પ્રશાંત દયાળ (દીવાલઃ ભાગ-72): મહંમદની ધારણા સાચી પડી હતી, જ્યારે ગૌરાંગ ભટ્ટે પોતાનો મોબાઈલ ફોન ચોરાયો છે તેવી જાણ જેલ અધિકારીઓને કરી ત્યારે જેટલા કેદીઓ સારવાર માટે આવ્યા હતા, તે બધાની બેરેકમાં ચેકીંગ થવાનું હતું, તેની મહંમદને ખબર હતી. જ્યારે ચેકીંગ આવે ત્યારે તેની બેરેકમાં આઠ કેદીઓની હાજરી અનિવાર્ય હતી. સામાન્ય સંજોગોમાં ચેકીંગ આવે તો ખુદ મહંમદ ઝઘડો કરતો હતો, પણ આજે ચેકીંગ આવે અને ચેકીંગ બરાબર થાય તેવું તે ખુદ ઈચ્છતો હતો. સુપ્રીટેન્ડન્ટ વસાવાને ચેકીંગમાં જોઈ મહંમદ ઊભો થઈ ગયો. તે બે હાથ જોડી ઊભો થઈ ગયો પરવેઝને છોડી બધા ઊભા થઈ ગયા. પરવેઝ સુઈ રહ્યો હતો, વસાવાએ પરવેઝ સામે જોતા, મહંમદે કહ્યું હજી તેને સારૂ નથી. વસાવા આવ્યા ત્યારે તેમના ચહેરા ઉપર ખીન્નતા હતી, તેમણે સાથે રહેલા સીપાઈ સામે જોતા તે સમજી ગયા, તેઓ બેરેકમાં રહેલો સામાન તપાસવા લાગ્યા. મહંમદ થોડીવાર તો કઈ બોલ્યો નહીં, પણ તેણે સામાન ચેક કરી રહેલા સીપાઈ સામે જોયુ અને પછી વસાવાને પુછ્યું શું થયું સાહેબ કઈ ગરબડ છે. વસાવાએ તેને કઈ જવાબ આપ્યો નહીં. તેમની નજર બેરેકનો એક એક ખુણો જોઈ રહી હતી. સીપાઈએ આઠે આઠ કેદીનો સામાન તપાસ્યો પણ તેમને કઈ મળ્યું નહીં, તે પાછા વસાવા પાસે આવી ઊભા રહ્યા, વસાવાએ તેમને કહ્યું બેરેકનો એક એક ખુણો તપાસો સંડાસ બાથરૂમ પણ ચેક કરી લો, સંડાસ શબ્દ સાંભળતા મહંમદે અબુ સામે જોયું, તેણે આંખથી કહ્યું ચિંતા ના કરતા બધુ બરાબર છે. સીપાઈએ હવે બેરેક તપાસવા લાગ્યા બે સીપાઈ સંડાસ બાથરૂમ ચેક કરવા માટે ગયા પાંચ દસ મિનિટ પછી તેઓ પાછા વસાવા પાસે આવ્યા તેમના ચહેરા ઉપર ભાવ કહેતો હતો કે કઈ નથી મળ્યું, વસાવા બોલ્યા વગર બેરેકના લોંખડી દરવાજાની બહાર નિકળ્યા અને દરવાજામાં મેદાન તરફ નજર કરી ઊભા રહ્યા, મહંમદને ફાળ પડી કારણ સામે દેખાતા લીમડાના ઝાડ નીચે ફોન હતો, મહંમદને વિચાર આવ્યો કે યુનુસએ ફોન બરાબર દાટયો તો હશેને. જો વસાવા ઝાડ પાસે જાય તો મુશ્કેલી થઈ શકે છે. થોડીવાર વસાવા મેદાન તરફ જોતા રહ્યા પછી તેમણે પોતાની બાજુમાં ઊભા રહેલા મહંમદ સામે જોયું, તેમના ચહેરા ઉપર એક સ્મીત આવ્યું, તેમણે મહંમદના ખભે હાથ મુકી મેદાન તરફ ઈશારો કરતા કહ્યું બહુ સારો બગીચો બનાવ્યો છે. આવો બગીચો કોઈ બેરેકમાં નથી.

