પ્રશાંત દયાળ (દીવાલઃ ભાગ-61): કોર્ટની કાર્યવાહી પુર્ણ થયા બાદ તમામ આરોપીઓને લઈ જેલ પોલીસ પરત તેમને બેરેકમાં મુકવા જઈ રહી હતી. જો કે આજે પોલીસવાળા કેદીઓથી ખુબ દુર ચાલી રહ્યા હતા, તેમને હવે આ કેદીઓને ડર લાગી રહ્યો હતો કે ક્યાંક નવા આક્ષેપો તેમની ઉપર થાય નહીં, આ બધામાં સૌથી ખીન્ન યુનુસ હતો, તેને સમજાતુ હતું કે મહંમદ ઈરાદાપુર્વક તેણે બનાવેલી યોજના પ્રમાણે કોર્ટમાં પોલીસ અને જેલ અધિકારીઓ ઉપર આરોપ મુકી રહ્યો છે, પણ તેણે કુરાનના પાના ફાડયા તે તેને જરા પણ પસંદ આવ્યું ન્હોતું. મહંમદ અન્ય મુસ્લિમો જેટલો ધાર્મિક ન્હોતો, પણ કુરાન દરેક મુસ્લિમ માટે પવિત્ર છે. તેનો ઉપયોગ કરી મહંમદે પોલીસને બદનામ કરવાની જરૂર ન્હોતી, તે બેરેક તરફ ચાલી રહેલા કેદીઓમાં સૌથી અલગ રહ્યો હતો, યુનુસ નારાજ અને ગુસ્સામાં છે તે બીજા કોઈને ખબર પડે કે નહીં પણ મહંમદ તે સમજી ગયો હતો. બેરેક તરફ જતી વખતે મહંમદે તેની તરફ અનેક વખત જોયું, પણ યુનુસ જમીન તરફ જોઈ ચાલી રહ્યો હતો, પોલીસ તેમને બેરેકના કેમ્પસમાં છોડી જતી રહી, હજી બંદી થવાની વાર હતી એટલે બીજા કેદીઓ કેમ્પસમાં વોલીબોલ રમી રહ્યા હતા. મહંમદ ખુશ હતો તેણે બીજા કેદીઓને વોલીબોલ રમતા જોઈ, કહ્યું ચાલો આજે હું પણ રમીશ અને તે વોલીબોલ રમવા જતો રહ્યો. મહંમદના કેટલાક સાથીઓ બેરેકમાં ગયા તો કેટલાંક વોલીબોલની રમત જોવા માટે ઊભા રહી ગયા પણ યુનુસ કેમ્પસમાં આવેલા ઝાડના ઓટલા ઉપર જઈ બેઠો, તે ગુમસુમ હતો. તેને લાગી રહ્યું હતું કે તે પોતાની સાથે દાવો કરી રહ્યો હતો કે આઠમાંથી સૌથી વધુ કોઈ મહંમદને ઓળખતુ હોય તો તે પોતે હતો પણ આજે તેને લાગી રહ્યું હતું  કે તેણે મહંમદને ઓળખ્યો જ નથી. 

