પ્રશાંત દયાળ (દીવાલ ભાગઃ49): ઈન્સપેકટર જાડેજા પરવેઝની વાતની ખરાઈ કરવા જુહાપુરા અંબર ટાવરની મસ્જિદમાં તપાસ કરવા ગયા, આ તરફ ડીસીપી સિન્હાએ જેસીપી ગૌડને ફોન કર્યો, તેમણે કહ્યું હું ઓફિસ આવું જ છું, આપણે મળીએ, ગૌડ સર રોજ કરતા વહેલા ઓફિસ આવી રહ્યા હતા, ડીસીપીએ ત્યાં સુધી પોતાનું કામ પુરૂ કરવા માટે કમાન્ડોને સૂચના આપી, કે ચાર-પાંચ પોલીસવાળાને મોકલો અને લોકઅપમાંથી ચાંદને લઈ આવો. પોલીસવાળા ચાંદને લેવા લોકઅપમાં ગયા, ચાંદને લોકઅપમાં એકલો જ રાખવાની સૂચના હતી, જેના કારણે તેના લોકઅપમાં ચાંદ સિવાય કોઈ ન્હોતુ, લોકઅપનો દરવાજો ખુલ્લયો તેની સાથે ચાંદને ફાળ પડી, રાતે ખુબ માર પડયો હતો તેના કારણે આખુ શરીર કળતર કરી રહ્યું હતું અને ડીસીપી હજુ મારશે તેવા ડરમાં ચાંદ આખી રાત સુઈ શકયો ન્હોતો, સવારે પોલીસવાળો ચા લઈ આવ્યો ત્યારે તેની ચા પીવાની પણ ઈચ્છા ન્હોતી, પણ પોલીસવાળાએ તેને ધમકાવતા કહ્યું ડાહ્યો થયા વગર ચા પી લે એટલે ચુપચાપ ચા પી લીધી હતી. પોલીસવાળાએ ચાંદને સૂચના આપી કે ડીસીપી સાહેબ બોલાવે છે, એટલે તે પરાણે ઊભો થયો, તેના પગના તળીયામાં જાણે ખીલ્લા મારી દીધા હોય તેવી પીડા થઈ રહી હતી, તે પરાણે ઊભો થયો, પોલીસવાળા તેની સ્થિતિ સમજી ગયા, એક પોલીસવાળાએ તેનો હાથ પકડી ટેકો આપ્યો, તે હાથ પકડી ડીસીપીની ઓફિસમાં તેને લઈ આવ્યો. ડીસીપીએ પોલીસવાળાને આંખના ઈશારે ઓફિસ બહાર જતા રહેવાની સૂચના આપી, ડીસીપી પોતાની ખુરશીમાં જ બેઠા હતા, તેમની સામે ચાંદ ઊભો હતો, ડીસીપી તેની સામે જોતા રહ્યા, તે ઈરાદાપુર્વક તેની સામે જોઈ રહ્યા હતા, ચાંદને તેમની સામે જોતા ડર લાગી રહ્યો હતો. ડીસીપી ઊભા થયા, તે ખુણામાં ગયા, ત્યાં લાકડી પડી હતી, તેમણે લાકડી ઉપાડી, ચાંદ સામે જોયુ અને પાછી લાકડી મુકતા કહ્યું નહીં અબ મેં તુમ્હે મારૂગાં નહીં.

