પ્રશાંત દયાળ (દીવાલઃ ભાગ-56): દાનીશની કબુલાત પછી દાનીશને પણ ચાંદની જેમ અલગ લોકઅપમાં મુકી દેવામાં આવ્યા હતો, ડીસીપી સિન્હા સામે આખુ ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ હતું, ડીસીપીને સમજાઈ ગયુ કે ચાંદ-દાનીશ, અબુ-રીયાઝ અને યુનુસ તો આખી ઘટનાના નાના પ્યાદા છે. ખરૂ મગજ તો મહંમદ અને નસીરૂદ્દીન છે, બની શકે મહંમદ અને નસીરૂદ્દીનની પાછળ પણ બીજા ચહેરા હોય પણ હજી તેમના નામ સામે આવ્યા ન્હોતા. ધર્મ અને જેહાદના નામે કોઈ પણ શિક્ષીત માણસનું બ્રેઈનવોશ કરી તેઓ તેની પાસે ધારે તે કામ કરાવી શકતા હતા. આમ જોવા જાવ તો મહંમદ પણ ખુબ ભણેલો અને પ્રેકટીસ વકિલ હતો, છતાં તેના ઉચ્ચ શિક્ષણે પણ તેની ધાર્મિક  માન્યતા બદલવાને બદલે તેને વધુ કટ્ટર બનાવ્યો હતો. સિન્હાએ વિચાર કર્યો, હવે મહંમદ સાથે જ સીધી વાત કરવી જોઈએ, તેમને ખબર હતી, મન અને શરિરથી સૌથી મજબુત કોઈ હોય તો તે મહંમદ હતો તેના કારણે હમણાં તો તેની સાથે અલગ રીતે વાત કરવાની જરૂર હતી. મહંમદ તેમની ચેમ્બરમાં આવતા તેમણે મહંમદને બીજા આરોપીઓની જેમ નીચે જમીન ઉપર બેસાડવાને બદલે કહ્યું વકિલ સાહબ બેઠીયે.. અને ખુરશી તરફ ઈશારો કર્યો, મહંમદ હસ્યો અને તેણે ખુરશી ટેબલથી થોડી દુર ખેંચી તે બેઠો. ડીસીપી સિન્હાએ મહંમદ સામે જોતા હવે તેને નામથી સંબોધતા પુછ્યું મહંમદ આપ ચાય લેંગે યા કોફી, મહંમદે કહ્યું ચાય. ડીપીસીએ બેલ મારી ચા લાવવાની સૂચના આપી, ચા આવે તે પહેલા સિન્હાએ વાતનો દૌર શરૂ કર્યો આપને ગ્રેજ્યુએશન કીસ મેં કિયા, સર બીએ વિથ હિસ્ટ્રી મહંમદે કહ્યું ડીસીપીએ હસતા હસતા પુછ્યું તો ફીર આપને ઈન્ડીયન હિસ્ટ્રી ભી પઢી હોંગી, જી સર મહંમદે ટુંકો જવાબ આપ્યો, એલએલબી કીસ સાલ મેં કિયા, સિન્હાએ પુછ્યું... મહંમદે એક ક્ષણ વિચાર કર્યો અને 1988 મેં દિલ્હી લો કોલેજ સે.

ચા આવી એટલે ડીસીપી ઊભા થયા અને પોલીસવાળાના હાથમાંથી ટ્રે લઈ તેને બહાર જતા રહેવાનો ઈશારો કરી, તેમણે મહંમદની સામે ચાનો કપ મુકયો, તેણે પણ ચાનો કપ હાથમાં લીધો અને ટ્રે બાજુમાં મુકતા ઊભા ઊભા ચાનો કપ હોઠે માંડતા કહ્યું મહંમદ દેખો આપ કે દો સાથી તુટ ચુકે હૈં, ઉન્હોને હમે સબ બતા દીયા હૈ. મહંમદે માત્ર નજર ઊંચી કરી, ડીસીપી સામે જોયું, તેના ચહેરા ઉપર એક આછુ સ્મીત આવ્યું, સિન્હાને લાગ્યુ કે તે તેમની વાત ઉપર ભરોસો કરતો નથી, એટલે તેમણે કહ્યું ચાંદને સીમકાર્ડ ખરીદા, દાનીશને સાઈકલ ખરીદી, નસીરૂદ્દીનને આપ કે રહેના કા ઈંતઝામ કીયા. હાફીઝને બોમ્બ બનાયા અને ઔર સલીમ-નુરૂને શહર કી દોનો હોસ્પિટલ મેં બોમ્બ પ્લાન્ટ કી હુઈ કાર રખદી યહ સબ કહાની હમે માલુમ હૈ, મહંમદે હોઠે માંડેલો કપ ટેબલ ઉપર મુકયો અને તે પોતાના જમણા હાથની પહેલી આંગળી કપની ધારી ઉપર ફેરવી રહ્યો હતો. ડીસીપીએ તેની સામે જોઈ રહ્યા હતા, તેમણે પુછ્યું મહંમદ અબ આપ હમારે સાથ બાત કરના ચાહોગે, મહંમદ માથુ ઊંચુ કરી, ડીસીપી સામે જોતા કહ્યું સર અબ તો આપકો પુરી કહાની માલુમ હૈ, તો ફીર હમ આપકો ક્યા બતાયે. ડીસીપી પોતાના ઓફિસના ટેબલ ઉપર બેઠા, તેમનો આ વ્યવહાર કહેતો હતો કે મહંમદ આ મારી ઓફિસ છે હું ધારૂ તે કરીશ તારે મારી સાથે વાત કરવી જ પડશે. સિન્હાએ કહ્યું મહંમદ મેં આપકી જુબાની યહ બાતે સૂનના ચાહતા હું, મહંમદ ઉપર ફરી રહેલા પંખા સામે જોયું અને પછી ડીસીપી સામે જોતા એક એક શબ્દ ઉપર ભાર મુકતા કહ્યું સર મેં કુછ નહીં જાનતા... યહ બાત મેં પહેલે કહ ચુકા હું, કહતા રહુગા, ડીસીપીને ઓટલો ગુસ્સો આવ્યો કે ઊભા થઈ તેના ગાલ ઉપર એક તમાચો ઢોંકી દે, પણ તેમણે પોતાનો ગુસ્સો કાઢવા માટે ફેફસામાંથી એક સામટો શ્વાસ છોડયો તે ટેબલ ઉપરથી ઉતર્યા અને મહંમદની પાછળની તરફ ગયા ત્યાં જઈ તેમણે મહંમદના ખભા ઉપર હાથ મુકતા કહ્યું વકિલ સાહબ આપ કો બતાના તો પડેગા મેરે પાસ દુસરે રાસ્તે ભી હૈ, મહંમદ કઈ બોલ્યો નહીં.

