પ્રશાંત દયાળ (દીવાલઃ ભાગ-68): પાંચ મહિના પહેલા જ્યારે જેલમાં પતંગ કપાઈને આવી ત્યારે મહંમદે તેનો દોરો તોડી રાખ્યો હતો, ત્યારે તો ખુદ મહંમદને પણ ખબર ન્હોતી કે દોરો શું કામ આવશે, પણ તે પોતાનો સામાન જોઈ રહ્યો હતો ત્યારે તેના હાથમાં તે દોરો આવ્યો, થોડીવાર પછી તેણે દોરો ખીસ્સામાં મુક્યો હતો, યુનુસ ટનલ્સ એન્જીનિયરીંગ વાંચી આવ્યો હતો તે પ્રમાણે હવે કામ સારી રીતે ચાલી રહ્યું હતું, હવે સુરંગની ઉપરના ભાગેથી માટી પણ પડી રહી ન્હોતી, પણ કેટલી લાંબી સુરંગ ખોદવી પડશે તે નક્કી ન્હોતું, જો કે મહંમદના મનમાં તો આ વિચાર આવી ગયો હતો, પણ તે દિવસે તેણે પોતાના સામાનમાં પતંગનો દોરો જોયો અને પછી તેણે નક્કી કર્યું કે આ દોરો તેને કામ આવશે, બીજા દિવસે જ્યારે રોજ પ્રમાણે જેલ ખુલી અને બધા કામ કરી રહ્યા હતા, તેણે પતંગના દોરાના એક છેડે પથ્થર બાંધ્યો, જેની દેશી ભાષામાં લંગસ કહીએ તેવું તેણે લંગસ બનાવ્યું તેણે ચારે બાજુ જોયુ અને પછી તેણે બેરેકની પાછળ તરફ જેલની મુખ્ય દિવાલની ઉપર લાગેલા ઈલેટકટ્રીક તાર સુધી લંગસ જાય એટલી તાકાતથી લંગસ ફેંકયુ, પહેલો જ પ્રયત્ન સફળ થયો, લંગસ તારમાં જઈ ફસાઈ ગયું, તેણે દોરાને પોતાના તરફ ખેંચયો, પણ પથ્થર સાથે દોરીનો ભાગ તારમાં લપેટાઈ ગયો હતો, તેણે પહેલા દોરી ટાઈટ કરી અને પછી પોતાની તરફ વધેલો દોરીનો ભાગ તોડી નાખ્યો હતો એક છેડો તારમાં ફસાયેલો હતો અને બીજો છેડો તેના હાથમાં હતો, તે ધીરે ધીરે દોરી ઉપર જોર વધારવા લાગ્યો તે દોરીને ખેંચી રહ્યો હતો અને એકદમ તારમાં ફસાયેલી દોરી તુટી અને તેની તરફ આવી , તેણે બધી દોરી પોતાની તરફ બેરેકમાં ખેચી લીધી, ત્યાર પછી તેણે જેમ કાપડ માપનાર વેપારી એક મીટરનું માપ લેવા માટે પોતાના હાથને લાંબો કરી હાથમાં પંજાથી તે જ હાથની સીધાણમાં ખભા સુધી કાપડનું માપ લે તેવી રીતે મહંમદે માપી તો પુરા બાંસઠ હાથ દોરી થઈ, તેણે સાદુ ગણીત મનમાં માંડયુ તે અંદાજે બસો ફુટ કરતા લાંબી સુરંગ ખોદવાની હતી, તેણે બાજુમાં ઉભા રહેલા યુનુસને પુછ્યું કેટલાં ફુટ ખોંદાઈ છે, તેણે મનમાં વિચાર કરી કહ્યું ત્રીસ ફુટ થઈ હશે, મહંમદે બીજો સવાલ પુછ્યો આપણે રોજ કેટલુ ખોદી શકીએ છીએ, યુનુસે અંદાજે કહ્યું અઢીથી ત્રણ ફુટ જેટલી, મહંમદ મનમાં ગણિત માંડવા લાગ્યો, બસોમાંથી ત્રીસ કાઢી નાખો એટલે એકસો સીત્તેર ફુટ બાકી રહ્યા, રોજ ત્રણ ફુટ ગણીએ તો મહિને એકસો નેવું ફુટ ખોદાય, હવે બાકી રહ્યું હતું તો એકસો સીત્તેર ફુટ, મહંમદના ચહેરા ઉપર ચમક આવી, યુનુસે પુછ્યું શું થયુ મેજર, તેણે તેના ખભા ઉપર હાથ મુકી પંજો મજબુત કરતા ધીમા અવાજે કહ્યું તો આપણે દોઢ બે મહિનામાં બહાર નિકળી જઈશું.

