પ્રશાંત દયાળ (દીવાલઃ ભાગ-59): પરવેઝ અને યુસુફ પણ બ્લાસ્ટ કેસના આરોપી થઈ ગયા છે, તે મહંમદ અને તેના સાથીઓને ખબર ન્હોતી. કારણ પરવેઝ અને યુસુફ તેમના કરતા અલગ લોકઅપમાં હતા, તમામ કેસના રિમાન્ડ પુરા થઈ ગયા હતા. આ કેસમાં કોઈને પણ હમણાં તો જામીન મળે તેવી કોઈ શકયતા ન્હોતી. એટલે જ્યારે ક્રાઈમ બ્રાન્ચમાંથી પોલીસવાન નિકળી કોર્ટમાં જઈ રહી હતી ત્યારે મહંમદ અને તેના સાથીઓની સાથે પરવેઝ અને યુસુફ પણ હતા. મહંમદે પહેલા યુનુસ સામે ઈશારો કરી પુછયુ આ બે કોણ છે. મહંમદ તેમને ઓળખતો સુધ્ધા ન્હોતો. પરવેઝને માત્ર ચાંદ ઓળખતો હતો અને યુસુફને માત્ર દાનીશ ઓળખતો હતો, ચાંદ અને દાનીશ તેમની સામે જોવા લાગ્યા તેમને પણ આશ્ચર્ય થઈ રહ્યું હતું કે આ બંન્ને તેમની સાથે પોલીસવાનમાં કેમ છે. પરવેઝ અને યુસુફના ચહેરા ઉપરનું દુઃખ જોઈ શકાતુ હતું. દરેક વખતે આ આરોપીને કોર્ટમાં રજુ કરતી વખતે જડબેસલાક પોલીસ બંદોબસ્ત કોર્ટમાં ગોઠવવામાં આવતો હતો. તે દિવસે પણ તેવી જ સ્થિતિ હતી. સિન્હા તમામ આરોપીઓ સાથે કોર્ટમાં રજુ થયા હતા. સરકારી વકિલે આઠે આરોપીઓના રિમાન્ડ પુરા થયા છે તેવી જાહેરાંત કરી તેમને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવા કોર્ટને વિનંતી કરી હતી. મેજીસ્ટ્રેટે પુછ્યું કે તમારે કઈ કહેવુ છે, ત્યારે મહંમદે ઊભા થઈ ના પાડી હતી. કોર્ટે તમામને જયુડીશીયલ કસ્ટડી એટલે સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. કોર્ટમાં અનેક મુસ્લિમોની હાજરી હતી, પણ કોણ કોના સગા છે તે નક્કી કરવું મુશ્કેલ હતું. ક્રાઈમ બ્રાન્ચે પરવેઝ ઉપર આતંકીઓને દસ્તાવેજ વગર સીમકાર્ડ આપવાનો આરોપ મુકયો હતો. જ્યારે યુસુફ ઉપર બ્લાસ્ટમાં સાઈકલ પુરી પાડવાનો આરોપ હતો. 

