પ્રશાંત દયાળ (દિવાલઃ ભાગ-6): સુપ્રીટેન્ડન્ટ વસાવા રાઉન્ડ લઈ જતા રહ્યા હતા, ત્યાર બાદ બાકીના કેદીઓ ફરી વોલીબોલ રમવા લાગ્યા હતા, પણ મહંમદ ખુણામાં શાંત ઊભો હતો, મહંમદે ભણવાની કેમ વાત કરી તેવો પ્રશ્ન તેના તમામ સાથીઓને હતો, તે બધા તેના કરતા દુર ઊભા હતા, પણ બધાની નજર મહંમદ તરફ હતી, તેઓ મહંમદના મનમાં ચાલી રહેલી ગરબડ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, જો કે તેમને ખબર હતી કે મહંમદ બહુ ઓછી વાત કરે છે અને તે જે બોલવા માગતો નથી, તે વાત તેની પાસેથી જાણવી અધરી હતી. તેના કારણે તેને પુછવાનો પણ કોઈ અર્થ ન્હોતો મહંમદના ધ્યાન આવ્યું કે તેના સાથીઓ તેને તરફ જોઈ રહ્યા છે, તેના કારણે તેણે ચહેરા ઉપર એક સ્મીત આપ્યુ અને બધુ પહેલા જેવું જ છે કઈ ખાસ નથી, તેવું બતાડવા તેણે વોલીબોલ રમી રહેલા કેદીઓને સંબોધતા કહ્યું દોસ્તો આપકા પ્યારા રેફરી આ ગયા હૈ, તેમ કહી તે નેટના એક છેડે જઈ ઊભો રહી ગયો, મહંમદ રેફરી તરીકે આવ્યો તેવી ખબર પડતા કેદીઓએ ચીચીયારીઓ પાડી તેનું સ્વાગત કર્યું હતું. યુનુસ તેનો જુનો સાથી હતો, તે મહંમદના વ્યવહારને વર્ષોથી સમજી રહ્યો હતો, તેનું માનવુ હતું કે મહંમદ જે રીતે સ્વસ્થ હોવાનો દેખાવ કરી  રહ્યો છે તેનો અર્થ તે સ્વસ્થ નથી અથવા તેની સ્વસ્થતા એવું બતાડી રહી છે તેની ઈચ્છા હતી તેવી કોઈ બાબત થઈ છે. યુનુસ યાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે કયારેય તેણે તેની સાથે કઈક ભણવુ જોઈએ તેવી વાત કરી હતી, પણ તેને આવી કોઈ ઘટના અને સંવાદ થયો હોય તેવું યાદ આવ્યું નહીં. કુલ આઠ સાથીઓ હતા, તેમાં મહંમદ કોઈની સાથે ખુલીને અને સ્પષ્ટતાપુર્વક વાત કરે તો તે યુનુસ એકમાત્ર હતો. 


 

 

 

 

 

