પ્રશાંત દયાળ (દીવાલઃ ભાગ-47): રાતના અગીયાર વાગી રહ્યા હતા, માનસીક રીતે થાકી ગયેલા લોકઅપમાં સુઈ ગયા હતા. જો કે એક માત્ર મહંમદ આડો પડી કઈક વિચારી રહ્યો હતો. તેને હવે શું થઈ શકે તેનો પુરતો અંદાજ હતો. તેના ગણિત ક્યારેય ખોટા પડયા ન્હોતા, તેનું અનુમાન હતું કે હવે ડીસીપી તેમની ધોલાઈ કરશે, પણ તેવું થયું ન્હોતુ. આવું કેવી રીતે બન્યુ તેવો વિચાર આવ્યો ત્યારે લોકઅપનું તાળુ ખુલવાનો અવાજ આવ્યો. મહંમદે ડોકી ઊંચી કરી, લોકઅપના દરવાજા તરફ જોયુ, પાંચ-સાત પોલીસવાળા ઊભા હતા, મહંમદે તેમની સામે જોતા એક પોલીસવાળાએ બુમ પાડી ઉઠ જાઓ. સાબ બુલા રહે હૈ, મહંમદ બેઠો થયો, તેણે આસપાસ જોયું તો તેના સિવાય બધા સુઈ રહ્યા હતા. તેણે બાજુમાં સુઈ રહેલા યુનુસને ઢંઢોળ્યો ચલ ભાઈ ઉઠ જાઓ બુલાવા આયા હૈ. યુનુસ આંખ ચોળતો ઊભો થયો તેને પહેલા તો કઈ ખબર પડી નહીં, મહંમદે દરવાજા તરફ ઈશારો કર્યો તેણે તે તરફ જોયું, તેણે પોલીસવાળાને જોતા તે એકદમ બેઠો થઈ ગયો. તેણે બધાને ઉઠાડયા, બધા ઊભા થયા અને લોકઅપની બહાર નિકળ્યા, જેવા બધા બહાર આવ્યા દરેકને પોલીસવાળાએ કમરમાંથી પેન્ટમાં હાથ નાખી પકડયા, મહંમદે પોતાને આ રીતે પકડયો તે જરા પણ પસંદ પડયુ નહીં, તે ક્રિમીનલ લોયર હોવાને કારણે પોલીસ આરોપીઓને કેવી રીતે પકડે છે તે જોયું હતું. જો કે ત્યારે અંદાજ ન્હોતો કે એક દિવસ પોલીસ પણ આપણને આ રીતે પકડશે પણ આ સમય પોતાની નારાજગી બતાડવાનો ન્હોતો. પોલીસવાળા બધાને લાઈનમાં લઈ ક્રાઈમ બ્રાન્ચના કેમ્પસમાં આગળની ભાગે લઈ આવી, ક્રાઈમ બ્રાન્ચની બહાર અંધારૂ હતું, પણ કેમ્પસમાં મોટી એલોઝન અંધારાનો અંદાજ થવા દેતી ન્હોતી.

