પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, દીવાલ, ભાગ-38): ફિરોજચાચાની માહિતી સાચી હતી. જેસીપી વિવેક ગૌડે હૈદરાબાદ પોલીસને માહિતી આપી હતી કે તેમના બ્લાસ્ટ કેસમાં નસીરૂદ્દીનનો ઉલ્લેખ થઈ રહ્યો છે પણ હૈદરાબાદ પોલીસ પાસે નસીરૂદ્દીન અંગે કોઈ માહિતી ન્હોતી. તેમની માહિતી પ્રમાણે તેણે પાંચ વર્ષ પહેલા જ હૈદરાબાદ છોડી દીધુ હતું. હવે ક્યા છે, તેનો પરિવાર ક્યા છે તેની કોઈ જાણકારી ન્હોતી. ફિરોજચાચા મળ્યા તે ઘટનાને પંદર દિવસ વિતી ગયા હતા. હવે તપાસ એક ઈંચ પણ આગળ જઈ રહી ન્હોતી. ડીસીપી સિન્હાને હવે પોતાની કાબેલીયત ઉપર શંકા  જવા લાગી હતી. ડીસીપી સિન્હાના ચહેરા પર કોઈ અજાણ્યો માણસ પણ વાંચી શકે એટલો તનાવ રહેતો હતો. આ વાત જેસીપીથી પણ ખાનગી રહી ન્હોતી, તે દિવસે સાંજે તેમણે સિન્હાને બોલાવી કહ્યુ હરીશ રીલેક્સ રહો, તુમ મહેનત કરતે હો લેકીન કામ નહીં હો રહા, ડીસ્ટર્બ મત હો. સિન્હા કંઈ બોલ્યા નહીં. જેસીપીએ કહ્યુ મેને કલ એક લડકે તો બુલાયા હૈ, મે જબ સાબરકાંઠા મે ડીએસએપી થતા તબ વહ મેરે સાથ કામ કરતા થાં. મેને હી ઉસે પહેલી બાર કોમ્પ્યુટર પે બિઠાયા થા. બહુત અચ્છા લડકા હૈ, શાયદ હમારે કામ આ જાયે. સિન્હાના ચહેરા ઉપર ફરી આશાનું કિરણ દેખાયુ. તેમણે પુછ્યુ સર વહ સાયબર એકસપર્ટ હૈ? ગૌડ હસ્યા અને કહ્યુ નહીં, વહ સિર્ફ એક મામુલી કોન્સ્ટેબલ હૈ, લેકીન બડા કાબીલ હૈ. ઉસને મેરે સાથ બહુત કામ કીયા હૈ, કલ રાત સે મેં ગોવીંદ કે બારે મેં સોચ રહા થાં. આજ ઉસકે એસપી સે ભી બાત કર લી હૈ, વહ કલ તક આ જાયેગા.


 

 

 

 

 