યુસુફનું ધ્યાન કોર્ટમાં આવેલા લોકોની વચ્ચે એક મહિલા તરફ ગયું તેણે બુરખો પહેર્યો હતો અને તેણે એક નાનકડા બાળકને તેડયું હતું, મહિલાએ બુરખો પહેર્યો હોવા છતાં યુસુફ તેને ઓળખી ગયો અને તેના આંખમાં આંસુ દોડી આવ્યા, તે તેની પત્ની હતી અને તેના હાથમાં તેની દિકરી હતી. તેને થયું કે તે દોડી પત્ની પાસે જાય અને પોતાની દિકરીને તેડી ગળે વળગાડી દે, પણ તેને ખબર હતી કે તે તેવું કરી શકતો નથી. તેના આંસુ પત્ની જોઈ જાય નહીં માટે તેણે ચહેરો ફેરવી લીધો. પરવેઝની સ્થિતિ પણ કઈક આવી હતી. તેની વૃધ્ધ માઁ કોર્ટમાં પોતાના પરવેઝને જોવા માટે આવી હતી. તે ટોળાની વચ્ચે ઊભી રહી, પરવેઝ સામે જોઈ રડી રહી હતી. તેનું મન ચીસો પાડી પાડી કહેતુ હતું કે મારો પરવેઝ આતંકી નથી, પણ માઁની વેદના સમજવાની ક્ષમતા પોલીસ અને કોર્ટ પાસે ન્હોતી. કોર્ટના આદેશ બાદ પોલીસ તેમને ઝડપથી કોર્ટની બહાર લાવી પોલીસવાનમાં બેસાડી સાબરમતી જેલ તરફ જવા રવાના થઈ, યુસુફને ખબર ન્હોતી કે હવે તે ક્યારે જેલમાંથી બહાર આવશે પણ તેને મનમાં ઉંડે ઉંડે તેવું થઈ રહ્યું હતું કે તેને જરૂર ન્યાય મળશે અને તે જલદી છુટી જશે. સાબરમતી જેલના દરવાજે પોલીસવાન આવી ઊભી રહી ત્યારે તેના ઊંચા અને લોંખડી દરવાજા જોઈ પરવેઝ ધ્રુજી ગયો હતો, તેણે વિચાર કર્યો એક સામાન્ય મોબાઈલની દુકાન ચલાવનાર માણસની જીંદગી હવે આ દિવાલોની પાછળ પસાર થશે જેલ પોલીસે તમામ આઠે આરોપીઓને જેલમાં પ્રવેશ આપતા પહેલા તેમની અંગ જડતી (તપાસ કરી) લીધી હતી. જેલની કાર્યવાહી પુર્ણ થઈ તે અંદર દાખલ થયા ત્યારે હવે તેમના નામની સાથે એક કેદી નંબર પણ જોડાઈ ગયો હતો. જેલ પોલીસે તે તમામને એક બેરેકમાં મોકલી આપ્યા હતા. આ તમામ કાર્યવાહી પુરી કરતા તેમને સાંજ પડી ગઈ હતી. 

હવે સાબરમતી સેન્ટ્રલ જેલની ઊંચી દિવાલો પાછળની તમામની એક નવી જીંદગીની શરૂઆત હતી, પરવેઝ અને યુસુફને બાદ બાકી છને અહીં આવવનો કોઈ અફસોસ ન્હોતો. તેમને મન તો તેમની જીંદગીની સ્ક્રીપ્ટ તેમણે લખી છે તેવી રીતે જ ચાલી રહી હતી. બેરેકમાં ગયા પછી પરવેઝ અને યુસુફ એકલા બેઠા હતા. યુનુસ તેમને મળવા આવ્યો અને કહ્યું મેજર આપકો બુલાતે હૈ, પરવેઝ અને યુસુફ માટે આ નામ અજાણ્યુ હતું તેઓ આશ્ચર્યથી યુનુસ સામે જોવા લાગ્યા. યુનુસે મહંમદ તરફ ઈશારો કરતા કહ્યું મહંમદભાઈ બુલા રહે હૈ. બંન્ને સંકોચ સાથે ઊભા થયા અને મહંમદ પાસે આવ્યા ત્યારે જ ચાંદ અને દાનીશ પણ તેમની પાછળ આવ્યા, મહંમદે પોતાના મનમાં ચાલી રહેલો સવાલ પુછયો આપ દોનો કો ક્યું એકયુઝ બનાયા, તરત ચાંદે કહ્યું મેજર યહ પરવેઝ હૈ, મેં ઉસકે પાસ સે સીમકાર્ડ લાયા થા અને દાનીશે કહ્યું યહ યુસુફ હૈ, દરિયાપુર મેં સાઈકલ કી દુકાન હૈ, મેં સાઈકલ ઉન્હી સે લાયા થા, મહંમદ વકિલ હતો તેને આશ્ચર્ય થયું તેને ખબર પડી નહીં કે આ બંન્ને કેવી રીતે આરોપી બન્યા, તેણે આશ્ચર્ય સાથે પુછ્યું સીમકાર્ડ દીયા ઔર સાઈકલે દી તો ક્યાં હુવા એકયુઝ કૈસે હો ગયે. યુસુફ અને પરવેઝ એકબીજા સામે જોવા લાગ્યા, પરવેઝે શ્વાસ ભર્યો અને કહ્યું ક્રાઈમ ચાહતી થી કી હમ આપકે ખીલાફ ગવાહી દે, હમને મના કિયા, હમકો બહુત સમજાયા, બહુત પીટા ઔર ડરાયા ભી, લેકીન હમ વીટનેસ નહીં હુવે તો હમે એકયુઝ બના દીયા. મહંમદે છણકો કરતા કહ્યું આપ બેવકુફ હો, આપ કો વીટનેસ હોને સે કૌન રોકતા થા, અરે મુઝે પુછા હોતા તો મેં આપકો વીટનેસ હોને કો કહ દેતા, અરે દોસ્ત આપકો જીસકે સાથ કોઈ વાસ્તા નહીં ઉસકે લીયે આપ કૈસે એકયુઝ હો શકતે હો. 

