પ્રશાંત દયાળ (દીવાલ – ભાગ: 7) સવારના સાત થવા આવ્યા હતા. બેરેક ખુલી ગઈ હતી અને બધા પોતાના કામે લાગી ગયા હતા. સવારની ચ્હા પણ આવી ગઈ હતી. યુનુસે જોયુ તો મહંમદ હજી સુઈ રહ્યો હતો. આઠ વર્ષમાં આવુ ક્યારેય થયુ ન્હોતુ કે મહંમદ આટલા મોડા સુધી સુઈ રહ્યો હોય, તે રાતે વહેલો સુઈ જતો અને સૌથી પહેલા ઉઠી જનારમાં તે પહેલો હતો. યુનુસને ચિંતા થઈ તેને લાગ્યુ કે મહંમદ બીમાર તો થયો નથી ને? તે તેની પાસે આવ્યે પોતાના પગ ઉપર ઉભડક બેઠો અને તેણે મહંમદના કપાળ ઉપર હાથ મુક્યો પણ શરીરનું ટેમ્પરેચર તો નોર્મલ હતું. તેને લાગ્યુ કે મહંમદને ઉઠાડવો જોઈએ. એક ક્ષણ તેણે વિચાર કરી તેના ખભા ઉપર હાથ મુકી તે ધીમેથી ઢંઢોળતા અવાજ આપતા કહ્યુ મહંમદ...મહંમદ, પણ તે હલ્યો નહીં. યુનુસને ફાળ પડી, તેણે જરા જોરથી તેને ઢંઢળ્યો અને મોટા અવાજે બોલ્યો મહંમદ.. યુનુસના મોટા અવાજને કારણે બેરેકમાં રહેલા તમામ કેદીઓનું ધ્યાન તેની તરફ ગયુ, પણ બીજી જ ક્ષણે મહંમદે આંખો ખોલી અને તેણે જોયુ કે બધા તેની સામે જોઈ રહ્યા છે અને બાજુમાં યુનુસ બેઠો હતો. તે એકદમ પોતાની પથારીમાં બેઠો થઈ ગયો. હજી તેની આંખોમાં ઉંઘ હોવાને કારણે બેરેકના દરવાજામાંથી આવી રહેલો પ્રકાશ તેની આંખોને આંજી રહ્યો હતો. મહંમદે પરાણે આંખો ખુલી રાખવાનો પ્રયાસ કરતા યુનુસ સામે જોઈ પુછ્યુ કયા હુવા..? યુનુસના શ્વાસમાં શ્વાસ આવ્યો તેને લાગ્યુ કે મહંમદને કંઈ થયુ નથી. 

વાતનો અંત લાવતા યુનુસે સામો પ્રશ્ન કરતા પુછ્યુ કિતના સોના હૈ ? ઉઠના નહીં હૈ? મહંમદે આજુબાજુ નજર ફેરવી અને બેરેકની બહાર નજર કરી કેટલા વાગ્યા તે જાણવાનો પ્રયાસ કર્યો. યુનુસે તેની તરફ જોયુ અને ઉભા થતાં કહ્યુ સાત બજગયે મેજર ઉઠ જાઓ ચાય ભી આ ગઈ હૈ. મેં ચાય લેકે આતા હુ, મુંહ ધોલો... મહંમદ વિચાર કરવા લાગ્યો. સાત વાગી ગયા, ખબર જ પડી નહીં. આટલી બધી કેમ ઉંઘ આવી ગઈ, કદાચ જેલમાં આવ્યા પછી તો ઉંઘ ઓછી થઈ ગઈ હતી પણ પહેલી વખત તે સાત વાગ્યા સુધી સુતો રહ્યો હતો. દરરોજ કરતા મન આજે ખુબ શાંત હતુ અને કંઈક સારૂ લાગી રહ્યુ હતું. જેલમાં આવ્યા પછી જીવનમાં સારૂ થશે તે તો લગભગ ભુલાઈ જ ગયુ હતું. છતાં એક એવો ભાસ થઈ રહ્યો હતો કે સારૂ થવાની શરૂઆત થઈ ગઈ છે. તરત બીજી જ ક્ષણે વિચાર આવ્યો વળી જેલમાં સારૂ કઈ રીતે થાય? મનમાં એક સાથે અનેક વિચારો આવતા અને જતા હતા. મહંમદનું મગજ કોમ્પ્યુટર કરતા પણ વધુ ઝડપે ચાલી રહ્ય હતું. તે હજી બધા વિચાર પથારીમાં બેઠા બેઠા જ કરતો હતો એટલી વારમાં યુનુસ ચ્હા લઈ પાછો બેરેકમાં પાછો આવ્યો તેને બહુ આશ્ચર્ય થયુ. હજી મહંમદ પથારીમાં જ બેઠો હતો તેણે મહંમદની બાજુમાં ચ્હાનો ગ્લાસ મુકતા કહ્યુ મહંમદ અબ તો ઉઠો.. મહંમદ એકદમ વિચારમાંથી પાછો ફર્યો અને ઉભો થઈ બ્રશ સાથે બેરેકના બાથરૂમ તરફ ગયો. થોડીવારમાં બ્રશ કરી પાછો આવ્યો અને ચ્હાનો ગ્લાસ લઈ તે ચુસકી મારતો મારતો બેરેકની બહાર જઈ ખુલ્લા મેદાનની વચ્ચે રહેલા વૃક્ષ નીચે સીમેન્ટના ઓટલા ઉપર જઈને બેઠો. ત્યાંથી પસાર થતાં કેદીઓ મહંમદ સામે સલામ-દુઆ કરતા હતા. મહંમદ માત્ર હાથ ઉંચો કરી સલામનો જવાબ આપતો હતો પણ તે વાત તો પોતાની સાથે જ કરી રહ્યો હતો. થોડીવાર સુધી તે ઓટલા ઉપર બેઠો રહ્યો અને પછી બેરેકમાં આવી જલદી જલદી ન્હાવા માટે જતો રહ્યો હતો, તે તૈયાર થઈ ગયો હતો, તે કોઈની રાહ જોઈ રહ્યો હતો. તેના સાથીઓ તેનો વ્યવહાર જોઈ રહ્યા હતા. આજે મહંમદ રોજ કરતા જુદો વ્યવહાર કરી રહ્યો હતો પણ આવુ તે કેમ કરે છે કોઈને ખબર પડી નહીં. મહંમદે રાતના સુઈ જવાની પહેલા જે વિચાર આવ્યા તે બધા યાદ કરી લીધા હતા.

મહંમદ જેની રાહ જોઈ રહ્યો હતો તે આવ્યા, જેલરની ઓફિસમાં કામ કરતો એક વોર્ડન બેરેક ઉપર આવ્યો, તેને બેરેક વોર્ડને કહ્યુ મહંમદને જેલર પંડ્યા સાહેબ યાદ કરી રહ્યા છે. મહંમદ પોતાના બુલાવાની રાહ જોતો હતો, તે જેલર ઓફિસના વોર્ડન સાથે ચાલવા લાગ્યો. સુપ્રીટેન્ડન્ટ ઓફિસનો આદેશ હતો કે મહંમદ અને તેના સાથીઓ વોર્ડન અથવા જેલ સિપાઈ વગર બેરેકની બહાર નિકળશે નહી તેના કારણે મહંમદની સાથે એક વોર્ડન ચાલી રહ્યો હતો. મહંમદ આ પ્રકારે કામ માટે અનેક વખત પોતાના વોર્ડની બહાર નિકળ્યો હતો પણ જે જેલમાં તે છેલ્લાં આઠ વર્ષથી રહેતો હતો તે જેલ તે પહેલી વખત જોઈ રહ્યો હતો તેવુ તેને લાગી રહ્યુ હતું. તે પોતાની બેરેકથી જેલર ઓફિસ તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં હનુમાનજી એક દેરી જે કોઈક કેદીએ જ બનાવી હતી તેની પાસે