સિન્હાને હવે ગૌડ સાહેબની કાબેલીયત ઉપર શંકા ગઈ. એક કોન્સ્ટેબલ કઈ રીતે બ્લાસ્ટ કેસમાં તેમને મદદ કરી શકે? ક્રાઈમ બ્રાન્ચ પાસે પોતાની સાયબર લેબ હતી અને હોશિયાર ઓફિસર્સ હતા પણ તેમને પણ કોઈ કડી મળતી ન્હોતી. ત્યારે સર એક કોન્સ્ટેબલના ભરોસે કેસ ઉકેલાઈ જશે તેવી આશા રાખી રહ્યા હતા. જો કે બીજી જ ક્ષણે ગૌડ સાહેબનો નિર્ણય સાચો જ હશે તેવુ પણ લાગી રહ્યુ હતું. સિન્હા તે દિવસે ઘરે જવા નિકળી ગયા પણ બીજા દિવસે સવારે તેઓ ઓફિસ આવ્યા ત્યારે તેમની ચેમ્બર બહાર તેમણે એક અજાણ્યો ચહેરો જોયો. તેમને જોતા જ પેલો માણસ ઉભો થયો અને તેણે જય હિન્દ સર કહ્યુ, સિન્હા તેને જયહિન્દ કહી પોતાની ચેમ્બરમાં ગયા અને તેમની પાછળ આવેલા તેમના કમાન્ડોએ કહ્યુ સર પાલનપુરથી કોન્સ્ટેબલ ગોવીંદ આવ્યા છે. સિન્હાએ એક ક્ષણ વિચાર કર્યો અને તેમને યાદ આવ્યુ તેમણે કહ્યુ મોકલો તેને અંદર, તે અંદર આવ્યો, તે પેલો જ હતો જેણે જય હિન્દ કહી સલામ કરી હતી. સિન્હાએ તરત વાત ઉપર આવી જતાં કહ્યુ ગોવીંદ તમને બ્લાસ્ટ કેસ તો ખબર છે પણ હવે તેમા કોઈ પ્રગતિ થઈ રહી નથી. જેસીપી સાહેબ તમારી બહુ તારીફ કરતા હતા, સાહેબે કહ્યુ છે કે ગોંવીદ સારો છોકરો છે, આપણને મદદ કરી શકે છે. ગોવીંદે કહ્યુ આજે હું જે કંઈ શીખ્યો તે બધુ ગૌડ સાહેબના કારણે નહીંતર આજે પણ આર્ટીલરીમાં કામ કરતો હોત. સિન્હાએ કહ્યુ ગોવીંદ કંઈ પણ કરો, યાર મારી આબરૂનો સવાલ છે. ગોવીંદે કહ્યુ સર હું પ્રયત્ન કરીશ. સિન્હાએ કહ્યુ ગોવીંદ પ્રયત્ન નહીં પરિણામ જોઈએ, તારે જે કંઈ મદદ જોઈતી હોય તે બોલ હું મારા માણસો અને ગાડીઓ તને આપીશ પણ કોઈક લાઈન આપ. ગોવીંદે એક મિનિટ વિચાર કરી કહ્યુ સર મારે તમામ બ્લાસ્ટ સ્પોટ ઉપર જવુ પડશે અને પેપરમાં વાંચ્યુ હતું કે તમે વટવાના કોઈ મકાનને પણ શોધી કાઢ્યુ ત્યાં પણ જવુ પડશે.

સિન્હાના ચહેરા ઉપરના હાવભાવ બદલાયા, તેમને લાગ્યુ કે ગોવીંદ જાણે બહુ મોટો ઈન્વેસ્ટીગેટર હોય તેવો દેખાવ કરી રહ્યો છે. જો કે સિન્હાના મનમાં આવેલી વાત ગોવીંદ સમજી ગયો હોય તેમણે તેણે સ્પોટ ઉપર જવાનું કારણ સમજાવતા કહ્યુ સર સ્પોટ ઉપર અથવા વટવાના પેલા મકાનમાં રહેલા લોકો ફોનનો ઉપયોગ તો કર્યો જ હશે. મારે સ્પોટ ઉપર જઈ સેલ આઈડી લેવી છે. પહેલા ટાવર લોકેશન મળે તો તેની ઉપર કામ થઈ શકે તેમ છે. સિન્હા વિચાર કરવા લાગ્યા, અમદાવાદ જેવા શહેરમાં લાખો લોકો ફોન વાપરે છે ત્યારે સ્પોટ ઉપર ક્યા ફોનનો ઉપયોગ થયો હશે અને તે પણ બ્લાસ્ટ કરનારે ક્યો નંબર વાપર્યો હશે તે કઈ રીતે નક્કી થઈ શકે? પણ ગોવીદની બોડી લેગ્વેજમાં ગજબનો વિશ્વાસ દેખાતો હતો. સિન્હાએ યાદ કર્યુ પણ તેમણે ક્યારેય ગોવીદનું નામ અને કામ સાંભળ્યુ હોય તેવુ યાદ ન્હોતુ આવ્યુ અને જ્યારે ગૌડ સાહેબ ગોવીંદ ઉપર ભરોસો મુકી રહ્યા હતા ત્યારે પોતાને ભરોસો મુકવામાં કઈ વાંધો ન્હોતો. છતાં એક પોલીસ અધિકારી તરીકે શંકા કરવાનો સ્વભાવ થઈ જાય છે. તેમણે ગોવીંદને પુછ્યુ કોમ્પ્યુટર સાયન્સ ભણ્યા છો? ગોવીંદ હસ્યો, તેણે કહ્યુ ના સાહેબ હું તો ડિઝલ મિકેનીક હતો. સિન્હાના ચહેરા ઉપર એકદમ રૂક્ષતા આવી ડિઝલ મિકેનીક અને મોબાઈલ એન્જીનિયર કઈ રીતે બને કોઈ વાતનો તાળો મળતો ન્હોતો, પણ ગોવીંદને હવે વધુ સવાલ પુછવાનો અર્થ થતો હતો કે ગૌડ સાહેબ ઉપર શંકા કરવી.