ડીસીપી ચેમ્બરમાં ચક્કર મારવા લાગ્યા, તેમણે પુછ્યું મહંમદ મુઝે નસીરૂદ્દીન, હાફીઝ, સલીમ ઔર નુરૂ કી જરૂરત હૈ, મહંમદ નીચે તરફ જોઈ રહ્યો હતો તેણે કઈ જવાબ આપ્યો નહીં, ડીસીપીએ ચાલતા ચાલતા ધીમા અને કડક અવાજમાં કહ્યું મહંમદ ચુપ રહેને સે કોઈ બાત આગે બઢેગી નહીં, મુઝે લગતા હૈ, આપ મેરી બરદાસ્ત કી પરિક્ષા કર રહે હો. મહંમદે માથુ ઉપર કરી ડીસીપી સામે જોયું પણ હજી તે ચુપ હતો, ડીસીપીએ કહ્યું મુઝે લગતા હૈ આપ મેરા ઈન્સલન્ટ કરે રહે હો... મેં આપકો પુછ રહા હું, આપ જવાબ નહીં દેતે, તો પણ મહંમદ શાંત રહ્યો, ડીસીપી ચાલતા ચાલતા તેની પાછળ ગયા અને તેના માથાના વાળ પકડી જોરથી પાછળની તરફ ખેંચતા કહ્યું મહંમદ બતાઓ કહા હૈ નસીરૂદ્દીન, મુઝે ઉસકી જરૂરત હૈ, મહંમદ આખ્ખો હલી ગયો હતો. વાળ ખેંચવાને કારણે તેને પીડા પણ થઈ રહી હતી, ડીસીપીએ થોડીક ક્ષણ તેના વાળ પકડી રાખ્યા અને પછી ઝટકા સાથે વાળ છોડયા અને પોતાની ખુરશીમાં આવી બેઠા અને ટેબલ ઉપર હાથ પછાડી કહ્યું મહંમદ બતાઓ હાફીઝ કહા મીલેગા... મહંમદને વાળ ખેંચવાને કારણે માથામાં દુઃખાવો થઈ ગયો હતો તેણે પોતાના માથાના પાછળની તરફ હાથનો પંજો દબાવતા કહ્યું સર કાનુન મુઝે કુછ નહીં બોલને કા અધિકાર ભી દેતા હૈ. ડીસીપી પાછા ઊભા થઈ ગયા, અરે હા મેં તો ભુલ હી ગયા, આપ તો વકિલ સાહબ હૈ, આપ કો તો કાનુન ક્યા અધિકાર દેતા હૈ વો માલુમ હૈ. પછી ડીસીપી એકદમ શાંત થઈ ગયા, તેમણે વાત ફેરવીને પુછી ઠીક મુઝે યહ બતાઓ, આપને યહ ક્યુ કિયા, મહંમદે હવે પહેલી વખત ડીસીપીની આંખમાં જોતા જવાબ આપ્યો સર હમ ઉસે જેહાદ કહેતે હૈ... મહંમદ હવે જાણે પોતાની નાભીથી બોલતો હોય તેમ તેના અવાજમાં એક પ્રકારનો આત્મવિશ્વાસ હતો. ડીસીપીએ તેના આત્મવિશ્વાસની નોંધ લીધી. ડીસીપી પોતાની ખુરશીમાં બેઠા, તેમણે કહ્યું જેહાદ કા મતલબ ભી માલુમ હૈ, મેંને ભી ઈસ્લામ પઢા હૈ, જેહાદ કા મતલબ હોતા હૈ બુરાઈઓ સે લડના, બુરાઈ યાની અપને અંદર કી બુરાઈ, આપને તો જેહાદ કે નામ પે બેકસુરો કો માર ડાલા, ઈસ્લામ કહેતા જેહાદ કા મતલબ કીસી લાચાર કે લીયે લડના, લેકીન ઈસ જેહાદ મેં કીસી બેકસુર કે ખુન કા એક કતાર ભી બહતા હૈ તો વહ મુસ્લમાન નહીં, આપ તો કીતને સાલો સે જેહાદ કે નામ સે બેકસુર લોગો કી જાન લે ચુકે હો, આપ માનતે હૌ કી આપકો જન્નત મીલેગી તો, તો જનાબ ભુલ જાઓ આપ કો જહાન્નુમ ભી નસીબ નહીં હોગા. ડીસીપી મહંમદની આંખોમાં જોઈ વાત કરતા હતા. મહંમદે  ડીસીપીને જવાબ કહ્યુ સર 2002 કે દંગો મેં મારે ગયે સભી મુસ્લીમ ભી તો બેકસુરો હી થે. 

(ક્રમશ:)

દીવાલઃ ભાગ-57: આતંકીએ કહ્યું બ્લાસ્ટ કે હપ્તે પહેલે હમે ભી પતા નહીં થા કી હમે બ્લાસ્ટ કરના હૈ