પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, દીવાલ-ભાગ-42): ડીસીપી સિન્હા તે રાતે સુઈ શક્યા ન્હોતા, તેમનું મન શાંત અને પ્રસન્ન હતું છતાં કોઈ કારણસર ઉંઘ આવી રહી ન્હોતી., ડીસીપી પથારીમાં પડ્યા પડ્યા પડખા ફેરવી રહ્યા હતા. સિન્હાની પત્નીએ પડખા ફેરવી રહેલા સિન્હાનો હાથ પકડી પુછ્યુ ક્યા બાત હૈ? સિન્હાએ મંદ સ્મિત આપતા કહ્યુ કુછ નહીં, સબ અચ્છા હી હો રહા હૈ, કલ તુમ્હે બતાઉગા, તુમ સો જાઓ. સિન્હાને આઈપીએસ થયા એક દસકો થઈ ગયો હતો. કોઈ કેસ તેમના મન ઉપર હાવી થયો ન્હોતો પણ બ્લાસ્ટ કેસ બધા કરતા જુદો હતો. સિન્હાને ઉઠતા-બેસતા જાગતા સુતા બસ કેસના જ વિચાર આવી રહ્યા હતા. હવે લાગી રહ્યુ હતું કે દસે દિશામાંથી સારા સમાચાર આવી રહ્યા છે. કેરળ, હૈદરાબાદ અને મધ્યપ્રદેશ ગયેલી ટીમોએ પોતાના ઓપરેશનને સફળતાપુર્વક પાર પાડ્યા હતા. ભોપાલમાં ડીસીપી અર્જુનસિંગની મદદને કારણે કોઈ વાંધો આવ્યો ન્હોતો જ્યારે હૈદરાબાદ અને કેરળમાં અમદાવાદ પોલીસે એકલા હાથે કામ પાડ્યુ હતું. ડીસીપી સિન્હાએ આ ઓપરેશનની સફળ રહ્યાની જાણકારી જેસીપી ગૌડ સર સિવાય કોઈને આપી ન્હોતી. ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સ્ટેશન ઓફિસરે મોડી રાતે ક્રાઈમ બ્રાન્ચમાં હાજર તમામ પોલીસ અધિકારીઓને તેમના સ્ટાફ સાથે સવારે આઠ વાગ્યે અમદાવાદ એરપોર્ટ ઉપર હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. જો કે કોઈ પણ અધિકારીને ખબર ન્હોતી કે એરપોર્ટ કેમ જવાનું છે. સવારે છ વાગ્યે એસઆરપીની વધુ એક કંપનીને ક્રાઈમ બ્રાન્ચ મોકલી દેવામાં આવી હતી. માહોલ જોઈ લાગતુ હતું કે ક્રાઈમ બ્રાન્ચમાં કોઈ અગમ્યકારણસર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ આવેલી એસઆરપીની ટીમે મોરચો તૈયાર કર્યો. પોલીસની ભાષામાં મોરચાનો અર્થ થાય છે કે રેતીની બોરીઓ ગોઠવી તેની પાછળ હથિયારધારી જવાન આડાશ લઈ શકે તેને મોરચો કહેવામાં આવે છે. મોરચાની પાછળ ઓટોમેટીક લાઈટ મશિનગન ગોઠવી દેવામાં આવી હતી. 

