પ્રશાંત દયાળ (દીવાલઃ ભાગ-70): જે સવારે મહંમદે સીપાઈ સાથે અરજી મોકલાવી તે દિવસે બપોરે બંદી ખુલતા એક કેદી સીપાઈ સાથે આવ્યો તેણે મહંમદને કહ્યું જેલર સાહેબ બોલાવે છે, મહંમદ સમજી ગયો, કે જેલર કેમ બોલવી રહ્યા છે. યુનુસે તેની સામે જોયું આંખના ઈશારે મહંમદે કહ્યું ચિંતા કરીશ નહીં હું જઈ આવું છું. તેણે તરત ચંપલ પહેર્યા અને તે સીપાઈ સાથે જેલરને મળવા માટે ઉપડયો. તેનું મન તેને કહી રહ્યું હતું કે તે કઈ પણ રીતે તેની અરજી જેલર પાસે મંજુર કરાવી લેશે. તેની સાથે ચાલી રહેલા સીપાઈના મનમાં બહુ કુતુહલ હતું. તેણે ચાલતા ચાલતા આગળ પાછળ જોયા પછી પુછ્યું, સાહેબે તમને કેમ બોલાવ્યા છે. મહંમદ ચહેરા ઉપર સ્મીત આવ્યું તેણે કહ્યું સાહેબ મને બોલાવવા તમે આવ્યા છો, મને કઈ રીતે ખબર હોય જેલરે મને કેમ બોલાવ્યો છે. મહંમદનો જવાબ સાંભળી સીપાઈને પણ હસવું આવી ગયું, તેણે વાત બદલતા પુછ્યું, નવી બેરેકમાં ફાવી ગયું, મહંમદે કહ્યું ફવડાવવું જ પડને આ થોડું આપણું ઘર છે, તો આપણી ઈચ્છા પ્રમાણે જ બધુ થાય. તેઓ જેલના મુખ્ય દરવાજામાં આવેલી ઓફિસ પાસે આવી ગયા. જયાં એસઆરપીનો પહેરો હોય છે. સીપાઈએ મહંમદ તરફ ઈશારો કરતા કહ્યું જેલરે બોલાવ્યો છે, એક એસઆરપી વાળો ઉભો થયો તેણે મહંમદના પગથી કમર અને છાતીનો સ્પર્શ કરી તેને ચેક કર્યો અને અંદર દાખલ થવાનો ઈશારો કર્યો, જેલરની ઓફિસ આવતા સીપાઈ બહાર ઊભો રહી ગયો તેણે તેને અંદર જવાનો ઈશારો કર્યો, મહંમદે પહેલા દરવાજો નોક કર્યો અને પછી દરવાજો ખોલતા થોડું ડોક્યું કરી પુછ્યું સાહેબ આવું, જેલર પંડયાના હાથમાં ચાનો કપ હતો, તેમણે મહંમદને જોતા કપ ટેબલ ઉપર મુકતા કહ્યું આવો મહંમદ. મહંમદ અંદર આવ્યો, તેણે કહ્યું નમસ્તે સાહેબ, જેલર કૌશીક પંડયાએ પોતાની વિશાળ કાયાને ખુરશીમાં સરખી કરતા હોય તેમ આખા શરીરને હચમચાવી ટેબલ તરફ થોડા આગળ થયા અને ટેબલ ઉપર પોતાના હાથ ટેકવ્યા, મહંમદે પુછ્યું બોલો સાહેબ મને કેમ યાદ કર્યો. 

