પ્રશાંત દયાળ (દિવાલઃ ભાગ-24): ટેલીવીઝન ચેનલોને એક મેઈલ મળ્યો, તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમદાવાદમાં બોમ્બ ધડાકા અમે કર્યા છે, 2002નો બદલો લીધો છે, હજી પણ બદલો લેતા રહીશું, તાકાત હોય તો શોધી લેજો. આ મેઈલને કારણે પોલીસ સામે મોટો પડકાર ઊભો થયો હતો. પોલીસના સાયબર એકસપર્ટ ટેલીવીઝન ચેનલોને મળેલો મેઈલ કયાંથી જનરેટ થયો છે, તેની તપાસમાં લાગી ગયા હતા. અમદાવાદમાં બોમ્બ ફોડનાર પોલીસને ખુલ્લી ધમકી આપી રહ્યા હતા, કારણ તેમને ભરોસો હતો કે પોલીસ તેમના સુધી પહોંચી શકશે નહીં. ગુજરાતમાં આ પ્રકારને બોમ્બ ધડાકાની પહેલી ઘટના હતી, જેની વિનાશકતા વધારે હતી. ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ અને ફોરેનસીક અધિકારીઓ જયાં પણ બોમ્બ ફુટયા હતા તે સ્થળે જઈ સેમ્પલ લઈ રહ્યા હતા. જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્લાસ્ટ થયો તેવો જ બીજો બ્લાસ્ટ મણિનગર એલ જી હોસ્પિટલના પાર્કિગમાં મુકવામાં આવેલી કારમાં પણ થયો હતો. આમ જેમણે પણ અમદાવાદમાં બોમ્બ ધડાકા કર્યા તેમનું પ્લાનીંગ ખુબ મજબુત હતું, પહેલા તેમણે અમદાવાદના ભરચક 19 વિસ્તારમાં બોમ્બ ફોડયા હતા, તેમને અમદાવાદની ભુગોળની પણ ખબર હતી કે ઘાયલો કઈ હોસ્પિટલમાં જશે અને જ્યારે ઘાયલો સરકારી હોસ્પિટલમાં પહોંચે ત્યારે ત્યાં પણ બે કારમાં બોમ્બ મુકવામાં આવ્યા હતા. ધીરે ધીરે મરણનો આંક વધી રહ્યો હતો, ઘાયલો એટલી ગંભીર રીતે ઘવાયા હતા કે ડૉકટરો હારી રહ્યા હતા અને મોત જીતી રહ્યુ હતું.

ફોરેનસીક અધિકારીઓએ ઘટના સ્થળેથી જે સેમ્પલ લીધા હતા, તેમના મત પ્રમાણે બોમ્બમાં એમોનીયમ નાઈટ્રેડનો ઉપયોગ થયો હતો. આ પહેલા ક્યારેય નાઈટ્રેડનો ઉપર આતંકવાદીઓએ કર્યો ન્હોતો. બોમ્બની સાથે ટાઈમર પણ ફીટ કરવામાંઆવ્યું હતું, જેના કારણે બોમ્બ મુકનારને કોઈ નુકશાન થાય નહીં. તમામ સ્થળે એક સરખા જ બોમ્બ હતા, એમોનીઈમ નાઈટ્રેડમાં સ્પાર્ક થાય તો તે ફાટે તે માટે પેનસીલ સેલ અને ટાઈમરનો ઉપયોગ થયો હતો, જ્યારે નાઈટ્રેડમાં બ્લાસ્ટ થાય ત્યારે તેની વિનાશકતા વધારવા માટે તેની સાથે સાયકલમાં બેરીંગ તરીકે ઉપયોગ લેવામાં આવતા છરા અને ખીલ્લીઓ પણ ઠાંસીને ભરવામાં આવી હતી, એટલે જ્યારે બ્લાસ્ટ થાય અને તેની સાથે છરા અને ખીલ્લીઓ ઉડે તે આસપાસના લોકોમાં એવી ઘુસી જાય કે તેમનો જીવ જતો રહે, બીજી એક ખાસ બાબત પોલીસના ધ્યાનમાં આવી કે શહેરમાં જયાં પણ બ્લાસ્ટ થયા, તે બધા સાયકલની કેરીયર અથવા હેન્ડમાં ભરાવેલી થેલીમાં બોમ્બ મુકવામાં આવ્યો હતો, એટલે પોલીસની એક ટીમ આ સાયકલો કયાંથી ખરીદવામાં આવે તેની તપાસમાં લાગી ગઈ હતી.