 કેમ્પસની વચ્ચો વચ એક બેંચ એટલે બાકડો પડયો હતો, તેની આસપાસ દસ બાર પોલીસવાળા લાઠી લઈ ફરી રહ્યા હતા, જેવા તેઓ ત્યાં પહોંચ્યા તેની સાથે એક પોલીસવાળો દોડતો ડીસીપીની ચેમ્બરમાં ગયો અને તરત પાછો આવ્યો, તેની પાછળ જ ડીસીપી સિન્હા અને ઈન્સપેકટર હાથમાં લાઠી સાથે બહાર આવ્યા. ડીસીપીએ પહેલા બધા સામે જોયું મહંમદને બાદ કરતા બધાએ પોતાની નજર નીચી કરી લીધી. મહંમદ એકલો જ ડીસીપી સામે જોઈ રહ્યો હતો. સિન્હાએ કહ્યું વકિલ સાબ પ્યાર મહોબ્બત કા વક્ત ખતમ હુવા, આખરી મૌકા દેતા હું બતાના હૈ તો બતાદો વરના આપ સમજતે હો વહી ભાષા મેં બાત હોંગી, મહંમદે કહ્યું સર હમ આપકો પહેલી ભી બતા ચુકે હૈ, હમ કુછ નહીં જાનતે, હમ પહેલી કભી ઈસ શહર મેં આયે ભી નહીં. બ્લાસ્ટ કે સાથ કોઈ વાસ્તા નહીં. વાક્ય પુરૂ થતાં ડીસીપીએ કહ્યું જાડેજા ઈસે બેંચ પે લેટાઓ, તરત ચાર પોલીસવાળા આગળ વધ્યા મહંમદને પકડી છાતી સરસો બેંચ ઉપર સુવાડયો, બેંચની બંન્ને તરફ રહેલા પોલીસવાળાએ મહંમદના હાથ પકડી લીધા. એક પોલીસવાળો મહંમદની કમર ઉપર ઉભઠક બેઠો જ્યારે તેને લાઠી પડે ત્યારે તેનું ઉછળતુ શરીરને તે કાબુમાં રાખી શકે, તેણે પોતાના બંન્ને હાથો વડે પગના પંજા ઉપરના ભાગને પકડી રાખ્યા, ડીસીપીએ લાકડી ઊંચી કરતા બીજા પોલીસવાળા થોડા દુર હટી ગયા અને પહેલી લાઠી મહંમદના પગની પાનીમાં પડી તેની સાથે તેના મોંઢામાંથી એક ચીસ નિકળી ગઈ, પણ પછીની લાઠીનો અવાજ આવતો પણ મહંમદે પોતાના દર્દ ઉપર કાબુ કરી લીધો હતો, તેણે જોરથી પોતાની આંખો બંધ કરી માર સહન કરવાની તૈયારી કરી લીધી હતી. ડીસીપી સિન્હાએ લગભગ પચ્ચીસ લાઠીઓ મારી હતી તે પરસેવે રેબઝેબ થઈ ગયા અ હાંફી પણ ગયા હતા.

 તે મહંમદના માથા પાસે આવ્યા તેમણે મહંમદના માથાના વાળ પકડી ખેંચ્યા તેના કારણે તેનું માથું ઊંચુ થયું, સિન્હાએ પુછયું, મહંમદ બોલો ક્યા કહના હૈ, મહંમદની શકિત હણાઈ ગઈ હતી, છતાં તેણે તાકાત એકઠી કરી કહ્યું સર હમ કુછ નહીં જાનતે, સિન્હાએ જાડેજા સામે જોયું અને તે પણ તુટી પડયા પણ મહંમદ કઈ બોલ્યો નહીં, ડીસીપીએ તેને ઊભો કરવાનો ઈશારો કર્યો, પોલીસવાળાએ મહંમદને ઊભો કર્યો અને તેને હાથ પકડી ચલાવવા લાગ્યા, આવુ કરવાનું કારણ એવું હતું કે લાઠીના મારને કારણે પગના તળીયામાં લોહી જામી જાય નહીં અને તળીયામાં મારવાનું કારણ એવું હતું કે ત્યાં કયારેય સોળ પડતા નથી. મહંમદ પછી હવે યુનુસને વારો હતો, તેને બેંચ ઉપર સુવાડયો અને પોલીસવાળા તેને મારવા લાગ્યા તે ચીસો પાડતો રહ્યો, પણ તેણે પણ મોંઢુ ખોલ્યુ નહીં ડીસીપી બાકીના લોકોના ચહેરાનો અભ્યાસ કરી રહ્યા હતા. તેમને ખબર પડી ગઈ હતી કે સૌથી નબળી કડી ચાંદ અને દાનીશ છે, તેઓ ડરેલા હતા પણ હજી તેમને વારો આવ્યો ન્હોતો. હવે અબુ અને ત્યાર બાદ રીયાઝનો વારો આવ્યો. તેઓ પણ પોલીસનો માર સહન કરી ગયા, પણ તેઓ કઈ બોલ્યા નહીં. હવે ચાંદ અને દાનીશનો વારો આવ્યો, ચાંદ તો રીતસર રડવા લાગ્યો તેણે ડીસીપીને હાથ જોડતા કહ્યું સાબ હમ પે ભરોસા કરો, હમે કુછ પતા નહીં, ડીસીપીએ કહ્યું ભરોસા તો કરતા નહીં ઈસી લીયે પુછ રહા હું, અને પછી ચાંદને બેંચ ઉપર સુવાડયો અને તેને ખુબ માર્યો તે પણ રડતો રહ્યો પણ માર ખાઈને કઈ બોલ્યો નહીં. દાનીશે પણ પોતાના આગળના પાંચ સાથીઓ જેવું જ કર્યુ પોલીસ તેમને મારી મારીને થાકી ગઈ, પણ એક શબ્દ કબુલ કરાવી શકી નહીં.

