પ્રશાંત દયાળ (દીવાલ-ભાગઃ 52): ડીસીપી સિન્હા અને ઈન્સપેકટર જાડેજા સવારે પાંચ વાગે ઘરે ગયા હતા, તો પણ જાડેજા સાડા દસ વાગે પોતાની ઓફિસમાં આવી ગયા, તેમણે સવારે ક્રાઈમ બ્રાન્ચથી નિકળતા જ પોતાના તમામ સ્ટાફને દસ વાગે હાજર રહેવાનો મેસેજ આપી દીધો હતો, જો કે કોઈને કયા કામ માટે બોલાવ્યા છે તેની ખબર ન્હોતી, જાડેજાએ ઓફિસમાં આવી પોતાના કેટલા રૂટીન કામ હતા અને જે કેસ પેપરો ઉપર તેમની સહી કરવાની બાકી હતી. તે કામ પુરૂ કરી એક પોતાની ગાડી અને બીજી ગાડીમાં સબ ઈન્સપેકટકટર અને તેમના સ્ટાફને લઈ તે દરિયાપુર ઉપડયા, તંબુ ચોકી પાસે તેમણે ગાડી રોકી કોઈને સરનામુ પુછયુ, સરનામુ બતાડનારે જે તરફ ઈશારો કર્યો તે તરફ જાડેજાએ જોયુ તો તરત સાયકલની દુકાન નજરે પડી, તેમણે સાયકલની દુકાન પાસે ગાડી ઊભી રાખી દુકાનમાં કામ કરી રહેલા ચાચાને પુછયુ યુસુફ કોણ છે, ચાચા ડરી ગયા. જાડેજાએ ફરી પુછયુ એટલે તેમણે દુકાનમાં કામ કરી રહેલા એક જુવાન છોકરા તરફ ઈશારો કર્યો, જાડેજાએ તેને પકડયો અને ઉપાડી ગાડીમાં નાખી દીધો. યુસુફ રસ્તામાં પુછી રહ્યો હતો, સાહેબ કહો તો ખરા મારો ગુનો શું છે, પણ જાડેજાએ તેની સાથે એક શબ્દની વાત કરી નહીં, તે થોડીવાર પછી રડવા લાગ્યો હતો, જાડેજાએ પાછળની સીટમાં બેઠેલા યુસુફ તરફ એક બે વખત નજર કરી જોયું પણ ન હતું. યુસુફ ક્રાઈમ બ્રાન્ચમાં આવી જતા તેને ઉપરના હોલમાં લાવી બેસાડી દેવામાં આવ્યો હતો, જાડેજાએ એસઆરપી વાળાને કહ્યું ધ્યાન રાખજો આ છોકરાનું, યુસુફે જોયું તો તેના જેવા પાંચ સાત લોકો હોલમાં બેઠા હતા, કલાક થયો એટલે યુસુફનું મન થોડુ શાંત થયું, તેણે તેની બાજુમાં બેઠેલા યુવક સામે જોયું, પેલા યુસુફને પુછયું કીસ મેં આયે હો.. યુસુફને આ ભાષા સમજાઈ નહીં કારણ તેને આ ભાષાની આદત ન્હોતી, પેલા ગુજરાતીમાં પુછયું ક્યા ગુનામાં લાવ્યા છે, યુસુફે કહ્યું મને જ ખબર નથી મારો ગુનો કયો છે, પેલો યુવક હસવા લાગ્યો, તેણે કહ્યું પહેલી વખત આયો લાગે છે, ધીરે ધીરે તને આદત થઈ જશે. યુસુફને તેનું હસવુ અને તેનું આ પ્રકારે બોલવુ ગમ્યુ નહીં.

