પ્રશાંત દયાળ (દીવાલઃ ભાગ-50): ચાંદને પોલીસે એટલી હદ સુધી બે પગ પહોંળા રાખી ઊભો રાખ્યો હતો કે તેના જાંગની એક એક નસ ખેંચાઈ રહી હતી અને પોલીસના માર કરતા પણ તીવ્ર પીડા થઈ રહી હતી, તે જમીન ઉપર ફસડાઈ પડતો અને પોલીસવાળા તેને પહેલા લાકડીથી ફટકારતા અને પછી હાથ પકડી ગાળો આપતા ફરી ઊભો કરી તેના પગ દુરથી પહોંળા કરાવી તેને ઊભો રાખતા હતા, ચાંદની આંખમાંથી આસુ પડી રહ્યા હતા, પોલીસવાળા તેને જોઈ કહેતા મીયા બોલી જાને તો હમણાં ડીસીપી સાહેબ પાસે લઈ જઉ, પણ તે કઈ બોલતો ન્હોતો. એક વખત ઈન્સપેકટર જાડેજા પોતે લોકઅપમાં આવ્યા, તેમણે ચાંદ સામે જોયું તે પગ અને હાથ પહોળા કરી ઊભો હતો, જાડેજાને જોતા, કોન્સટેબલો ઊભા થઈ ગયા, તેમણે કોન્સટેબલને પુછયું કઈ બોલવા તૈયાર છે. તેમણે માથુ હલાવી ના પાડી, જાડેજા જુના જમાનાના પોલીસ અધિકારી હતા, તેમને મન આરોપી પાસે ગુનો કબુલ કરાવાનો એક જ રસ્તો હતો તે તેને મારી મારી તોડી નાખવો, પણ ડીસીપીએ પહેલા જ પ્રયત્નમાં સમજી ગયા હતા, એટલે જ તેમણે મારવાનું બંધ કરી પોલીસની ભાષામાં જેની ટી કરવાનું કહેતા હતા, તેમાં ઊભો રાખ્યો હતો. જાડેજાએ લોકઅપમાં ઊભા રહેલા કોન્સટેબલના હાથમાં રહેલી લાકડી લીધી અને ચાર-પાંચ લાકડીઓ તેના પગ ઉપર ફટકારી દીધી, એટલે પગ પહોળા કરી ઊભો રહેલો ચાંદ ફસડાઈ પડયો, તે રડવા લાગ્યો હતો. તેણે જાડેજાને હાથ જોડતા કહ્યું સાબ ક્યો માર રહે હો.. જાડેજાના મોંઢામાંથી મા-બહેનની ગાળ નિકળી, તેમણે ક્હ્યુ મીયા હજી તારી પાસે સમય છે બોલી જા, મને ગુસ્સો આવ્યો તો ગોળી મારી દઈશ ચાંદ જમીન ઉપર પડયો પડયો રડવા લાગ્યો, જાડેજાએ કોન્સટેબને કહ્યું ફરી ઊભો કરો તેને. ચાંદને પોલીસે સવારથી માત્ર પીવા માટે પાણી જ આપ્યું હતું, જમવાનો સમય થયો ત્યારે પોલીસે તેને જમવાનું આપ્યુ નહીં અને તેણે માંગ્યુ પણ ન્હોતું. ડીસીપી સાહેબનો આદેશ હતો કે ચાંદને જમાવાનું પણ આપવુ નહીં.