જેલરે ટેબલ ઉપર પડેલા થોડાકા કાગળોમાં કઈક શોધ્યું અને એક કાગળ તેમાંથી બહાર કાઢી પોતાની સામે મુકતા કહ્યું તે કઈક અરજી કરી છે કેમ... તેમ કહી તે અરજી વાંચવા લાગ્યા, પણ પંડયા પણ ડીપાર્ટમેન્ટલ પ્રમોશન લઈ જેલર થયા હતા તેમને પણ અંગ્રેજી સાથે બાપે માર્યા વેર હતું. તેમણે અંગ્રેજી અરજી જોઈ અંદરથી તો ગુસ્સો આવ્યો, પણ મને અંગ્રેજી આવડતી નથી, તેવું કોઈ પણ ગુજરાતી કબુલ કરી શકતો નથી તેમાંના પંડયા પણ એક હતા. તેમણે અરજી વાંચવાનું કષ્ટ સહન કર્યું, મહંમદ જાણતો હતો કે જેલર અંગ્રેજી વાંચી શકતા નથી. માટે તે મનમાં મઝા લઈ રહ્યો હતો, તેનું ધ્યાન પંડયાની બરોબર સામે લાગેલા ટીવી સ્ક્રીન ઉપર હતું. આ ટીવી જેલમાં લાગેલા સીસીટીવી માટેનું હતું જેલની બેરેકમાં શું થઈ રહ્યું છે તે પંડયા પોતાની ચેમ્બરમાં બેસી જોઈ શકતા હતા. પંડયાનું ધ્યાન વાંચવામાં જતુ ન્હોતુ, જેના કારણે મહંમદ શું કરી રહ્યો છે તે થોડી થોડી વારે જોઈ લેતા હતા. મહંમદ સીસીટીવી જોઈ રહ્યો છે તેવું ધ્યાનમાં આવતા તેમણે ટેબલ ઉપર પડેલુ રીમોર્ટ ઉપાડયુ અને ટીવી સ્ક્રીન ઓફ કર્યા, મહંમદને મનમાં હસવું આવ્ય પણ તે ચહેરા ઉપર હસવુ બતાડી શકતો ન્હોતો. મહંમદની અરજીમાં કઈ જ ખબર પડી નહીં, છતાં પંડયાએ બધી જ ખબર પડી છે તેવો ડોળ કરતા કહ્યું નહીં મહંમદ આ અરજી મંજુર થઈ શકે તેમ નથી. મહંમદને આશ્ચર્ય થયુ કે સાહેબને અરજીમાં શું લખ્યુ છે તે જ ખબર પડી નથી છતાં તે અરજી ના મંજુર કરી રહ્યા છે. મહંમદે કહ્યું સાહેબ પણ મને સમજાવો તો ખરા તમે મારી અરજી નામંજુર કેમ કરો છો. પંડયાએ ગુસ્સો કરતા કહ્યું ના ભાઈ ના તમારી એક પછી એક માગણીઓ વધી રહી છે, હવે હું તમને કોઈ મદદ કરી શકુ તેમ નથી. મહંમદે ઠાવકાઈપુર્વક કહ્યું સાહેબ કઈ વાંધો નહીં, તમે અરજી ના મંજુર કરશો તો મારે કોર્ટને અરજી આપવી પડશે. કોર્ટ શબ્દ સાંભળતા પંડયાના ગાત્રો ઢીલા થઈ ગયા, તેમણે કહ્યું મહંમદ બધી બાબતોમાં કોર્ટમાં અરજી કરવાની વાત વાજબી નથી. મહંમદે કહ્યું સાહેબ આ અમારા ધર્મનો સવાલ છે, તમે તેમાં અમને રોકી શકતા નથી. ધર્મની વાત આવતા પંડયા વધુ ઢીલા પડયા, તેમને થયું પાછો તેમની ઉપર ઈસ્લામ વિરોધી હોવાનો આક્ષેપ થશે તેમણે ફરી અરજી તરફ જોયું, તેમા તેઓ ઈસ્લામ શબ્દ કયાં છે તે શોધી રહ્યા હતા, પણ તેમને તે શબ્દ મળ્યો નહીં, તેમણે નકલી ગુસ્સો કરતા ટેબલ ઉપર હાથ પછાડી પુછ્યું મહંમદ તારે શું જોઈએ છે, મહંમદ કહ્યું સર એક કંપાસ તો માગ્યો છે, કંપાસ માટે આટલી માથાકુટ થઈ રહી છે. પંડયા કઈ સમજી શકયા નહીં, તેમણે કહ્યું તમારે કંપાસ શું કરવો છે હવે કઈ તમે થોડા સ્કુલમાં ભણો છો, મહંમદને સમજ પડી કે સાહેબ કંપાસનો અર્થ સ્કુલના બાળકોના દફતરમાં હોય છે તે કંપાસની વાત કરે છે. તેને ગુજરાતી આવડી ગઈ હતી પણ તેને કંપાસનો ગુજરાતી અર્થ ખબર ન્હોતી તેણે સમજાવતા કહ્યું સાહેબ કંપાસ એટલે આપણે પેલુ ગોળ આવે છેને.. સાહેબ જેનાથી આપણને દિશા ખબર પડે.. પંડયાના ચહેરા ઉપરનો ભાવ જોઈ મહંમદ પણ માથુ ખંજવાળવા લાગ્યો, કંપાસ એટલે શું સાહેબને કઈ રીતે સમજાવવું, મહંમદે ફરી પ્રયત્ન કર્યો, પણ મહંમદ સમજાવી શકયો નહીં અને પંડયા સમજી શકયા નહીં.

