પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, દિવાલ-ભાગ-28): ડીસીપી એચ. કે. સિન્હા પાલડી ચાર રસ્તા વટાવી જલામરામ મંદિર તરફ જઈ રહ્યા હતા. આજે પોતે મોટર સાયકલ ચલાવી રહ્યા હતા તેના કારણે તેનો રોમાંચ જ કંઈક જુદો હતો. હજી 12મું ધોરણ પાસ કર્યા પછી પહેલી વખત પપ્પાએ બાઈક આપી હોય તેવુ લાગી રહ્યુ હતું. જો કે ક્યારેક વચ્ચે અચાનક કોઈ આવી જાય ત્યારે તેમને લાગતુ કે તેમનો ડ્રાઈવર કઈ રીતે આવા ટ્રાફિકમાં કાર ચલાવતો હશે? ડીસીપી જલારામ મંદિરનું રેલવે ક્રોસિંગ ક્રોસ કરી સીધા નિકળ્યા, તેમણ આજુબાજુના રસ્તાઓ અને મકાનો જોઈ ખાતરી કરી કે રસ્તા લો ગાર્ડન તરફ જ જઈ રહ્યો છે ને, છતાં મનમાં શંકા થઈ રહી હતી. સરકારી ગાડીમાં તો ડ્રાઈવરને બધા જ રસ્તાની ખબર હતી, તેને માત્ર જગ્યાનું નામ આપો અને બસ ગાડી ત્યાં જ ઉભી રહેતી હતી. જલારામ મંદિર પછીના ચાર રસ્તા ઉપર ટ્રાફિક પોલીસવાળા તો ઉભો હતા પણ ટ્રાફિક લાલ-લીલી લાઈટ જોયા વગર પોતાની ઈચ્છા પ્રમાણે જઈ રહ્યો હતો. સવારના આઠ વાગ્યાથી નોકરી ઉપર ચઢેલો ટ્રાફિક કોન્સ્ટેબલ પણ પોતાની હાજરી પોઈન્ટ ઉપર છે તેવુ બતાડવા માટે ચાર રસ્તા પાસે ખુણા પર શેરડીના સંચાવાળાની ખુરશી ઉપર બેસી રહ્યો હતો. તેને જોતા ડીસીપીએ ટ્રાફિક કોન્સ્ટેબલ પાસે જઈ બાઈકની બ્રેક મારી પુછ્યુ સાબ લો ગાર્ડન જાના હૈ, કોન્સ્ટેબલે હાથનો ઈશારો કરી સીધા જાવ, ફરી ડીસીપી સીધા જવા લાગ્યા. ફરી એક ચાર રસ્તા આવ્યા જ્યા ખુણામાં લખ્યુ હતુ રવિશંકર મહારાજ ગેલેરી, એકાદ બે વખત ડીસીપીએ ડોકી ફેરવી રસ્તાની ખાતરી કરી તેમને લાગ્યુ કે બરાબર કદાચ લો ગાર્ડન આવી ગયુ છે પણ એકસો મીટર આગળ જતા એક બગીચો દેખાયો, હાશ આવી ગયા, તેથી તેઓ થોડાક આગળ ગયા ત્યા તેમના ડાબા હાથે જીએલએસ લો કોલેજનું બિલ્ડિંગ અને બોર્ડ જોયુ. તેની સાથે બ્રેક કરી બાઈક સાઈડમાં લીધુ અને બાઈક ઉપર બેઠા બેઠા આગળ પાછળ, ડાબે જમણે બધે જોયુ પણ રીઝવાન ક્યાંય દેખાયો નહીં.