આખો દિવસ ચાંદ ઊભો રહ્યો ક્યારેક પડી જતો, પોલીસની લાઠી ખાતો અને ફરી પાછો ઊભો થઈ જતો હતો, પણ બોલતો ન્હોતો, લોકઅપમાં રહેલા પોલીસવાળા પણ કંટાળી ગયા હતા. કારણ જાણે તે આરોપી હોય તેમ તેમને જ લોકઅપમાં બેસી રહેવુ પડતુ હતું. ચાંદ પડી જાય અથવા દુઃખાવાને કારણે સીધો ઊભો રહેવાનો પ્રયત્ન કરે ત્યારે પોલીસવાળા પોતાનો ગુસ્સો તેની ઉપર કાઢી લેતા હતા. આ પોલીસવાળાએ આ પ્રકારે ઘણા આરોપીઓને ટી બનાવી ઊભા રાખ્યા હતા, પણ મોટા ભાગના આરોપીઓ કલાક-બે કલાકમાં બધું બોલી જતાં હતા પણ ચાંદ જુદી જ માટીનો હતો, પોલીસવાળાને મનમાં લાગતુ હતું કદાચ ખરેખર ચાંદ કઈ જાણતો નથી, પણ ડીસીપી સાહેબનો આદેશ હોવાને કારણે તેમની પાસે ચર્ચા કરવાનો કોઈ અવકાશ ન્હોતો. ધીરે ધીરે સાંજનું અજવાળુ અંધારામાં તબદીલ થવા લાગ્યુ, ચાંદ થાકી ગયો હતો. તેને ખબર પડતી હતી કે તેના પગ માર અને ભુખના કારણે ધ્રુજી રહ્યા છે, પણ તે કોઈ જ વાત બોલવા તૈયાર ન્હોતો, રાત થઈ ગઈ હતી. ચાંદની આંખો હવે બંધ થવા લાગી હતી, તેને ઉંઘ પણ આવ રહી હતી, પણ પગ પહોળા રાખી કેવી રીતે કોઈને ઉંઘ આવે. તેની શારિરીક દશા એટલી ખરાબ થઈ ગઈ હતી તે તેના પગ અને હાથ પહોળા હોવા છતાં તેની આંખો મીંચાઈ રહી હતી, લોકઅપમાં રહેલા પોલીસવાળાએ જોયું તેની આંખો બંધ થઈ રહી છે, એક પોલીસવાળો લોકઅપની બહાર ગયો, અને થોડીવાર પછી પાછો આવ્યો ત્યારે તેના હાથમાં પાણી ભરેલી એક ડોલ અને ટમ્મલર હતું, ચાંદને કઈ સમજાયુ નહીં, એકાદ કલાક પછી ચાંદના પ્રયત્ન કરવા છતા તે પોતાની આંખો ખુલી રાખી શકતો ન્હોતો, આંખની પાંપણ ખોલવા માટે જાણે તેને એકસો કિલોનું વજન ઉંચકવુ પડતુ હોય તેવી તાકાત લગાડવી પડતી હતી.

એક વખત તેની આંખ લગભર પાંચ મિનિટ સુધી બંધ થઈ અને તેના મોંઢા ઉપર જોરથી કઈક વાગ્યુ અને તે ભીંનો થઈ ગયો, તેણે આંખ ખોલી તો સામે બેઠેલા કોન્સટેબલે ડોલમાંથી પાણી ભરી તેના મોઢા ઉપર પાણીની છાલક મારી હતી, પાણી મોંઢા અને શરીર ઉપર પડતા તે ભીનો થઈ ગયો, જેના કારણે લગભગ એકાદ કલાક તેની ઉંઘ જતી રહી હતી, પહેલા પગ પહોળા રાખવાની સજા હતી. હવે તેમાં એક સજાનો ઉમેરો થયો હતો, ચાંદને સુવા પણ દેવાનો ન્હોતો, તેની આંખો બંધ થાય એટલે પોલીસવાળા તેની મોઢા ઉપર ટમ્મલર ભરી પાણીની છાલક મારતા હતા. વાતાવરણમાં ઠંડી ન્હોતી, પણ દર કલાકે આંખો મીંચાઈ જતી અને પાણીની છાલક વાગતી તેના કારણે તે ભીનો થઈ જતો. એક વખત તેણે પોલીસવાળાને ઈશારો કરી કહ્યું બાથરૂમ જવું છે, પોલીસવાળો તેને લોકઅપમાંથી બહાર લઈ આવ્યો ત્યારે ચાંદને લાગ્યું કે એક ડગલુ પણ તેના માટે ચાલવુ કેટલુ અધરૂ છે, પહેલા તેણે રાતે માર ખાધો હતો અને આજે સવારથી તે ટી બની ઊભો હતો જેના કારણે તેના પગની નસમાંથી લોહી ગાયબ થઈ ગયું હોય તેમ પગ સુન્ન પડી ગયો હતો.