સામાન્ય રીતે ડીસીપી સિન્હા ક્યારેય એલાર્મ મુકી સુતા ન્હોતા, જ્યારે પણ તેમને વહેલા ઉઠવાનું હોય ત્યારે તે ક્રાઈમ બ્રાન્ચના પીએસઓને સુચના આપી દેતા હતા કે મને આટલા વાગે ઉઠાડી દેજો પણ આજે તેમણે તેવુ કર્યુ નહીં, તેના બદલે સાત વાગ્યાનું એલાર્મ મુક્યુ હતું. ડી રાત સુધી ઉંઘ આવી ન્હોતી પણ જ્યારે તેમનું એલાર્મ વાગ્યુ અને તેમને લાગ્યુ કે હજી માંડ હમણાં જ ઉંઘ્યો હતો ત્યાં સવાર પડી હતી. જો કે એલાર્મ બંધ કરી તેઓ ઉઠ્યા અને અડધો કલાકમાં તૈયાર થઈ ગયા. હજી તેમની પત્ની અને દીકરી સુઈ રહી હતી, તૈયાર થયા કબાટમાં રહેલી પોતાની પિસ્તોલ હાથમાં લીધી અને જતા પહેલા દીકરી પાસે આવ્યા તેના માથા ઉપર વ્હાલથી હાથ ફેરવ્યો અને નિકળવા જવા તેમણે એક ડગલુ ઉપાડ્યુ અને પાછા રોકાયા. તેમણે પોતાની પત્નીના ચહેરા સામે જોયુ, તેમના ચહેરા ઉપર એક સ્મિત આવ્યુ અને તે મનોમન બબડ્યા આ પણ મારી મોટી ઢિંગલી છે. પછી તેના માથાના વાળમાં હાથ ફેરવ્યો અને ઝડપભેર ઘરની બહાર નિકળ્યા, તેમની કારનો ડ્રાઈવર અને કમાન્ડો તૈયાર જ હતા. કારમાં બેસતા તેમણે કહ્યુ એરપોર્ટ લઈ લો, ડ્રાઈવરે રીઅરવ્યુમાં જોયુ, સાહેબનો ચહેરો આજે શાંત લાગતો હતો. ઘણા દિવસ પછી સાહેબ શાંત હતા. કાર અમદાવાદ એરપોર્ટ ઉપર દોડવા લાગી, તેમની સીટમાં તેમણે બાજુ ઉપર પોતાની પિસ્તોલ મુકી હતી. થોડી થોડી વારે તેમનો હાથ પિસ્તોલ ઉપર જતો હતો, તેમને પોતાને આ સારૂ લાગ્યુ નહીં, તેમણે પિસ્તોલ લીધી અને પાછળની સીટમાં બેઠેલા કમાન્ડોને આપતા કહ્યુ આપ કે પાસ રખીએ. પછી તે સીટ ઉપર અદબવાળી બેઠા. સિન્હા જ્યારે પણ અદબવાળે તેનો અર્થ તેમના મનમાં હવે કઈ રીતે કામ કરવુ તેનું પ્લાનિંગ શરૂ થાય ત્યારે તેઓ અદબવાળી લેતા હતા. આમ તો પોલીસમાં ડ્રાઈવરની નોકરી બહુ સામાન્ય હોય છે પણ ડ્રાઈવર તેમના સાહેબના બારીકમાં બારીક ફેરફારની નોંધ રાખતા હોય છે. ડ્રાઈવર કાચમાં નજર કરી સતત સિન્હાના મનમાં ચાલી રહેલી ગરબડ જોઈ રહ્યો હતો.

અમદાવાદ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં થઈ કાર એરપોર્ટ તરફ દોડી. કેન્ટોનમેન્ટમાં એક પૈરાણિક હનુમાન મંદિર છે, જેને કેમ્પ હનુમાન તરીકે ઓળખવામાં આવે છે. સિન્હા ઘણી વખત કેમ્પ હનુમાનના દર્શન કરવા આવી ચુકેલા છે, મુખ્ય રસ્તા ઉપરથી તે મંદિર દેખાતુ નથી છતાં આજે મુખ્ય રસ્તાથી કાર એરપોર્ટ તરફ જઈ રહી હતી ત્યારે સિન્હાએ મંદિરની દિશામાં જોયુ અને સહેજ માથુ નમાવ્યુ, તે આભાર માની રહ્યા હતા. તેમને લાગી રહ્યુ હતું કે આજે તેમની કાર રોજની ઝડપ કરતા વધુ ઝડપે ચાલી રહી