પ્રશાંત દયાળ (દીવાલઃ ભાગ-67): ક્લાસ પુરો થયો, પોલીસનો જાપ્તો મહંમદ અને તેમના સાથીઓને લઈ નિકળ્યો પણ તેમાં યુનુસ સામેલ ન્હોતો. કારણ યુનુસ લાયબ્રેરીમાં જવા માગતો, યુનુસ સાથે બે સિપાઈ હતા, છુટા પડતી વખતે મહંમદે આંખના ઈશારે પુછ્યું શું મામલો છે, ત્યારે તો યુનુસને પણ ખબર ન્હોતી કે તે જે શોધવા જઈ રહ્યો છે તે તેને મળશે કે નહીં, પણ તે પાંચ વર્ષ પહેલા તે જેલની લાયબ્રેરીમાં ગયો હતો ત્યારે તેણે એક પુસ્તક જોયું હતું. ખબર નહીં હવે તે પુસ્તક ત્યાં હશે કે નહીં અને હશે તો તેને મળશે કે નહીં તેની પણ તેને ખબર ન્હોતી. એટલે મહંમદને આંખના ઈશારે પુછ્યું કે શું કરવા જઈ રહ્યો છે ત્યારે તેને ખુદને જ ખબર ન્હોતી કે તે શું કરવા જઈ રહ્યો છે. જેલની લાયબ્રેરી વૈભવી હતી ત્યાં દુનિયાભરના પુસ્તકો હતા, પણ તે પુસ્તકો વાંચનાર બહુ ઓછા હતા. અનેક પુસ્તકો જેલ પોતે ખરીદતી હતી જ્યારે હજારો પુસ્તકો દાનમાં પણ મળતા હતા. એક સિપાઇ યુનુસની આગળ અને એક સિપાઇ તેની પાછળ ચાલી રહ્યો હતો, આ બંન્ને સિપાઇના મનમાં બીજી તો કઈ શંકા ન્હોતી પણ તેમને ડર હતો કે ક્યાંક તે ભાગવાનો પ્રયત્ન કરે નહીં, તેના કારણે તેની આગળ પાછળ સિપાઇ ચાલતા હતા. તેમના હાથમાં હથિયારને નામે માત્ર લાકડી હતી, કારણ જેલ મેન્યુઅલ પ્રમાણે લાકડી સિવાય અન્ય કોઈ હથિયાર જેલમાં લાવી શકાય નહીં. તેઓ લાયબ્રેરીમાં પહોંચ્યા ત્યારે જેલના લાયબ્રેરીયન સાથે લાયબ્રેરી સંભાળતા બે કેદીઓ બેઠા હતા. સિપાઇએ તેમને કહ્યું સાહેબની સૂચના છે કે તેમને લાયબ્રેરીનો ઉપયોગ કરવા દેજો, ત્યાં બેઠેલો કેદી ઊભો થયો. તેણે યુનુસને પુછ્યું કયા વિષયના પુસ્તકો જોવા છે, યુનુસ મનોમન બબડયો.. તને વિષય કહી શકાય તેમ નથી, પણ તેણે તરત કહ્યું મને વિષય તો ખબર નથી મેં ઘણા ટાઈમ પહેલા એક પુસ્તક જોયુ હતું. વાંધો નહીં તમે બેસો હું શોધી લઈશ, યુનુસ ત્યાર પછી એક પછી એક રેક ચેક કરી રહ્યો હતો, પેલો કેદી તેની સાથે ફરી રહ્યો હતો. યુનુસને હતું કે આ પોતાની જગ્યા ઉપર બેસે તો સારૂ.

