પ્રશાંત દયાળ (દીવાલઃ ભાગ-69): શનિવારનો દિવસ હતો, યુનુસે સુરંગ ખોદતી વખતે આવી રહેલી ત્રણ સમસ્યા અંગે મહંમદને શુક્રવારના દિવસે કહ્યું તે રાતે મહંમદ સુઈ શકયો જ ન્હોતો તેના મનમાં સતત તેના વિચારો આવી રહ્યા હતા. પહેલી સમસ્યા સુરંગમાં દિશાની ખબર પડતી ન્હોતી, તેનો ઉપાય તો મળી ગયો હતો, પણ તે કામ માટે સોમવારની રાહ જોવી પડી તેમ હતી. મહંમદે કહ્યું હતું કે સોમવારે આપણામાંથી કોઈ એક બીમાર પડશે, જ્યારે બીજી એક સમસ્યાનો રાતે ખુબ વિચાર કર્યા પછી તેનો હલ તો મળ્યો હતો પણ જેલવાળા તે માનશે કે નહીં તેની પાક્કી ખબર ન્હોતી. શનિવારની સવારે તે ઉઠયો અને ન્હાઈ-ધોઈ તે કાગળ પેન લઈ કઈ લખવા બેઠો, તે ધ્યાનપુર્વક સારા અક્ષરે કઈક લખી રહ્યો હતો. રોજના નિયમ પ્રમાણે આજે અબુ રીયાઝનો વારો હતો સુરંગમાં જવાનો તે અંદર જતા રહ્યા. પરવેઝ અને યુસુફ નજર રાખવા માટે વોર્ડન સાથે ગપ્પા મારી રહ્યા હતા, બેરેકમાં મહંમદ અને યુનુસ બંન્ને જ હતા, યુનુસનું ધ્યાન મહંમદ તકફ હતું પણ મહંમદને તેની ખબર ન્હોતી. ત્યારે મહંમદ અને યુનુસના કાને કોઈના મોટા અવાજે બોલવાનો અવાજ સંભળાયો, તેમણે ધ્યાન દઈ તે અવાજ સાંભળ્યો તો તે અવાજ પરવેઝ અને યુસુફનો હતો તે કોઈની સાથે ઝઘડો કરી રહ્યા હોય તેવું લાગ્યું, મહંમદ અને યુનુસ વિચાર કરવા લાગ્યા કે શું થયુ હશે, પણ એક સાથે તે બંન્નેને એક સરખો વિચાર આવ્યો, તેમણે એકબીજા સામે જોયું અને બહારની તરફ દોડયા, તેમની શંકા સાચી ઠરી, તેમના વોર્ડના દરવાજે બે સીપાઈ આવ્યા હતા, તેઓ બેરેક ચેક કરવા અંદર દાખલ થાય તે પહેલા નક્કી થયા પ્રમાણે તેમને અંદર પ્રવેશ કરતા રોકવા માટે યુસુફ અને પરવેઝે બહાનું ઊભુ કરી ઝઘડો શરૂ કર્યો હતો.

