પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, દીવાલ, ભાગ-39) ગોવીંદને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં આવ્યા એક અઠવાડીયું થઈ ગયુ હતું, તે રોજ સવારે છ વાગ્યે આવી જાય અને રાતના દસ વાગ્યા સુધી બેસી ક્રાઈમ બ્રાન્ચની સાયબર લેબમાં કામ કર્યા કરતો હતો. તેનો ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ સાથે ખાસ સંબંધ પણ ન્હોતો તેના કારણે તે સ્ટાફ સાથે કામ સિવાય કંઈ વાત કરતો ન્હોતો. સિન્હા અકળાઈ રહ્યા હતા, હવે ક્રાઈમ બ્રાન્ચમાં નિરવ શાંતિ હતી. જાડેજાને કોઈ પણ શંકાસ્પદને લઈ આવતા ન્હોતા, કોઈની મારપીટ થતી ન્હોતી. હવે ક્રાઈમ બ્રાન્ચમાં કોઈ પણ બ્લાસ્ટ કેસની વાત કરતુ ન્હોતુ. ગાંધીનગરથી આવતા ફોન પણ બંધ થઈ ગયા હતા. અખબારો હવે બ્લાસ્ટમાં ઘાયલોની હ્યુમન સ્ટોરી કરવા સિવાય કોઈ બીજી સ્ટોરી કરતા ન્હોતા. ક્રાઈમ બ્રાન્ચ આવતા પત્રકારો પણ હવે બ્લાસ્ટ કેસ અંગે સિન્હાને કંઈ પુછતાં ન્હોતા. તે દિવસે સાંજે જેસીપી ગૌડનો કમાન્ડો ડીસીપીને બોલાવવા આવ્યો ત્યારે પહેલા તો તેમને ગુસ્સો આવ્યો, નક્કી જેસીપી પાછુ બ્લાસ્ટ કેસનું પુછશે અને તેમની પાસે તેનો કોઈ જવાબ ન્હોતો પણ સાહેબ હતા તેના કારણે જવુ તો પડે તેમ જ હતું. તે ઉભા થયા અને જેસીપીની ચેમ્બરમાં ગયા, તે ગયા તે પહેલા ટેબલ ઉપર બે કોફી મુકી દેવામાં આવી હતી. જેસીપી હળવા મુડમાં હતા તેમણે કહ્યુ બસ યુહી કોફી પીને બુલાયા, સિન્હાને આશ્ચર્ય થયુ, પછી આખી દુનિયાના ગપ્પા ચાલુ થયા હતા. અચાનક તેમને કંઈક યાદ આવ્યુ હોય તેમ તેમણે બેલ મારી કમાન્ડોને બોલાવી કહ્યુ પેલા ગોવીદને સાયબર લેબમાંથી બોલાવ તે મને મળવા માગતો હતો.

સિન્હા વિચારમાં પડ્યા એટલે ગૌડે ફોડ પાડતા કહ્યુ સુબહ મેં ડીજી સર કે પાસ બેઠા થાં, તબ ગોવીંદ કા ફોન આયા થા, વો કુછ બતાના ચાહતા થાં, ચલો અચ્છા હૈ, તુમ ભી તો ઉસે મીલ લેતે, પાછા ગપ્પા ચાલુ થયા. ત્યાં જ ગોવીંદ નોક કરી આવ્યો. જેસીપી એકદમ ઉભા થઈ ગયા, સિન્હા જોવા લાગ્યા કે એક કોન્સ્ટેબલ આવે અને આઈજીપી ઉભા થઈ જાય, જેસીપીએ ગોવીંદ સાથે હાથ મીલાવ્યો અને તેને બેસવા પણ કહ્યુ, ગોવીંદે ડીસીપીને સલામ કરી અને તેમની બાજુમાં રહેલી ખુરશીને ડીસીપીથી થોડી દુર કરી અને પછી તે પણ ત્યાં બેઠો. જેસીપીએ તરત તેના માટે પણ કોફી મંગાવી અને પછી વાત શરૂ કરતા કહ્યુ બોલ ગોવીંદ તારો ફોન હતો. ગોવીંદે તરત પોતાના હાથમાં રહેલા કાગળો ટેબલ ઉપર મુકતા કહ્યુ સર આ કેટલાક સસ્પેક્ટના સીડીઆઈઆર છે. ડીસીપીએ જોયુ તો પાંચ મોબાઈલ નંબરની કોલ ડીટેઈલ હતી. ગોવીંદે કોલ ડીટેઈલ તરફ ઈશારો કરતા કહ્યુ સર આ મારો ડાઉટ છે, આ પાંચ નંબરની ડીટેઈલ તમે જુવો આ તમામ ફોન એક દિવસે ઓપરેટ થયા છે, તે પણ બનાવના દિવસે. જો કે પાંચે પાંચ નંબરના ટાવર લોકેશન અલગ છે પણ તે કેટલાંક બ્લાસ્ટ સ્પોટની નજીકના છે. અત્યારે મારુ પહેલુ અનુમાન છે કે આ પાંચ નંબરનો ઉપયોગ આંતકી કર્યો હશે, કારણ તેઓ સ્પોટની નજીક છે,.તરત ડીસીપી સિન્હાએ પ્રશ્ન કરતા પુછ્યુ કે સ્પોટની નજીકના ટાવરમાંથી હજારો ફોન એક વખતમાં થયા હશે તેમાં આ પાંચ નંબરો ઉપર જ કેમ શંકા કરવાની? ગોવીંદ હસ્યો તેણે કહ્યુ સર તમારી વાત સાચી છે મને પણ આવો પ્રશ્ન થયો હતો. પણ પાંચ નંબર ઉપર શંકા કરવાનું પહેલુ કારણ કે આ તમામ પાંચ નંબર બ્લાસ્ટના છ દિવસ પહેલા જ એક્ટિવ થયા છે, પણ છ દિવસ સુધી આ નંબર ઉપરથી કોઈ ફોન આઉટ ગોંઈગ નથી અને ઈનકમિંગ પણ નથી.

ગોવીદે જેસીપીની સામે જોયુ, તેને લાગ્યુ  કે જેસીપી તેની વાત ઉપર ભરોસો કરી રહ્યા છે. સર બ્લાસ્ટ થયો તેની પાંચથી છ મિનિટ પછી આ પાંચે નંબરે એકબીજા સાથે વાત કરી છે પણ તમે તેનો કોલ દ્યુરેશન જોવો, તેમ કહી કેટલાક આંકડા ઉપર આંગળી મુકતા કહ્યુ કોઈ કોલ 24 સેકન્ડ તો કોઈ 28 સેકન્ડ જેવી ટુંકી વાત કરે છે, ત્યાર બાદ આ ફોન બંધ થઈ જાય છે અને ત્યાર પછી આ નંબર ઉપર કોઈ એક્ટિવિટી થઈ નથી. ડીસીપી સિન્હાને લાગ્યુ કે ગોવીંદની શંકા સાચી છે. તેમણે ત્યારે જ પુછી નાખ્યુ ગોવીંદ તે આ નંબરો કેવી રીતે શોધ્યા, ગોવીંદે પોતાનું ઓપન સિક્રેટ જાહેર કરતા કહ્યુ સર મે બધા જ નંબરો મેન્યુઅલી ચેક કર્યા છે. જેસીપીએ પુછ્યુ લાખો નંબરો મેન્યુઅલી ચેક કર્યા? ગોવીદે હા પાડી.

