પ્રશાંત દયાળ (દીવાલઃ ભાગ-65): જેલર કૌશીક પંડયાને મહંમદ ઉપર ખુબો ગુસ્સો હતો, પણ હવે રીટાયર થવાને થોડા વર્ષો બાકી છે ત્યારે કયાં બબાલ ઊભી કરી કરવી તેવું માની તે પોતાની જાતને શાંત કરી દેતા હતા. મહંમદ અને તેના સાથીઓને આ અલગ બેરેકમાં મુકવાના આઈજીપીના આદેશ પછી તેઓ ક્યારેય બેરેક ચેક કરવા આવ્યા ન્હોતા, પણ આજે અચાનક રાઉન્ડ લેવા આવ્યા માટે વોર્ડમાં આવી ગયા હતા. તેમને આ કેદીઓની બેરેકમાં જવાની જરા પણ ઈચ્છા ન્હોતી, પણ તેમના ધ્યાનમાં આવ્યુ કે વોર્ડમાં તેમની સામે છ કેદીઓ જ ઊભા હતા, જ્યારે આ વોર્ડમાં કેદીઓની સંખ્યા આઠ છે, તેમણે ત્યાં હાજર બધાના ચહેરા જોયા અને મનમાં તેમની સંખ્યા પણ ગણી, તેમણે મહંમદ સામે જોતા પુછ્યું તમે છ જ કેમ છો, બીજા બે કયાં છે તેમ કહી તેમણે આજુબાજુ નજર ફેરવી, આવો કોઈ પ્રશ્ન આવશે તેવી મહંમદ અને તેના સાથીઓને કોઈ કલ્પના ન્હોતી. મહંમદ એકદમ ચમકી ગયો, તેને તરત તો કાંઈ સુજ્યું પણ નહીં કે પંડયાને શું જવાબ આપુ, પણ તરત ખ્યાલ આવ્યો કે તેનો ચહેરો કઈક ગરબડ છે તેની ચાડી ખાશે, એટલે તેણે તરત પોતાની ઉપર નિયંત્રણ મેળવતા કહ્યું સાહેબ અમારા ચાંદ અને દાનીશ ઉંઘણશી છે, કાયમ મોડા જ ઉઠે છે. ચાંદ ન્હાવા ગયો છે અને દાનીશ સંડાસ ગયો છે, સંડાસ શબ્દ સાંભળતા પંડયાના નાકનું ટેરવું ચઢ્યું, તેમણે સારૂ સારૂ છે કહી તેઓ ત્યાંથી પોતાના સ્ટાફ સાથે નિકળ્યા. પંડયા દરવાજાની બહાર ગયા, ત્યારે મહંમદે પોતાની છાતી ઉપર હાથ મુકયો તો 120ની ઝડપે તેનું હ્રદય ધબકી રહ્યું હતું. યુનુસે જોયું કે પહેલી વખત મહંમદના ચહેરા ઉપર ડર દોડી આવ્યો હતો. તેણે મહંમદના ખભા ઉપર હાથ મુકી શાંત થવાનો ઈશારો કર્યો. મહંમદે ઉંડા શ્વાસ લેવાની શરૂઆત કરી. મહંમદનું મન એક સાથે અનેક વિચારો કરી રહ્યું હતું, જો ખરેખર પંડયા બેરેકમાં આવ્યો હોત અને બાથરૂમ સંડાસ ચેક કરી દાનીશ અને ચાંદ ક્યાં છે તેની તપાસ કરી હોત તો... આવા અનેક વિચારોએ મહંમદને ડરાવી દીધો હતો, ક્યારેય આવું પણ બનશે તેણે તેવો વિચાર સુધ્ધા કર્યો ન્હોતો તેના કારણે તે ડરી ગયો હતો.