પછી થોડીવાર એકદમ શાંતિ છવાઈ ગઈ, બધા મહંમદ સામે જોઈ રહ્યા હતા, તેણે પરવેઝ અને યુસુફ સામે જોતા કહ્યું દેખો હમને જો કીયા, વો સોચ-સમજકર કીયા, હમે ફાંસી હોને વાલી હૈ વહ ભી હમે માલુમ હૈ, ઉસકા હમે કોઈ ગમ ભી નહીં હૈ, લેકીન આપ તો અભી છોટે હો, લંબી જીંદગી બાકી હૈ, ઔર બ્લાસ્ટ કે સાથ આપ કા કોઈ લેના-દેના નહીં હૈ, ફીર ભી આપ શહિદ હોને કો હમારે સાથ આ ગયે, પરવેઝ અને યુસુફને લાગ્યું કે જ્યારે સિન્હા સાહેબ સાક્ષી થવા માટે ધમકાવી રહ્યા હતા ત્યારે આ માણસ મળી ગયો હોત તો કદાચ તેઓ અંદર આવ્યા ના હોત પણ હવે મોડુ થઈ ગયું હતું, મહંમદે વિચાર કરી કહ્યું યુનુસ એક કામ કરો, હમારી જમાનત તો સુપ્રીમ કોર્ટ સે ભી હોને વાલી નહી હૈ, યહ દો બચ્ચે બેકસુર હૈ, અગલે હપ્તે ઉનકી જમાનત હમ રખ દેતે હૈ ઔર મેરે પાસ સનદ ભી હૈ, મેં ઉનકી જમાનત કરવા દુંગા, પરવેઝની આંખમાં આંસુ આવી ગયા તેણે બે હાથ જોડી મહંમદનો આભાર માન્યો, મહંમદ ઊભો થઈ ગયો અને પરવેઝને ભેટી પડયો, તેણે તેના ઉપર હાથ ફેરવતા કહ્યું રોના બંધ કરો, અલ્લાતાલા સબ ઠીક કર દેંગા... મેં આપકી જમાનત કરવા દુંગા આપ અપને પરિવાર કે પાસ બહુત જલદી ચલે જાયેંગે યહ મેરા વાદા હૈ. મહંમદનું વાકય પુરૂ થયું ત્યારે સાબરમતી સેન્ટ્રલ જેલની પાછળ આવેલી મસ્જિદમાંથી અઝાનનો અવાજ સંભળાયો...

(ક્રમશઃ)

દીવાલ ભાગઃ58- યુવકોએ કહ્યું સાહબ હમ હિન્દુ હોતે તો સાક્ષી હો જાતે, હમારી કોમ હમે જીને નહીં દેગી