યુનુસને ખાતરી હતી કે આજે નહીં તો આવતીકાલે મહંમદ તેની સાથે વાત કરશે, મહંમદ મેચ રમાડી રહ્યો હતો, પણ તે કયારેય અજાણતા યુનુસ સામે જોઈ  રહ્યો હોય તેમ ત્રાંસી નજરે યુનુસ સામે જોઈ લેતો હતો, મહંમદને પણ ખબર હતી કે તેણે યુનુસ સહિત કોઈને કયારેય ભણવાની વાત કરી ન્હોતી, પણ સુપ્રીટેન્ડન્ટ સામે અચાનક ભણવાની વાત કરતા તેના બાકીના સભ્યો મુંઝવણમાં મુકાઈ ગયા હતા, મહંમદને ખબર હતી કે આ પ્રશ્નને લઈને યુનુસના મનમાં ગરબડ થતી હશે, પણ યુનુસ પણ પોતાના સ્વભાવ પ્રમાણે સામે ચાલી કઈ પુછશે નહીં, તેના કારણે વહેલા મોડા તો તેને વાત કહેવાની જ હતી, અને મહંમદના મનમાં જે ચાલી રહ્યુ હતું, તેની જાણકારી એકલા યુનુસને નહીં, પણ બધા જ સાથીઓને આપવાની હતી, કારણ બધાએ સાથે મળી કામ કરવુ પડે તેમ હતું.,, જેલના નિયમ પ્રમાણે પાંચ વાગે જમવાનું આવી જાય છે, જેના કારણે ગેઈમ પુરી કરી કેદીઓ પોતાના હાથ પગ ધોઈ જમવાની તૈયારી કરી રહ્યા હતા, અને બરાબર પાંચના ટકોરે તેમના વોર્ડમાં જમવાનું લઈ પેડલ રીક્ષા આવી પહોંચી હતી, બધા કતારમાં આવી ઊભા રહી ગયા હતા, સાંજના મેનુ પ્રમાણે ખીચડી શાક અને રોટલી આવી હતી, આમ તો મહંમદે આજ સુધી જમવાનું લઈ આવેલા કેદીને કયારેય જમવા અંગે કઈ પુછયુ ન્હોતુ, પણ તેનો વારો આવતો તેણે કેદીને પુછયુ કે ભાઈ શાક શેનુ છે, મહંમદનો અવાજ અને સંવાદ યુનુસના કાને પડયો ત્યારે  પોતાની થાળી લઈ બેરેક તરફ જઈ રહ્યો હતો, પણ મહંમદના આ સંવાદને કારણે તેના પગ ત્યાં થંભી ગયા હતા, તેણે ડોકુ પાછુ ફેરવી મહંમદ સામે જોયુ હતું, મહંમદ પણ બોલતા બોલી ગયો, પણ તેને પણ ખબર  પડી ગઈ હતી કે તેણે આવો વ્યવહાર કયારેય કર્યો નથી,. જેના કારણે યુનુસ તેને પકડી પાડશે અને યુનુસ તેની સામે જોતો પણ હશે, તેના કારણે મહંમદની હિમંત થઈ નહીં કે તે પાછો ફરી યુનુસ સામે જુવે, કેટલાંક કેદીઓ બેરેકની બહાર વોર્ડના ખુલ્લા મેદાનમાં જમી રહ્યા હતા, જયારે અલિખીત કરાર પ્રમાણે મહંમદ પોતાના સાથીઓ સાથે બેરેકમાં જમી રહ્યો હતો, બધા ચુપચાપ જમી રહ્યા હતા, પણ બધા થોડી થોડીવારે જમતી વખતે મહંમદ સામે જોઈ  રહ્યા હતા.

