પ્રશાંત દયાળ (દિવાલઃ ભાગ-5): બપોરના ત્રણ વાગે બંદી ખુલી, જો કે સવારે છ વાગે ચાવીઓનો અવાજ જે રીતે કેદીઓને પ્રફુલીત કરતો હતો તેવો ઉત્સાહ બપોરની બંદી ખુલે તેવો થતો ન્હોતો, કારણ બપોરના ઘણા કેદીઓને ઉંઘ આવતી ન્હોતી, જેના કારમે દુનિયભરના વિચારોને તેમણે જવાબ આપવો પડતો હતો. ત્રણ વાગે બંદી ખુલી એટલે કેટલાંક કેદીઓ તેમના વોર્ડમાં વોલીબોલ રમવાની તૈયારી કરી રહ્યા હતા, આ તેમનો રોજનો ક્રમ હતો, કેદીઓને વોલીબોલ અને નેટ પણ જેલ દ્વારા જ પુરી પાડવામાં આવી હતી, મહંમદ કયારેય વોલીબોલ ગમતો નહીં, પણ તેને બેરેકના કેદીઓ તેને રેફરી તરીકે ઉભો કરી દેતા હતા, જેલમાં બીજુ કોઈ કામ અને પ્રવૃત્તી તો હતી નહીં, તેના કારણે મહંમદને પણ ટાઈમ પાસ થવા માટે રેફરી થવાનો વાંધો ન્હોતો, પણ આજે મહંમદનો રેફરી થવાનો મુડ ન્હોતો, તેના મગજમાં ઘણા બધા વિચાર ચાલી રહ્યા હતા, તે બેરેકની બહાર નિકળી વોલીબોલ રમી રહેલા કેદીઓને જોઈ ખુશ નહોતો હતો તેવું બધા માની રહ્યા હતા, પણ તેની નજર વાંર-વાર જેલની દિવાલો તરફ જઈ રહી હતી. પહેલા તેમના વોર્ડની આસપાસ દસ ફુટ ઊંચી દિવાલ હતી અને ત્યાર બાદ તમામ વોર્ડને ફરતે જેલનો એક આંતરિક રસ્તો પસાર થતો હતો, જે રસ્તા ઉપર ઉપયોગ ભાગ્યે જ થતો હતો જેલના કોઈ મોટા અધિકારી પોતાના વાહનમાં આવે ત્યારે આ રસ્તા ઉપર વાહન દોડતા હતા, પણ તેવું વર્ષમાં બે-ત્રણ વખત થતુ હતું, રસ્તાને બરાબર અડીને જેલની મુખ્ય દિવાલ હતી તે વીસ ફુટ ઉંચી હતી, અને તેની ઉપર ચાર ફુટના ઈલેકટ્રીક વાયરો પસાર થતાં હતા, જેમાં ચાવીસ કલાક વીજ પ્રવાહ ચાલુ રહેતો હતો. તેણે જેલના સીપાઈ પાસેથી સાંભળ્યું હતું કે આ દિવાલ કુદી કોઈ કેદી આજ સુધી ભાગી શકયો નથી.

