પ્રશાંત દયાળ (દીવાલ: 46): રાતના નવ વાગે ડીસીપી સિન્હા જમીને ઊભા થયા પછી પોતાની ઓફિસની બારીમાં આવી ઊભા રહ્યા હાથમાં સીગરેટ અને લાઈટર હતું. થોડોક વખત વિચાર કર્યા પછી તેમણે સીગરેટ સળગાવી, ફરી સીગરેટના ધુમાડા સાથે વિચારમાં ખોવાઈ ગયા. તેમણે હોલમાં આતંકીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ મગનું નામ મરી પાડવા તૈયાર ન્હોતા. બધા જ એક સરખુ રટણ કરી રહ્યા હતા. તેઓ અમદાવાદ ક્યારેય આવ્યા નથી અને તેમને બ્લાસ્ટ સાથે કોઈ નીસ્બત નથી. તેઓ બધા જ ઈસ્લામનું ધાર્મિક લેનાર અને ઈસ્લામના આદેશનું પાલન કરનાર મુસ્લિમ છે. સિન્હાએ તેમને સમજાવ્યા, પ્રેમથી પુછ્યું પણ દરેક વ્યકિત એક સરખો જ જવાબ આપતો હતો કે અમે કાંઈ જાણતા નથી. સિન્હાને અંદાજ તો કે આ લાતોના ભુત છે પ્રેમથી નહીં લાતો પડ્યા પછી જ બોલશે. છતાં તેમણે વાત કરવાનો અને આરોપીઓને ઓળખવાનો પ્રયત્ન કરી જોયો. સિન્હાને પહેલી મુલાકાતમાં જ અંદાજ આવી ગયો કે આ છમાંથી સૌથી હોશિયાર ચાલાક અને મજબુત હોય તો તે ભોપાલનો મહંમદ હતો. વ્યવસાયે વકીલ પણ હતો તેના કારણે કાયદો પણ જાણતો હતો. તેના કારણે તેને તોડવો અઘરો છે, પણ તેમને મારતા પહેલા કઈ એવી નક્કર કડીઓ તેમની સામે રજુ કરવી પડશે જેના કારણે તેઓને અંદાજ આવે કે ક્રાઈમ બ્રાન્ચ પાસે પુરતા પુરાવા છે. હજી મહંમદને ખબર ન્હોતી કે સિન્હા પાસે કેટલા પુરાવા છે. સિન્હા પહેલી મુલાકાતમાં એવો દાવો કર્યો હતો કે તેમની પાસે પહેલાથી છેલ્લાં સુધીના બધા પુરાવા છે, સિન્હા માનતા હતા કે આ આતંકીઓ તેમની વાત ઉપર ભરોસો કરશે અને પોપટની જેમ બોલવા લાગશે, પણ તે ધારણા ખોટી પડી, આતંકીઓના ચહેરા કહેતા કે તમારી પાસે એક પણ પુરાવો નથી અને તમે અમારૂ કઈ બગાડી શકશો નહીં.

હોલમાં લાંબી પુછપરછ છતાં તે પૈકી એક પણ વ્યકિત કઈ બોલી નહીં, ડીસીપીએ તેમને લોકઅપમાં મોકલી દેવાનો આદેશ આપ્યો હતો. બધા ચહેરા ઉપર એક નિશ્ચિંતતા હતી. પણ મહંમદ કઈ વિચારી રહ્યો હતો, તેના કપાળની રેખા થોડી થોડી વારે તંગ થઈ રહી હતી. તેનો અર્થ એક માત્ર યુનુસ સમજતો હતો, તેને ખબર પડી ગઈ હતી કે મહંમદના મગજમાં કોમ્પ્યુટરની ગતી કરતા વધુ ઝડપે કઈક વિચારવાનું ચાલી રહ્યું છે. જમવાનો ટાઈમ થયો એટલે તેમના માટે એસઆરપીનો એક જવાન છ ટીફીન લઈ આવ્યો, તે કઈ બોલ્યો નહીં, લોકઅપનો દરવાજો ખોલ્યો અને ટીફીન મુકી જતો રહ્યો. લોકઅપની બહાર પહેરો ભરી રહેલો એક જવાન થોડી થોડી વારે લોકઅપમાં નજર કરી લેતો હતો. યુનુસને તે જવાનની નજર ગમતી ન્હોતી, જો કે તેનું કામ લોકઅપમાં રહેલી વ્યકિતઓ ઉપર નજર રાખવાનું હતું. ટીફીન આવ્યાની થોડીવાર પછી યુનુસને વિચારમાંથી બહાર કાઢવા માટે પુછ્યું ખાના આ ગયા હૈ, ખા લેતે હૈ. યુનુસનો દાવ સફળ થયો મહંમદ સફાળો જાગ્યો હોય તેમ તંદ્રામાંથી બહાર આવ્યો, તેણે કહ્યું હા હા ખા લેતે હૈ, બધા ટોળે વળી જમવા બેઠા, ટીફીન ખોલતા જ હૈદરાબાદના ચાંદ અને દાનીશે કહ્યું અરે ક્યા ખાના હૈ, મહંમદે ટીફીના ડબ્બા જોયા, ત્રણ રોટલી, બટાકાનું ભરપુર પાણીવાળુ શાક અને દાળ ભાત હતા. મહંમદે ટીફીન સામે જોયુ અને પછી ચાંદ સામે જોતા કહ્યું અબ ઈસકી આદત ડાલ દો, ઔર ઈસીકો મટન બીરીયાની સમજ કે ખાના શીખ લો. યુનુસના ચહેરા ઉપર એક સ્મીત આવ્યું, કેરળના અબુ અને રીયાઝે તો જાણે પહેલી વખત કોઈ વિચિત્ર પ્રકારનું ભોજન જોયું હોય તેમ તેઓ ટીફીન જોતા રહ્યા. ટીફીનમાં ભાત તો માંડ એક વાટકી જેટલા જ હતા, તેમણે દાળના ડબ્બામાં આંગળી ફેરવી દાળ શોધવાનો પ્રયત્ન કર્યો, તેમણે મહંમદ સામે જોયુ. તેણે જમવાનું શરૂ કરી દીધુ હતું, તે જોઈ તેમણે પણ દાળ અને ભાત ખાવાની શરૂઆત કરી હતી. ચાંદે જમતા જમતા મહંમદ સામે જોતા કહ્યું ડીસીપી હમારી બાતો પે ભરોસા કર રહા હૈ એસા લગતા હૈ, મહંમદે કઈ જવાબ આપ્યો નહીં, પણ રોટલીમાં બટાકાનું શાક લીધુ અને કોળીયો મોંઢામાં મુકતા ઉંચી નજર કરી ચાંદ સામે દાનીશે કહ્યું ચાંદ યહ ગુજરાત પુલીસ હૈ ઉનકો અંડરએસ્ટીમેટ મત કરો. મહંમદે ફરી દાનીશ સામે જોયું. ચાંદ વિચારમાં પડી ગયો હતો, મહંમદે દાળ-ભાત ખાવાની શરૂઆત કરી, તેણે જોયું તો ચાંદ હાથમાં રોટલીનો કોળીયો લઈ બેઠો હતો, મહંમદે ચાંદ સામે જોતા કહ્યું ચાંદ જલદી ખાના ખા લો અબ હમારી ધુલાઈ હોને વાલી હૈ. બધાનું જમવાનું બંધ થઈ ગયું, બધા મહંમદ સામે જોવા લાગ્યા. મહંમદે ટીફીન બંધ કરતા કહ્યું મેં ક્રિમીનલ લોયર હું, મેં પુલીસ કે કામ કરને કી સ્ટાઈલ જાનતા હું, ડીસીપીને હમ સે પહેલે પ્યાર સે બાત કી અબ વો હમસે ઈસ ભાષા મેં બાત નહીં કરેગે.

બધાના ચહેરા ગંભીર થઈ ગયા, મહંમદે વાત કરતા કહ્યું થોડી દેર મેં હમે બહાર નિકાલા જાયેગા, ઔર હમારી પીટાઈ કરેંગે, તો માર ખાને કો તૈયાર હો જાઓ. બીજી તરફ સીગરેટ પુરી થતાં સિન્હાએ બેલ વગાડી ફરી પાછા બારી પાસે ઊભા રહ્યા, તેમની ચેમ્બરનો દરવાજો ખુલ્યો અને કમાન્ડોએ પુછયું જી સર, સિન્હાએ પાછળ જોયા વગર કહ્યું જાડેજા કો બોલો વો જુહાપુરા વાલે પરવેઝ કો લેકર મેરે પાસ આયે. કમાન્ડો સર કહી નિકળી ગયો, થોડીવાર પછી દરવાજો નોક થયો, જાડેજાએ પુછયું સર આવુ, સિન્હાએ પોતાની ખુરશીમાં બેસતા કહ્યું આવો જાડેજા, તેમની સાથે એક પાતળાબાંધોનો છોકરો હતો, તેણે જીસીપીને જોતા હે હાથ જોડયા. ડીસીપીએ તેની આંખોમાં જોયું તે ધ્રુજી ગયો, જાડેજાએ કહ્યું સર આ પરવેઝ છે, જુહાપુરામાં રહે છે, મોબાઈલની દુકાન છે, તેની દુકાનમાંથી સીમકાર્ડ વેચાયા હતા. મેં તેને બધી રીતે સમજાવ્યો પણ તે કહે છે મને કઈક ખબર જ નથી, સિન્હા ખુરશીમાંથી ઊભા થયા, અને ટેબલની બહાર નિકળી સામે ઊભા રહેલા પરવેઝને એક લાફો મારતા ગાળ બોલ્યા મા... અને પરવેઝ જમીન ઉપર પડી ગયો, તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા, તેણે રડતા રડતા જમીન ઉપર પડેલી દશામાં જ કહ્યું સર સચ બોલતા હું, મેં કુછ નહીં જાનતા, ગરીબ આદમી હું, મુઝે બ્લાસ્ટ કે બારે મેં પહેલી ભી કુછ નહીં પતા થા, ઔર બાદ મેં ભી નહીં, જાડેજાએ પરવેઝને કોલરમાંથી પકડતા કહ્યું ઉઠ જા ચલ ડીસીપીએ પોતાના બંન્ને હાથથી પરવેઝની ફેંટ પકડી તેને હચમચાવી નાખતા કહ્યું જુઠ બોલા તો પીછે સે ખુન નિકલા દુગા, સાલે ધંધા કરતા હૈ, લેકીન ધંધે કે અસુલ નહીં જાનતા, પરવેઝે આંસુ લુછતાં કહ્યું સર એક આદમી મેરી દુકાન પે આયા થા, ઉસને કહા સીમકાર્ડ ચાહીયે, મેને આઈડી પ્રુફ માંગા ઉસને કહા, કલ દે જાઉગા ફીર વો આયા હીં નહીં. પછી પોતાના ગળા ઉપર હાથ મુકતા કહ્યું ખુદા કી કસમ મુઝે નહીં પતા થા કી વો બ્લાસ્ટ કરને વાલે હૈ, સિન્હાએ પરવેઝને પુછ્યું તુ સીમકાર્ડ લે જાને વાલે કો તો પહેંચાન લેગા ના...

(ક્રમશઃ)

દીવાલ ભાગ-45: ક્રાઈમ બ્રાન્ચના વિશાળ હોલમાં છ આતંકીઓ ઉભા હતા, તેમની સામે ડીસીપી સિન્હા ખુરશી નાખી બેઠા