પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, દીવાલ, ભાગ-40) ડીસીપી સિન્હા ઉભા થઈ સીધા પોતાની ચેમ્બરમાં આવ્યા. તેમણે તરત ઈન્સપેક્ટર જાડેજાને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા અને કહ્યુ પહેલા તમારો મોબાઈલ સ્વીફ ઓફ કરો. જાડેજા કંઈ સમજ્યા નહીં, સિન્હાએ કહ્યુ મારો ફોન પણ સ્વીચ ઓફ કરી દઉ, અડધો કલાક સુધી કોઈ આપણને ડિસ્ટર્બ કરે નહીં, બેલ મારી કમાન્ડોને બોલાવી કહ્યુ કોઈ પણ આવે હમણાં તુ પણ અડધો કલાક અંદર આવતો નહીં. ડીસીપી એક સાથે એટલી બધી સુચના આપી રહ્યા હતા કે જાડેજા કંઈ સમજ્યા જ નહીં. જાડેજાએ પોતાનો ફોન સ્વીચ ઓફ કરી ટેબલ ઉપર મુક્યો, ડીસીપીએ સીગરેટ કાઢી સળગાવી જાણે તે દિવસોથી ભારી થયેલો મનનો બોજો ધુમાડામાં ઉડાવી દેવા માગતા હતા. સીગરેટના એક બે લાંબા કશ મારી તેમણે સીગરેટ ઓલવી નાખી અને ટેબલ ઉપર હાથ ટેકવતા કહ્યુ જુઓ જાડેજા પેલો નવો છોકરો આવ્યો હતો. જાડેજા વિચાર કરવા લાગ્યો, સિન્હા નામ યાદ કરી રહ્યા હતા, અરે પેલો જેસીપી સાહેબે પાલનપુરથી બોલાવ્યો હતો, જાડેજાએ કહ્યુ ગોવીંદ.. હા હા ગોવીંદ. ડીસીપીએ કહ્યુ, બહુ જ શાર્પ છોકરો છે, મારી અપેક્ષા કરતા પણ બહાર, તેણે સારૂ કામ કર્યુ છે. જાડેજા હજી સમજ્યા ન્હોતા અને ગોવીંદે શુ સારૂ કામ કર્યુ છે તેની ખબર ન્હોતી. ડીસીપીએ પોતાના ટેબલ ઉપર પડેલા કોલ ડીટેઈલ રેકોર્ડ હાથમાં લીધા અને જે રીતે ગોવીંદે ડીસીપી અને જેસીપીને પોતાની શંકા સમજાવી હતી તે પ્રમાણે વિગતવાર જાડેજાને સમજાવવા લાગ્યા. કેટલીક વાત જાડેજાને સમજાતી હતી કેટલીક વાત તેમના માથા ઉપરથી જતી હતી, તો પણ જાડેજા દરેક વાતે સર સર કહી જવાબ આપતા હતા. સિન્હાએ કહ્યુ હજી આ ગોવીંદની શંકા છે. પણ મારૂ મન કહી રહ્યુ છે કે તેની શંકા સાચી છે. આપણે ચાર ટીમ બનાવવાની છે. પહેલી ટીમ જુહાપુરામાં સ્ટ્રાઈક કરશે અને તે પરવેઝને ઉપાડશે. પરવેઝ જુહાપુરામાં મોબાઈલ રીપેરીંગની દુકાન ચલાવે છે, તેની દુકાનમાંથી છ સીમકાર્ડ ખરીદવામાં આવ્યા હતા. મોબાઈલ કંપની રેકોર્ડ પ્રમાણે કોઈ પ્રકારના ડોક્યુમેન્ટ લેવામાં આવ્યા નથી. સિન્હાએ ગુસ્સો કરતા કહ્યુ દુકાનદાર તો મુર્ખ હતો પણ મોબાઈલ કંપનીઓ પણ લાલચુ છે. કાર્ડ વેચવા માટે ડોક્યુમેન્ટ વગર તેમણે કાર્ડ એક્ટિવ કરી દીધુ, ખેર જવા દે તે વાત, મુળ વાત આવી છે કે આ છ સીમકાર્ડ બ્લાસ્ટ વખતે થોડીક સેંકડ માટે એક્ટિવ થયા અને પછી બંધ થઈ ગયા. બધા જ કાર્ડ બ્લાસ્ટ સ્પોટની આસપાસ એક્ટિવ થયા હતા. ડીસીપી એક એક જીણી જીણી બાબત જાડેજાને સમજાવી રહ્યા હતા ત્યારે ડીસીપીનો કમાન્ડો ચેમ્બરમાં દાખલ થયો. ડીસીપીનું ધ્યાન તેની તરફ ન્હોતુ પણ જેવો તે સર બોલ્યો તેની સાથે ડીસીપી અને જાડેજાએ દરવાજા તરફ જોયુ. ડીસીપીનો ગુસ્સો ફાટ્યો, તેમણે જોરથી બુમ પાડતા કહ્યુ બેવકુફ હો? ગુજરાતી સમજ નહીં આતી? મેં ના પાડી હતી કે અંદર આવતો નહીં. કમાન્ડો ધ્રુજી ગયો, તેણે દરવાજા તરફ ઈશારો કરતા કહ્યુ સર મેં તેમને ના પાડી પણ તેમણે કહ્યુ ખુબ અરજન્ટ છે. ડીસીપીની ભ્રમરો ઉંચી થઈ, કમાન્ડોએ કહ્યુ પેલા ગોવીંદભાઈ છે, તેમને કોઈ અરજન્ટ કામ છે. ગોવીંદનું નામ સાંભળતા ડીસીપીની ભ્રમરો ફરી નોર્મલ થઈ, તેમણે કમાન્ડોને હાથનો ઈશારો કરી મોકલવાનું કહ્યુ, કમાન્ડો બહાર ગયો અને ગોવીંદ ચેમ્બરમાં આવ્યો, તેના હાથમાં કેટલાંક કાગળો હતા. ગોવીંદે પહેલા સોરી સર કહ્યુ અને પછી જય હિન્દ કહેતા કહ્યુ સર વધુ એક ઈન્ફરમેશન મળી છે. મને લાગે છે કે કદાચ ઓપરેશન માટે વધુ મહત્વની સાબીત થઈ શકે. ડીસીપીને આશ્ચર્ય થયુ, ગોવીંદ આગળ આવ્યો તેણે ડીસીપીના ટેબલ ઉપર બીજો સીડીઆર મુકતા કહ્યુ, સર જે છ નંબરઓ એક્ટિવ થયા હતા તેમના મુળ નંબરો અને નામ શોધવાનો મે પ્રયત્ન કર્યો હતો. આઈએમઈઆઈના આધારે ટ્રેક કરતા સર મને છ મોબાઈલ યુઝરના સાચા નામ અને સરનામા મળી ગયા છે. જેમાં મહંમદ અને યુનુસના ફોન હમણાં પણ મધ્યપ્રદેશમાં એક્ટિવ છે. ચાંદ અને દાનીશના ફોન હૈદરાબાદમાં છે અને તેમના મુળ નંબર પણ ચાલુ છે. અબુ અને રીયાઝ કેરળના છે તેઓ પણ પોતાના ફોનનો ઉપયોગ કરે છે. આ છ મોબાઈલનો ઉપયોગ અમદાવાદમાં પણ થયો હતો.