તે ચાંદ પાસે આવ્યા, તેના ફરતે ગોળ ફર્યા, જાણે શિકારી સિંહ પોતાના શિકારની આસપાસ ફરતો હોય તે રીતે, ચાંદનો જીવ તાળવે ચોટી ગયો હતો. તેના હ્રદયના ધબકારની ઝડપ વધી ગઈ હતી, ડીસીપી પોતાના ટેબલ પાસે ગયા, તેમણે ડ્રોઓરમાંથી પીસ્તોલ કાઢી પોતાની ટેબલ ઉપર મુકી, પોતે ખુરશીમાં બેસી ગયા. ટેબલ ઉપર પડેલા સીગરેટના પાકીટમાંથી સીગરેટ કાઢી સળગાવી, આ બધુ તે ચાંદને ડરાવવા માટે કઈ રહ્યા હતા. તેઓ ચાંદના ચહેરા ઉપર થઈ રહેલા ફેરફારને અનુભવી શકતા હતા. ગઈકાલે રાતે જ્યારે પરવેઝે ચાંદને ઓળખી બતાડયો ત્યાંથી ચાંદના મોતીયા મરી ગયા હતા. તેના મનમાં મારનો જે ડર હતો તે યથાવત રહે અને તે માનસીક રીતે તૂટી જાય તે માટે ડીસીપી તેને મારી રહ્યા ન્હોતા. એક તો ચાંદ અને તેના સાથીઓની માર ખાવાની ક્ષમતા તેમણે  જોઈ લીધી હતી. આમ છતાં મારનો ડર યથાવત રાખી તે તેને તોડી નાખવા માગતા હતા. ડીસીપીએ ચાંદને એકદમ ધીમા અવાજે અને ઠંડા કલેજે પુછયુ, ચાંદ કબ તક જુઠ બોલના હૈ,... ચાંદ કઈ બોલ્યો નહીં, ડીસીપીએ ચાંદને કહ્યું મેને તુમ સે કુછ પુછા ચાંદ,... ચાંદે ઉપર જોયું અ કહ્યું સર ક્યા બોલુ, મેં કુછ જાનતા હીં નહીં તો ક્યા બતાઉ, ડીસીપી સિન્હાએ કહ્યું વો પરવેઝ જુઠ બોલ રહા હૈ... ચાંદ સિન્હા સામે જોઈ રહ્યો તેમને યાદ આવ્યું કે ચાંદ તો પરવેઝને નામથી ઓળખતો જ નથી. ડીસીપીએ કહ્યું વો જુહાપુરાકા મોબાઈલકી દુકાનવાલા, જીસ કે પાસ સે તુમ સીમકાર્ડ લેકે આયે થે, ચાંદએ કહ્યું સર મેં અમદાવાદ મેં આયા નહીં તો સીમકાર્ડ કૈસે ઉસકી દુકાન મેં લેને જાઉગા, ડીસીપીને અંદરથી ગુસ્સો આવ્યો, પણ બીજી જ ક્ષણે લાગ્યુ કે કદાચ પરવેઝની કોઈ ભુલ થતી હોય તો... તેમણે પોતાના માથાના વાળમાં હાથ ફેરવ્યો, તે પોતે મુંઝવણમાં છે તેવું ચાંદને બતાડવા માગતા ન્હોતા, તેમણે વધુ એક વળતો સવાલ કર્યો, તો ફીર તો તુમ બ્લાસ્ટ કે પહેલે વટવા કે યાકુબનગર મેં ભી નહીં આયે હોંગે ક્યો... ચાંદે કહ્યું સર આપ હમે પકડને આયે તભી હમ અમદાવાદ આયે, ઉસકે પહેલે કભી નહીં આયે.