બે સીપાઈ સાથે યુસુફ મોટા અવાજે વાત કરી રહ્યો હતો, યુસુફે સીપાઈને કહ્યું તમારે જો ખરેખર કામ કરવું હોય તો તમારી પાસે ઘણા કામ છે, પણ તમારે તો અમને હેરાન જ કરવાનું કામ કરવું છે, એક સીપાઈએ ગુસ્સામાં કહ્યું, યુસુફ તારી મર્યાદામાં વાત કર, તું મને અમારૂ કામ શીખવાડીશ નહીં, અમે અમારૂ કામ જ કરવા આવ્યા છીએ. પરવેઝે પેલા સીપાઈને સામો જવાબ આપતા કહ્યું અમને બળેલી રોટલી અને વધારે મરચુ નાખેલી દાળ આપવાનું તમારૂ કામ છે કેમ, પેલો સીપાઈ બચાવાત્મક સ્થિતિમાં આવી ગયો. પેલા સીપાઈએ કહ્યું અરે બળેલી રોટલીની વાત કયાં અહીં આવી, અમે તો ચેકીંગ કરવા નિકળ્યા છીએ. યુસુફને કહ્યું સાહેબ અમે તમને એ જ સમજાવીએ છીએ કે અમારૂ જમવાનું પણ તમે સારી રીતે ચેક કરતા જાવ, કોર્ટમાં અમે તમારી ફરિયાદ કરી પછી તમે હવે અમને વધુ હેરાન કરવા લાગ્યા છો. સીપાઈ ગુસ્સે થઈ ગયો તે યુસુફ ઉપર લાકડી ઉગામવા જતો ત્યાં મહંમદે તેની લાકડી પકડી લેતા કહ્યું સાહેબ શું કામ ગુસ્સો કરો છો, જે કઈ હોય તમે મને કહો, મારી સાથે વાત કરો, સીપાઈને હવે વધુ જોર ચઢયુ. તેમણે મહંમદને કહ્યું આ લંગડા અને બટકાની કાયમ માથાકુટ હોય, મહંમદ સમજી ગયો હતો કે ગરબડ ક્યા થઈ છે, આ સીપાઈ બેરેક તરફ આવી રહ્યા હતા, તેના કારણે તેમની સાથે ઝઘડો કરી તેમને વોર્ડના દરવાજા પર અટકાવી દેવામાં આવ્યા હતા. મહંમદ પણ જાણતો હતો કે તે ચેકીંગ દરમિયાન અબુ અને રીયાઝ કયાં છે તેવું પુછે તો મુશ્કેલી વધી શકે તેમ હતી, મહંમદ એક જુગાર રમવા જોઈ રહ્યો હતો. 

તેણે બન્ને સીપાઈને સારૂ લગાડવા માટે યુસુફ અને પરવેઝ ઉપર ગુસ્સો કરતા કહ્યું તમારી આ કાયમની તકલીફ છે, તમને ખબર છે, આ સાહેબ કાંઈ પોતાની ઈચ્છાથી થોડા અહીં આવ્યા છે તેમને સાહેબનો ઓર્ડર હશે, માટે તેઓ ચેકીંગમાં આવ્યા હશે તેમને પણ તેમની નોકરી કરવાની કે નહીં, પછી સીપાઈ સામે જોતા કહ્યું સાહેબ માફ કરજો, તેમને તમે તમારૂ કામ કરો, તેમ કહેતા રસ્તાની એક તરફ જતા તેણે સીપાઈને અંદર આવવાનો ઈશારો કર્યો, મહંમદ સીપાઈને સામે ચાલી ચેકીંગનું કહેતા સીપાઈ એકબીજા સામે જોવા લાગ્યા, યુનુસને ફાળ પડી જો મહંમદ કહી રહ્યો છે તે પ્રમાણે તે બેરેકમાં આવશે તો બબાલ થવાની જ છે, પણ મહંમદનો આઈડીયા આ વખતે તો સફળ થયો, એક સીપાઈએ જાણે મહંમદ ઉપર ઉપકાર કરતો હોય તેમ કહ્યું, ભાઈ અમને પણ શોખ નથી. તમને હેરાન કરવાનો, પછી તેણે યુસુફને સંબોધતા કહ્યું જુઓ કોઈ સાથે કેવી રીતે વાત કરવી તમે મહંમદભાઈ પાસેથી શીખો, કાયમ હડકાયા કુતરાની જેમ અમારી તરફ આવી જાવ છો. હડકાયા કુતરા શબ્દ યુસુફને ગમ્યો નહીં, તે સામો જવાબ આપવા જતો હતો, પણ યુનુસે તેને હાથ પકડી ચુપ રહેવાનું કહ્યું. પેલા સીપાઈએ મહંમદ સાથે હાથ મીલાવી ચેકીંગ કર્યા વગર પાછા જઈ રહ્યા હતા, ત્યારે મહંમદને કઈક યાદ આવ્યું તેણે કહ્યું સાહેબ મારૂ એક કામ કરશો. સીપાઈ જવા માટે ઉપાડેલા પગ રોકતા કહ્યું બોલેને ભાઈ, મહંમદે એક કાગળ ખીસ્સામાં કાઢયો, જે તે થોડીવાર પહેલા જ લખી રહ્યો હતો. તેણે સીપાઈને આપતા કહ્યું આ જેલર સાહેબને આપવાનો છે, સીપાઈએ કાગળ હાથમાં લીધો એટલે મહંમદે કહ્યું એક વિનંતી લખી છે. સીપાઈએ કાગળ ખોલ્યો અને વાંચવનો પ્રયત્ન કર્યો, પણ કાગળ ઈગ્લીશમાં હોવાને કારણે તેને ખાસ ખબર પડી નહીં, પણ તેણે પોતાના ચહેરા ઉપર ખબર પડી નથી તેવો ભાવ લાવ્યા વગર કહ્યું અરે આતો સામાન્ય કામ છે થઈ જશે, યુનુસ, પરવેઝ અને યુસુફને તો ખબર ન્હોતી કે મહંમદ કઈ વિનંતીનો કાગળ આપી રહ્યો છે, જ્યારે સીપાઈને કશી જ ખબર પડી ન્હોતી છતાં તે વિશ્વાસપુર્વક કહી રહ્યો હતો કે કામ થઈ જશે.

