પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, દીવાલ-ભાગ-27): બ્લાસ્ટની ઘટનાને ત્રણ દિવસ પસાર થઈ ગયા હતા. મુંબઈ ગયેલી ટીમ ખાસ માહિતી વગર પાછી ફરી હતી. મુંબઈ ગયેલી ટીમ સાથે ડીસીપી અને જેસીપી બંન્ને સંપર્કમાં હતા. બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવામાં આવેલી કાર ચોરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેસીપી વિવેક ગૌડએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી કુલકર્ણી સાથે વાત કરી કેટલીક મદદ માંગી હતી. ગૌડ માની રહ્યા હતા કે જો આ કાર ચોરી કરનાર ચોર સુધી પહોંચી જવાય તો આતંકી સુધી પહોંચવુ સહેલુ બની જાય. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પણ અગાઉ વાહન ચોરીમાં પકડાયેલા ચોરોને ક્રાઈમ બ્રાન્ચમાં લાવી ધોલાઈ શરૂ કરી હતી, પણ એક પણ ચોરે અમદાવાદમાં મોકલવામાં આવેલી કાર ચોરી હોવાની કબુલાત કરી ન્હોતી. ગૌડે મુંબઈ રહેલા અમદાવાદ પોલીસની ટીમને પાછી ફરવા સુચના આપી હતી. ત્રણ ત્રણ દિવસ પછી પણ  કોઈ મહત્વની જાણકારી મળી રહી ન્હોતી. ગાંધીનગરથી સતત ફોન આવી રહ્યા હતા પણ ગૌડ ઠંડા કલેજે તમામ ફોનના જવાબ આપી રહ્યા હતા. ડીસીપીને લાગી રહ્યુ હતું આટલા દબાણમાં પણ જેસીપી કઇ રીતે શાંત રહી શકતા હતા, સામાન્ય રીતે શાંત રહેતા ડીસીપી છેલ્લાં ત્રણ દિવસથી પોતાનો પીત્તો ગુમાવી દેતા હતા. આજે સવારે તે ઓફિસ જવા નિકળ્યા ત્યારે તેમની પત્નીએ કહ્યુ કે દીકરીને તાવ આવે છે, ત્યારે ડીસીપીએ દીકરી સામે જોયા વગર જવાબ આપ્યો મેરે સ્ટ્રાઇકીંગ ફોર્સની ગાડી છોડ જાતા હું, આપ ડૉક્ટર કે પાસ જાકે આના. સિન્હાનો આ પ્રકારનો જવાબ સાંભળી તેમની પત્નીને પણ આશ્ચર્ય થયુ કારણ તેમને ઘરમાં સૌથી કોઈ પ્રિય હોય તો તેમની પાંચ વર્ષની દીકરી હતી, પણ આજે તેમની વ્હાલી દીકરીને તાવ હોવા છતાં એક વખત તેના કપાળ ઉપર હાથ મુકી તેનો તાવ પણ જોયો નહી અને સ્ટ્રાઈકીંગની કાર લઈ દવાખાને જવાનું કહ્યુ હતું. સિન્હાની પત્નીએ નારાજગી વ્યક્ત કરતા કહ્યુ શહેર કે લીયે દૌડા કરતે હો, અપની ખુદ કી બેટી કી ચિંતા નહીં હૈ? આ સાંભળતા સિન્હાનો ગુસ્સો ફાટ્યો ઘરની બહાર નિકળવા હજી દરવાજા પાસે જ પહોચ્યા હતા અને તેમણે પાછાવળી કહ્યુ નોકરી છોડ દુ? બેટી બીમાર હૈ તો મેં ક્યા કર શકતા હું, મેં ડૉક્ટર હું? અને પછી તરત તેઓ ગાડી તરફ ચાલવા લાગ્યા.