ડીસીપી તો જાણે સ્વપ્ન જોતા હોય તેમ અહોભાવથી ગોવીંદની વાત સાંભળી રહ્યા, પણ ગોવીંદને લાગ્યુ કે તે ચેમ્બરમાં આવ્યો તેના કારણે ડીસીપી નારાજ થયા હતા. ગોવીંદે કહ્યુ સર મને લાગ્યુ કે આપણી ટીમો ઓપરેશન માટે રવાના થાય તે પહેલા આ છ વ્યક્તિઓના પુરા નામ અને સરનામા હોય તો વધુ સારુ રહેશે. ડીસીપી એકદમ ઉભા થયા અને ગોવીંદને રીસતરના ભેટી પડતા કહ્યુ, જો ગોવીંદ આ જ છ લોકો બ્લાસ્ટ કરનારા નિકળ્યા તો હું તને જરૂર સારૂ ઈનામ આપીશ. ગોવીંદને ડીસીપી ભેટી પડ્યા તેના કારણે સંકોચ થયો અને બીજી તરફ ડીસીપીનું ભેટવુ જ તેના માટે ઈનામ સમાન હતું. ડીસીપીને લાગ્યુ કે ગોવીંદની વાત પુરી થઈ પણ ગોવીંદે ફરી એક ડીટેઈલ ઉપર હાથ મુકતા કહ્યો સર મધ્યપ્રદેશનો મહંમદ છે તે પોતાના મુળ નંબર ઉપરથી બ્લાસ્ટ પહેલા અને પછી એક નંબર ઉપર સતત વાત કરતો અને નંબર કોઈ બકરૂદ્દીન અહેમદ શેખના નામે રજીસ્ટ્રર છે. બકરૂદ્દીનું નામ સાંભળતા ડીસીપી ખુશ થઈ ટેબલ ઉપર જમણો પંજો પછાડ્યો અને બોલ્યા યસ યસ સહી નિશાને પે કામ હુવા. ગોવીંદ અને જાડેજા સમજ્યા નહીં. ડીસીપીએ ફોડ પાડતા કહ્યુ બકરૂદ્દીન એટલે પેલો નસીરૂદ્દીન, જાડેજાને કંઈ યાદ આવ્યુ નહીં, ડીસીપી સિન્હાએ યાદ કરાવતા કહ્યુ ફિરોજચાચા પાસે જે મકાન ભાડે લેવા આવ્યો હતો અને ફિરોજચાચા કહેતા કે નસીરૂદીન આવ્યા હતા તે આ જ માણસ છે. તેનો અર્થ યાકુબનગર સહિતની તમામ કડીઓ જોડાઈ રહી છે.

ડીસીપી ઉભા થયા અને સીગરેટ સળગાવી, તેઓ ચાલતા ચાલતા ચેમ્બરમાં સીગરેટ પીવા લાગ્યા, તેમણે સીગરેટ ચાલુ રાખી અને ઈન્ટરકોમ ઉપર ફોન જોડ્યો. તેમણે જેસીપીને ફોન કર્યો હતો, ફોન ઉપાડતા જ તેમણે કહ્યુ સર હરીશ, ગોવીંદ દુસરી ભી ઈન્ફરમેશન લાયા હૈ, મુઝે લગતા હૈ સર પહેલી ફ્લાઈટ સે હમારી ટીમે રવાના હોય જાય લેકીન સર એકબાર આપ હોમ સેક્રેટરી સરસે બાત કર લો ઉનકી નોટીસ પે રખો દો, સર પીઆઈ, પીએસઆઈ ફ્લાઈટ કે લીયે એનટાઈટલ નહીં હૈ ઔર સર સભી સ્ટેટ મેં હમ લોકલ પુલીસ કે બીના હીં ઓપરેશન કરેંગે. મુઝે લગતા હૈ તબ સ્ટેટ કે નોલેજ મેં યહ ઓપરેશ કી જાનકારી હોની ચાહીયે. જેસીપીએ શુ જવાબ આપ્યો તેની ખબર પડી નહીં, સિન્હાએ થેક્સ કહી ફોન મુક્યો અને જાડેજાને કહ્યુ તીન ટીમ રવાના હોગી હૈદરાબાદ, કેરળ અને મધ્યપ્રદેશ ફ્લાઈટ ચેક  કરો. ટિકિટ બુક કરો અને વેપન ઓર બુલેટ પ્રુફ કે સાથ ટીમ રવાના કરો. સભી ટીમો કો બોલો મેરે કોન્ટેક્ટ મેં રહે ઔર કિસીસે બાત નહીં કરે, ખાસ કરકે મીડીયા કો ઓપરેશન ખત્મ હોને તક કોઈ જાનકારી મીલની ચાહીયે નહીં, અગર પ્રેસ મેં આ ગયા તો ઓપરેશન ફેલ હો જાયેલા. ડીસીપીએ ફરી ગોવીંદને અભિનંદન આપ્યા અને ગોવીંદ જાણે રાષ્ટ્રપતિ ચંદ્રક મળ્યો હોય તેમ તે ચેમ્બરમાંથી બહાર નિકળ્યો.  (ક્રમશ:)

દીવાલ ભાગ 39: જે કામ IPS ઓફિસર્સ ન કરી શક્યા તે કામ પાર પાડવા એક કોન્સ્ટેબલ આવ્યો