તરત પંડયાને યાદ આવ્યું તેમણે પોતાના કાગળોનું કામ સંભાળતા સીપાઈને બોલાવ્યો, સીપાઈ ગ્રેજયુએટ હતો કે પંડયા કરતા પણ વધુ ભણેલો હતો અને હાઈકોર્ટના અંગ્રેજી કાગળો પણ વાંચી લેતો હતો. સીપાઈ આવતા પંડયાએ તેને કહ્યું ભાઈ આ મહંમદ શું કહે છે તે સમજી લેને... મહંમદે તેને સમજાવ્યો કે તેમને કંપાસ જોઈએ છે, સીપાઈ એક મિનિટમાં સમજી ગયો તેણે પંડયાને સમજાવતા કહ્યું સાહેબ તેમને હોકાયંત્ર જોઈએ છીએ, હોકાયંત્ર શબ્દ સાંભળતા પંડયા ચૌંકી ગયા. તેમણે કહ્યું હોકાયંત્ર... તમારે શું કામ છે હોકાયંત્રનું તમે કયાં હોડી ચલાવો છે, મહંમદ મનમાં બબડયો હોડી તો ચલાવીએ છીએ પણ જમીનની અંદર, મહંમદે પોતાની વાત સ્પષ્ટ કરતા કહ્યું સર ઈસ્લામ પ્રમાણે જ્યારે અમે નમાઝ પઢીએ ત્યારે અમારો ચહેરો પવિત્ર કાબા તરફ હોવો જોઈએ, પંડયા માટે કાબા શબ્દ પણ નવો જ હતો. મહંમદે કહ્યું સર જો કાબા તરફ અમારો ચહેરો ના હોય તો અમારી નમાઝ મંજુર થતી નથી. પંડયાએ સીધી વાત પુછતા કહ્યું આપણે ત્યાં કઈ દિશામાં હોવો જોઈએ, મહંમદે કહ્યું અમદાવાદમાં પશ્ચિમ દિશામાં હોવો જોઈએ, પંડયાએ તરત કહ્યું લે ભાઈ આ તરફ સુર્ય ઉગે, તે પુર્વ અને આ તરફ સુર્ય આથમે તે પશ્ચિમ તેમાં હોકાયંત્રથી ક્યાં દિશા જોવાની જરૂર છે. મહંમદને લાગ્યું કે હવે કડક થયા વગર કામ નહીં થાય, તેણે કહ્યું સારૂ સાહેબ તમે અરજી નામંજુર કરો, આતો ઈસ્લામ પ્રમાણે અમારો અધિકાર છે અને દુનિયાની કોઈ પણ સરકાર અમને હોકાયંત્ર આપવાની ના પાડી શકતી નથી માટે તેમને કહ્યું...

(ક્રમશ:)

દીવાલઃ ભાગ-69: મહંમદના કાને કોઈનો મોટેથી બોલવાનો અવાજ સંભળાયો, તે સમજી ગયો કાંઈક ગરબડ થઈ