ચાંદને તેના સાથીઓ કરતા અલગ કર્યો છતાં મહંમદની ટ્રેનીંગ ચાંદને કામ આવી રહી હતી. મહંમદ વકિલ હોવાને કારણે પોલીસ કઈ રીતે પોતાના પ્રશ્નો બદલી જુદી જુદી રીતે પુછશે તે માર ખાતા પહેલા જ શીખવાડી દીધુ હતું, મહંમદે કહેલી વાત ચાંદને બરાબર યાદ હતી કે ક્રાઈમ બ્રાન્ચ પાસે કેટલા પુરાવા છે, તેની આપણને ખબર નથી, કદાચ તો પુરાવા રૂપે કાંઈ જ નથી, છતાં પોલીસ તેવો ડોળ કરશે કે તે બધુ જ જાણે છે, પણ તેમની વાત ઉપર ભરોસો કરી આપણે કઈ બોલી નાખવાનું નથી. ચાંદ પોતાની વાત ઉપર અડી રહ્યો હતો કે તેને કઈ જ ખબર નથી, તે અમદાવાદ આવ્યો જ નથી, તેણે સીમકાર્ડ ખરીદ્યા જ નથી, તે નસીરૂદ્દીનને મળ્યો જ નથી વગેરે વગેરેના પ્રશ્નોના જવાબ તેને મોંઢે જ હતા, ડીસીપીની એક પણ વાતમાં તે ફસાયો નહીં અથવા કોઈ પણ જવાબ આપતી વખતે તે થોથવાઈ જતો ન્હોતો, ડીસીપી માની  રહ્યા હતા કે પરવેઝે તેને ઓળખી બતાડયો તેના પછી તેમનું કામ આસાન થઈ જશે પણ તેવું થઈ રહ્યું ન હતું, લગભગ બે કલાકની પુછપરછ પછી પણ તે તૂટયો  નહીં, તેના પગમાં પીડા થતી હોવાને કારણે તે થોડી થોડી વારે પોતાના શરીરનું વજન એક પગથી બીજા પગ ઉપર છોડી રહ્યો હતો તે વાત સિન્હાએ નોંધી હતી. તેમને લાગ્યુ કે હજી વાત બની રહી નથી, તેમણે ઓફિસની બહાર ઊભા રહેલા કમાન્ડોને બોલાવ્યા અને કહ્યું ચાંદને લોકઅપમાં મુકી દો, પણ તેને બેસવા દેતા નહીં, તેને ટી બનાવી ઊભો રાખો, જો પડી જાય તો મારીને તોડી નાખજો, જમવાનું આપતા નહીં અને સુવા દેતા નહીં, ચાંદ અંદરથી હલી ગયો તેને ટી બનાવવાની વાત સમજાઈ નહીં. પોલીસવાળા તેને લોકઅપમાં લઈ ગયા, ચાંદને ઊભો રાખી તેના પગ પહોળા થઈ શકે એટલા પહોળા કરવાની સૂચના આપી, જેના કારણે તેની ઝાંગો ખેંચાવવા લાગી હતી, તેના બંન્ને હાથ સાઈડ ઉપર ઉંચા કરી દીધા, બે પોલીસવાળા લાકડી લઈ લોકઅપમાં ખુરશી નાખી બેઠા, પાંચ સાત મિનીટ થઈ અને ચાંદના હ્રદય તરફથી લોહી તેના પગો તરફ દોડવા લાગ્યુ, તેની ઝાંગો ખેંચાઈ રહી હતી અને ઉપર કરેલા હાથ દુઃખવા લાગ્યા હતા, ચાંદને દયામણા ચહેરે પોલીસવાળા તરફ જોયું, તેણે માથુ હલાવી હાથ નીચે કરવાની ના પાડતા લાકડી બતાડી, ચાંદ ઊભો રહ્યો તેની આંખો હવે અંધારા આવી રહ્યા હતા, તે પગનું બેલેન્સ ગુમાવી રહ્યો હતો, તેણે આંખો બંધ કરી, પણ હવે આંખો બંધ હોવા છતાં તેની આસપાસ બધુ ફરતુ હોય તેવું તેને લાગી રહ્યું હતું, તેણે આંખો ખોલી તો સામે બેઠેલા પોલીસવાળાની આકૃતિ પણ ઝાંખી દેખાવવા લાગી હતી. તે પોતાના મગજને કહી રહ્યો હતો કે હિમંત રાખ, પણ તેનું શરીર તેના માટે તૈયાર ન્હોતુ, પોલીસની લાઠીઓ કરતા પગ પહોળા રાખી ઊભુ રહેવું આકરી સજા હતી અને તે એકદમ જમીન ઉપર ઢળી પડયો અને તેની સાથે પેલા પોલીસવાળાએ તેના થાપા ઉપર લાકડી ફટકારી દીધી.

(ક્રમશઃ)

દીવાલ ભાગ 48ઃ સિન્હાએ જાડેજાને કહ્યું તપાસ તો આખી જીંદગી આવ્યા કરશે અને ચાલ્યા કરશે મા ફરી નહીં મળે