પ્રશાંત દયાળ (દીવાલઃ ભાગ-71): મહંમદે જેલ કૌશીક પંડયા સામે હોકાયંત્ર લેવા માટે જે રીતે ઈસ્લામનું નામ આગળ કરી રજૂઆત કરી તેની ધારી અસર થઈ, પંડયા ડરી ગયા હતા. તેમણે સુપ્રીટેન્ડન્ટ વસાવાને પણ કહ્યું વસાવાએ પણ કાબા તરફ મોંઢુ રાખી નમાઝ પઢવી જોઈએ તેવું સાંભળ્યું ત્યારે તેમણે પણ તરત કહી દીધુ કે હોકાયંત્ર આપવામાં મને કઈ વાંધો લાગતો નથી. હવે મહંમદ પાસે હોકાયંત્ર આવી ગયું હતું, જે સુરંગની અંદર ગયા પછી દીશા નક્કી કરવા માટે મહત્વનું સાબીત થઈ ગયું હતું, પણ સોમવારે મહંમદે અચાનક પોતાના સાથીઓને કહ્યું હવે આપણે ત્રણ દિવસ સુરંગ ખોદવાનું કામ બંધ કરી દેવાનું છે. આવો નિર્ણય મહંમદે કેમ લીધો તેની કોઈને ખબર ન્હોતી, પણ મહંમદ આગોતરૂ વિચારી શકતો હતો. સોમવારની સવારે મહંમદે વોર્ડનને કહ્યું પરવેઝ બીમાર થઈ ગયો છે, તેને હોસ્પિટલ લઈ જવો પડશે, વોર્ડને તરત જેલ અધિકારીઓને જાણ કરી કે પરવેઝ બીમારા છે, તેને હોસ્પિટલ લઈ જવો પડશે. આ જાણકારી મળતા બે જેલ સીપાઈ તરત બેરેકમાં આવી પહોંચ્યા તેમણે જોયું તો પરવેઝ કણસી રહ્યો હતો, તેમણે પુછ્યું કે શું થયું છે. તેણે કહ્યું ગઈરાતની પેટમાં ખુબ દુઃખાવો થઈ રહ્યો છે. જ્યારે જેલ સીપાઈ પરવેઝને તેની તબીયત અંગે પુછી રહ્યા હતા ત્યારે મહંમદ સીપાઈના ચહેરા તરફ જોઈ રહ્યો હતો, પરવેઝ બીમાર હોવાનો સારો દેખાવ કરી રહ્યો હતો. તેની ધારી અસર સીપાઈ ઉપર થઈ હતી. તેમણે માની લીધુ હતું કે પરવેઝ બીમાર છે, તેમણે તરત પોતાના વોકીટોકી ઉપર પોતાના ઉપરી અધિકારી અને જેલના હોસ્પિટલને જાણ કરી કે તેઓ એક કેદીને હોસ્પિટલ લઈ આવે છે. જ્યારે સીપાઈએ કહ્યું અમે તેને હોસ્પિટલમાં લઈ જઈએ છીએ, ત્યારે યુનુસે કહ્યું સાહેબ તમને વાંધો ના હોય તો અમે બે જણા પરવેઝ સાથે આવીએ, એક સીપાઈએ બીજા સીપાઈ સામે જોયું તેણે માથું હલાવી હા પાડી, યુનુસ અને યુસુફે પરવેઝે ઊભો થવામાં મદદ કરી તેઓ પરવેઝને બંન્ને તરફ ટેકો આપી, બેરેકની બહાર નિકળ્યા, જેલમાં હોસ્પિટલ સુધી જવા માટે બીજી કોઈ તો વ્યવસ્થા ન્હોતી માટે ચાલતા જ જેલની હોસ્પિટલમાં જવાનું હતું, પરવેઝની સાથે યુસુફ-યુનુસ ચાલવા લાગ્યા અને તેમની ઉપર નજર રાખવા માટે બે જેલ સીપાઈ હતા. 

