પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, દીવાલ-ભાગ-48): બીજા દિવસે ડીસીપી સિન્હા આવ્યા ત્યારે રોજ કરતા વધુ ફ્રેશ લાગતા હતા. તેમને વિશ્વાસ થઈ ગયો હતો કે તપાસ બરાબર દિશામાં જઈ રહી છે. જો કે કેટલીક કડીઓ મેળવવાની બાકી હતી પણ પરવેઝે જે રીતે ચાંદને ઓળખી બતાડ્યો તેના કારણે ચાંદ હવે વધુ વખત પોલીસની પૂછપરછનો સામનો કરી શકે તેમ ન્હોતો, પણ ડીસીપીને એક વાત સમજાઈ ગઈ હતી કે આ છ આતંકીઓ અત્યંત રીઢા છે. તેમને પોલીસના મારની કોઈ અસર થતી નથી, તેમને ટોર્ચર તો કરવાના હતા પણ તેની પધ્ધતિ બદલવાની જરૂર હતી. શારિરીક ત્રાસ તો તેઓ સહન કરી શકે તેમ હતા પણ હવે તેમને માનસિક ત્રાસ આપવાનો હતો. ક્રાઈમ બ્રાન્ચ માટે પરવેઝ બહુ મહત્વનો સાબિત થયો હતો. હવે પરવેઝને હાથ ઉપર રાખી આગળ પણ કામ કરવાનું હતું. ક્યારેક કોઈ મારથી તો ક્યારેક કોઈ પ્રેમથી પોલીસના કામમાં આવતા હોય છે. ડીસીપીએ આવતા ઈન્સપેક્ટર જાડેજાને બોલાવ્યા. જાડેજા આજે થાકેલા લાગતા હતા. ડીસીપીએ જાડેજાને જોતા પુછ્યુ કેમ તબિયત સારી નથી? જાડેજાએ કહ્યુ કંઈ નહી સર બસ એમ જ, પણ જાડેજા કંઈક છુપાવી રહ્યા હોય તેમ લાગતુ હતું. ડીસીપીએ પોતાના ટેબલ ઉપર થોડા આગળ આવીને પુછ્યુ જાડેજા શુ વાત છે, મને કહેશો તો હું તમને મદદ કરીશ. જાડેજા કંઈ બોલ્યા નહીં, તે શાંત બેસી રહ્યા, તેમની આંખોના ખુણા ભીના થયા. ડીસીપીએ તે જોયુ, તેમણે પોતાના ટેબલ ઉપર ઢાંકી રાખેલો પાણીના ગ્લાસ ઉપર પ્લેટ દુર કરી ગ્લાસ જાડેજા તરફ ખસેડ્યો અને ઉભા થયા. ઉભા થઈ તેઓ ટેબલની બહાર નિકળી જાડેજાની પાછળ આવી ઉભા રહ્યા. જાડેજા ખુરશીમાં બેઠેલા હતા, તેમણે પાછળથી તેમના બંન્ને ખભા ઉપર હાથ મુક્યો અને કહ્યુ જે હોય તે તમે મને કહી શકો છો, આપણે નોકરી કરીએ છીએ પણ આપણે એક જ પરિવારના છીએ.  