ડીસીપી બાઈક પરથી ઉતર્યા અને બાઈક સ્ટેન્ડ કરવા લાગ્યા પણ પહેલા તો સ્ટેન્ડ ક્યા છે તે જ દેખાતુ ન હતુ, જો કે પછી સ્ટેન્ડ મળી ગયુ, આવુ બધુ લાંબા સમયથી થઈ રહ્યુ હતું અને આટલા માનસિક દબાણ વચ્ચે પણ તેમને પોતાની ઉપર હસવુ આવતુ હતું. બાઈક સ્ટેન્ડ કરી તે સીટ ઉપર બેસવા ગયા ત્યારે તેમણે જોયુ તો આજુબાજુ ઘણા કોલેજના છોકરા છોકરી મસ્તી કરી રહ્યા હતા. તેમને લાગ્યુ કે આ જિંદગી કેટલી સારી છે. સીટ ઉપર બેસી તેમણે શર્ટના ઉપરના ખીસ્સામાં રહેલો ફોન કાઢ્યો અને રીઝવાનને જોડ્યો એક રીંગ બે રીંગ ત્રણ રીંગ અને રીંગ જતી રહી, રીઝવાન ફોન કેમ ઉપાડતો નથી. કંઈક લોચો તો નથી પડ્યો તેવા વિચાર આવવા લાગ્યા, આખી રીંગ પુરી થઈ ગઈ. ડીસીપી વિચાર કરવા લાગ્યા જિંદગીમાં પોલીસમાં આવ્યા પછી પહેલી વખત બાઈક ઉપર નિકળ્યો અને આજે જ આ પહેલુ કામ પણ થશે નહીં, પણ ત્યાં જ ડીસીપીના ફોન ઉપર રીંગ આવી તેમણે સ્ક્રીન ઉપર જોયુ તો રીઝવાન જ હતો. ડીસીપી ફોન ઉપાડતા પુછ્યુ અરે ભાઈ રીઝવાન કહો, અરે મે ભી લો ગાર્ડન હી ખડા હું, પછી પોતાની આસપાસ જોઈ કહ્યુ દેખો મે કોલેજ કે બહાર ખડા હું, મેરી બગલ મેં એક સેન્ડવીચ કા લારી હૈ, ક્યા નામ ઉસકા બોલી તેમણે લારીના બોર્ડ ઉપર નામ વાંચવાનો પ્રયાસ કર્યો, પછી કહ્યુ કર્ણાવતી કચ્છી દાબેલી લીખા હૈ. અને તેમણે ફોન મુક્યો. બીજી જ મિનિટે રીઝાવાન દોડતો આવ્યો, તે પણ ડીસીપીની રાહ જોઈ રહ્યો હતો. પણ રીઝવાને બાઈકની સીટ ઉપર બેઠેલા ડીસીપીને જોતા તે બોલ્યો. ઓ સાબ યહ ક્યા, કહી તે હસવા લાગ્યો. તે માની શકતો ન્હોતો કે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી એકલા અને તે પણ બાઈક ઉપર આવે. ડીસીપી પણ હસી પડ્યા, ડીસીપીએ કહ્યુ રીઝવાન તુ ક્રાઈમ બ્રાન્ચ આના નહીં ચાહતા, હા તુઝે સબ જાનતે ભી, ઔર આજકલ તો તેરી જમાતવાલે કાફી લોગો કો હમ લેકે આતે હૈ, ઈસીલીય મેં હી ચલા આયા. રીઝવાન બાઈક સામે જોઈ રહ્યો હતો. ડીસીપી સિન્હાએ કહ્યુ મેરે કોન્સ્ટેબલ કા હૈ, લેકીન આજ બાઈક ચલાને કા બડા મઝા આયા. પછી તરત યાદ આવ્યુ તેમ કહ્યુ ચલ બતા ક્યા બાત હૈ, રીઝવાને વાત શરૂ કરતા દીવાલને અડી આવેલી ચ્હાની લારી તરફ ઈશારો કરતા કહ્યુ સાબ એકાદ ચાઈ ભી હો જાય. ડીસીપીએ હા પાડી, તે બાઈક ઉપરથી ઉતરી કિટલી તરફ ચાલતા ગયા. રીઝવાન દોડતો ગયો અને લારીની આસપાસ પડેલા નાની સાઈઝના પીપડા જેને રોડ સાઈડ બેઠક તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો તે લઈ આવ્યો.