કેદી થાકે તે માટે અડધો કલાક સુધી યુનુસ કામ વગરના પુસ્તકો ફંફોળી રહ્યો હતો, યુનુસનો અંદાજ સાચો પડયો. પેલો કેદી થાકીને લાયબ્રેરીયન પાસે જઈને બેસી ગયો. યુનુસે યાદ કરવાનો પ્રયત્ન કર્યો કે તેણે પાંચ વર્ષ પહેલા જે પુસ્તક જોયુ હતું ત્યારે કયા રેંકમાં હતું, તેને મહંમદ ઉપર પણ ગુસ્સો આવી રહ્યો હતો, મહંમદે પાંચ વર્ષ પહેલા જો આ કામ કરવાનું નક્કી કર્યું હોત તો સારૂ થતું, યુનુસ એકલો એકલો પોતાની સાથે વાત કરતો હતો આખરે તેને જે રેંકની શોધ હતી ત્યાં પહોંચી ગયો તેનું ધ્યાન તે શોધી રહ્યો હતો તે પુસ્તક ઉપર પડયુ, તેણે પાછળ વળી જોઈ લીધુ કે કોઈ તેની સામે જોઈ તો નથી રહ્યું તેણે તે પુસ્તક રેકમાંથી બહાર કાઢયું તે અંગ્રેજી પુસ્તક હતું, તેનું નામ હતું વન્ડર્સ ઓફ એન્જીનિયરીંગ તેણે પુસ્તક ઝડપથી બહાર કાઢયુ, તેણે અનુક્રમણીકા જોઈ 182ના નંબર ઉપર ટનલ્સ નામું પ્રકરણ હતું, તેણે 182મું પાનુ ખોલ્યુ અને ધ્યાનથી તે એક એક લીટી વાંચવા લાગ્યો હતો, સાઉથ આફ્રિકામાં મશીનના ઉપયોગ વગર કેવી રીતે ટનલ્સ બનાવવામાં આવી હતી તેની ઉપર પ્રકરણ હતું. તે ઝડપથી વાંચતો અને પાછળ વળી જોતો કોઈક તેની પાસે કોઈ આવી જાય નહીં, જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ તેના ચહેરા ઉપર ચમક આવતી ગઈ, તેને જોઈતું હતું તે બધુ આ પ્રકરણમાં હતું, તેણે પાંચ-સાત પાના વાંચ્યા હશે ત્યાં સિપાઇએ બુમ પાડી ભાઈ કેટલીવાર છે દોઢ કલાક થઈ ગયો, તેણે તરત પુસ્તક હતું ત્યાં મુકી દીધુ, બીજી જ ક્ષણે તેને વિચાર આવ્યો કે તેણે ક્યું પુસ્તક વાંચ્યુ તે કોઈ જોવા માટે અહીં આવે તો... તેણે તરત મુકેલુ પુસ્તક બહાર કાઢયુ અને બાજુના રેકમાં મુકી દીધુ, તેને જે જોઈતુ હતું તે મળી ગયુ હતું.

તે ત્યાંથી જવા માટે બહાર નિકળ્યો, સિપાઇએ તેને પુછ્યું મળ્યું તને? તે એકદમ ચમકી ગયો તેણે પુછ્યું શું મળી ગયું, સિપાઇએ ફોડ પાડતા કહ્યું તારે જે પુસ્તક વાંચવુ હતું તે મળી ગયું, યુનુસે કહ્યું ના મળ્યુ બહુ શોધ્યું પણ તે પુસ્તક કદાચ આપણી જેલમાં નથી, તે મનમાં તો ખુશ હતો. કદાચ તેની વાત સાંભળી મહંમદ પણ ખુશ થવાનો હતો. તે સિપાઇ સાથે પોતાના વોર્ડ સુધી આવ્યો, યુનુસ પોતાની બેરેક સુધી જાય ત્યાં સુધી સિપાઇ વોર્ડના દરવાજા સુધી ઊભા રહ્યા, તે બેરેકમાં આવ્યો ત્યારે બપોરની બંદી થવાનો સમય થઈ ગયો હતો, એટલે વોર્ડન અને સિપાઇ તાળુ લઈ આવ્યા તેમણે બેરેકને તાળુ મારી દીધુ.