 

 

 

 

 

તેમણે તરત ઈન્ટરકોમ ફોન ઉપડ્યો અને પહેલા નંબર યાદ કર્યો અને ડાયલ કરતા તરત ફોન ઉપડ્યો, જાડેજા હું ગોવીદને તમારી પાસે મોકલુ છું, અરે ગોવીંદ એસકે પોલીસમાં છે, જેસીપી સાહેબ સાથે કામ કરેલુ છે, આપણી સાથે હમણાં બ્લાસ્ટ કેસમાં તેમને એટેચ કર્યા છે. તમારી પાસે મોકલુ છે, તેઓ જે મદદ માંગે તે આપજો અને આપણી સાયબર લેબ સાથે પણ તેમનો પરિચય કરાવી દેજો. ફોન મુક્યો અને બેલ મારી કમાન્ડોને બોલાવી કહ્યુ આમને જાડેજા પાસે લઈ જાઓ. ગોવીંદે ફરી સલામ કરી તે સિન્હાની ચેમ્બરમાંથી બહાર નિકળી જાડેજાની ચેમ્બર તરફ જવા રવાના થયા. સિન્હાને જેસીપીનો આ નિર્ણય પસંદ આવ્યો ન્હોતો, પોતે પણ આઈઆઈટીમાં અભ્યાસ કરી આવ્યા હતા. તેઓ રોજ સાયબર લેબમાં બેસી રોજ કોઈને કોઈ પ્રયત્ન કરતા હતા છતાં કોઈ કડી મળતી ન્હોતી. ત્યારે એક સાવ નાના શહેરનો કોન્સ્ટેબલ અમદાવાદમાં આવી હવે બ્લાસ્ટ કેસને ટ્રેક કેવી રીતે કરશે? સિન્હાએ ગુગલમાં જઈ ગોવીંદનું નામ નાખ્યુ પણ તેના નામનો કોઈ ઉલ્લેખ ગુગલ બતાડતુ ન્હોતુ, તે સાંજે જાડેજાએ સિન્હાને મળવા આવ્યા ત્યારે તેમણે પણ સિન્હા સામે વાત કરતા કરતા સવાલ કર્યો કે સર ગોવીંદ કઈ રીતે કામ કરશે? જાડેજાએ કહ્યુ તેઓ આખો દિવસ ગોંવીદ સાથે સ્પોટ ઉપર ફર્યા હતા, તે સ્પોટ ઉપર પોતાના મોબાઈલ ફોનમાં કંઈક લખતો અને ચેક કરતો હતો. જાડેજાને સાયબર ક્રાઈમ સાથે બારમો ચંદ્રમા હતો પણ તેમને એક શબ્દ યાદ રહી ગયો હતો તેમણે કહ્યુ સર ગોવીંદ લેટીટ્યુડ શોધી રહ્યો હતો. જાડેજાએ જે રીતે વાત કરી ત્યારે સિન્હાને લાગ્યુ કે ગોવીંદ જે રીતે કામ કરી રહ્યો છે તે રીતે તેમના માટે જેકપોટ પણ સાબીત થઈ શકે છે. અમદાવાદમાં થયેલા બ્લાસ્ટ પહેલા મુંબઈ, બેગ્લોર અને આગ્રામાં પણ બ્લાસ્ટ થયા હતા. તમામ બ્લાસ્ટ હજી એનડીટેક્ટ હતા પણ જો ગોવીંદ કામ કરી ગયો તો આપણો વટ પડી જશે.

(ક્રમશ:)

ભાગ 37- અમદાવાદ પોલીસ હૈદરાબાદની મસ્જિદ સામે ઘેરાઈ ગઈ હતી, ગોળીબાર સિવાય પાસે કોઈ રસ્તો ન્હોતો