ગોવીદે પોતે જે માને છે તેનો વધુ એક પુરાવો આપતા કહ્યુ સર પાંચે સીમકાર્ડ જુહાપુરાની એક દુકાનમાંથી ખરીદવામાં આવ્યા છે પણ મોબાઈલ કંપનીએ ડોક્યુમેન્ટ વેરીફાઈ કર્યા વગર ફોન એક્ટિવ કરી દીધા છે. સાચુ પુછો તો ડોક્યુમેન્ટ વગર સીમકાર્ડ ઈસ્યુ થયા છે. એટલે કદાચ આપણે દુકાનદાર સુધી પહોંચી પણ જઈએ તો પણ ફોનનો ઉપયોગ કરનાર ખરેખર કોણ હતો તે શોધવુ મુશ્કેલ છે. ડીસીપીનો ચહેરો પડી ગયો, તેમને લાગ્યુ કે ગોવીંદ હવે છેક નજીક લઈ ગયો છે, જેસીપીએ ગુજરાતમાં રહી તળપદી ગુજરાતી શીખી ગયા હતા. તેમણે કહ્યુ ગોવીંદ તેનો કોઈ તો તોડ હશેને? ગોવીંદ હસ્યો, સર તમે મારી ઉપર ભરોસો મુક્યો છે તો મારે તેમા પાસ તો થવુ પડને, સર આ પાંચ નંબર બ્લાસ્ટના દિવસે ચાલુ થયા અને તે જ દિવસે બંધ થઈ ગયા છે. આપણી પાસે અત્યારે જુહાપુરાનો દુકાનદાર છે, આપણે ત્યાં સુધી તો ગયા પણ આ પાંચ નંબર કોણે વાપર્યા હતા તેની પણ મેં તપાસ કરી. સર, આરોપીની એક નાનકડી ભુલ આપણને મદદ કરી ગઈ છે. આ પાંચ નંબરના સીમકાર્ડ જે મોબાઈલમાં હતા તે પાંચે ઈન્સ્ટુમેન્ટના મે આઈએમઈઆઈ નંબર ટ્રેક કર્યા તો હવે તેમા બીજા સીમકાર્ડ નાખી તે ફોનનો ઉપયોગ થઈ રહ્યો છે. ડીસીપી એકદમ ઉછળી પડ્યા, ગોવીંદે તેમને એકદમ શાંત કરતા કખ્યુ સર આ પાંચે મોબાઇલ ઇન્સ્ટુમેન્ટ અલગ અલગ રાજ્યમાં એક્ટિવ છે જેમાં કેરળ, મધ્યપ્રદેશ અને હૈદરાબાદમાં એક્ટિવ છે. મેં હજી એક પણ નંબરને ડિસ્ટર્બ કર્યા નથી. જેસીપી અને ડીસીપીની આંખો એક થઈ બંન્ને એકબીજાને કહ્યા વગર સમજી ગયા કે કેસ હવે તેમના હાથમાં છે. બસ કોઈ ભુલ થાય નહીં અને એક પછી એક માણસોને ઉપાડી લેવામાં આવે તેના માટે અલગ અલગ ટીમોની જરૂર હતી. જેસીપીએ ગોવીંદ સામે જોઈ પુછ્યુ ગોવીદ આ વાત તે ક્રાઈમમાં બીજા કોઈ સાથે શેર તો કરી નથી ને? ગોવીંદે કહ્યુ કોઈની સાથે નહીં, બસ પહેલી વખત તમારી સાથે વાત કરી રહ્યો છું. જેસીપીએ ડીસીપીને કહ્યું દેખો સ્માર્ટ ઓપરેશન હોના ચાહીયે, કોઈ ગલતી મુઝે મંજુર નહીં. ડીસીપી એકદમ ટટ્ટાર થઈ ગયા, તેમણે કહ્યુ સર, જેસીપીએ કહ્યુ દેખો સબ સે પહેલે વો જુહાપુરા મેં સીમકાર્ડવાલા હૈ ઉસે ઉઠા લો ઔર આજ રાત કો બાય એર ટીમ એમપી, હૈદરાબાદ ઔર કેરળ રવાના કરદો ઔર સભી ઓપરેશન હમ એકલે હી કરગે , લોકલ પુલીસ કો સાથ મેં લેના નહીં હૈ, ધ્યાન રહે, યહ બાત મીડિયા તક પહોંચે નહીં. (ક્રમશ:)

દીવાલ ભાગ 38: જે કામ IPS ઓફિસર્સ ન કરી શક્યા તે કામ પાર પાડવા એક કોન્સ્ટેબલ આવ્યો