પણ યુનુસના ચહેરા ઉપર જરા પણ ઉત્સાહ આવ્યો નહીં, તેનો ચહેરો ગંભીર જ રહ્યો, મહંમદને સમજાયુ નહીં જેલની બહાર નિકળવાની વાત યુનુસને કેમ રાજી કરી શકી ન્હોતી. મહંમદે પુછ્યું કેપ્ટન શું વાત છે. યુનુસે આસપાસ કોઈ ન્હોતું છતાં ટેવ પ્રમાણે આસપાસ જોઈ કહ્યું મેજર હજી બે સમસ્યા છે, હજી આપણે ત્રીસ ફુટ જ ગયા છીએ, પણ અંદર ખુબ અંધારૂ હોય છે, આપણે અંદાજથી જ કામ કરીએ છીએ બીજી સમસ્યા જે મને અત્યારે લાગી રહી છે કે આપણે ખોદીએ છીએ તેની દિશા બરાબર છે કે નહીં તે અંગે મને શંકા છે, બહારથી આપણને બધુ બરાબર લાગે છે, પણ અંદર દિશાનું ભાન રહેતુ નથી, કયાંક આપણે વિરૂધ્ધ દીશામાં અથવા જેલની બહાર જવાને બદલે બીજી જ કોઈ દિશામાં ખોદતા રહીશું તો મહેનત ઉપર પાણી ફરી જશે. મહંમદ વિચાર કરવા લાગ્યો, યુનુસ જે કહી રહ્યો હતો તે વાતમાં દમ હતો, હજી તો મહંમદને બે સમસ્યાનો હલ મળ્યો ન્હોતો, ત્યાં યુનુસે કહ્યું મેજર એક ત્રીજી સમસ્યા પણ છે, પણ મને લાગે છે તેનો કોઈ રસ્તો નથી આપણે તેની ટેવ પાડી લેવી પડશે, મહંમદ તેની સામે જોવા લાગ્યો, યુનુસે કહ્યું હવે ઓકસીઝન લેવલ અંદર ઘટી રહ્યું છે, ત્રીસ ફુટમાં જો એકસીઝન પુરતા પ્રમાણમાં નથી તો આપણે જેમ જેમ આગળ જતા જઈશુ તેમ તેમ તકલીફ વધતી જશે, આવી ટનલોમાં કામ કરનાર ઓકસીઝન બોટલ પોતાની સાથે લઈ જતા હોય છે. ત્રણ સમસ્યા ગંભીર હતી, પણ મહંમદનો સ્વભાવ હતો કે તે જલદી હાર માનતો ન્હોતો. તે કઈ પણ બોલ્યા વગર બેરેક પાસેથી ચાલતો ચાલતો લીમડાના ઝાડ પાસે ગયો અને ઓટલા ઉપર જઈ ચુપચાપ બેસી ગયો. યુનુસ હજી બેરેક પાસે જ ઊભો હતો, તે મહંમદને થોડા સમયની એકાંત આપવા માગતો હતો, તેને ખબર હતી મહંમદ જ્યારે પણ એકલો બેસે છે ત્યારે તે વધુ સારી રીતે વિચારી શકે છે. 

મહંમદ ઓટલા ઉપર જઈ બેઠો, તેના મગજમાં ધમાસાણ ચાલી રહ્યું હતું, તેણે લીમડાની ડાળ ઉપરથી તુટેલી લીમડાની પાતળી લાકડી પકડી અને વિચારવા લાગ્યો, તેણે જમીન ઉપર માટીમાં એકડો લખ્યો અને તેની સામે કઈક નોંધ કરી, માટીમાં તેણે શું લખ્યું તેની તેને જ ખબર હતી. આમ તેણે બગડો કર્યો અને ત્યાર પછી તગડો કર્યો, તે પોતાના મનમાં આવી રહેલા વિચાર માટીમાં લખી રહ્યો હતો, ક્યારેક તે જમીન ઉપર લખતો અને પછી તરત પોતાના પગથી માટીમાં લખેલુ ભુસી નાખતો અને ફરી લખતો હતો, ક્યારેક તેને મળતો ઉત્તર સાચો લાગતો અને બીજી જ ક્ષણ તેના પોતાના ઉત્તર સાથે તે પોતે જ અસંમત્ત થતો હતો, આવુ અડધો કલાક સુધી ચાલતું રહ્યું, તે દિવસે સુરંગમાં યુસુફ અ પરવેઝ કામ કરી રહ્યા હતા યુસુફ ખોદવાનું કામ કરતો હતો અને પરવેઝ માટી કાઢવાનું કામ કરતો હતો, મહંમદને સૂચના આપી હતી કે પરવેઝ ક્યારેય પણ સુરંગમાં જઈ કામ કરશે નહીં કારણ તેના એક પગમાં પોલીયોની અસર હોવાને કારણે તે લંગાડાતો હતો. આવી સ્થિતિમાં તે સુરંગમાં કામ કરે તે મહંમદને સારૂ લાગતુ ન્હોતું, જો કે યુસુફ અને પરવેઝ વચ્ચે અહીં પણ મસ્તી મઝાક ચાલ્યા કરતા હતા. યુસુફ ખોદતો હોય ત્યારે તે પરવેઝને કહેતો પરવેઝ તુ લંગડાની એકટીંગ કરે છે તેમાં તને આ ફાયદો મળી રહ્યો છે. આ તરફ સુરંગમાં કામ ચાલી રહ્યું હતું ત્યારે મહંમદ ઝાડ નીચે બેસી વિચાર કરી રહ્યો હતો, તેણે અચાનક યુનુસને ઈશારો કરી પોતાની પાસે બોલાવ્યો અને પુછ્યું યુનુસ આપણી હોસ્પિટલમાં ક્યારે ગર્દી વધારે હોય છે, જેલમાં કેદીઓ માટેની એક હોસ્પિટલ હતી, યુનુસે કહ્યું સોમવારે કેમ.. મહંમદે કહ્યું કઈ નહીં, પણ રવિવારે રાતે આપણામાંથી કોઈ એક બીમાર થશે અને સોમવારે આપણે તેને જેલની હોસ્પિટલમાં લઈ જઈશું, યુનુસને કઈ જ ખબર પડી નહીં અહીં બધા હટ્ટાકટ્ટા હતા તો પછી બીમાર કેમ પડવાનું હતું. મહંમદે યુનુસ સામે જોતા કહ્યું કેપ્ટન કોઈ બીમાર થશે તો આપણા ત્રણમાંથી એક પ્રશ્નનો ઉકેલ આવી જશે.

(ક્રમશ:)

દીવાલઃ ભાગ-67: ‘યુનુસભાઇ સુરંગમાં એસી ફિટ થાય તેવું કરો, આપણો લંગડો લંડનમાં જન્મેલો છે’