મહંમદ વોલીબોલી રમી રહ્યો હતો, પણ તેનું ધ્યાન યુનુસ તરફ હતું, તે દરેક બોલ રમતા રમતા યુનુસ સામે જોઈ રહ્યો હતો, મહંમદને તેન નારાજગીનું કારણ પણ ખબર હતી. તેને ખબર હતી કે જ્યારે તે યુનુસને સાચુ કારણ કહેશે તો તેનો ગુસ્સો ઉતરી જશે, તે કદાચ ઈરાદાપુર્વક યુનુસના ગુસ્સાને લંબાવવા માગતો હતો. લગભગ અડધો કલાક થયો હશે ત્યારે વોર્ડને કહ્યું ચાલો રમત બંધ કરો. કારણ હવે જમાવાનું આવવાની તૈયારી હતી, રમત બંધ થયા પછી મહંમદ યુનુસ જ્યાં બેઠો હતો તેની બાજુના પાણીના નળ ઉપર હાથ-પગ ધોવા માટે આવ્યો, તેણે હાથ ધોતા મઝાકમાં પુછ્યું યુનુસમીયા આપકી બકરી મર ગઈ ક્યાં, ક્યો મુંહ લટાકા કે બેઠો હો... યુનુસે તેને કોઈ જવાબ આપ્યો નહીં, મહંમદે ફરી કહ્યું જનાબ હમ આપસે બાત કરતે હૈ, જવાબ તો દિજીયે. યુનુસે માથુ ઊંચુ કરી જોયું, મહંમદની પાસે બીજા કેદીઓ પણ ઊભા હતા તે મહંમદનો સંવાદ સાંભળી હસી રહ્યા હતા. યુનુસ તેમની હાજરમાં તે કોઈ જવાબ આપવા માગતો ન્હોતો. મહંમદ ભીના હાથ અને મોંઢુ પોતાની ઉપરણથી લુંછતો લુંછતો યુનુસની બાજુમાં આવી ઓટલા ઉપર બેઠો, યુનુસે જ વાત શરૂ કરતા કહ્યું. મેજર આજ જો હુવા મુઝે જરા ભી અચ્છા નહીં લગા. મહંમદે નિદોર્ષ બાળકની જેમ પુછ્યું ક્યા અચ્છા નહીં લગા. યુનુસ તેને સામે જોવા લાગ્યો તેને ગુસ્સો આવ્યો, કારણ તેને ખબર હતી કે મહંમદ પણ જાણતો હતો કે કઈ વાતની નારાજગી છે, મહંમદે કઈ પણ બોલ્યા વગર ફાટેલા પાના પોતાના ખીસ્સામાંથી કાઢયા, અને હસવા લાગ્યો. યુનુસને લાગ્યું કે ખરો નાસ્તીક માણસ છે કુરાનના ફાટેલા પાના હાથમાં રાખી આ માણસ હસી રહ્યો છે. મહંમદે કહ્યું યુનુસભાઈ આપ ભી વો જજ ઔર પુલીસવાલો કી તરફ બેવકુફ હો, યુનુસ આશ્ચર્ય સાથે તેની સામે જોવા લાગ્યો, તેણે ફાટેલા પાના બતાડી પુછ્યું યહ કુરાન કે પન્ને હૈ, યુનુસને કઈ ખબર પડી નહીં, મહંમદ ફરી લુચ્ચુ હસ્યો તેણે યુનુસના કાન પાસે મોંઢુ લાવી કહ્યું પાગલ યહ તો મૌલાના વારસીને લીખી ઉર્દુ કિતાબ કે પન્ને હૈ, યહ કુરાન કે પન્ને નહીં હૈ. મુઝે પતા થા જુઠ ઈતને કોન્ફીડન્સ કે સાથ બોલો કી સામને વાલા સચ માનને લગે... યુનુસ તેની સામે જોવા લાગ્યો મહંમદે કહ્યું મેને જબ કહા યહ કુરાન હૈ, તો ના તો કોર્ટને ના તો પુલીસને એક બાર હિંમત કરકે ફટે પન્ને દેખને કી કોશીશ ભી નહીં કી, મહંમદ તે કાગળના ટુકડા ફરી ખીસ્સામાં મુકતા કહ્યું તુમ્હે લગતા હોગા કી મેંને એસા ક્યું કિયા, તો દેખો મેરા કરતબ અબ રંગ લાયેગા, એકઝેટલી મુઝે ભી પતા નહીં, ક્યાં હોગા લેકીન ઈતના તય હૈ કી અબ ના તો જેલવાલે ઔર ના તો પુલીસ વાલે અપની તલાશી લેને કી હિંમત કરેંગે.