યુનુસની માહિતી બરાબર સાચી હતી, સોમવારનો દિવસ હોવાને કારણે જેલની હોસ્પિટલમાં રોજ કરતા વધુ ભીડ હતી. ત્રણ હજાર કેદીઓ વચ્ચે બે ડૉકટરો હાજર હતા. જ્યારે પચાસ-સાંઈઠ કેદીઓ કોઈને કોઈ બીમારી માટે હોસ્પિટલ આવ્યા હતા, મહંમદની એક ખાસીયત હતી, તે જ્યાં પણ જાય તેની નજર કાગડાની જેમ ચારે તરફ ફરતી હતી. ત્રણ મહિના પહેલા જ્યારે મહંમદને સામાન્ય તાવ આવ્યો ત્યારે તે દવા લેવા માટે જેલ સીપાઈ સાથે હોસ્પિટલ આવ્યો હતો, ત્યારે તેની નજર જેલના ડૉકટર ગૌરાંગ ભટ્ટના મોબાઈલ ફોન ઉપર પડી હતી, જેલના નિયમ પ્રમાણે કોઈને પણ જેલમાં મોબાઈલ ફોન લાવવાની મંજુરી ન્હોતી, પરંતુ ડૉકટર તેમાં અપવાદ હતા. જો કે ડૉકટરને પણ ખાસ કિસ્સામાં જ મોબાઈલ ફોન લાવવાની મંજુરી હતી. જેના કારણે ગૌરાંગ ભટ્ટ પોતાની સાથે લઈ આવતા ફોન હોસ્પિટલમાં લાવી ખુણામાં ઈલેકટ્રીક બોર્ડમાં ચાર્જીંગમાં મુકતા હતા, મહંમદે તે જોયો હતો. જો કે ત્યારે તેને કોઈ વિચાર આવ્યો ન્હોતો. પરવેઝને લઈ જ્યારે યુનુસ-યુસુફ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેણે મહંમદે કહેલી વાતો ઉપર ધ્યાન આપવાની શરૂઆત કરી, એક જેલ સીપાઈ, કેસ નોંધી રહેલા સ્ટાફ પાસે ગયો તેણે પરવેઝનો કેસ કઢાવી લીધો હતો. એક વખત હોસ્પિટલ પહોંચી ગયા પછી જેલ સીપાઈઓ પણ નિશ્ચીત થઈ ગયા હતા. કેસ કઢાવી સીપાઈ કેસ યુસુફના હાથમાં મુકતા કહ્યું હમણાં તમારો નંબર આવી જશે. બતાડી અને દવા લઈ બહાર આવજો, તેમ કહી તેઓ હોસ્પિટલની બહાર ગયા. યુસુફ, પરવેઝ અને યુનુસની નજર એક થઈ, જેવા સીપાઈ બહાર ગયા તેની સાથે પરવેઝના ચહેરા ઉપર કળતરના કારણે થઈ રહેલી વેદના પણ બંધ થઈ ગઈ, તે યુસુફ અને યુનુસની સામે જોઈ હસ્યો, યુનુસ ઊભો થઈ ત્યાંથી જતો રહ્યો. લગભગ વીસ મિનિટ પછી પરવેઝનો નંબર આવ્યો, વચ્ચે એક વખત એક સીપાઈ દરવાજામાં આવી ડોક્યું કરી ગયો તેણે જોયુ તો તે જે ત્રણ કેદીઓને લઈ આવ્યા હતા તે હજી પોતાની જગ્યા ઉપર બેઠા હતા. ડૉ. ગૌરાંગ ભટ્ટે પરવેઝને તપાસ્યો, કેસ પેપર ઉપર કઈક નોંધ કરી, યુસુફને પુછ્યું સાહેબ કઈ ગંભીર તો નથીને, ડૉ. ગૌરાંગ ભટ્ટ હસ્યા તેમણે કહ્યું ના માત્ર એસીડીટી થઈ છે. દવા લઈ લો કલાકમાં સારૂ થઈ જશે. દવા લઈ ત્રણે બહાર નિકળ્યા, સીપાઈને જોતા ફરી પરવેઝના ચહેરા ઉપર દુઃખાવાની વેદના દોડી આવી. જેવી રીતે પરવેઝ યુસુફ અને યુનુસનો ટેકો લઈ હોસ્પિટલ આવ્યો હતો તેવી રીતે તેઓ પાછા પોતાની બેરેક તરફ જવા નિકળ્યા, યુનુસ ઊભો થઈ ગયો ત્યાર પછી કામ થયું કે નહીં તેની પરવેઝ અને યુસુફને ખબર ન્હોતી, તે પાછા જતા યુનુસ સામે જોઈ રહ્યા હતા, પણ યુનુસ તેમની સામે જોતો જોતો ન્હોતો, યુનુસને ખબર હતી કે સીપાઈ તેમની ઉપર બારીક નજર રાખી રહ્યા છે, સીપાઈ બેરેક સુધી તેમને મુકવા આવ્યા, જતી વખતે પરવેઝને સૂચના આપી કે દવા બરાબર લઈ લેજો. 