હતી. તેમણે સહેજ આગળ તરફ નમી સ્પીડો મિટર તરફ જોયુ સવારનો સમય હતો રસ્તો ખુલ્લો હતો, પણ કાર તો 80 ઝડપે જ દોડી રહી હતી, પછી એકલા હસ્યા, તેમણે કહ્યુ કાર નહીં તારૂ મગજ ઝડપથી દોડી રહ્યુ છે. એરપોર્ટ સર્કલથી કાર જમણી તરફ વળી ત્યારે સવારે લેન્ડીંગ અને ટેકઓફ કરી રહેલા વિમાનો નજરે પડી રહ્યા હતા. બે મિનિટમાં જ તેઓ ડોમેસ્ટિક ટર્મીનલ ઉપર પહોંચી ગયા. તેમને જોઈ ક્રાઈમ બ્રાન્ચના વાહનો અને માણસો ટર્મિનલની બહાર હાજર હતા, તેમની કાર બરાબર વચ્ચે જઈ ઉભી રહી, તેની સાથે ઈન્સપેક્ટર જાડેજા દોડતા આવ્યા. તેમણે ડીસીપી સિન્હાની કારનો દરવાજો ખોલ્યો અને સલામ કરતા કહ્યુ જયહિન્દ સર, સિન્હાએ કારમાંથી ઉતરતા પોતાના વાહનો અને માણસો તરફ નજર કરી અને પુછ્યુ જાડેજા બુલેટપ્રુફ વ્હીકલ આવી ગયા છેને? જાડેજાએ પોલીસ હેડક્વાર્ટર તરફથી મોકલવામાં આવેલી મોટી બુલેટપ્રુફ બસ તરફ ઈશારો કરતા કહ્યુ સર આવી ગઈ છે. એરપોર્ટ ઉપર મુસાફરોને લેવા અને મુકવા આવેલા મુસાફરોને ખબર પડતી ન્હોતી કે આટલી પોલીસ કેમ છે? સિન્હા જાડેજા સાથે વાત કરતા હતા ત્યારે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ ફોર્સના ડેપ્યુટી કમાન્ડન્ટ દોડતા એરપોર્ટની બહાર આવ્યા. તેમણે સિન્હાને સલામ કરતા કહ્યુ સર જય હિન્દ, સિન્હાએ તેમની નેઈમ પ્લેટ તરફ જોયુ. નઈમ કાદરી તેમનું નામ હતું. સિન્હાએ તરત તેમના નામથી સંબોધન કરતા કહ્યુ નઈમ આપકે કમાન્ડન્ટ સે મેરી બાત હોય ગઈ થી. એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા ઈન્ડસ્ટ્રીયલ સીકયુરીટી ફોર્સ પાસે હોય છે. ડેપ્યુટી કમાન્ડન્ટ નઈમ કાદરીએ તરત સર કહેતા જવાબ આપ્યો હમે આદેશ મિલા હૈ કી ક્રાઈમ બ્રાન્ચ કે બીસ જવાન બુલુટેપ્રુફ વ્હીકલ કે સાથ રનવે તક જાયેગે. સિન્હાએ નઈમ કાદરી સાથે હાથ મિલાવતા કહ્યુ થેક્સ નઈમ. પછી જાડેજા તરફ ઈશારો કરતા કહ્યુ યહ હમારે ઈન્સપેકટર જાડેજાએ વો અપની ટીમ કે સાથે રનવે તક જાયેગે, સિન્હાએ કહ્યુ નઈમ આપ હમારે ટીમ ઔર વ્હીકલ કો રનવે તક જાને કા ઈંતઝામ કર દો. નઈમ કાદરીએ સિન્હાને સલામ કરતા જી જનાબ અને તે જાડેજાને લઈ ત્યાંથી રવાના થયા. સિન્હાએ પોતાની કારમાં પડેલુ વોકીટોકી લીધુ અને પુછ્યુ જાડેજા તમે રનવે ઉપર પહોંચી ગયા? થોડીવાર સુધી કોઈ જવાબ નહીં મળતા ફરી સિન્હાએ વોકીટોકી પોતાના મોંઢા પાસે લાવી જાડેજા રનવે ઉપર પહોંચી ગયા? બીજી જ ક્ષણ જવાબ મળ્યો જી સર પહોંચી ગયા છીએ.

(ક્રમશ:)

દીવાલ ભાગ 41: IPS અર્જુને કહ્યુ ‘તુમ ગુજરાતવાલો કા ભરોસા નહીં કિસી કો ભી આતંકી બના કે ઠોક દેતો હો’