બીજી તરફ રાતે ઈન્સપેકટર જાડેજા સિન્હાની ચેમ્બરમાં આવ્યા, તેમણે પેનડ્રાઈવ બતાડતા કહ્યું સર અંબર ટાવરવાળી મસ્જિદના સીસીટીવી ફુટેજ આવી ગયા છે. સિન્હાએ તરત પેન ડ્રાઈવ લીધી અને પોતાના પીસીમાં લગાડી તે સીસીટીવી ફુટેજ જોઈ રહ્યા હતા, મસ્જિદની બહારના ફુટેજ હતા, તેમણે એક વખત જાડેજાને પુછયુ તમે જોઈ ગયા ફુટેજ, જાડેજાએ કહ્યું ના સર હમણાં જ ફુટેજ આવ્યા અને સીધો તમારી પાસે લઈ આવ્યો છું, મોટા ભાગના દ્રશ્યો કામના ન્હોતા, જેના કારણે ડીસીપી થોડી થોડી વારે ફોરવર્ડ કરી દેતા હતા, આમ પણ જાડેજાને આ બાબતમાં ખબર પડતી ન્હોતી અને રસ પણ ન્હોતો, સિન્હા માટે આ કામ કંટાળાજનક હતું છતાં જાડેજાને જેટલુ કામ સોંપો એટલુ તે કરી લાવતા હતા. લઘભગ અડધો કલાક થયો હશે અને સિન્હા બહુ ધ્યાનથી એક પછી એક દ્રશ્યો જોવા લાગ્યા, તેમણે ફરી કેટલાંક દ્રશ્યો રિવાઈન્ડ કરીને જોયા અને એકદમ ખુરશીમાંથી ઊભા થયા, જાડેજાને આ આશ્ચર્ય થયું કે સાહેબ કેમ અચાનક ઊભા થઈ ગયા, જાડેજાના આશ્ચર્યનો જવાબ આપવાને બદલે સિન્હાએ પોતાની સામે બેઠેલા જાડેજા તરફ પોતાની પીસીનું મોનીટર તેમની તરફ ફેરવ્યુ અને તેમણે જયાં ફુટેજ રોકયા હતા ત્યાંથી ફરી સ્ટાર્ટ કર્યા, જાડેજાની નજર ફુટેજ તરફ હતી અને સિન્હા જાડેજાના ચહેરા ઉપર થઈ રહેલા ફેરફાર નોંધી રહ્યા હતા. સિન્હા જોવા માગતા હતા કે જે બાબત તેમણે નોંધી છે તેની જાડેજાને ખબર પડે છે કે નહીં, જાડેજાના ચહેરા ઉપર એક સાથે અનેક ફેરફાર થઈ રહ્યા હતા. કયારેક તે આંખ ઝીણી કરી દ્રશ્ય જોતા તો કયારેક તેમના ચહેરા ઉપર ઉત્સાહ દોડી આવતો હતો અને એક દ્રશ્યો આવ્યું કે જાડેજા પણ પોતાની ખુરશીમાંથી ઊભા થયા થઈ ગયા, બસ ત્યારે સિન્હાએ પોતાના હાથમાં રહેલા માઉસ વડે ત્યાં ફુટેઝને રોકી લીધા, સિન્હા અને જાડેજા બંન્ને એક બીજા સામે જોઈ રહ્યા હતા, તેમની પાસે કોઈ શબ્દો ન્હોતા, તેમના ફેફસા ધમણની જેમ ચાલી રહ્યા હતા. 

(ક્રમશ:)

દીવાલઃ ભાગ-49: ડંડાથી નહીં માનનાર આતંકીને સીધો કરવા DCPએ કરી નવી ચાલાકી, આવી ગયા આંખે અંધારા