કોર્ટ દ્વારા આઈજીપીને તપાસ કરવાનો આદેશ મળતા આઈજીપી પોતાની ખુરશીમાં ઊભા થઈ ગયા હતા, તેમને એસીમાં પણ પરસેવો થઈ ગયો હતો. તેમણે તરત એક મીટિંગ બોલાવી હતી, જેમાં જેલર કૌશીક પંડયા પણ હતા. આજે કોર્ટે જે નજરે તેમની સામે જોયું તેના કારણે તેમનું બ્લડ પ્રેસર તો પહેલાથી જ ઉપર જતુ રહ્યું હતું, હવે તેમને લાગી રહ્યું કે આઈજીપી પણ દમ પરેડ કરશે અને થયું પણ તેવું જ મીટિંગ શરૂ થતાં આઈજીપીએ ગુસ્સામાં કહ્યું પંડયા મને લાગે છે કે તમે જેલર થવાને લાયક જ નથી, તમને તો ફરી જેલ સીપાઈ બનાવી દેવા જોઈએ, પંડયા પોતાનો બચાવ કરવા જાય તે પહેલા સુપ્રીટેન્ડન્ટ વસાવા પણ તેમની ઉપર ઉકળ્યા, તેમણે આઈજીપીને સંબોધતા કહ્યું સર મેં પંડયાને અનેક વખત કહ્યું આ મીયાઓથી દુર રહો પણ તેમને પણ પોતાની બહાદુરીની કથાઓ સંભાળાવવાનો બહુ શોખ છે. પંડયા એક વખત આઈજીપી તરફ જોતા અને એક વખત વસાવા સામે જોતા હતા, પંડયાને અંદરથી એવો ગુસ્સો આવી રહ્યો કે વસાવા સાહેબને જઈ બે લાફા મારી દે. જેલમાં કઈ સારૂ થાય તો તેની ક્રેડીટ પોતે લેતા હતા અને ખરાબ થાય તો પંડયા ઉપર દોષ ઢોળી દેતા હતા. જો કે ત્યાર બાદ હવે બ્લાસ્ટ કેસના આરોપીઓ દ્વારા કોર્ટમાં થઈ રહેલી ફરિયાદનો કાયમી અંત આણવા માટે શું થઈ શકે તેની ચર્ચાનો દૌર શરૂ થયો, મીટિંગમાં હાજર જુદા જુદા અધિકારીઓ પોતાનો મત આપી રહ્યા હતા, આખરે આઈજીપીએ પોતાનો નિર્ણય જાહેર કર્યો. જો કે આ નિર્ણય સાચો છે કે ખોટો તે કહેવાની હિંમત કોઈ અધિકારીમાં ન્હોતી. આઈજીપીએ કહ્યું આ નિર્ણયનો હમણાં જ અમલ થઈ જવો જોઈએ એક કલાકમાં બધુ જ કામ પુરૂ થઈ જવું જોઈએ. પંડયા તમે હમણાં જેલમાં જવા રવાના થાવ, પંડયા મીટિંગમાંથી નિકળી સાબરતી જેલમાં બ્લાસ્ટ કેસના આરોપીઓ જે બેરેકમાં હતા તે જોવા નિકળ્યા તેમની પાસે બીજા દસ પોલીસ જવાનો પણ હતા. પંડયા જ્યારે બેરેકમાં પહોંચ્યા ત્યારે કેદીઓએ પોતાનું જમવાનું પુરૂ કરી નાખ્યું હતું તેઓ પોતાની બંદી થાય તે પહેલાની થોડીક ક્ષણો બેરેકની બહાર ગાળી રહ્યા હતા. મોટી સંખ્યામાં જેલર કૌશીક પંડયાને આવતા જોઈ કેદીઓને આશ્ચર્ય થયું, તેમણે મહંમદને કહ્યું તમારો અને તમારા સાથીઓનો સામાન પેક કરો...

(ક્રમશ:)

દીવાલઃ ભાગ-60: મહંમદનો વ્યવહાર બદલાઈ ગયો, હવે તે જે કરવાનો હતો તેનો અંદાજ તેના સાથીઓને પણ ન્હોતો