તેણે યુનુસને દરવાજા તરફ ધ્યાન રાખવાનો ઈશારો કર્યો અને તે બેરેકની પાછળ તરફ ગયો તેણે બેરેકની પાછળની તરફ થયેલા ખાડા પાસે ગયો, પહેલા આજુબાજુ નજર કરી અને પછી ઉભડક પગે બેસી તેણે ખાડાના મોંઢા પાસે મોંઢુ રાખી ધીમા અવાજે બુમ પાડી ચાંદ.. ચાંદ.. થોડીવાર પછી માટીમાં ભુત થઈ ગયેલો ચાંદ ચાદરમાં માટીની ભરી ખાડાના મોંઢા પાસે આવ્યો, તેના હાથમાં માટી ભરેલી ચાદર હતી, મહંમદે પહેલા તેને હાથમાંથી ચાદર પકડી ઉપર તરફ ખેંચી અને માટી ભરેલી ચાદર ખાડાના મોંઢાથી થોડેક દુર ખાલી કરી, ચાંદે જોયું તો મહંમદ ડરેલો હતો. તેણે પોતાના માટીવાળા હાથ ઝટકતા પુછ્યું મેજર શું થયું, તેણે ચાંદના હાથનું કાંડુ પકડી ધીમા અવાજે કહ્યું દાનીશને બહાર બોલાવી લે જલદી, ચાંદ તેની સામે જોઈ રહ્યો કારણ તેને બહાર શું થયું છે તે સમજાયુ ન્હોતું, મહંમદે તેને કહ્યું જલદી બોલાવ. ચાંદ ખાડા પાસે ગયો અને જમીન પાસે આડો પડી તેણે અવાજને દબાવી બુમ પાડી, દાનીશ બહાર આ જાઓ, દાનીશ હાથમાં ત્રિકમ સાથે બહાર આવ્યો, તેણે જોયુ તો મહંમદના ચહેરા ઉપર ડર હતો અને ચાંદના ચહેરા ઉપર આશ્ચર્ય હતું. તેનો ચહેરો પ્રશ્ન પુછી રહ્યો હતો કે શું થયું. મહંમદે ખાડામાંથી બહાર આવવા માટે પગથીયા બનાવ્યા હોવા છતાં પહેલા દાનીશના હાથમાંથી ત્રીકમ લીધો અને પછી તેને હાથ આપી બહાર ખેંચી કાઢતા કહ્યું જલદી બાથરૂમાં જતા રહો ન્હાઈ ધોઈ બહાર નિકળજો. મહંમદને ઉતાવળ હતી, મહંમદે તેમને ટુકાણમાં વાત કરી કહ્યું જેલર આવ્યા હતા તેમણે મને પુછ્યું તમે બન્ને કયાં છો, મેં કહ્યું બાથરૂમ અને સંડાસમાં છો જલદી તમે અહીંયાથી બહાર નિકળો.

મહંમદે તેમને ઉતાવળે બાથરૂમાં મોકલી દીધા, મહંમદના મનમાં ઉચાટ હતો, પકડાઈ ગયા હોત તો શું થાત તે વિચાર તેનો પીછો છોડતા ન્હોતા. તેને મનમાં લાગી રહ્યું હતું જેલર પંડયા હજી તેની વાત ઉપર ભરોસો કરતા નથી, તેના કારણે જ તેણે બન્નેને સુરંગમાંથી બહાર બોલાવી લીધા હતા..