પહેલા તો વીસ ફુટની દિવાસ સુધી પહોંચવાનું કેવી રીતે અને ત્યાં પહોંચ્યા પછી દિવાલ ચઢવાની પણ કેવી રીતે માની લો કે દિવાલ ચઢી પણ ગયા તો વીજ પ્રવાહનું શું કરવાનું, મહંમદને ખબર હતી કે વીજ પ્રવાહ બંધ કરી કેદી ભાગી છુટે તેવું તો ફિલ્મમાં જ શક્ય છે, વાસ્તવીક દુનિયામાં તેવું થતુ નથી, પણ મહંમદને  પ્રકારના વિચાર કેમ આવી રહ્યા હતા તેવી જેલમાં કોઈને ખબર ન્હોતી. તેની સાથે બેરેકમાં રહેલા તેના સાથીઓ પણ અજાણ હતા, જો કે તેને પોતાને પણ ખબર હતી કે તેને જે વિચાર આવી રહ્યો છે, તે ફિલ્મી વધુ અને વાસ્તવીક ઓછો હતો, પણ વિચારો ઉપર તેનું નિયંત્રણ ન્હોતું. આ બધાના વિચારો અને વોલીબોલ રમી રહેલા કેદીઓની બુમાબુમ વચ્ચે એક જેલ સીપાઈ દોડતો તેમના વોર્ડ તરફ આવ્યો અને તેણે બુમ પાડી બધાને કહ્યું એક લાઈનમાં ઊભા રહી જાવ, વોલીબોલ રમી રહેલા કેદીઓને પોતાની ગેમ બગડી તેનો ગુસ્સો આવ્યો, પહેલા તો તેમણે જેલ સીપાઈનો આદેશ સાંભળ્યા જ નથી તેવું બતાડી રમવાનું ચાલુ રાખ્યું અને ગુસ્સામાં દોડતો સીપાઈ વચ્ચે આવી ગયો અને તેણે હવામાં ઉછળી રહેલા વોલીબોલને પકડી લેતા કહ્યું બહેરા થઈ ગયા છો, સંભાળતુ નથી, બંધ કરો ગેમ અને લાઈનમાં ઊભા રહી જાવ. મહંમદ સીપાઈ સામે જોઈ રહ્યો હતો, સીપાઈની નજર પણ તેની ઉપર પડી તેણે મહંમદને નામ દઈ બોલાવતા કહ્યું મહંમદ તારા સાથીઓ સાથે લાઈનમાં ઊભો રહી જા, મહંમદે પોતાના સાથીઓ સામે જોયું હજી કઈ વાતનો ફોડ પડયો ન્હોતો કે લાઈનમાં કેમ ઊભા રહી જવાનું , પણ બધાને ખબર હતી કે જેલ સુપ્રીટેન્ડન્ટ અથવા તેમના પણ કોઈ સિનિયર અધિકારી જેલમાં રાઉન્ડ લેવા આવે ત્યારે બધા કેદીઓ પોતાના વોર્ડમાં લાઈનમાં ઊભા રહી જવાનું અને પોતાની આગળ જેલ દ્વારા આપવામાં આવેલુ કાર્ડ જેમા નામ અને ક્યા ગુનામાં ક્યારથી જેલમાં છે તેની વિગતો લખી હોય તે પોતાના શરીરના આગળના ભાગે રાખવાનું જેથી રાઉન્ડ લેનાર અધિકારી તે વાંચી શકે.

 બધાની ધારણા સાચી પડી સુપ્રીટેન્ડન્ટ વી એમ વસાવા રાઉન્ડમાં આવી રહ્યા હતા, થોડીક જ વારમાં ચાર-પાંચ સીપાઈ અને જેલર સાથે સુપ્રીટેન્ડન્ટ વસાવા 200 ખોલીના વોર્ડમાં દાખલ થયા, કેદીઓના ચહેરા ઉપર કોઈ ભાવ ન્હોતો, બધા જ શાંત હતા, જેલના નિયમ પ્રમાણે સુપ્રીટેન્ડન્ટે દરેક વોર્ડમાં કેદીઓની મુલાકાત લેવાની હોય છે અને કેદીઓના કોઈ પ્રશ્ન હોય તો  સાંભળવાના હોય છે. જો કે જુના કેદીઓ સુપ્રીટેન્ડન્ટને કોઈ પ્રશ્ન કહેવાનું ટાળતા હતા, કારણ તેમનો અનુભવ કહેતો કે સાહેબ સાંભળે તો છે પણ પછી તે પ્રશ્નનું કોઈ નિરાકરણ આવતું નથી, છતાં વર્ષો જુનિ આ પરંપરા જેલમાં જે પણ યથાવત છે. જ્યારે બીજી તરફ કેદીઓને ખબર હતી કે સુપ્રીટેન્ડન્ટ પોતાનો રોફ જાડવા માટે પણ રાઉન્ડમાં આવે છે, કારણ વગર કોઈ પણ કેદીને ખખડાવી નાખતા હતા. છતાં નિયમ હતો એટલે બધા લાઈનમાં ઊભા રહી ગયા. સુપ્રીટેન્ડન્ટ વી એમ વસાવા લાઈન બંધ ઊભા રહેલા કેદીઓને ધ્યાનથી જોવા લાગ્યા હતા. તે બધા ઉપર એક નજર કરી નિકળી જ રહ્યા હતા, કારણ તેમને હજી બીજા વોર્ડમાં જવાનું હતું, છતાં તેમણે નિકળતી વખતે પુછવા ખાતર સવાલ પુછયો કે કોઈને કોઈ પ્રશ્ન તો નથી.... કોઈએ જવાબ આપ્યો નહીં, પણ જેવા વસાવાએ ગેટ તરફ જવા પગ ઉપાડયા, તેની સાથે એક અવાજ સંભળાયો સર.. બધાની નજર તે અવાજ તરફ ગઈ, મહંમદે પોતાનો હાથ ઊંચો કર્યો હતો, વસાવા પાછા ફર્યા અને મહંમદ પાસે આવતા પુછયું બોલ મહંમદ શું વાત છે... મહંમદે પોતાના સાથીઓ તરફ જોયું અને વસાવા સામે જોતા વિનંતીના સુરમાં કહ્યું સર હમ લોગ પઢાઈ કરના ચાહતે હૈ... મહંમદનું વાકય પુરુ થતાં દાનીશ, યુનુશ, ચાંદ, રીયાજ અને પરવેજ સહિત યુસુફ અને અબુ મહંમદ સામે જોવા લાગ્યા, તેમને સમજાયું જ નહીં કે તેમણે કયારે મહંમદને ભણવાની વાત કરી હતી.
 
