પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, દીવાલ-ભાગ-73): મોબાઈલ ફોન અને તેનું ચાર્જર ચોરી લીધુ હતું, મહંમદના મનમાં સ્પષ્ટ હતું કે ફોનનો ઉપયોગ તે વાત કરવા માટે કયારેય કરવાનો ન્હોતો, એટલે જ તેણે પહેલા જ સીમકાર્ડ તોડી ફેંકી દીધુ હતું, જેલમાં ફોનનો ઉપયોગ જોખમી પણ હતો, કારણ ફોન ચોરાયાની જાણકારી ક્રાઈમ બ્રાન્ચ પાસે પણ પહોંચી ગઈ હતી, તેમણે તે ફોન નંબર ઈન્ટરસ્પેશનમાં મુકી દીધો હતો, જેવો ફોનનો ઉપયોગ થાય તેની સાથે ક્રાઈમ બ્રાન્ચને તેની જાણકારી મળી જવાની હતી, પણ મહંમદ પણ ક્રિમીનલ લોયર રહી ચુકયો હતો, તે પોલીસ વિચારે તેના કરતા એક ડગલુ આગળ વિચારતો હતો, તેના બદલે બીજો કોઈ ફોનનો ઉપયોગ કરી જાય નહીં તે માટે તેણે કાર્ડનો અંત લાવી દીધો હતો, પહેલી જે તકલીફ હતી કે સુરંગમાં દિશા ભાન થાય નહીં અને સુરંગની દિશા બદલાઈ જાય નહીં તે માટે હવે હોકાયંત્ર હતું, અને અંદર ખુબ જ અંધારૂ હોવાને કારણે લાઈટની જરૂર હતી તેના માટે હવે મોબાઈલની લાઈટનો ઉપયોગ થવાનો હતો, જો કે કોઈનું ધ્યાન હજી એક સમસ્યા તરફ ગયુ ન્હોતુ, પણ મહંમદને સમસ્યા અને તેના ઉપાયની ખબર હતી એટલે જ તેણે ફોનની સાથે ચાર્જર પણ ઉપાડી લેવાની સુચના આપી હતી. ફોનનું ચાર્જર હતું પણ બેરેકમાં કયાં ફોન ચાર્જ કરવા માટેનો પોઈન્ટ ન્હોતો, પણ ફોન કેવી રીતે ચાર્જ થઈ શકે તેની વ્યવસ્થા મહંમદે જોઈ લીધી હતી.

બેરેકની તમામ લાઈટો અને પંખા ખુબ ઉંચાઈ ઉપર હતા, પણ સંડાસ બાથરૂમાં લાઈટના પોઈન્ટ નીચા હતા, પરવેઝ થોડુ ઘણુ ઈલેકટ્રીકનું કામ જાણે છે, તેને મહંમદને ખબર હતી, બીજા દિવસે કોઈ પણ રીતે તે લાઈટના પોઈન્ટમાંથી બે વાયર ખુલ્લા કરી તેની સાથે ચાર્જરને પાવર મળે તેવી વ્યવસ્થા કરવાની તેણે પરવેઝને સુચના આપી હતી, પરવેઝ પાસે વાયર કાપવાના કોઈ સાથનો ન્હોતો, છતાં તેણે દાઢીના સામાનમાં રહેલી બ્લેડનો ઉપયોગ કરી વાયરોનું ઉપરનું રબ્બર કાપી નાખ્યુ હતું, અને ટ્રાયલ બેઝ ઉપર ચાર્જર જોડી ફોન ચાર્જ કર્યો તો જાણે વિજળીની જ શોધ પરવેઝે કરી હોય એટલે આનંદ તેના ચહેરા ઉપર આવી ગયો હતો હવે રોજની ટીમ જયારે સુરંગની અંદર કામે જાય ત્યારે પોતાની સાથે હોકા યંત્ર અને મોબાઈલ ફોન લઈ જતી હતી, હવે સવારની બંદી ખુલે તેની સાથે તેમણે કામ કરવાની શરૂઆત કરી હતી, જેના કારણે હવે તેઓ સાંજની બંદી થાય તે પહેલા રોજનું ચાર ફુટ જેટલુ ખોદી કાઢતા હતા, મહંમદને થોડી ઉતાવળમાં હતી કારણ બે મહિના પછી ચોમાસુ પણ બેસી રહ્યુ હતું, જો ચોમાસા પહેલા સુરંગ ખોદાઈ જાય નહીં તો મુશ્કેલી થવાની હતી કારણ વરસાદી પાણી સુરંગમાં દાખલ થઈ જાય તો સમસ્યા વધી જવાની હતી, એટલે હવે મહંમદ પોતે પણ સુરંગમાં બે-ત્રણ કલાક કામ કરવા લાગ્યો હતો, જેલમાંથી ભાગી છુટવાનું ઝનુન જાણે તેના માથા ઉપર સવાર થઈ ગયુ હતુ, રોજ સાંજ પડે તેની પાસે રહેલી પતંગની દોરીથી તે કેટલા ફુટ સુધી દુર ગયા તેનું માપ લેતો ત્યારે તેના ચહેરા ઉપર ચમક આવી જતી હતી, દોઢસો ફુટ કરતા વધુ ખોદાઈ ગયુ હતું હવે માંડ પચાસ-સાઈઠ ફુટ પછી તેઓ જેલની મુખ્ય દિવાલની બહાર નિકળી જશે તેવો અંદાજ હતો, મહંમદે ગણિત માંડી જોયુ તો પંદર દિવસમાં સુરંગનું કામ પુરૂ થવાનો અંદાજ હતો, પણ જેમ જેમ દિવસો આગળ વધતા જતા હતા તેમ તેમ મહંમદની ચીંતામાં વધારો થતો હતો.

મહંમદની ચીંતા યુનુસ સમજી ગયો હતો, તે સાંજે જયારે જમવાનું આવ્યુ અને બધા જમી રહ્યા હતા, ત્યારે યુનુસે પુછયુ મેજર શુ વિચારમાં છો.. મહંમદે સવાલ સાંભળી રોટલીનો ટુકડો તોડી દાળમાં ડબોળી મોંઢામાં મુકતા યુનુસ સામે જોઈ માત્ર માથુ હલાવી કહ્યુ કઈ નહીં, યુનુસ હસ્યો, મહંમદે તે જોયુ હતું, રોટલીનો બીજો ટુકડો તોડી શાકને લેતા પુછયુ કેમ મને જોઈ હસવુ આવે છે જોકર લાગુ છુ, યુનુસે માફીના સ્વરમાં કહ્યુ અરે મેજર તેવુ થોડુ હોય, મને હસવુ એટલા માટે આવ્યુ કે તમે ખોટુ બોલો ત્યારે તમારે ચહેરા ખોટુ બોલી શકતો નથી, તમે પોલીસવાળાને મુર્ખ બનાવી શકો, પણ મને નહીં, વાકય સાંભળી મહંમદના ચહેરા ઉપર પણ હાસ્ય આવ્યુ તેણે થાળીમાં દાળ-ભાત ભેગા કર્યા અને આસપાસ તેની જુની ટેવ પ્રમાણે જોયુ અને પછી પોતાની બધા સાથીઓ સામે જોતા કહ્યુ હવે આપણી એકાદી ભુલ પણ ભારી પડી શકે છે, આપણે એંસી ટકા કામ પુરૂ કરી નાખ્યુ છે, કયાં કોઈની સાથે બબાલ કરતા નહીં, યુસુફના ચહેરા ઉપર ચીંતા આવી તેણે પુછયુ મેજર કઈ થયુ છે. મેજર સ્પષ્ટતા કરી કે ભાઈ કઈ જ થયુ નથી, પણ કઈ પણ થાય નહીં તેનું આપણે બધાએ ધ્યાન આપવુ પડશે, , આ વાત ચાલી રહી હતી, ત્યારે જ એક સીપાઈ બેરેકમાં દાખલ થયો, તેણે જોયુ કે બધા જમી રહ્યા છે, સામાન્ય રીતે એકલો સીપાઈ તેમની બેરેક સુધી આવવાની હિમંત કરતો ન્હોતો પણ સીપાઈને જોઈ મહંમદને આશ્ચર્ય થયુ, તેના હાથમાં રહેલો કોળીયો હાથમાં જ રહી ગયો, તેણે સીપાઈને ગુસ્સામાં પુછયુ જમાદાર કેમ આવ્યા કોઈ પ્રોબ્લેમ છે, જમાદારે બેરેકની બહાર તરફ ઈશારો કરતા કહ્યુ એસપી વસાવા સાહેબ રાઉન્ડમાં નિકળ્યા છે, હજી તેનું વાકય પુરૂ થાય તે પહેલા વસાવા તેમના ચાર પોલીસવાળા સાથે બેરેકમાં પહોંચ્યા, તેમને જોતા મહંમદ એકદમ ઉભો થઈ ગયો.