મહંમદે તેમનો આભાર માનતા કહ્યું સાહેબ હવે અહીં જ રહેવાનું છે, તો કઈક તો કરવું પડશે અને તમારી મહેરબાની છે, તમે અમને ફુલ છોડ આપ્યા તો અમે બગીચો બનાવી શકયા, મહંમદે તેમને મળેલો પાવડો ત્રિકમ દુરથી જોઈ શકાય તેવી રીતે લીમડાના ઝાડ નીચે ઈરાદાપુર્વક મુકયા હતા, આમ તો પાવડો, ત્રિકમ સુરંગમાં જ મુકી રાખતા પણ રવિવારની સાંજે મહંમદે તેને બહાર લાવવાની સૂચના આપી હતી. વસાવા પોતાના સ્ટાફ સાથે બીજી બેરેક ચેક કરવા રવાના થયા. તે વોર્ડની બહાર જાય ત્યાં સુધી તમામ ચહેરા ગંભીર હતા. પછી યુસુફે ઉત્સાહમાં આવી યુનુસને તાળી આપી, મહંમદે તેની સામે જોયુ તેનો ચહેરો હજુય ગંભીર હતો. તેના કારણે યુસુફને લાગ્યુ કે કઈક ભુલ થઈ, મહંમદે સ્પષ્ટતા કરતા કહ્યું આ પહેલી વખત ચેકીંગ થયું છે, ફરી પણ તેઓ ચેક કરવા આવશે આપણે ધ્યાન રાખવુ પડશે. હવે ત્રણ દિવસ સુરંગ ખોદવાની ન્હોતી તેનો આનંદ પણ હતો અને બેરેકમાં બધા નવરા હતા, જો કે મહંમદ એકલો બેસી તેનું વિચારવાનું કામ કરતો હતો. બીજા દિવસે મંગળવારે સવારે બંદી ખુલ્યાના એક કલાકમાં જેલર કૌશીક પંડયા પોતે સ્ટાફ સાથે ચેકીંગમાં આવ્યા ફરી તેમના બેરેકનું ચેકીંગ થયુ, જો કે ચેકીંગ બાદ બધા સીપાઈના ચહેરા ઉપર નિરાશા આવી જતી હતી કારણ તેઓ જે શોધવા આવતા હતા તે તેમને મળતુ ન્હોતુ, મહંમદે જેલર પંડયાને પુછયુ સાહેબ કઈ ગરબડ છે બે દિવસમાં બે વખત ચેકીંગ આવ્યું છે, જેલર પંડયાએ નિસાસો નાખતા કહ્યું અમારી તકલીફોનો કોઈ પાર થોડો છે. મહંમદે પુછયુ શું થયું સાહેબ.

જેલર પંડયાએ જેલની હોસ્પિટલમાંથી ડૉ. ગૌરાંગ ભટ્ટનો ફોન ચોરાયો હોવાની વાત કરી, મહંમદને ચહેરા ઉપરનો હાવભાવ બદલાયો તેણે પુછ્યું સાહેબ તમને અમારી ઉપર શંકા છે... પંડયાએ ચહેરો બગાડતા કહ્યું અરે ના ભાઈ, પણ જ્યાં સુધી ફોન મળશે નહીં ત્યાં સુધી તો અમને ચિંતા રહેશેને... પછી ધીમા અવાજે કહ્યું આ ડૉકટરોને પણ હજાર વખત કહ્યું હતું ફોન લઈ જેલમાં આવશો નહીં પણ માન્યા જ નહીં, હવે કોને ખબર કે ડૉકટરનો ફોન જેલમાંથી ગાયબ થયો કે તેઓ ફોન લાવ્યા જ ન્હોતા. સીપાઈએ ચેકીંગ પુરૂ કરતા બધા બહાર નિકળી રહ્યા હતા ત્યારે પંડયા પણ બગીચો જોઈ પ્રભાવીત થઈ ગયા પણ, પંડયાએ બેરેકમાંથી વોર્ડના દરવાજાની બહાર નિકળવાને બદલે બેરેકમાંથી નિકળી સીધા મેદાનના બગીચા તરફ ચાલવા લાગ્યા, પંડયા જે દિશામાં જઈ રહ્યા હતા તે દિશામાં લીમડાનું ઝાડ હતું. મહંમદના ધબકારા વધી ગયા. પંડયાની પાછળ તેમને સીપાઈઓ પણ ચાલી રહ્યા હતા, મહંમદને વિચાર આવ્યો કે કોઈક બહાનું કરી તેમને બગીચા તરફ જતા અટકાવુ, પણ પછી લાગ્યું કે અત્યારે તેનો કોઈ પણ અસામાન્ય વ્યવહાર શંકાનું કારણ બનેશે માટે તે કઈ બોલ્યા નહીં, પંડયાની પાછળ તેના સીપાઈ અને તેમની પાછળ મહંમદ અને યુનુસ ચાલતા હતા.