જાડેજાએ આંખો સાફ કરતા કહ્યુ સર મારી બાને કેન્સર છે, તે ગામડે રહે છે, ગઈકાલે રાતે તેની તબિયત બગડી હતી. હું ક્રાઈમ બ્રાન્ચથી નિકળી સીધો ગામ ગયો હતો, તેની સ્થિતિ સારી નથી. ફરી આંખો ભીની થઈ, સિન્હાએ કહ્યુ તો તમારે ત્યાં રોકાઈ જવુ હતું ને? જાડેજાએ ઉંડો શ્વાસ લેતા કહ્યુ ના સર મારો નાનો ભાઈ અને બાપુજી ત્યાં છે, હું ત્યાં રહીને પણ શુ કરવાનો હતો. બાપુજીનો કાલે સાંજે ફોન હતો, બા તને યાદ કર્યા કરે છે, એક વખત મળી જજે એટલે હું ત્યાં ગયો હતો. સિન્હા જાડેજાની સામે આવ્યા અને આશ્ચર્ય સાથે પુછ્યુ અરે તમે ખરા માણસ છો, સાંજે ફોન આવ્યો હતો તો મને કહી નિકળી જવુ હતું ને, મોડી રાત સુધી તમે અહિયા રોકાયા અને મને કંઈ કહ્યુ જ નહીં. જાડેજાએ કહ્યુ સર બ્લાસ્ટ કેસ જેવો મોટો કેસ હોય અને હું તમને મારા પ્રોબ્લેમ કહુ તે મને સારૂ લાગ્યુ નહીં. સિન્હાએ કહ્યુ જાડેજા તમારે બે-ચાર દિવસ રજા લઈ ગામ જવુ હોય તો જઈ આવો, હું જોઈ લઈશ આવી તપાસ તો આખી જીંદગી આવ્યા કરશે અને ચાલ્યા કરશે મા ફરી મળશે નહીં. જાડેજા કંઈ બોલ્યા નહીં, ત્યાં કમાન્ડો કોફી લઈ આવ્યો. સિન્હાએ ઉભા થઈ કમાન્ડોના હાથમં રહેલી ટ્રેમાંથી કોફીનો એક કપ જાડેજા સામે મુક્યો, જાડેજાએ કોફીનો કપ હાથમાં લેતા કહ્યુ સર પરવેઝને હું સવારે મળ્યો તે તમારા બહુ વખાણ કરતો હતો. સિન્હા હસ્યા, જાડેજાએ ફરી વાત આગળ વધારતા કહ્યુ મેં સવારે પોલીસવાળો મોકલી તેના ઘરે દસ હજાર રૂપિયા મોકલી આપ્યા છે. સિન્હા કંઈક વિચારી રહ્યા હતા. જાડેજાએ પુછ્યુ સર પરવેઝ પુછતો હતો મને ક્યારે છોડશો.. સિન્હા એકદમ વિચારમાંથી બહાર આવ્યા. જાડેજા સમજી ગયા તેમણે ફરી કહ્યુ સર પરવેઝ પુછતો હતો મને ક્યારે છોડશો. સિન્હાએ હાથમાં રહેલો કપ નિચે મુક્યો અને પોતાની સ્ટ્રેટજી સમજાવતા કહ્યુ જુઓ જાડેજા આ પ્રકારના કેસમાં આપણી પાસે સાંયોગિક પુરાવા બહુ રહેશે પણ હ્યુમન વિટનેસ બહુ ઓછા હશે. ચાંદે જુહાપુરા જઈ સીમકાર્ડ ખરીદ્યુ હતું અને તે કાર્ડનો ઉપયોગ બ્લાસ્ટ સાઈટ ઉપર થયો. પરવેઝ આપણી માટે વીટનેસ થઈ શકે તેમ છે, હજી આપણે તેને તે કહેવાનું નથી, તેને હાથ ઉપર રાખવાનો છે એટલે જ મેં તમને તેના ઘરે દસ હજાર રૂપિયા મોકલી આપવાનું કહ્યુ હતું. જાડેજાના ચહેરા ઉપર નુર આવી ગયુ ડીસીપી આવુ વિચારતા હતા તેવો તેને અંદાજ જ આવ્યો ન્હોતો. સિન્હાએ એકદમ કહ્યુ પરવેઝને બોલાવી લો. તેઓ બહાર ગયા અને પરવેઝને પોતે જ લઈ આવ્યા. 