ગાડી તૈયાર કરીને ઉભા રહેલા તેમના કમાન્ડો અને ડ્રાઈવરે પણ ડીસીપી સિન્હા સાહેબના સંવાદો સાંભળ્યા હતા. તેમને પણ લાગ્યુ કે સાહેબ મેડમ સાથે આવી રીતે વાત કરતા નથી. જો કે તેમને ક્રાઈમ બ્રાન્ચમાં ચાલી રહેલી ગરબડ અને દોડાદોડી અંગે ખબર હતી અને તેઓ તો સાહેબને ત્રણ દિવસથી આ જ મુડમાં જોઈ રહ્યા હતા. ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યા ત્યારે ઈન્સપેક્ટર જાડેજા છેલ્લાં ત્રણ દિવસથી જે કરતા હતા તે ક્રમ તેમનો ચાલુ હતો. એક માણસને બાકડા ઉપર ઉંઘો સુવાડી તેની પગની પાનીએ લાઠી મારી રહ્યા હતા. સિન્હા કારમાંથી ઉતરતા જાડેજાને લાઠી મારવાનું બંધ કર્યુ અને ડીસીપીને સલામ કરી. ડીસીપીએ સલામ કરતા જાડેજાના હાથમાંથી લાઠી લીધી અને કંઈ પણ બોલ્યા અને પુછ્યા વગર તેઓ બાકડે આડા પાડવામાં આવેલા માણસને લાઠી ફટકારવા લાગ્યા. આઠ-દસ લાઠી મારી અને લાઠી જાડેજાને પકડાવી પોતાની ચેમ્બરમાં જતા રહ્યા. બધાને ડીસીપીનો વ્યવહાર બહુ વિચિત્ર લાગ્યો હતો. હજી તો ડીસીપી પોતાની ચેમ્બરમાં જઈ બેઠા અને તેમના મોબાઈલ ઉપર કોઈનો ફોન આવ્યો, તેમણે ફોન કરનારને કહ્યુ બોલ રીઝવાન કુછ બાત આગે બઢી? રીઝવાનનો જવાબ સાંભળી તેમના ચહેરા ઉપર ચમક આવી. તેમણે કહ્યુ કબ પહોંચ રહા હૈ ક્રાઈમ બ્રાન્ચ? રીઝવાને કંઈક જવાબ આપ્યો અને તેમણે કહ્યુ કોઈ બાત નહીં, મેં આ જાતા હું, પછી એક ક્ષણ વિચાર કરી કહ્યુ સરકારી ગાડી મેં નહી આતા, અકેલે હી આતા હું. ડીસીપી એકદમ ઉભા થયા અને પોતાની ચેમ્બરની બહાર નિકળ્યા. હજી પેલો થર્ડ ડીગ્રીનો પ્રોગ્રામ ચાલુ જ હતો પણ ડીસીપી ચેમ્બરની બહાર આવતા બધા ફરી અટકી ગયા. જાડેજાએ જોયુ તો ડીસીપીના ચહેરા ઉપર ઉતાવળ હતી. જાડેજા કંઈ પુછે તે પહેલા ડીસીપીએ પુછ્યુ જાડેજા તારા સ્કવોર્ડમાં મોટર સાયકલ લઈ કોણ આવે છે? ત્યાં હાજર હતા તેમને કંઈ સમજાયુ નહીં, ડીસીપી સમજી ગયા તેમણે કહ્યુ મારે એક મોટર સાયકલ જોઈએ છે. ડીસીપી ઘણી વખત એકદમ ગુજરાતીમાં પણ બોલવા લાગતા હતા.