ત્યારે ડીસીપીને કહ્યું જાડેજા પરવેઝ કો લાઓ, એક પોલીસવાળો જઈ પરવેઝને લઈ આવ્યો જાડેજાને લાગ્યું કે હવે પરવેઝને માર પડશે, પણ પરવેઝ આવતા ડીસીપીએ પરવેઝના ખભા ઉપર હાથ મુકતા કહ્યું બેટા સામને દેખો, પરવેઝે સામે ઊભા રહેલા મહંમદ અને તેના સાથીઓ તરફ જોયુ, સિન્હાએ ફરી તેને પુછયું બેટા બતાઓ આપકી દુકાનમે ઈન મે સે કૌન સીમકાર્ડ લેને આયા થા, પરવેઝ તેમના ચહેરા તરફ જોવા લાગ્યો તે ક્યારેક ડીસીપી સામે જોતો તો કયારેક આતંકીઓ સામે જોતો હતો, ચાંદની નજર નીચી થઈ ગઈ, પરવેઝે તેની સામે જોયું અને ડીસીપીને ધીમા અવાજે કહ્યું વો તીસરે નંબર કા હૈ... વહ, ડીસીપીએ જોયું પરવેઝ ચાંદની વાત કરી રહ્યો હતો, ડીસીપીએ જાડેજાને કહ્યું ચાંદ કો છોડકર સભી કો લોકઅપ મેં રખ દો, ચાંદ એકલો વચ્ચે ઊભો રહ્યો તેના પાંચ સાથીઓને પોલીસ લોકઅપમાં મુકી આવી, ચાંદને લાગ્યું કે હવે તેને માર પડશે, પણ ડીસીપી મેન્ટલ ગેમ રમી રહ્યા હતા. તેમણે જાડેજાને કહ્યું ચાંદ કો અલગ લોકઅપ મે રખો, જાડેજાએ તેની પણ વ્યવસ્થા કરી, સિન્હાએ પરવેઝનો આભાર માન્યો અને જાડેજાને કહ્યું પરવેઝ કો અબ લોકઅપ મેં નહીં આપકી ઓફિસ મેં રખના, ઉસકી દુકાન કઈ દિનો સે બંધ હૈ, ઉસકે ઘર કલ દસ હજાર રૂપિયા ભીજવા દો, બાકીકી બાત હમ સુબહ મેં કરેગેં. ચાંદ અપને સાથીઓને મીલે ઔર બાત કરે નહીં ઉસકા ધ્યાન રખના. એટલુ કહી સિન્હા ઘરે જવા માટે નિકળ્યા, જાડેજા વિચાર કરી રહ્યા હતા, ડીસીપી કઈ દિશામાં કેવી રીતે તપાસ કરી રહ્યા છે તેની તેમને કઈ જ ખબર પડતી ન્હોતી.

 (ક્રમશ:)

દીવાલઃ ભાગ- 46:  DCPના એક જ લાફામાં આરોપી ભોંય ભેગો થઈ ગયો, હજુ બીજાઓનો પણ આવશે વારો