સીપાઈ તેમની બેરેક સુધી મુકી રવાના થયા, મહંમદે યુનુસ સામે જોયું તે હસ્યો, મહંમદને ખબર પડી કે કામ થઈ ગયું છે. તેણે પોતાના ખીસ્સામાં હાથ નાખી, મહંમદના હાથ મોબાઈલ ફોન અને તેનું ચાર્જર મુકયું જાણે તેના હાથમાં કોહીનુરનો હિરો આવ્યો હોય તેમ તે ચમકી ગયો, મહંમદે આસપાસ જોયું, ફોન સ્વીચ ઓફ હતો તેણે તરત મોબાઈલ ફોન ખોલી તેમાંથી સીમકાર્ડ કાઢી દાંત નીચે મુકી કચડી તેના ટુકડા કરી નાખ્યા, સીમકાર્ડના ટુકડા અબુ આપતા કહ્યું સંડાસમેં ફેંક કર દો બાલ્ટી પાની ડાલ દેના, અબુ સીમકાર્ડના ટુકડા ફેંકવા સંડાસ તરફ ગયો, તેણે ફોન અને ચાર્જર પાછા યુનુસને આપતા કહ્યું જલ્દી આને લીમડા ઝાડ નીચે કપડામાં લપેટી માટીમાં દાટી દે, બેરેકમાં ગમે ત્યારે ચેકીંગ આવી શકે છે, યુનુસ પોતાનો હાથ રૂમાલમાં ફોન અને ચાર્જર મુકી તેને બાંધી દીધા અને લીમડાના ઝાડ નીચે માટી ખોદી તેને દાટી દીધા, મહંમદની સૂચના પ્રમાણે હવે ત્રણ દિવસ સુરંગ ખોદવાનું કામ બંધ હતું, પણ તે કેમ બંધ હતું તેની ખબર ન્હોતી. મહંમદે આ નિર્ણય લીધો તેના બે કારણો હતા, એક તો બે દિવસ પહેલા બે સીપાઈને થોડીક શંકા ગઈ હતી કે બેરેકમાં કઈક ગરબડ છે, પણ યુસુફે ઝઘડો કરી તેમને બેરેકમાં આવતા રોકયા હતા, આ વાત તે પોતાના ઉપરી અધિકારીને ચોક્કસ કરવાના હતા અને બીજુ કારણ એવું હતું કે જ્યારે ડૉ ગૌરાંગ ભટ્ટનો મોબાઈલ ફોન ચોરાયો છે, તેવી ખબર પડશે ત્યારે આખા જેલમાં ચેકીંગ થવાનું હતું, જેના કારણે મહંમદે ત્રણ દિવસ કામ બંધ કરાવી દીધુ હતું, મહંમદ સાચો પડયો, બપોરની બંદી ખુલવાની વાર હતી ત્યારે મહંમદની બેરેકમાં સુપ્રીટેન્ડન્ટ વસાવા પોતાના સ્ટાફ સાથે ચેકીંગમાં આવ્યા, ચેકીંગ આવ્યું છે તેવી ખબર પડતા તેણે પરવેઝને સુઈ જવાની સૂચના આપી હતી... 

(ક્રમશ:)

દીવાલઃ ભાગ-70: મહંમદ જેલર કૌશીક પંડયા સામે ઊભો હતો, પંડયા તેની અરજી સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા