પ્રશાંત દયાળ (દીવાલ ભાગઃ 43): સૌથી પહેલી ફલાઈટ દસ મિનીટ પછી લેન્ડ થઈ, થોડી રાહ જોયા પછી ડીસીપીએ વોકીટોકી હાથમાં લીધું અને પુછયું જાડેજા, કોનસી ફલાઈટ લેન્ડ હુંઈ હૈ, જાડેજાએ કહ્યું સર હૈદરાબાદ હૈ, ઠીક હૈ, ધ્યાન રખ કે ઉનકો બુલેટપ્રુફ ગાડી મેં બીઠાના ધ્યાન રહે ઉનકે પાસ કોઈ વેપન વાલા આદમી બેઠે નહીં, વે હથિયાર છીન શકતે હે. ત્યાર બાદ એક કલાકમાં કેરળ અને ભોપાલની ફલાઈટ લેન્ડ થઈ ગઈ, ઈન્ડસ્ટ્રીયલ સીકયુરીટી ફોર્સમા ડેપ્યુટી કમાન્ડન્ટ નઈમ કાદરી દોડતા ફરી વખત બહાર આવ્યા તેમણે ડીસીપી પાસે આવી કહ્યું સર તીનો ફલાઈટ આ ગઈ હૈ, આપ કે આદમી સભી ગાડીઓ મેં બેઠ ગયે હૈ, ઠીક હૈ, ઉનકો રવાના કરો, ડીસીપીએ આદેશ આપ્યો થોડીવાર પછી રનવેના ખાસ ગેટ ઉપરથી બુલેટપ્રુફ ગાડીઓ બહાર નિકળી ડીસીપીએ તે વાહનની આગળ પાછળ વાહનો રાખવા માટે સુચના આપી, તેમણે જાડેજાને વોકીટોકી ઉપર કહ્યું એક કામ કરો જાડેજા તમે ગાડીમાંથી નીચે ઉતરી, મારી કારમાં બેસી જાવ, તમારી બુલેટપ્રુફમાં હું આવી જઉ છું, જાડેજાને આવો આદેશ કેમ આપ્યો તે સમજાયો નહીં, તે નીચે ઉતરી ગયા, ડીસીપીએ કહ્યું આપ પાયલોટીંગ કરનાર, એટલુ કહી જે ગાડીઓમાં આતંકીઓ હતા તેમાં ડીસીપી જતા રહ્યા અને આખો કાફલો એરપોર્ટથી ક્રાઈમ બ્રાન્ચ જવા રવાના થયો હતો. બખ્તરબંધ ગાડીઓની અંદર દસ હથિયારધારી પોલીસ અને દસ હથિયાર વગરના પોલીસ હતા, તેમજ ડીસીપી સિન્હા હતા, કેરળ, મધ્યપ્રદેશ અને હૈદરાબાદથી આવેલા મહેમાનો તરફ જોયું. તે છ આતંકીઓ ડીસીપીને ઓળખતા ન્હોતા, પણ ડીસીપી જેવા વાહનમાં દાખલ થયા અને બાકીના પોલીસ કર્મચારીઓનો વ્યવહાર જોઈ તેઓ સમજી ગયા કે આ કોઈ મોટા સાહેબ છે. ડીસીપી સિન્હા પેલા છ વ્યકિતઓના હાવભાવ જોઈ રહ્યા હતા, તેમના ચહેરા ઉપર ડર અને સંકોચ જેવું કઈ ન્હોતું. ડીસીપીએ વિચાર કર્યો રીઢા લાગે છે માર પડયા વગર બોલશે નહીં, ત્યાં અચાનક ડીસીપીનું ધ્યાન પેલા છના હાથ તરફ ગયુ, તેમણે મોટા અવાજે વાનમાં રહેલા પીએસઆઈને કહ્યું અરે ઓફિસર ઈનકે હાથમેં હથકડી લગાઓ. ડીસીપીનો અવાજ સાંભળી ચાર પોલીસવાળા ઊભા થયા તેમના હાથમાં હથકડીઓ હતી, પણ તેમનું મગજ જ ચાલ્યુ નહીં કે તેમના હાથ બાંધી દેવા જોઈએ, ડીસીપીને બહુ ગુસ્સો આવ્યો. તેમણે બરાડતા કહ્યું પોલીસ મેં નોકરી કરતે હો સાલે બેવકુફ... યે કોઈ ચોર ઉચ્ચકે નહીં, તુમારી ઔર મેરી બેડ બજાડાલેગે... પેલા છ એકબીજા સામે જોવા લાગ્યા.

પોલીસવાળા તેમની પાસે આવ્યા એટલે છએ હાથ આગળ કરી હાથકડીઓ બંધાવી લીધી, વાન બુલેટપ્રફ હોવાને કારણે અંદર એસીની ઠંડી હવા ચાલી રહી હતી, છતાં એક જુદી પ્રકારની જ ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો. પેલા છ વ્યકિતઓ વાનના કાચમાંથી બહાર જોવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પણ કાચ ખુબ જ જાડા અને ડાર્ક રંગના હોવાને કારણે તેમને રસ્તાઓની બરાબર ખબર પડતી ન્હોતી, ત્યારે ડીસીપીને ફરી કઈક યાદ આવ્યું કે આ રસ્તાઓ તરફ જોઈ રહ્યા છે, તેમણે ફરી બુમ પાડી કહ્યું ઈનકે ચહેરે ઢકદો, બુરખા પહેના દો, પોલીસવાળા પાછા ઊભા થયા અને એક પછી એક બધાના ચહેરા ઉપર કાળા રંગના બુરખા પહેરાવી દીધા જેથી તેઓ કોઈને જોઈ શકે નહીં અને તેમના ચહેરા અંગે કોઈને ખબર પડે નહીં. ડીસીપીને મનમાં ગુસ્સો આવી રહ્યો હતો, તેમને લાગી રહ્યું હતું કે આ છ આતંકીઓને પકડવા તેમણે કેટલી રાતના ઉજાગરા કર્યા અને  કેટલા અધિકારીઓએ રાત દિવસ મહેતન કરી પણ આ મુર્ખ પોલીસવાળાને મુર્ખતા તેમને ભારી પડે શકે તેમ હતી, સારૂ થયું તે આ વાનમાં આવી બેઠા, એરપોર્ટથી કાફલો નિકળ્યો ત્યારે સવારના સાડા દસ વાગી ચુકયા હતા. અમદાવાદના શહેર ઉપર ટ્રાફિક પણ વધી ગયો હતો, કાફલાની સૌથી આગળ ડીસીપીની કાર હતી જેમાં જાડેજા બેઠા હતા, તેઓ પાયલોટીંગ કરી રહ્યા હતા. તેના કારણે તેમની કારની સાયરન ચાલુ હતી, મોટી બુલેટપ્રુફ વાનની ઝડપ ઓછી હોવાને કારણે આખો કાફલો ચાલીસ-પચાસની સ્પીડે ચાલી રહ્યો હતો. ડીસીપીને યાદ આવ્યું કે ટ્રાફિક વધી ગયો હશે તેમણે તરત પોતાના હાથમાં રહેલા વોકીટોકી ઉપર કહ્યું જાડેજા એક કામ કરો શાહીબાગ એસીબી ઓફિસની રાઈટ લેકર રિવરફ્રન્ટ પે લે લો જમાલપુર હોકર ક્રાઈમ બ્રાન્ચ ચલો, ડીસીપી એક એક મિનીટનું ધ્યાન રાખી રહ્યા હતા, આ પકડાઈ ગયા પછી હવે તેમને કોર્ટમાં લઈ જવા સહિતની અનેક કામગીરી કરવાની હતી. ડીસીપીનું મન હવે તેમાં પોરવાઈ ગયું હતું, તેઓ એક સાથે અનેક મોરચે વિચારી રહ્યા હતા, તેમની પાસે આખી ઘટનાની ગંભીરતા સમજી તે પ્રમાણે કામ કરી શકે તેવા એક માત્ર ઈન્સપેકટર જાડેજા જ હતા. આમ તો તેમની પાસે અધિકારીઓની ફોજ હતી, પણ જેમાં અડધા ડીપાર્ટમેન્ટલ પ્રમોશન લઈ આવ્યા હતા અને અડધાની આવડત ન્હોતી તો પણ રાજકિય નેતાની ભલામણથી પોસ્ટીંગ લઈ આવેલા અધિકારીઓ હતા. ડીસીપીને બહુ ગુસ્સો આવી રહ્યો હતો, પણ થોડીક જ વારમાં તેમણે પોતાના મનને શાંત કરતા કહ્યું બસ હવે શાંત થઈ જા, ગુસ્સો કરીશ નહીં, ડીસીપી કયારેક આવું પોતાની સાથે મનમાં વાત કરી લેતા હતા.