તમામને એવું હતું કે મહંમદ તેમને કઈક વાત કરશે, મહંમદની આજે હિમંત થતી ન્હોતી કે તેના સાથીઓ સામે આંખ ઉચી કરી જુવે, આમ તો તે ટીમનો મેજર હતો, પણ મેજર આજે મુંઝવણમાં હતો, સૌથી પહેલા મેજર મહંમદનું જમવાનું  પુરૂ થઈ ગયુ, તે ઊભો થઈ બેરેકની બહાર ગયો, મેદાનમાં એક નળ હતો ત્યાં જઈ તેણે પોતાની થાળી અને વાટકી ધોઈ નાખી અને નજીકમાં આવેલા લીમડાના ઓટલા ઉપર જઈ બેઠો હતો, તેને થતુ હતું કે હમણાં જે તે પોતાના સાથીઓને ખરેખર શુ થયુ છે તે કહી દે, પણ બીજી જ ક્ષણે તેણે છેલ્લાં આઠ વર્ષથી સાથે રહેતા પોતાના સાથીઓ ડર લાગતો હતો, તેને લાગતુ હતું કયાંક ઉતાવળ થઈ ગઈ તો બધી વાત બગડી જશે, તે પોતાની જાતને પણ  પુછી રહ્યો હતો કે તેનો નિર્ણય સાચો છે કે ખોટો, મનમાં એક ધમાસાણ ચાલી રહ્યુ હતું અને તેનો ચહેરો તે છુપાવી શકતો ન્હોતો, એટલે જ તે થાળી ધોવાના બહાને બેરેક છોડી બહાર બેસી ગયો હતો, તેની આસપાસ કેટલાંક કેદીઓ હજી જમી રહ્યા હતા, તો કેટલાંક જમ્યા પછી ગપ્પા મારી રહ્યા હતા, પણ અસંખ્ય અવાજો વચ્ચે મહંમદ એકલો શાંત અને એકલો હતો. આજે મનમાં જે સ્થિતિ નિર્માણ થઈ હતી તેવુ આ પહેલા કયારેય થઈ ન્હોતી, આ દરમિયાન સાંજના છ થવા આવ્યા હતા, જેલ સીપાઈ અને વોર્ડન ત્યાં આવી પહોંચ્યા, બધા કેદીઓ બેરેકની બહાર આવી ગયા અને એક પછી એક કેદી ફરી બેરેકમાં જવા લાગ્યા, વોર્ડન કેદીઓની સંખ્યાગણી રહ્યો હતો, જેલના નિયમ પ્રમાણે સાંજના છ વાગે બંદી થઈ જતી હતી, બેરેકમાં કેદીઓને મુકતી વખતે તેમની ગણતરી થવી અનિવાર્ય હતી, તેના કારણે મહંમદ પણ કતારમાં ઊભો થઈ ગયો, અને બેરેકમાં જતો રહ્યો હતો, હવે બધા કેદીઓ બેરેકમાં જ હતા, બેરેકમાં આવ્યા પછી સાંજનો સમય બહુ આકરો થઈ જતો હતો, બેરેકમાં નિયમ પ્રમાણે ટીવીની પણ વ્યવસ્થા હતી, પણ ટીવીમાં એક માત્ર ચેનલ એટલે દુરદર્શન જ જોઈ શકતા હતા,, જેના કારણે કેદીઓ ટીવી ચાલુ કર્યુ હતું, પણ ટીવી ઉપર ગાય કેવી રીતે દુધ વધારે આપી શકે તે અંગેનો કાર્યક્રમ આવી રહ્યો હતો, પરંતુ કેદીઓ સમય પસાર કરવા માટે તે કાર્યક્રમ પણ ધ્યાનથી જોઈ રહ્યા હતા, મહંમદનું ધ્યાન પણ ટીવી તરફ હતું, પણ તેની નજર માત્ર ટીવી તરફ હતી, વિચારો બીજી જગ્યાએ દોડી રહ્યા હતા, રાતના નવ વાગી રહ્યા હતા, કેદીઓ સુઈ જવાની તૈયારી કરી રહ્યા હતા, બેરેકની બહાર અંધારૂ થઈ ગયુ હતું, પણ સ્ટ્રીટ લાઈટ  જાણે હું તમારી સાથે છુ તેવા ભાવ સાથે જાગી રહી હોય તેવુ લાગી રહ્યુ હતું, એકાદ જેલ સીપાઈ રોજ પ્રમાણે આવ્યા અને બેરેકની જાળીમાંથી તેણે બેરેકની ચારે તરફ નજર કરી અને તે ત્યાંથી જતો રહ્યો હતો, ધીરે ધીરે બધા સુઈ રહ્યા હતા, હવે બેરેકના એક ખુણામાં એક બલ્બ સળગી રહ્યો હતો, મહંમદની બાજુમાં યુનુસ હતો, મહંમદે ધીમા અવાજે પુછયુ.. તુ મને કઈ પુછવા માગે છે.. યુનુસે આંખ ખોલી અને કહ્યુ તુ જે કરીશ તેમા હું તારી સાથે છું.


 

 

 

 

 

(ક્રમશ:)