પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, ભાગ: દીવાલ-57) ડીસીપી સિન્હાને ખુબ ગુસ્સો આવ્યો હતો. મહંમદ વકીલ હોવાનો ખુબ ફાયદો ઉઠાવી રહ્યો હતો પણ તે દરેક ચાલ ગણતરીને માંડીને ચાલી રહ્યો હતો. ડીસીપીએ ત્યાર બાદ ફરી વખત મહંમદને બેંચ ઉપર સુવાડી નસીરૂદ્દીન, હાફીઝ અને સલીમ-નુરૂ ક્યાં છે તેની જાણકારી મેળવવા માટે માર્યો હતો, તેને લોકઅપમાં ઉંઘો લટકાવી પણ રાખ્યો હતો છતાં મહંમદે હરફ ઉચ્ચાર્યો ન્હોતો. આશ્ચર્ય તે બાબતનું હતું જ્યારે કોર્ટના આદેશ પ્રમાણે મહંમદના વકીલ તેને મળવા આવ્યા અને તેમને મહંમદની હાલત જોઈ તેને પુછ્યુ કે પોલીસે માર્યો છે? ત્યારે તેણે કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવાને બદલે વકીલને કહ્યુ હતું કે તે સીડી ઉતરતા પડી ગયો હતો. મહંમદ પોલીસ સામે ફરિયાદ કરવા માગતો ન્હોતો, આવુ તે પોલીસના ડરથી કરી રહ્યો હતો તેવુ ન્હોતુ પણ તેને ક્રિમિનલ લૉયર તરીકે ખબર હતી કે પોલીસ સામે ફરિયાદ કરવાથી ક્યારેય કોઈ આરોપીને ફાયદો થતો નથી. સિન્હા તેની પાસેથી માહિતી કઢાવી શકવામાં નિષ્ફળ સાબિત થયા હતા તેનો તેમને અફસોસ હતો. તેમણે નસીરૂદ્દીનને શોધવા માટે બીજા રસ્તાની તપાસ શરૂ કરી હતી પણ હાલ પુરતો તો કોઈ રસ્તો સુઝતો ન્હોતો પણ હવે ડીસીપી સિન્હાને ગુસ્સો તે વાત હતો કે આ બધાને ફાંસી થાય ત્યારે તેમને શાંતિ થશે તેના માટે તેઓ રાત દિવસ કામ કરી કેસ પેપર તૈયાર કરી રહ્યા હતા. મહંમદ સિવાય તમામે પોતાનો ગુનો કબુલ કરી તેમની બ્લાસ્ટ કેસની ભુમિકા પોલીસને જણાવી દીધી હતી. ક્રાઈમ બ્રાન્ચ  એક પછી એક ગુનાઓમાં રીમાન્ડ લઈ તપાસ કરી રહી હતી. હજી પોલીસની પાસે બે મહત્વના માણસો હતા પરવેઝ અને યુસુફ. આ બંન્નેને ક્રાઈમ બ્રાન્ચમાં કેમ બેસાડી રાખ્યા છે તેની ખબર સિન્હા સિવાય કોઈને ન્હોતી પણ હવે સિન્હા પોતાના માસ્ટર કાર્ડનો ઉપયોગ કરવાના હતા.