મહંમદને ખબર હતી કે જો બધા એક સાથે સુરંગ ખોદવાની કામગીરીમાં રોકાશે તો કોઈને પણ શંકા જશે, જેના કારણે બે બેની જોડીમાં જ કામ કરવાનું હતું, જ્યારે બે સાથીઓ ખોદવાનું અને માટી કાઢવાનું કામ કરતા હોય. ત્યારે બાકીના છ સાથીઓ બેરેકમાં પણ નહીં બેસવાનું પણ વોર્ડના ખુલ્લા મેદાનમાં ઊભા રહેવાનું જેનાથી બહારથી પસાર થતાં કેદીઓ અને જેલ સીપાઈને શંકા જાય નહીં, પણ મહંમદને અંદાજ ન્હોતો કે, ભેંસ જેવું શરીર ધરાવતા જેલર પંડયાની બુધ્ધી આટલી ચાલશે અને તેને ખબર પડી જશે કે બે સાથીઓ ઓછા કેમ છે. છેલ્લા કેટલાય દિવસોથી સુરંગ ખોદવાની શરૂઆત થઈ ગઈ હતી, પણ આ અનુભવે શીખવાડી દીધુ હતું કે હવે આવી ઘટના ફરી થાય નહીં તે માટેનો ઉપાય શોધી કાઢવાનો હતો. સુરંગ ખોદવા માટે ત્રિકમ તો હતો, પણ અંદરથી નિકળતી માટી બહાર લાવવા માટે કોઈ સાઘન ન્હોતુ, હવે જો તેના માટે તગારૂ મંગાવીએ તો શંકા જવાનો ડર હતો, પણ મહંમદે તેનો ઉપાય શોધી કાઢયો હતો, જેલ દ્વારા ધાબળા ઉપરપાથરવા માટે આપવામાં આવતી ચાદરનું પોટલુ બનાવી તેમાંથી માટી બહાર કાઢવાનો નિર્ણય લીધો હતો, જેમ જેમ દિવસો પસાર થતા હતા તેમ તેમ નવી નવી સમસ્યા સામે આવી રહી હતી. અત્યારે તો ચાદર અને ત્રિકમથી કામ શરૂ થયું હતું, જો કે સવારે બંદી ખુલે ત્યારે એકાદ બે કલાક અને સાંજે એકાદ બે કલાકનો જ ટાઈમ સુરંગ ખોદવા માટે મળતો હતો, જેના કારણે રોજ બે અઢી ફુટ જેટલુ જ ખોદાતું હતું કારણ છ માણસો વોર્ડના મેદાનમાં બેસી રહેતા અને બે જ માણસો કામ કરતા હતા, જેના કારણે ખોદવાની ઝડપ બહુ ઓછી હતી. મહંમદને ઉતાવળ હતી, પણ તેની પાસે બીજો કોઈ રસ્તો પણ ન્હોતો. સુરંગ ખોદવાની માટી ક્યાં નાખવી તે પણ એક સમસ્યા હતી કારણ એક દિવસ તાજી માટી જોઈ એક સીપાઈએ પુછ્યું હતું કે માટી ક્યાંથી આવી, મહંમદે તરત કહ્યું આ તો ગાર્ડન બનાવવા માટે ખોદી હતી તેની માટી છે, પછી તો રોજ સવારે આગલા દિવસે નિકળેલી માટી ઠેલળ ગાડીમાં ભરી ઉપર સુકા પાદડાઓ ભરી ડમ્પીંગ સાઈટ ઉપર નાખી આવતા હતા, ખાસ કરી સીપાઈઓને એવું લાગી રહ્યું હતું કે આ બેરેકમાં કઈક ગરબડ ચાલી રહી છે, પણ હજી સુધી તેમને કયાં પ્રકારની ગરબડ ચાલી રહી છે તેની ખબર પડતી ન્હોતી અને તેઓ આ બેરેકના કેદીઓ સાથે સીધા ઘર્ષણમાં ઉતરવા માગતા ન્હોતા. મહંમદને તે દિવસે અંદાજ આવી ગયો હતો કે આજે જે બન્યું તે ગંભીર હતું પણ હવે વધુ મુશ્કેલીઓ આવશે તેના માટે તૈયાર રહેવાની જરૂર છે. 

(ક્રમશ:)

દીવાલઃ ભાગ-64: સાબરમતી જેલમાં સુરંગ ખોદવાનું પ્લાનીંગ કરતાં કેદીઓને પોલીસ જ અજાણતા ત્રિકમ-પાવડો આપી ગઈ