સુપ્રીટેન્ડન્ટ વસાવાએ મહંમદનો પ્રશ્ન સાંભળતા તેને પગથી માથા સુધી જોયો હતો. વસાવાની આ જુની આદત હતી, આવું તેઓ ત્યારે જ જોતા હતા જ્યારે તેમને કોઈની ઉપર શંકા જતી હોય અને મહંમદ ઉપર તો શંકા કરવાના સબળ કારણો પણ હતા. કારણ તેમની ઉપર આરોપ પણ એટલાં જ ગંભીર હતા. પણ વસાવાએ મનમાં વિચાર કર્યો, તેઓ મહંમદ ઉપર નાહક શંકા કરી રહ્યા છે, કોઈ માણસ ભણવાની વાત કરે તેમા શંકા કરવા જેવું કઈ ન્હોતું,. છતાં તેમણે એક વખત ખાતરી કરવા માટે મહંમદના સાથીઓ સામે નજર કરતા પુછયું આપ લોગ પઢાઈ કરના ચાહતે હો... બધા એકબીજા સામે જોવા લાગ્યા, મહંમદને ચિંતા થઈ જો આ લોકો ના પાડશે તો શું થશે., તરત મહંમદે યુનુસ સામે જોયું, યુનુસ તેનો જુનો સાથી હતો. તે મહંમદની નજર ફરે અને સમજી જતો હતો, તરત યુનુસે બાજી સંભાળી લેતા કહ્યું જી સર હમ હમારી રૂકી હુઈ પઢાઈ આગે બઢાના ચાહતે હે. વસાવાના ચહેરા ઉપર એક પ્રસન્નતાનો ભાવ આવ્યો, તેમને લાગ્યું કે આટલા ખુંખાર ગુનેગાર પણ જો સુધરી રહ્યા હોય તો તેમને મદદ કરવામાં કોઈ વાંધો નથી. વસાવાએ જેલર કૌશીત પંડયા તરફ ફરતા કહ્યું આપણી જેલમાં ઈન્દીરા ગાંધી યુનિર્વસિટીના જે કોર્સ ચાલે છે તેની જાણકારી મહંમદને આપજો અને તેમને જે કઈ મદદ ભણવા માટે જોઈએ તે આપજો, મહંમદે આકાશ તરફ જોયુ જાણે તે અલ્લાહનો આભાર માની રહ્યો હોય.

(ક્રમશ:)

દિવાલના અગાઉના ભાગ  વાંચવા અહીં ક્લિક કરો

દિવાલના ભાગ અંગ્રેજીમાં વાતવા અહીં ક્લિક કરો