થોડીવાર પછી ત્યાં બેસાડી રાખેલામાંથી એક વ્યકિતએ એસઆરપીને હાથનો ઈશારો કરતા બાથરૂમ જવું છે તેવું કહ્યું, એસઆરપી જવાન ખુરશીમાંથી ઊભો થયો, તેણે પોતાની રાયફલ ખભા ઉપર લીધી અને પુછયું કોને કોને બાથરૂમ જવું છે, યુસુફને બાદ કરતા બધાએ હાથ ઊંચો કર્યો, એસઆરપીએ યુસુફને પુછયું તારે જવું નથી, તેણે ના પાડી, એટલે પેલા જવાને ગુસ્સો કરતા કહ્યું ચાલ ઉઠ પછી તને લાગશે તો નહીં લઈ જઉ, યુસુફને આશ્ચર્ય થયું અહિયા બાથરૂમ પણ પરાણે કરવી પડશે? બધા ઊભા થઈ ગયા, નાના છોકરાઓ જ્યારે છુકછુક ગાડી રમતા હોય ત્યારે એક બીજાના શર્ટ પકડી કેમ ચાલે તેમ બધા ચાલવા લાગ્યા, યુસુફને તો આ પધ્ધતિની ખબર ન્હોતી, પણ તેની પાછળ રહેલા યુવકે તેને ઈશારો કરી કહ્યું આગળ વાળાનો શર્ટ પકડી લે, એસઆરપી વાળો સૌથી છેલ્લે ચાલતો હતો ઉપરના માળેથી બઘા નીચે બાથરૂમ સુધી આવ્યા, એક પછી એક બધા બાથરૂમ ગયા અને પાછા ઉપર જતી વખતે બધાએ એક બીજાના શર્ટ પાછળથી પકડી લીધા. યુસુફને આ બધાની નવાઈ લાગતી હતી, હજી તેની ઉમંર પણ એકવીસ વર્ષની હતી અને હાઈટ પણ ઓછી હતી. બપોર થઈ, એક પોલીસવાળો ફુડ પેકેટ જેવું જમવાનું આપી ગયો, તેમાં બટાકાનું શાક અને પુરી હતી, યુસુફના તો ગળે પણ જમવાનું ઉતરતુ ન્હોતુ, પણ તેણે ડરમાંને ડરમાં જમવાનું જમી લીધુ. તેને આશ્ચર્ય તે વાતનું હતું કે તેને ક્રાઈમ બ્રાન્ચ લાવ્યા પછી કોઈએ કશું જ પુછયું ન્હોતુ પણ તેને શું કામ લાવ્યા હતા તેની પણ ખબર પડતી ન્હોતી, તેને બેઠા બેઠા ઉંઘ ચઢી, ત્યારે જ એક પોલીસવાળાએ તેને આવી ઢંઢોળ્યો, તેણે આંખો ખોલી પોલીસવાળાએ કહ્યું ચાલ સાહેબ બોલાવે છે, યુસુફ માટે તો અહીંયા બધા જ સાહેબ હતા, હવે કોણ સાહેબ બોલાવે છે તેવો પ્રશ્ન તેના ચહેરા ઉપર હતો. તે પોલીસવાળા સાથે ચાલવા લાગ્યો, તે ઉપરના માળેથી નીચે આવ્યો, યુસુફે સ્કુલનું શિક્ષણ તો લીધુ હતું જેના કારણે તેને વાંચતા-લખતા આવડતુ હતું.

તેણે ઓફિસની બહાર લાગેલી પ્લેટ વાંચી જેની ઉપર લખ્યુ હતું ડીસીપી ક્રાઈમ એચ કે સિન્હા. પહેલા કોન્સટેબલ અંદર ગયો અને તરત બહાર આવ્યો તેણે દરવાજો ખુલ્લો રાખ્યો અને યુસુફને અંદર મોકલ્યો. ડીસીપી પોતાના પીસી ઉપર કઈક કામ કરી રહ્યા હતા, તેમણે ચાલુ કામે નજર ઊંચી કરી યુસુફ સામે જોયું અને માથુ હલાવી તેની નોંધ લીધી છે એટલુ જ કહ્યું યુસુફને ડર તો લાગતો હતો, પણ ખબર નહીં કેમ સિન્હાને જોઈ તેનો ડર ઓછો થયો હતો, સિન્હા બીજા પોલીસવાળા જેવા રૂક્ષ લાગતા ન્હોતા, તેમના ચહેરા ઉપર સૌમ્યતા હતી, પાંચ મિનિટમાં પોતાનું કામ પુરૂ કરી, તેમણે યુસુફ સામે જોતા કહ્યું શું નામ છે બેટા, યુસુફને સારૂ પણ લાગ્યુ અને આશ્ચર્ય પણ થયું કારણ તેની દુકાને આવેલા પોલીસવાળાઓએ તે કઈ પણ પુછયા વગર તેને ઉંચકી ગાડીમાં નાખી દીધો હતો, પણ આ સાહેબ તો બેટા કહી વાત કરતા હતા. યુસુફે કહ્યું સર મારૂ નામ યુસુફ છે, સિન્હાએ તેની સામે ધ્યાનથી જોયું અને પુછયું કયા રહે છે, સર દરિયાપુર. સિન્હાએ પુછયુ શું કામ કરે છે, સર મારી તંબુ ચોકી પાસે સાયકલની દુકાન છે, હું અને મારા અબ્બુ સાથે જ કામ કરીએ છીએ.