રિવરફ્રન્ટના રોડ ઉપરથી કાફલો નિકળ્યો તેના કારણે વહેલો ક્રાઈમ બ્રાન્ચમાં આવ્યા વાહનની મુવમેન્ટ ઉપરથી ડીસીપીએએ બહાર જોયા વગર અંદાજ માંડયો કે ક્રાઈમ બ્રાન્ચ આવી ગયું, તેમણે પોતાની કાંડા ઘડીયાળ સામે જોયું સવારના સાડા અગીયાર વાગી રહ્યા હતા. અચાનક વાહનો રોકાયા, ડીસીપી માટે એક કોન્સટેબલે દરવાજો ખોલ્યો, ત્યાં સુધી તો જાડેજા દોડતા આવી ગયા, ડીસીપી વાનમાંથી ઉતરી દરવાજા પાસે જ ઊભા રહ્યા હતા, પોલીસવાળા પેલા છ આતંકીઓને પકડી એક પછી એક નીચે ઉતર્યા, ડીસીપીએ મોટા અવાજે સબકો લોકઅપ રજીસ્ટર મેં એન્ટ્રી કરકે, લોકઅપ મેં રખદો. બધા અંદર જતા રહ્યા પછી ડીસીપીએ જાડેજા સામે જોતા કહ્યું જાડેજા સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરો, તેમના ટ્રાન્જીકટર રીમાન્ડનો ટાઈમ ચેક કરો, પબ્લીક પ્રોસીકયુટર સાથે વાત કરી લો અને નક્કી કરો ક્યારે કોર્ટમાં આમને રજુ કરવાના છે. આમના માટે દુનિયાભરના વકિલો હવે આવી જશે. ડીસીપી આ વાકય બોલી રહ્યા હતા ત્યારે તેમના ચહેરા ઉપર ગુસ્સો હતો, જાડેજાએ બોલ્યા વગર ડીસીપીને આંખના ઈશારે કઈક કહ્યું ડીસીપીએ જાડેજાએ જે તરફ ઈશારો કર્યો તે તરફ જોયું તો ક્રાઈમ બ્રાન્ચમાં મેઈનગેટ પાસે ચાર-પાંચ વકિલો ઊભા હતા. ડીસીપીએ તેમના તરફ જોયું એટલે એક વકિલે હાથ ઊંચો કર્યો, ડીસીપીના ચહેરા ઉપર સ્મીત આવ્યું પણ મનમાંથી મોટી ગાળ નિકળી, તેમણે વકિલ તરફ જોતા કહ્યું કોર્ટ મેં મુલાકાત કરતે હૈ. અને પછી તેઓ સીધા ક્રાઈમ બ્રાન્ચના દરવાજામાં દાખલ થઈ ગયા હતા. પોતાની ચેમ્બરમાં આવી તેમણે જેસીપીને ફોન કર્યો, પછી થોડીક મિનીટ શાંત બેઠા, કઈક વિચાર કર્યો. પોતાના ખીસ્સામાંથી મોબાઈલ ફોન કાઢી, તેમણે એક ફોન જોડયો, થોડી મિનીટ પછી ફોન ઉપડયો. તેમણે ફોન ઉપડતા જ કહ્યું થેંકયુ વેરીમચ. સામે સિન્હાની પત્નીની હતી, તેમણે પુછયું ક્યું થેકયુ મેને કયા કિયા હૈ, સિન્હાએ કહ્યું તુમ જો કરતી હો કોઈ નહીં કર શકતા હૈ, તુમ કલ રાત કો પુછ રહી થી, નીંદ કયુ નહીં આતી ટીવી ચાલુ કરકે દેખો પતા ચલ જાયેગા. સિન્હાની પત્નીને આશ્ચર્ય થયું તે તેના પતિની ઉંઘના સમાચાર હવે ટીવી ઉપર પણ આવે છે, તેમણે ટીવી ચાલુ કર્યું તેમાં બ્રેકીંગ ન્યુઝ હતા અમદાવાદ બ્લાસ્ટ કેસના આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા.

(ક્રમશ:)

દીવાલ ભાગ- 42: DCP સિન્હાની પત્નીએ પડખા ફેરવી રહેલા સિન્હાનો હાથ પકડી પુછ્યુ ક્યા બાત હૈ?