પંડયા એક એક ફુલના છોડ ધ્યાનથી જોઈ રહ્યા હતા અને તેમના ચહેરા ઉપર એક પ્રકારની ખુશી હતી. મહંમદ નક્કી કરી શકતો ન્હોતો કે ખરેખર પંડયા બગીચો જોઈ રહ્યા છે કે તેમની શંકાનું સમાધાન કરવા તે બગીચા તરફ જઈ રહ્યા છે. મહંમદ અને યુનુસ એકબીજાની સામે જોઈ રહ્યા હતા, પંડયા ચાલતા ચાલતા લીમડાના ઝાડ પાસે આવી ઊભા રહ્યા, મહંમદ અને યુનુસા ધબકારા ઝડપથી ચાલી રહ્યા હતા, યુનુસ પણ વિચારી રહ્યો હતો કે તેણે ફોન ક્યાં દાટયો છે. યુનુસનું ધ્યાન અચાનક જમીન તરફ ગયુ, તેણે જ્યાં ફોન દાટયો હતો, પંડયાના પગ બરાબર તેની ઉપર હતા. પંડયાએ લીમડાની આસપાસ પણ જોયું, હવે એક ક્ષણમાં પકડાઈ જઈશુ તેવું લાગી રહ્યું હતું ત્યારે પંડયા એદકમ ઉંઘા ફર્યા અને પોતાના સીપાઈએને કહ્યું ચાલો બડા ચક્કરમાં જઈશુ, પંડયા જતી વખતી મહંમદ અને યુનુસા ખભા ઉપર હાથ મુકી નિકળ્યા. મહંમદ અને યુનુસ પોતાની જગ્યા ઉપર જ થોડીવાર ઊભા રહ્યા, તેઓ પોતાના હ્રદયના ધબકારા ધીમા પડે તેની રાહ જોતા હતા, પછી એકદમ તેઓ લીમડાના ઓટલા ઉપર બેસી ગયા, તેઓ એકબીજા સાથે વાત પણ કરતા ન્હોતા, મિનિટો સુધી તેમની વચ્ચે શાંતિ છવાયેલી હતી. આ પ્રકારનું ટેન્શન તો તેમને ક્રાઈમ બ્રાન્ચે પકડ્યા ત્યારે પણ ન્હોતુ. ક્રાઈમ બ્રાન્ચ શબ્દ યાદ આવતા મહંમદે યુનુસ સામે જોયું, તેણે પંડયા જ્યાં ઊભા હતા તે તરફ આંખથી ઈશારો કરી કહ્યું ફોન અહીંયા જ છે, મહંમદ ઊભો થયા વગર યુનુસની તરફ ખસ્યો, તેણે યુનુસને કહ્યું મને લાગે છે, હવે ક્રાઈમ બ્રાન્ચનું ચેકીંગ પણ આવશે, વાક્ય સાંભળતા ફરી યુનુસના ધબકારા વધી ગયા...

(ક્રમશ:)

દીવાલઃ ભાગ-71: કઈક એવું થયું અચાનક મહંમદને કહ્યું આપણે ત્રણ દિવસ માટે હવે સુરંગ ખોદીશું નહીં