પોલીસ ઉપર દબાણ વધી ગયું હતું અને ઈન્ટેલીઝન્સ બ્યુરોની નિષ્ફળતા બહાર આવી હતી. કારણ કે, સ્ટેટ અને સેન્ટ્રલ ઈન્ટેલીઝન્સબ્યુરોને આવું કઈ થઈ શકે તેની ગંધ સુધ્ધા આવી ન્હોતી, પોલીસ માટે કેસ ઉકેલવાનું કામ ઘાસની ગંજીમાં સોય શોધવા જેટલુ મુશ્કેલ હતું. સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓએ મોડી રાતે એક પછી એક ગુના નોંધવાની શરૂઆત કરી હતી, બીજી બાજુ ક્રાઈમ બ્રાન્ચમાં મિટીંગોનો દૌર શરૂ થયો હતો. ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર વિવેક ગૌડ અને ડેપ્યુટી પોલીસ કમિશનર એચ કે સિન્હાએ પોતાના તમામ પોલીસ અધિકારીઓને બોલાવી કેસનું બ્રીફીંગ આપવાની શરૂઆત કરી હતી. હજી સુધી ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓનો આ પ્રકારના કેસનો સામનો કરવાનો વખત આવ્યો ન્હોતો જેના કારણે કેવી રીતે અને કઈ દિશામાં કામ કરવુ જોઈએ તેનું માર્ગદર્શન આપવા માટે આ મિટીંગ બોલાવવામાં આવી હતી.

ડીસીપી સિન્હા તમામ બ્લાસ્ટ સ્પોટના ફોરેનસીક અધિકારીઓની સાથે મુલાકાત લઈ આવ્યા હતા, જેના કારણે ક્યારે શું બન્યુ અને કેવા પ્રકારનો બ્લાસ્ટ હતો, તેની બધી જ જાણકારી તેમની પાસે હતી, રાતના 12 વાગ્યા હતા, જ્યારે મોટા ભાગનું અમદાવાદ શહેર પોતાની પથારીમાં સુઈ ગયુ હતું, ત્યારે ક્રાઈમ બ્રાન્ચમાં મિટીંગ શરૂ થઈ હતી. જેસીપી વિવેક ગૌડ વધુ ચિંતીત જણાતા હતા, કારણ કે મુખ્યમંત્રી ઓફિસમાંથી તેમને હમણાં સુધી ત્રણ વખત ફોન આવી ગયા હતા. મુખ્યમંત્રી જાણવા માગતા હતા કે બોમ્બ બ્લાસ્ટ કરનાર કોણ હતા, તેની કોઈ જાણકારી મળી છે કે નહીં, પણ ગૌડને ખબર હતી કે આ કઈ ચ્હા મસકાબન ખાવા જેટલુ સહેલુ કામ નથી, જો ક્રાઈમ બ્રાન્ચને પહેલાથી બ્લાસ્ટ કરનારના નામની ખબર હોત તો બ્લાસ્ટ કેવી રીતે થયા હોત? જો કે આ પ્રકારના દબાણ સહન કરવાની ગૌડને આદત હતી, પણ આ મામલો થોડો ગંભીર હતો. તેમના મનમાં હતું કે ખરેખર આ કેસનો ક્રાઈમ બ્રાન્ચ પહોંચી વળશે નહીં. મિટીંગમાં ડીસીપી સિન્હાએ પહેલા ગૌડ સર સામે જોયું અને પછી બ્રીફીંગ આપવાની શરૂ કરતા કહ્યું તમામ 19 સ્થળે બોમ્બ ફુટવાનો સમય એક સરખો એટલે 6.40 વાગ્યાનો છે, જ્યારે બાકીના બે સ્થળે અડધો કલાક પછી એટલે કે 7.10 વાગે બ્લાસ્ટ થયા છે. તમામ જગ્યાએ જે બોમ્બ ફુટયા તે લાંકડાના બોકસમાં મુકવામાં આવ્યા હતા, જેમાં ટાઈમર હોવાને કારણે બ્લાસ્ટ એક સમયમાં થઈ શકયો છે. 19 સ્થળે બોમ્બ ફોડવા માટે સાયકલનો ઉપયોગ થયો અને બે સ્થળે કારનો ઉપયોગ થયો છે. બોમ્બ માટે જે સ્ફોટકનો ઉપયોગ થયો છે તે એમોનીયમ નાઈટ્રેડ છે. અગાઉ આ પ્રકારના સ્ફોટકનો ઉપયોગ બે વર્ષ પહેલા મુંબઈની લોકલ ટ્રેનમાં કુકર બોંબમાં થયો હતો. જો કે તે બ્લાસ્ટ કોણ કર્યો હતો તે આજ સુધી મુંબઈ પોલીસ શોધી શકી નથી.

