ્દભુત હતી ડ્રાઈવરના મોંઢામાં પાણી આવી ગયું હતું, તેણે બીજા તપેલા ખોલ્યા એકમાં કાકડી-ગાજર અને ટમેટા સમારેલા હતા, ડ્રાઈવરે તે તપેલામાંથી મુઠો ભરી સલાડ લીધું અને તે વાતો કરતા કરતા સલાડ ખાવા લાગ્યો હતો. ડ્રાઈવરનું ધ્યાન બહાર તરફ પણ હતું તેણે જોયુ તો એક ટાટા 407 તેમની તરફ આવી રહી હતી, તે પોલીસ મેસની જ ગાડી હતી. તેમાં ડ્રાઈવરની સાથે એક જવાન હતો, 407 આવી જતા બધા વાનમાંથી નીચે ઉતર્યા, 407નો ડ્રાઈવર પણ નીચે ઉતર્યો. તેણે કઈ રીતે ગાડી ફસાઈ ગઈ તે જોવા લાગ્યો, ત્યારે ટીફીન ભરી આપનાર જવાનો ફસાઈ ગયેલી વાનમાંથી તપેલા કાઢી બીજી ગાડીમાં મુકવા લાગ્યા હતા. હવે આગળની ટીફીન સેવા નવી ગાડીમાં થવાની હતી, બે-પાંચ મિનિટમાં બાકી રહેલા પોઈન્ટના જવાનોને ટીફીન આપવા માટે ગાડી રવાના થઈ, હવે ફસાઈ ગયેલી મેસવાનમાં માત્ર એકલો ડ્રાઈવર બેઠો હતો, તેને પણ હવે એકલો હોવાને કારણે કંટાળો આવી રહ્યો હતો, તેણે ઘડીયાળ સામે જોયું ક્રેઈન માટે ફોન કરી કલાક થઈ ગયો હતો છતાં ક્રેઈન આવી ન્હોતી. તેના મોંઢામાંથી એક ગાળ નીકળી ત્યારે જ તેણે જોયું તો જેલના દરવાજામાંથી એક ક્રેઈન અંદર આવી અને તે ફસાઈ ગયેલી વાનની મદદે કાચા રસ્તે આગળ વધી રહી હતી...

 (ક્રમશ:)

દીવાલઃ ભાગ-74: જેલ IGP તેમના સ્કવોર્ડ સાથે બેરેક ચેકીંગમાં આવ્યા અને મહંમદ થરથરી ગયો