 બન્ને સીપાઈઓ ત્યાંથી જેલની મુખ્ય ઓફિસ તરફ જવા માટે રવાના થયા, મહંમદ, યુનુસ અને પરવેઝ-યુસુફ તેમને જતા જોઈ રહ્યા હતા. આ ઝઘડો થયો ત્યારે જે કેદી વોર્ડનની ભૂમિકામાં ત્યાં હાજર હતો તે ડઘાઈ જ ગયો હતો. તેની સ્થિતિ એવી હતી કે તે સીપાઈ અથવા કેદી કોઈનો પક્ષ લઈ શકતો ન્હોતો. મહંમદે તેની સામે જોયું તેણે મહંમદને સલામ કરી, આપ પણ જેલના કેદીઓના એક જુથમાં મહંમદનું માન સમજુ અને શિક્ષીત કેદી તરીકે હતું, મહંમદે પોતાના સાથીઓને આંખનો ઈશારો કરી અંદર આવવા કહ્યું પહેલા યુનુસ નિકળ્યો અને ત્યાર પછી પરવેઝ અને યુસુફ પણ બેરેકમાં આવ્યા, તે બંન્ને અંદર આવતા મહંમદે તેમને સામે જોતા કહ્યું લંગડે ઔર યુસુફના પરફોર્મસ અચ્છા રહા, તેમણે જે રીતે ખોટો ઝઘડો ઊભો કરી સીપાઈને અંદર આતા રોકયા તે ખુબ સારૂ કામ હતું, મહંમદે કહ્યું લેકીન હર બાર યહ ફંડા ચલેગા નહીં, કોઈ દુસરા આઈડિયા ભી કરના હોગા, હર બાર હમ ઉન્હે રોકેંગે તો શક બ­ઢ જાયેગા. યુનુસનું મન બીજા વિચારમાં હતું, તેણે મહંમદને પુછ્યું મેજર તમે પેલા જેલ સીપાઈને કઈ બાબતની અરજી આપી, મહંમદે ટેવ પ્રમાણે આસપાસ જોયું અને પછી ચહેરા ઉપર એક સ્મીત લાવતા કહ્યું કંપાસની માગણી કરી છે, કંપાસ શબ્દ સાંભળતા યુનુસે કહ્યું મેજર તમારૂ ફરી તો નથી ગયુંને...

(ક્રમશ:)

દીવાલઃ ભાગ-68: આતંકીઓએ પ્લાનીંગથી એક સાગરિતને જાણી જોઈને બિમાર પાડ્યો, પતંગ દોરાથી લીધું સુરંગનું માપ