બે-ત્રણ કેદીઓ દિવાબત્તી કરી રહ્યા હતા તેમની સામે જોયુ. મહંમદે બહુ સરળતાથી તેમની સામે જોયુ અને એક હાસ્ય પણ આપ્યુ, પણ તેઓ બહુ આશ્ચર્યથી મહંમદ સામે જોઈ રહ્યા હતા. તેમના ચહેરા ઉપર કોઈ હાવભાવ બદલાયા નહીં, એક કેદીએ બીજા કેદીના કાનમાં મહંમદ તરફ ઈશારો કરી કહ્યુ, તે કેદી પણ હાથમાં સળગી રહેલી અગરબત્તી પકડી મહંમદ તરફ જોઈ રહ્યો હતો. આવુ અનેક વખત થતુ હતું. મહંમદ અને તેના સાથીઓ જ્યારે પણ વોર્ડની બહાર નિકળે ત્યારે બીજા વોર્ડના કેદીઓ એક વિચિત્ર નજરે જ તેમની સામે જોતા હતા. સામાન્ય રીતે હિન્દુ કેદીઓ તો મહંમદ એન્ડ કંપની સાથે વાત જ કરતા ન્હોતા. જો કોઈ હિન્દુ કેદી વાત કરે તો  યુસુફ મઝાક કરતો કહેતો કે આજ હમ પર અલ્લાહ મહેરબાન હો ગયા લગતા હૈ.

કાચી કેડી પાર કરી જેલની બરાબર વચ્ચે આવેલા ઓપનએર થીયેટર પાસે તેઓ આવી ગયા. થીયેટરને અડીને આવેલા મેદાનમાં જેલ સીપાઈ અને કેદીઓ વોલીબોલ રમી રહ્યા હતા. મહંમદ પાકા રસ્તા ઉપરથી પસાર થઈ મહિલા બેરેક અને તિલક ખોલી પાર કરી જેલના મુખ્ય દરવાજા સુધી આવ્યો. વિશાળ દરવાજાની અંદર તમામ જેલ અધિકારીઓની ઓફિસો આવેલી હતી. જેલર ઓફિસના વોર્ડને દરવાજામાં દાખલ થતાં મહંમદ તરફ ઈશારો કરતા સંત્રી ડ્યુટીમાં હાજર એસઆરપી જવાનને કહ્યુ જેલર સાહેબની ઓફિસમાં જવાનું છે, તે જવાને પણ મહંમદ સામે શંકાભરી નજરે જોયુ. મહંમદ બેરેકમાંથી નિકળ્યો ત્યારે પોતાના સાથીઓને કંઈ પણ કહ્યા વગર નિકળ્યો હતો જેના કારણે તેઓ પણ વિચારમાં હતા કે જેલરે મહંમદને કેમ બોલાવ્યો હશે? પણ મહંમદ એટલો ઉત્સાહમાં હતો કે તે કેમ જઈ રહ્યો છે તે કહેવા માટે પણ ત્યાં રોકાયો નહીં. મહંમદ અને વોર્ડન જેલર કૌશિક પંડ્યાની ચેમ્બરમાં દાખલ થયા. પંડ્યાએ મહંમદને જોતા જ કહ્યુ ચલો દેર આયે દુરસ્ત આયે, જિંદગીમાં સારી શરૂઆત ગમે ત્યારે થઈ શકે છે. મહંમદે પોતાનો જમણો હાથ ઉંચો કરી જેલર પંડ્યાને સલામ કરતા કહ્યુ સાહેબ તમારી મહેરબાની હશે તો બધુ સારૂ જ થશે. પંડ્યા જાણે ફરજ નિષ્ઠ અધિકારી હોય તેમ કહ્યુ અરે ભાઈ અમારૂ કામ જ તમને સુધારવાનું અને સારા માર્ગે લાવવાનું છે. મહંમદે મનમાં પંડ્યાને એક મોટી ગાળ આપી પણ મહંમદના ચહેરા ઉપર પંડ્યા માટે આભારનો ભાવ હતો. (ક્રમશ:)