પ્રશાંત દયાળ (દીવાલઃ ભાગ-62): મહંમદની બેરેકમાં મોટા સ્ટાફ સાથે આવી પહોંચેલા જેલર કૌશીક પંડયાના ચહેરા ઉપર ખીન્નતા હતી, મહંમદ અને તેના સાથીઓને કારણે તેમને જેલ આઈજીપી સામે નીચા જોવાનું થયું હતું. તે તેમની સાથે વાત કરવા ન્હોતા આવ્યા પણ આઈજીપી દ્વારા લેવામાં આવેલા નિર્ણયની બજવણી કરવા આવ્યા હતા. તેમણે મહંમદ અને તેના સાથીઓને કહ્યું સામાન પેક કરો અને અહીંથી નિકળો, મહંમદ તેની સામે જોઈ રહ્યો તેને ખબર હતી કે જો અત્યારે તે જેલર પંડયા સામે થોડો પણ ઢીલો પડયો તો પંડયા તેની ઉપર હાવી થઈ જશે, તેણે જેલર પંડયાને કડક અવાજમાં કહ્યું સર જરા શાંતિથી વાત કરો અહીંથી નિકળી ક્યાં જવાનું છે તે સ્પષ્ટ કહો, પંડયાએ મહંમદ સામે જોયા વગર તેના બીજા સાથીઓ સામે જોઈ કહ્યું તમારી બેરેક બદલવામાં આવી રહી છે. હવે તમારી નવી બેરેકમાં તમારા આઠ સિવાય કોઈ જ હશે નહીં, એકલા રહેજો. યુનુસને આ નિર્ણય પસંદ આવ્યો ન્હોતો, તે કઈક બોલવા જતો હતો, પણ મહંમદે તેને આંખના ઈશારે શાંત રહેવાની સૂચના આપી, દસ મિનિટમાં મહંમદ અને તેના સાથીઓએ સામાન પેક કરી નાખ્યો. બેરેકમાં રહેલા બીજા કેદીઓ તેમને જોઈ રહ્યા હતા તેમને તો ખબર જ ન્હોતી કે મામલો શું છે. બધાનો સામાન પેક થઈ જતા તેમને લઈ જેલ પોલીસ છોટા ચક્કરની પાંચ નંબરની બેરેકમાં પહોંચી હતી, બેરેક વિશાળ હતા, પણ હવે તેમાં માત્ર આ આઠ કેદીઓ જ રહેવાના હતા. મહંમદને છોડી બધાએ જ્યારે બેરેક જોઈ ત્યારે તેમને મનમાં ગુસ્સો આવ્યો, પણ મહંમદની નજર બેરેકની નજીકના ખુલ્લા મેદાન, તેને લાગેલા દરવાજા અને આસપાસની દિવાલોને જોઈ રહી હતી. ત્યાં સુધી બંદીનો પણ સમય થઈ ગયો હતો જેના કારણે બેરેક નંબર પાંચમાં જેની વોર્ડન તરીકે નોકરી હતી તે કેદી સીપાઈ સાથે બેરેકને તાળું મારી જતો રહ્યો હતો, બધા પોતાની નવી બેરેકમાં સામાન ગોઠવી રહ્યા હતા, પણ મહંમદ પોતાના બીસ્તરા ઉપર સામાનને બાજુમાં રાખી બેઠો કઈક વિચારી રહ્યો હતો. બેરેક બદલવાનો નિર્ણય બધા જ માટે આશ્ચર્યજનક હતો, સામાન મુકી બધા મહંમદની આસપાસ આવી બેઠા, યુસુફે પુછ્યું મેજર આપણને બેરેકમાં બધા કરતા જુદા કેમ પાડયા, મેજરે તેની સામે જોયું પરવેઝે પણ યુસુફના પ્રશ્નને સમર્થન આપતા કહ્યું મેજર આ બરાબર થયું નથી, હવે આગલી મુદતે કોર્ટને કહેવું પડશે. મહંમદ બેરેકના બંધ દરવાજા સામે જોયું તેને ખબર હતી કે ત્યાં કોઈ નથી, છતાં તેણે ખાતરી કરવા માટે જોઈ લીધુ હતું દરવાજા બહાર સાંજના અંધારાએ જગ્યા લઈ લીધી હતી. મહંમદે પહેલા બધાની સામે વારાફરતી જોયું અને પછી એકદમ ઊભો થયો અને નાચવા લાગ્યો.