વસાવાએ તેમને જમતા જોયા એટલે તેમને પણ સંકોચ થયો કે ખોટા સમયમાં રાઉન્ડમાં નિકળ્યા, મહંમદે પોતાનો એઠો હાથ પાછળ તરફ કરતા કહ્યુ નમસ્તે સાહેબ, બોલે ચેકીંગ કરવુ છે, વસાવાને ખરાબ લાગ્યુ કે કેદીઓ જમી રહ્યા હતા અને તે આવી પહોંચ્યા, તેમણે મહંમદને બેસવાનો ઈશારો કરતા કહ્યુ મહંમદ તમે જમી લો ખાસ ચેકીંગ જેવુ કઈ નથી, નિકળ્યો હતો તમારી બેરેક પાસેથી તો થયુ ચેક કરી લઈ, કઈ વાંધો નહીં પછી આવીશ પણ વસાવાની નજર બેરેકમાં લટકી રહેલા કપડાં અને સામાન તરફ ફરી રહી હતી, એટલુ કહી વસાવા તરત નિકળી ગયા, મહંમદે થોડીવાર પહેલા પોતાના સાથીઓને કહ્યુ હતું ધ્યાન રાખજો અને ચેકીંગ આવ્યુ હતું, મહંમદને વિચાર આવ્યો કે આજ સુધી ચેકીંગમાં કોઈ અધિકારી બેરેકની પાછળ ગયા નથી, પણ જોઈ કોઈ પહોંચી જાય તો સુરંગનું ખુલ્લુ મોંઢુ તેઓ જોઈ જાય તેમ હતું આજ પહેલા તેને આવો વિચાર ન્હોતો આવ્યો, મહંમદ હજી ઉભો હતો, બાકીના સાથીઓએ ફરી જમવાનું શરૂ કરી દીધુ હતું. મહંમદને લાગ્યુ કે ગરબડ થઈ શકે છે., તેણે આસપાસ જોયુ અને બેરેકમાં પડેલી એક શેતરંજીં લઈ તે તરત બેરેકની પાછળ તરફ દોડયો, યુનુસે તેને મેજર મેજર કરી બુમો પણ પાડી પણ તે રોકાયો નહીં, તે બેરેકની પાછળ ગયો અને સુરંગના મોઢા ઉપર જાડી શેતરજી પાથરી તેની ઉપર આસપાસ પડેલી માટીથી શેતરંજીને ઢાંકી દીધી, મહંમદ પોતાનું આ કામ કરી રહ્યો હતો ત્યારે યુનુસ પણ પોતાનું જમવાનુ છોડી પાછળ આવ્યો તેણે મહંમદને કામ કરતા જોઈ પુછયુ થયુ.. મહંમદે માટીનો છેલ્લો મુંઠો શેતરંજી ઉપર નાખતા કહ્યુ કે હવે રોજ કામ બંધ થાય પછી આવુ કરવુ પડશે. (ક્રમશ:)

દીવાલ: ભાગ 72 સુપ્રીટેન્ડન્ટ વસાવા ચેકીંગમાં આવ્યા અને તેમણે વોર્ડમાં સુંદર બગીચો જોયો અને ખુશ થઈ ગયા હતા