એક કોન્સ્ટેબલ થોડો આગળ આવ્યો, તેણે પેન્ટના ખીસ્સામાંથી ચાવી કાઢતા કહ્યુ સર મારી પાસે છે. ડીસીપી એ કહ્યુ જા લઈ આવ, તે કોન્સ્ટેબલ દોડતો બહાર ગયો. બધા વિચાર કરી રહ્યા હતા, સાહેબને કેમ મોટર સાયકલની જરૂર પડી હશે? ત્યાં જ પેલો કોન્સ્ટેબલ પોતાનું મોટર સાયકલ લઈ આવ્યો. ડીસીપીએ તેને કહ્યુ ઉતરી જા હું એકલો જ જઈશ. ડીસીપીએ એકલા જવાની વાત કરતા ઈન્સપેક્ટર જાડેજા અને ડીસીપીનો ગનમેન પુછવા આગળ વધ્યા અમે આવીએ, પણ તે કઈ પુછે તે પહેલા ડીસીપી મોટર સાયકલની સીટ ઉપર બેઠા અને તેમણે જાડેજા અને ગનમેનને કહ્યુ હું એકલો જ જઈશ તમારે કોઈએ આવવાની જરૂર નથી. મોટર સાયકલની કીક સ્ટાર્ટનું બટન દબાવ્યુ અને જેનું મોટર સાયકલ હતી તેને પુછ્યુ સભી ગીયર નીચે કી તરફ હૈના, કોન્સ્ટેબલે હા પાડી અને ડીસીપીએ ફર્સ્ટ ગીયરમાં નાખી યુ ટર્ન લઈ મોટર સાયકલ મારી મુકી. ડીસીપી એકલા ગયા અને તે પણ મોટર સાયકલ ઉપર અને ગનમેનને પણ સાથે લઈ ગયા નહીં. જ્યારે શહેરનો માહોલ સારો નથી ત્યારે સાહેબે એકલા જવાની જરૂર ન્હોતી આવા અનેક પ્રશ્ન અને ચિંતામાં ઈન્સપેક્ટર જાડેજાને વિચારો પાછળ હડસેલી દીધા હતા. બીજી તરફ ડીસીપી સિન્હા જમાલપુર દરવાજા થઈ સરદાર પટેલ પુલ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. દસ વર્ષ બાદ બાઈક ચલાવી રહ્યા હોવાને કારણે ક્યારેક ટ્રાફિકમાં ગીયર બદલવામાં તકલીફ થઈ રહી હતી. સિન્હા યુપીએસસીની પરિક્ષા આપી રહ્યા હતા ત્યારે કોંચિંગ ક્લાસમાં મોટર સાયકલ ઉપર જતા હતા, આઈપીએસ થયા પછી તો મોટર સાયકલ સાવ ભુલાઈ જ ગઈ હતી. સરકારી ગાડી અને પોલીસની વચ્ચે ઘેરાયેલા રહેતા ડીસીપી પહેલી વખત સામાન્ય માણસની જેમ નિકળ્યા હતા. તેમને પહેલી વખત અહેસાસ થઈ રહ્યો હતો કે શહેરમાં કેટલો ટ્રાફિક વધી ગયો છે, કેવી રીતે લોકો વાહન ચલાવતા હશે. તેઓ જયારે સરકારી ગાડીમાં હોય ત્યારે ખાસ કરી રીક્ષાવાળા પોલીસની કાર જોતા રસ્તો આપી દેતા હતા, પણ આજે તો રીક્ષાવાળા મોટર સાયકલ ઉપર નિકળેલા ડીસીપીની આગળ પગ બહાર કાઢી સાઈડ આપતા હતા. તેમને પહેલા તો રીક્ષાવાળા ઉપર ગુસ્સો આવ્યો પણ બીજી જ ક્ષણે મનમાં હસવુ પણ આવ્યુ કે રીક્ષાવાળાને કેવી રીતે ખબર પડે કે ડીસીપી બાઈક લઈ નિકળ્યા છે. બાઈક પુલ ઉપરથી પસાર થતી હતી ત્યારે તેમણે બંન્ને તરફ નજર કરી સાબરમતી નદીના બંન્ને છેડે પાણી જોઈ સારૂ લાગતુ હતું. આજે તેમના કાનને પુલ ઉપર વહી રહેલો પવન અને બાઈકની ગતિને કારણે હવાનો સ્પર્શ પણ થતો હતો. ડીસીપી પાલડી ચાર રસ્તા પાર કરી સીધા ગુજરાત કોલેજ તરફ આગળ વધી રહ્યા હતા.

(ક્રમશ:)

દીવાલ ભાગ 26: પોલીસ અંધારામાં ફાંફા મારતી હતી, કોઈ માહિતી મળતી ન્હોતી કે બ્લાસ્ટ પાછળ કોણ છે