ડીસીપીએ સિન્હાએ જેસીપી ગૌડ સામે જોયું અને પછી પોતાના અધિકારીને સંબોધતા કહ્યું આપણા માટે અધરૂ ટાસ્ક છે કારણ મુંબઈ પોલીસ પણ જેને શોધી શકી નથી, તેને આપણે શોધવાના છે. ગૌડ સાંભળી રહ્યા હતા, તેમને ડીસીપીનો સુર નિરાશાજનક લાગ્યો, પણ તેઓ કઈ બોલ્યા નહીં. ડીસીપીએ ઈન્સપેકટરની હરોળ તરફ નજર કરતા કહ્યું જાડેજા તમે તમારી ટીમ, સાયકલ કયાંથી અને કોણે ખરીદી હતી તેની તપાસમાં લગાવો, પરમાર તમે તપાસ કરો કે લાકડાના બોકસ ક્યાં બન્યા છે, કદાચ તેના આધારે આપણને કોઈ મહત્વની જાણકારી મળે, ચૌધરી તમે એક ટીમ સાથે શહેરની તમામ હોટલો ચેક કરો કદાચ તેઓ હજી અમદાવાદમાં પણ હોય, આમ ડીસીપી સિન્હાએ એક પછી એક અધિકારીઓને સૂચના આપી જવાબદારી સોંપી રહ્યા હતા, પણ ગૌડનો ચહેરો કહી રહ્યો હતો કે આ બધી કસરત કોઈ પરિણામ આપશે નહીં, જ્યારે ડીસીપી સિન્હાનું ધ્યાન જેસીપીના ચહેરા તરફ ગયું ત્યારે તેઓ પણ સમજી ગયા, જેસીપી બીજુ કઈક વિચારી રહ્યા છે. તરત સિન્હાએ થોડા નીચા નમી બાજુમાં બેઠેલા જેસીપીને પુછયું સર આપકા કોઈ સુજાવ, ગૌડ ખુરશીમાં ટેકો લઈ બેઠા હતા તે હવે ટટ્ટાર થયા પોતાની હાથની કોણીઓ ટેબલ ઉપર ગોઠવતા કહ્યું જુઓ સાયકલ કયાંથી આવી હતી કે કદાચ જાણવું મુશ્કેલ છે, પણ કાર કયાંથી આવી તે શોધવું સહેલું છે, કારના એન્જીન અને ચેસીસ નંબરના આધારે પહેલા તેની તપાસ કરો, અને બ્લાસ્ટ સ્પોટની આસપાસના સેલ ટાવરોનો ડેટા ચેક કરો, કદાચ તેમાંથી કોઈ શંકાસ્પદ નંબર મળી જાય, પછી તેમણે પોતાની કાંડા ઘડીયાળ સામે જોતા કહ્યું તમે મિટીંગ ચાલુ રાખો મારે હોમ સેક્રેટરી સાથે મિટીંગ છે. ગૌડ ઊભા થતાં તમામ અધિકારીઓ સાવધાન પોઝીશનમાં ઉભા થઈ ગયા..

(ક્રમશઃ)

ભાગ 23- અમદાવાદ સિવિલ હોસ્પિટલ બહાર કારમાં પ્રચંડ ધડાકો થયો, મોતનો મંજર કંપાવનારો હતો