બધા શાંત હતા. બધા યુનુસ શું કહેવા માગે છે તેની રાહ જોતા હતા. યુનુસે વોર્ડન અને સિપાઇના દુર જઈ રહેલા પગના અવાજ સાંભળ્યા તેને ખાતરી થઈ કે હવે તે લોકો બહાર જતા રહ્યા છે છતાં તે ઊભો થયો અને તેણે બેરેકના સળીયા પાસે જઈ થોડુ માથુ નમાવી વોર્ડના મુખ્ય દરવાજા સામે જોઈ ખાતરી કરી લીધી કે હવે તેમની વાત સાંભળી શકે તેવું કોઈ નથી, તે એકદમ નાચતો નાચતો અંદર આવ્યો, આડો પડેલો મહંમદ બેઠો થઈ ગયો, તે મહંમદ પાસે આવી બેઠો. તેણે કહ્યું બોલા થા કેપ્ટન અબ કામ કરેગા, કામ હો ગયા, બાકીના સાથીઓ પણ તેની આસપાસ આવી ગોઠવાઈ ગયા. તેણે કહ્યું હું ટનલ્સ એન્જીનિયરીંગ વાંચી આવ્યો આપણી કયાં ભુલ થઈ રહી છે તે મને સમજાઈ ગઈ, તેણે મહંમદને પુછ્યું આપણે કેટલાં ઊંડા સુધી ગયા છીએ, મહંમદે વિચારીને કહ્યું સાત-આઠ ફુટ સુધી આપણી ઊંડા ગયા છીએ, યુનુસે કહ્યું આપણી ત્યાં જ ભુલ થઈ છે. ટનલ્સ એન્જીનિયરીંગ પ્રમાણે આપણે ઓછામાં ઓછું દસથી બાર ફુટ નીચે જવું પડે કારણ ત્યાર પછી જ કઠણ માટી શરૂ થાય છે. તેણે અબુ તરફ ઈશારો કરતા કહ્યું આના માથા ઉપર માટીનો સ્લેબ એટલે પડયો કારણ ત્યાં સુધી તો પોચી માટી હોય છે.

મહંમદે કહ્યું તેનો અર્થ હજી આપણે ચાર-પાંચ ફુટ નીચે જઈ ખોદવું પડશે, યુનુસે હકારમાં માથુ હલાવ્યુ, બધાના ચહેરા ઉપર નિરાશા આવી ગઈ, મહંમદે તેમના ચહેરા જોતા કહ્યું કઈ વાંધો નહીં, સારૂ થયુ આપણી પાસે એન્જીનિયર છે, તેમ કહી તેણે યુનુસ તરફ ઈશારો કર્યો. આવતીકાલ સવારથી આપણે થોડા વધુ ઊંડા જવાની શરૂઆત કરીશું, પરવેઝે પોતાની સમસ્યા યુનુસ સામે રજુ કરતા કહ્યુ અંદર ગરમી બહુ થાય છે. યુસુફ તેની વાત સાંભળી હસવા લાગ્યો તેણે કહ્યું યુનુસભાઈ એક કામ કરો બે-પાંચ ટનના એસી પણ સુરંગમાં ફીટ થાય તેવું કરો આ આપણો આ લંગડો લંડનમાં જન્મેલો છે. પરવેઝને ગુસ્સો આવ્યો તેણે કહ્યું અરે ભાઈ મને લાગ્યું કે તેનો પણ કોઈ રસ્તો નિકળે તો સારૂ, મહંમદે પરવેઝના ખભા ઉપર હાથ મુકતા કહ્યું ભાઈ પરવેઝ ગરમી તો મને પણ લાગે છે, પણ આ ગરમી જ આપણે બહાર નિકળવાનો રસ્તો કરી આપશે. (ક્રમશ:)

દીવાલ ભાગ-66: અબુ એકદમ દોડતો સુરંગની બહાર આવ્યોઃ '...તો અબુ સુરંગમાં જ દટાઈ જાત'