પરવેઝ આવ્યો અને તેણે હાથ જોડી કહ્યુ સર ગુડ મોર્નિંગ, સિન્હાના ચહેરા ઉપર પરવેઝને જોતા ચમક આવી. તેમણે મઝાક કરતા જાડેજા તરફ ઈશારો કરતા કહ્યુ પરવેઝ સાબને તુમ્હે પરેશાન તો નહીં કિયા.. પરવેઝને સંકોચ થયો, તેણે કહ્યુ નહીં સર જાડેજા સાબ તો નેક ઈન્સાન હૈ, જાડેજા આ સાંભળી હસ્યા, સિન્હાએ પરવેઝને પુછ્યુ ચાઈ નાસ્તા હો ગયા? પરવેઝે જાડેજા સામે જોતા કહ્યુ જી સર સાબને અભી કરવાયા. સિન્હાએ એકદમ પરવેઝના ખભે હાથ મુકતા ખુરશી તરફ ઈશારો કરી કહ્યુ બેટા બેઠો, પરવેઝને આશ્ચર્ય થયુ સિન્હા તેને ખુરશી ઉપર બેસવાનું કહેતા હતા. હમણાં સુધી તો તેને ક્રાઈમ બ્રાન્ચમાં જમીન ઉપર બેસવાની ટેવ હતી. સિન્હાએ ફરી તેને કહ્યુ એટલે તે બેઠો, સિન્હા પોતાની ખુરશીમાં આવી બેઠા, તેમણે પરવેઝને પુછ્યુ બેટા તુમ્હે બરાબર યાદ હૈ કી ચાંદ હી તેરી દુકાન પે આયા થા? પરવેઝને લાગ્યુ તે તેની વાત ઉપર હજી ડીસીપીને ભરોસો નથી. પરવેઝે જાડેજા સામે જોયુ અને પછી ડીસીપી સામે જોતા કહ્યુ સર પક્કા યાદ હૈ, ઉસ દિન જુમ્મા થા, યહ ભાઈને સીમકાર્ડ લીયા, મેંને કહા ડોક્યુમેન્ટ? તો ઉસને કહા કલ દે જાઉગાં, મેં ભી ઉસ દિન જુમ્મા કી નમાઝ મેં જાને કે ઉતાવલ મેં થા, મેને અપની નમાઝી ટોપી નિકાલી તો ઉસને મુઝે પુછાં મસ્જિદ નજીદીક મેં હૈ? મૈને કહા હા અંબર ટાવર કે પાસ તો ઉસને કહા ચલો મે ભી નમાઝ લે લિયે ચલતા હું, ઔર વો મેરે સાથ નમાઝ અદા કરને આયા થાં, રાસ્તે મેં હમને બાત ભી કી થી, મૈને ઉસકો દો બાર કહા સે આયો હો પુછા લેકીન વહ બાત બદલ ડાલતા થા, નમાઝ કે બાદ વહ કલ આઉગા બોલકે ચલા ગયા, ફિર વો આયા નહીં ઔર મેં ભી ભુલ ગયા, સિન્હાએ પુછ્યુ કૌનસી મસ્જિદ ગયા થાં? તેણે ફરી કહ્યુ અંબર ટાવર વાલી, સિન્હાએ કાગળ ઉપર તેની નોંધ કરી. જાડેજાને ઈશારો કર્યો તે પરવેઝને બહાર મુકી આવ્યા, જાડેજા પાછા ફર્યા, સિન્હાએ કહ્યુ જાડેજા પરવેઝ કહે છે તે મસ્જિદ ઉપર જઈ આવો, ચેક કરો ત્યાં સીસીટીવી છે કે નહીં અને જો હોય તો તે તારીખના ફુટેજ લઈ આવો. જો ફુટેજમાં આપણને ચાંદ મળી ગયો તો આ બધાની અમદાવાદમાં હાજરી હતી તે એસ્ટાબ્લિશ કરવામાં આ એવિડન્સ મહત્વનો સાબિત થશે. પહેલા તમે ત્યાં જઈ આવો ત્યાર પછી આપણે ચાંદ સાથે વાત કરીશુ. આજે ચાંદને મને પુછ્યા વગર જમવાનું આપતા નહીં (ક્રમશ:).

દીવાલ ભાગ 47: ક્રાઈમ બ્રાન્ચમાં રાત્રે કેમ્પસની વચ્ચે એક બેંચ પડી હતી અને પોલીસવાળા લાઠી લઈ ઊભા હતા