સિન્હા ખુરશીમાંથી ઊભા થયા, ચેમ્બરમાં ચાલતા ચાલતા તેમણે યુસુફ સામે જોયા વગર વાત ચાલુ રાખી, યુસુફ તારી દુકાને કોઈ સાયકલ ખરીદવા આવે છે, યુસુફે કહ્યું સાહેબ અમે તો સાયકલ રિપેરીંગનું કામ કરીએ છીએ. સિન્હાએ એકદમ અટકી ગયા, એટલે તમે સાયકલ વેંચતા જ નથી. યુસુફે સ્પષ્ટતા કરતા કહ્યું સાહેબ કોઈ જુની સાકયલ વેચવા માગે અને કોઈ ખરીદવા આવે તો પચ્ચીસ –પચાસ રૂપિયા ઉમેરી સાયકલ વેંચી દઈએ. સિન્હાએ પુછયુ બેટા હમણાં સુધી કેટલી સાયકલ વેંચી હશે. યુસુફ વિચાર કરવા લાગ્યો,.. સિન્હાએ તેની સામે જોયુ એટલે યુસુફને કહ્યું સાહેબ તેવું તો યાદ નથી, સાયકલ ખરીદવા કોઈ આવે તો તેનું નામ સરનામુ તમે લખો છો. યુસુફને હસવુ આવી ગયુ, બસો-ત્રણસોની જુની સાયકલ ખરીદવા આવે તેના નામ સરનામાની આપણે શું જરૂર હોય. તે વિચાર કરવા લાગ્યો શું જવાબ આપુ. સિન્હાએ ફરી તેની સામે જોયુ યુસુફે કહ્યું ના સાહેબ તેવું તો કઈ કરતા નથી, સિન્હા થોડીવાર સુધી ચાલતા રહ્યા, પછી પાછા રોકાઈ પુછયુ તારી પાસેથી કોઈ બે-પાંચ-દસ સાયકલ એક સાથે ખરીદી ગયું હતું? યુસુફ વિચાર કરવા લાગ્યો, સિન્હાએ તેને યાદ અપાવતા કહ્યું હમણાની વાત નથી છેલ્લાં બે મહિના કે એક  મહિનામાં કોઈએ સાયકલો ખરીદી હોય? યુસુફે કહ્યું સાહેબ યાદ નથી, સિન્હાએ તેની નજીક આવી કહ્યું જો બેટા તું યાદ કરીશ તો અમને મદદ થશે, યુસુફને લાગ્યું કે જો તે યાદ કરે તો પોલીસને મદદ થતી હોય તો તેણે યાદ કરવું જ જોઈએ. તે માથામાં ખંજવાળવા લાગ્યો, યુસુફને આ સ્ટાઈલ હતી તે કઈક યાદ કરવુ હોય ત્યારે માથુ ખંજવાળવા લાગતો હતો.

(ક્રમશઃ)

દીવાલ ભાગઃ 51ઃ ડીસીપીએ ચાંદના માથાના વાળ ખેંચી કહ્યું સાલે ઇસ્લામ કે નામ પે ગરીબો કો મારતે હો?