એક તેણે બેસવા માટે ડીસીપીને આપ્યુ અને બીજા ઉપર પોતે બેસતા પહેલા તેણે ચ્હાની લારીવાળાને બે કટીંગનો ઈશારો કર્યો, તે થોડો ડીસીપી તરફ આગળ વધ્યો, આજુબાજુ જોયુ અને પછી કહ્યુ સાબ આપને જો કામ દીયા થા, વો આસાન નહીં હૈ. ડીસીપીને ખબર હતી કે તમામ બાતમીદાર પોતાનું મહત્વ વધારવા માટે આ પ્રકારે જ વાતની શરૂઆત કરે. જો કે આ વખતે રીઝવાન જે કહી રહ્યો હતો તે વાત પણ સાચી હતી. બોમ્બ બ્લાસ્ટની એક પણ નાની માહિતી મહત્વની સાબિત થવાની હતી. રીઝવાન ડીસીપીનો બાતમીદાર હતો, ઘણી વખત તેણે દારૂ-જુગાર જેવી માહિતી ડીસીપીને આપી હતી. જો કે ડીસીપી ક્રાઈમ બ્રાન્ચમાં આવ્યા ત્યારે તેમને દારૂ-જુગારના અડ્ડાઓ ઉપર રેડ પાડતી વખતે બહુ થ્રીલ મળતી હતી પણ પછી સમજાયુ કે દારૂ-જુગારના અડ્ડા ઉપર તો સામાન્ય હેડ કોન્સ્ટેબલ પણ રેડ કરી શકે તેમા કંઈ બહાદુરી પણ નથી. જેસીપી વિવેક ગૌડ કહેતા કે દારૂ-જુગાર તો રામાયણ-મહાભારત કાલ સે ચલતા આયા હૈ, આપ ઉસે રોક નહીં શકતે, હા હમે ઉસે ચલને નહીં દેના હૈ, લેકીન પોલીસીંગ કા મતલબ સીર્ફ પ્રોહિબીશન ગેમલીંગ નહીં હૈ. જેસીપીની વાત પછી ડીસીપીએ દારૂ-જુગારની રેડમાં જવાનું બંધ કી દીધુ હતુ, જો કે બાતમીદાર તરીકે દર મહિને રીઝવાન નાની મોટી રકમ ડીસીપી પાસેથી લઈ જતો હતો. ડીસીપીએ રીઝવાન જેવા ચાર-પાંચ બાતમીદારોને આ કામ સોંપ્યુ હતું. રીઝવાને વાત શરૂ કરી ત્યારે ચ્હા આપવા ટેણીયો આવ્યો એટલે ડીસીપીએ રીઝવાનના ઘુંટણ ઉપર હાથ મુકી તેને વાત કરતા રોકયો. પ્લાસ્ટીકના કપમાં ચ્હા આવી, ચ્હા પણ ચરણામૃત જેટલી જ હતી, ડીસીપીએ પહેલા ચ્હાના કપ સામે જોયુ અને એક ચુસકી મારી જમીન ઉપર ચ્હાનો કપ મુક્યો. રીઝવાને વાતની શરૂઆત કરી ત્યારે ડીસીપીએ પોતાનો મોબાઈલ ફોન કાઢ્યો અને કોઈને મેસેજ કરવાની શરૂઆત કરી, રીઝવાની વાત ચાલુ કરી અને ડીસીપીના મેસેજ ચાલુ હતું., જો કે ડીસીપીના કાન તો રીઝવાનની વાત જ સાંભળી રહ્યા. ડીસીપીએ મેસેજમાં લખ્યુ આજ સુબહ જો હુવા ઉસકે લીયે સોરી, અડધી મિનીટ પછી વળતો મેસેજ આવ્યો કોઈ બાત નહીં, આપ ચિંતા મત કરના મેં ઉસે હોસ્પિટલ લેકે ગઈ થી,. અબ અચ્છા હૈ, બુખાર ઉતર ગયા, આપ કામ પે ધ્યાન દો મે અખબાર મેં આપકી ફોટો દેખના ચાહતી હું, ડીસીપીએ લખ્યુ love u, સામેથી તરત જવાબ આવ્યુ  2 ..3..4 મેસેજ વાંચી ડીસીપી હસ્યા અને ફોન ખીસ્સામાં મુકી તેમણે રીઝવાન સામે જોયુ.

(ક્રમશ:)

દીવાલ ભાગ 27 DCPએ પત્નીને કહ્યું બેટી બીમાર હૈ તો મેં ક્યા કરું, નોકરી છોડ દુ?