મહંમદને નાચતો કોઈએ જોયો ન્હોતો, બધા તેની સામે આશ્ચર્ય સાથે જોવા લાગ્યા, તેણે પોતાના સાથીઓના ચહેરા ઉપરના પ્રશ્ન વાંચતા કહ્યું મારી અપેક્ષા કરતા પણ વધુ સારૂ કામ થયું છે, તીર નિશાન ઉપર વાગ્યું છે. કોઈક કશું જ સમજ્યા નહીં, મહંમદ ફરી બીસ્તરા ઉપર બેઠો, તેણે તેના સાથીઓ પાસે મોંઢુ લાવી હવે તે શું કરવા માગે છે તે કહેવાની શરૂઆત કરી, મહંમદ વાત કરતા કરતા બધાના ચહેરા ઉપરની રીએકશન જોઈ રહ્યો હતો, પણ બધાના ચહેરા ગંભીર હતા. કદાચ તેમને હજી મહંમદ જે કહી રહ્યો છે તે કેવી રીતે શક્ય બનશે તે અંગે શંકા પણ હતી. જ્યારે યુસુફ અને પરવેઝના ચહેરા ઉપર ડર સાથે અસંમજ પણ તેણે જોઈ હતી, એટલે જ તેણે પોતાની વાત પુરી કર્યા પછી યુસુફ અને પરવેઝને હિંમત આપતા કહ્યું ડર કે જીના મેરી ફીતરત નહીં., ઔર મે આપને સાથે કમજોર સાથીઓ કો ભી નહીં રખતા, પરવેઝ કઈ પુછવા જતો હતો, મહંમદે તેના મોંઢા સામે હાથ ધરી હસતા હસતા કહ્યું મેરે લંગડે બહુત સૌચતા હૈ. અબ સો જાવ કલ એક નઈ સુબહ હમારા ઈંતઝાર કરતી હોંગી, બધા પોતાની જગ્યા ઉપર સુવા માટે જતા રહ્યા બેરેકની બરાબર વચ્ચે સળગી રહેલો એક નાનકડો બ્લબ મહંમદને કંપની આપવા માટે જાગી રહ્યો હોય તેવું લાગ્યું, મહંમદ અને યુનુસ બાજુ બાજુમાં સુતા હતા. યુનુસે પોતાની આંખ ઉપર આવી રહેલા નાનકડા બ્લબના ઝાંખા પ્રકાશને રોકવા માટે આંખો ઉપર આડો હાથ મુકયો હતો. મહંમદે ખાતરી કરવા તેની આંખો ઉપર રહેલા હાથને હળવો સ્પર્શ કરતા પુછયુ મહંમદ સુઈ ગયો.. મહંમદે આડો હાથ હટાવી લીધો, તેના ચહેરા ઉપર એક હળવું સ્મીત આવ્યું તેણે પુછ્યું તે જે વાત કરી તેના પછી તરત કેવી રીતે ઉંઘ આવે, મહંમદે તેને ઈશારો કર્યો અને તે ઊભો થઈ લોંખડા બંધ દરવાજા પાસે જઈ ઊભો રહ્યો. યુનુસ પણ તેની પાછળ આવ્યો, મહંમદને હતું કે તેના અવાજને કારણે તેના સાથીઓ જાગી જશે. એટલે તે તેમનાથી દુર દરવાજા પાસે લોંખડના સળીયા પકડી ઊભો હતો, તેની નજર બહારની તરફ હતી. તે જેલની બહારની શાંતિને જોઈ રહ્યો હતો, ક્યારેક તેને બેરેકના કેમ્પસની બહાર પહેરો ભરવા ચાલી રહેલા સીપાઈના બુટનો અવાજ સંભળાતો હતો, પણ કોઈ નજરે પડતુ ન્હોતું.

મહંમદ પણ તેની પાસે આવી ઊભો રહ્યો, તેણે લોંખડના દરવાજાની વચ્ચે રહેલા મજબુત સળીયા બે હાથે પકડયા અને મહંમદની જેમ બહાર નજર રાખી પુછ્યું મેજર તમને ખરેખર લાગે છે કે આપણે એક દિવસ અહીંથી બહાર નિકળી જઈશું.. મહંમદે પહેલા યુનુસ સામે જોયું અને પછી સુઈ રહેલા પરવેઝ અને યુસુફ સામે જોતા કહ્યું નિકળવું તો પડશે, આપણે કોઈની ખાતર પણ અહીંથી બહાર જવું પડશે, મહંમદે લોંખડના મજબુત સળીયા ઉપર પોતાના પંજાની ભીંસ વધારતા યુનુસ સામે જોયા વગર કહ્યું આ લોંખડી દરવાજા પણ મને હવે લાંબો સમય અંદર રાખી શકશે નહીં. યુનુસ મેજરના આત્મવિશ્વાસનો અનુભવ કરી રહ્યો હતો, પણ ખબર નહીં તેની અંદર મેજર જેવો આત્મવિશ્વાસ ન્હોતો, પણ તેને મેજર પર ભરોસો હતો અને મેજરે હમણાં સુધી જે ગણિતો માંડયા તે પ્રમાણે જ થયું હતું, મેજરે કોર્ટમાં કુરાન ફાડી નાખવાની ખોટી ફરિયાદ કરી તેની પાછળ તે પોતાની અને પોતાના સાથીઓથી જેલ સીપાઈને અલગ કરવા માગતો હતો, હવે તો તે જેલ સીપાઈ અને અન્ય કેદીઓથી પણ અલગ થઈ ગયા હતા, યુનુસને લાગી રહ્યુ હતું કે મેજર જેવું કહે છે તેવું જ થઈ રહ્યું છે પણ તેને એકમદ ધ્રાસ્કો પડતો હતો કે જો હવે મેજરે કહ્યું તેવું ના થયું તો શું થશે તે કલ્પના તેને ધ્રુજાવી નાખતી હતી, યુનુસ આ વિચાર કરી રહ્યો હતો ત્યારે મેજરનો વિશાળ અને મજબુત પંજો યુનુસના ખભા ઉપર આવ્યો તેણે તેને ખભો પકડતા કહ્યું બહુ વિચાર કરીશ નહીં, પણ સહેજ હસ્યો અને કહ્યું વિચાર કરવાનું કામ મારૂ છે, આવતીકાલથી આપણું કામ શરૂ થઈ જશે, ચાલ હવે આપણે સુઈ જઈએ, મહંમદ સુવા માટે આગળ વધ્યો અને એક ડગલુ ચાલી રોકાયો તેણે મહંમદને કહ્યું આપણે બધાએ જ ધ્યાન રાખવાનું છે કે આપણું જે રૂટીન હતું ખાસ કરી ભણવાનું અને રમવાનું તેમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. 

(ક્રમશઃ)

દીવાલઃ ભાગ-61: મહંમદે પોલીસને બદનામ કરવા કુરાન ફાડી તેનાથી યુનુસ નારાજ હતો,પણ સત્ય કાંઈક બીજુ જ હતું