તે દિવસે સવારે તેમણે સૌથી પહેલા પરવેઝને પોતાની ઓફિસમાં બોલાવ્યો. સિન્હા એકમદ રિલેક્સ મુડમાં હતા. પહેલા તેમણે પરવેઝને બેસાડી કોફી પીવડાવી હતી, પરવેઝે સામેથી વાતની શરૂઆત કરી કહ્યુ, સાબ મુઝે ઘર કબ જાને દોંગે, સાડે તીન મહિને હો ગયે, ધંધા ભી બંદ હૈ. સિન્હાએ કહ્યુ બેટા ધંધા બંદ હૈ લેકીન તેરે ઘર પે પૈસા તો પહોંચ જાતા હૈ, ક્યુ ફિકર કરતા હૈ? પરવેઝ પહેલા કંઈ બોલ્યો નહીં પછી કહ્યુ સર અચ્છા નહીં લગતા, આપ પૈસે ભેજતે હો, મેરા તો ઈસ કેસ સે કોઈ લેના દેના ભી નહીં ફીર આપ મુઝે યહા બીઠા રખતે હો, પરવેઝે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યુ. સિન્હાને આ વાત પસંદ પડી નહીં એટલે તેમણે મુળ વાત ઉપર આવતા કહ્યુ દેખો પરવેઝ તુમ માનતે હો, તુમને કુછ કીયા નહીં? પરવેઝે માથુ હલાવી હા પાડી, ઔર તુમ યહ ભી માનતે હો બ્લાસ્ટ કરને વાલોને અચ્છા કિયા નહીં? પરવેઝે નિર્દોષ ભાવે ફરી માથુ હલાવી હા પાડી. સિન્હાએ કહ્યુ બસ મુઝે તુમસે યહી ઉમ્મીદ થી, એક કામ કરના હૈ, મેં જાડેજા સાબ કો બોલુગાં વો તુમ્હારા સ્ટેટમેન્ટ રેકોર્ડ કર લેંગે આજ તુમ્હારા કામ હો જાય તો કલ તુમ ઘર ચલે જાના. પરવેઝના ચહેરા ઉપર એકદમ ઉત્સાહ આવી ગયો. તેણે પુછ્યુ સર કબ સ્ટેટમેન્ટ દેના હોંગા? સિન્હાએ તેને ઠંડો પાડતા કહ્યુ આજ હી લેંગે મેં બોલ દુંગા જાડેજા કો. પરવેઝને મોકલી તેમણે યુસુફને પોતાની ચેમ્બરામાં બોલાવ્યો. યુસુફને પણ તેમણે સ્ટેટમેન્ટ આપવા માટે રાજી કરી દીધો. જ્યારે પરવેઝને ઘરે જવાની મંજુરી મળશે તેવી ખબર પડી ત્યારે તે ખુબ ખુશ હતો. તેણે સિન્હાને કહ્યુ સર મેરી મુમતાઝ અભી પૈદા હુઈ હૈ, કઇ દિનો સે ઉસકે સાથ ખેલા નહીં હું, અબ ઘર જાઉગા તો શાયદ મુઝે પહેચાનેગી ભી નહીં. સિન્હા તેની વાત સાંભળી હસ્યા અને કહ્યુ મુઝે ભી એક બેટી હૈ, મેં તેરી હાલત સમજ શકતા હું, તુ ઘર જાયેગા તો દો દિન મેં તુઝે પહેચાન લેગી, તુ જાડેજા સાબ કો સ્ટેટમેન્ટ દે દેના ઔર કલ ઘર ચલે જાના તેરી જબ ભી જરૂરત હોંગી તુમ્હે બુલાયેગે.

પરવેઝ અને યુસુફ જાડેજાની ચેમ્બરમાં ગયા. સિન્હાએ તેમને ફોન કરી ક્યા પ્રકારનું સ્ટેટમેન્ટ નોંધવાનું તેની સુચના આપી દીધી હતી. ઈન્સપેક્ટર જાડેજાએ સ્ટેટમેન્ટ નોંધવાની શરૂઆત કરી એટલે તરત પરવેઝે પુછયુ સાબ મુઝે કોર્ટ મેં આના પડેગા? જાડેજાએ કહ્યુ હા પરવેઝ તુ અમારા કેસનો સાક્ષી છે, સાક્ષી શબ્દ સાંભળતા પરવેઝ ચોંકી ગયો. તેણે કહ્યુ સાહેબ તમે મને જે પુછ્યુ તે બધુ મેં સાચુ કહી દીધુ તો પણ મને સાક્ષી કેમ બનાવો છો? મારે આ કેસ સાથે કોઈ લેવા-દેવા નથી. જાડેજાએ તેને ફરીથી સમજાવતા કહ્યુ પરવેઝ તારે કોઈ લેવા-દેવા નથી પણ તે તેમને સીમકાર્ડ વહેચ્યા હતા એટલુ જ તારે મને સ્ટેટમેન્ટમાં કહેવાનું અને કોર્ટમાં પણ કહેવાનું છે. આટલુ કહી જાડેજાએ લખવાની શરૂઆત કરી પણ પરવેઝ કંઈ બોલ્યો નહીં. જાડેજાએ તેની સામે જોયુ, પરવેઝે કહ્યુ સાહેબ મારે કોઈની સલાહ લેવી પડશે પછી હું સ્ટેટમેન્ટ આપીશ. જાડેજાએ પોતાની પેન બંધ કરી ટેબલ ઉપર મુકતા પુછ્યુ સલાહ કોની લઈશ..? પરવેઝે પહેલા નીચે જોયુ અને પછી ઉપર જોતા કહ્યુ મારા વકીલની. આ વાક્ય સાંભળી જાડેજા સ્તબ્ધ થઈ ગયા. પરવેઝ લંગડો સાડા ત્રણ મહિના પહેલા ક્રાઈમ બ્રાન્ચ આવ્યો હતો ત્યારે પાંદડાની જેમ ધ્રુજતો હતો પણ આજે એક રીઢા ગુનેગારની જેમ વાત કરવા લાગ્યો હતો. કદાચ ક્રાઈમના વાતાવરણની તેની ઉપર અસર થઈ હતી. પરવેઝે સ્ટેટમેન્ટ આપવાની ના પાડતા જાડેજાએ યુસુફ સામે જોયુ અને પુછ્યુ તો તારૂ સ્ટેટમેન્ટ નોંધી લઈએ. જાડેજા જ્યારે પરવેઝ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે યુસુફના મનમાં ગડબડ ચાલી રહી હતી. જાડેજાએ તેને સમજાવ્યો કે તારે તો દાનીશ તારી પાસેથી સાયકલ ખરીદી ગયો છે એટલુ જ કહેવાનું છે પણ પરવેઝે સ્ટેટમેન્ટ આપવાની ના પાડતા તેની હિંમત ખુલી હતી અને તેને પણ પરવેઝની જેમ જવાબ આપ્યો સર હું મારા વકીલને પુછ્યા વગર જવાબ નોંધાવીશ નહીં. જાડેજા ખુબ ગુસ્સે થયા હતા પણ કેસ સિન્હા સાહેબ સંભાળતા હતા અને પરવેઝ અને યુસુફની સંભાળ રાખવાની તેમણે સુચના આપી હતી તેના કારણે તેમણે તેમને કંઈ કર્યુ નહીં, નહીંતર ઓછામાં ઓછી બે બે થપ્પડ તો બંન્ને ખાઈ લેતા. જાડેજા પોતાની ઓફિસમાંથી નિકળી સિન્હા પાસે ગયા, તેમણે જ્યારે પરવેઝ અને યુસુફે આપેલા જવાબની વાત કરી ત્યારે તેમને બહુ આશ્ચર્ય થયુ તેમણે કલ્પના કરી ન્હોતી કે આ બે છોકરાઓ આ રીતે જવાબ આપવાની ના પાડશે. સિન્હા થોડી વખત વિચાર કરવા લાગ્યા પછી તેમણે જાડેજાને કહ્યુ એક વખત બંને છોકરાઓને પ્રેમથી સમજાવજો કે હું કોઈની જીંદગી ખરાબ કરવા માગતો નથી,પણ જો તે વીટનેસ નહીં થાય તો પોતની જાતને કુવામાં ફેંકી રહ્યા છે તેવુ થશે, મેં ઈરાદાપુર્વક કોઈને નુકશાન કરવાનો પ્રયત્ન કર્યો નથી પણ જો આ છોકરાઓ મારી વાત માનશે નહીં તો હું તેમની જીંદગી બરબાદ કરતા પણ અચકાઈશ નહીં. જાડેજા સિન્હાની ગંર્ભિત ધમકી સમજી ગયા હતા, તેમને પણ પોલીસમાં એક જમાનો થઈ ગયો હતો, હવે સિન્હા શુ કરી શકે તેનો અંદાજ તેમને આવી ગયો હતો. (ક્રમશ:)  

દીવાલ ભાગ: 56: DCPએ કહ્યું વકિલ સાહબ જેહાદ કા મતલબભી જાનતે હો, આપકો તો જહન્નુમભી નસીબ નહીં હોગા