પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, દીવાલ-ભાગ-22) કાલુપુર ફ્રુટ માર્કેટમાં તે દિવસે વેપારીઓ પોતાનો વધેલો સામાન સસ્તામાં કાઢી રહ્યા હતા કારણ હવે સાંજ થઈ ગઈ હતી અને નવા ગ્રાહકો આવવાની સંભવાના ઓછી હતી. જેના કારણે જે ગ્રાહક આવે તેને વેપારીઓ છોડવા માગતા ન્હોતી. ભાવતાલ કરતા ગ્રાહકોને પોતાનો માલ પધરાવી દેવાની ઉતાવળમાં હતા. ફિરોજની પણ એક લારી આ માર્કેટમાં લાગતી હતી, તેના પિતા પણ આ માર્કેટમાં કેળાની લારી લગાવતા હતા અને ફિરોઝ પણ કેળાની લારી લગાવવા લાગ્યો હતો. ફિરોઝને તો ઘરે જવાની ઉતાવળ પાછળ બીજુ કારણ પણ હતું, ફિરોઝની દીકરી જુબેદાનો આજે જન્મ દિવસ હતો. જુબેદા પંદર વર્ષની હતી, ફિરોઝની પત્ની બપોરના લારી ઉપર ટિફિન આપવા આવી ત્યારે તેણે ફિરોઝને કહ્યુ હતું, તે પ્રેમ દરવાજા પાસેની બેકરી ઉપર જુબેદાની બર્થ ડે કેકનો ઓર્ડર આપી આવી છે. સાંજે થોડા વહેલા લારી બંધ કરી આવતા કેક લઈ ઘરે આવજો. ફિરોજનું એક માત્ર સંતાન એટલે જુબેદા હતી, તે દસમાં ધોરણમાં ભણતી હતી. ભણવામાં ખુબ હોશીયાર હતી, જુબેદાના  પાંચ વર્ષથી થઈ ત્યારે ફિરોજની માએ તેને કહ્યુ બેટા તારે એક દિકરો તો જોઈએ, ઘડપણમાં તારે દિકરાની જરૂર પડશે. ફિરોજે ત્યારે પોતાની માતાને સમજાવતા કહ્યુ અમ્મી તારે પાંચ દિકરા છે, ક્યા દિકરાએ પોતાના ઝંડા લગાડ્યા, જો તારે એક જ દિકરો હોત તો તુ સારી રીતે ભણાવી શકી હોત. આજે મારે લારી ચલાવવી પડે છે કારણ તમારી પાસે મને અને મારા ભાઈઓને ભણાવવાની વ્યવસ્થા ન્હોતી. એટલે જુબેદા જ મારો દિકરો છે, તેને હું ખુબ ભણાવીશ અને મોટી કરીશ, બાકી બધુ અલ્લાહ સંભાળી લેશે. ફિરોજ ઓછુ ભણેલો અને આવક ઓછી હોવા છતાં ફિરોજ પોતાના મહોલ્લાના પુરૂષો કરતા જુદો ઈન્સાન છે તેનું ફિરોજની પત્નીને ગૌરવ થતુ હતું.

ફિરોજ કાલુપુર ફ્રુટ માર્કેટથી દસ મિનિટના અંતરે કાલુપુર લીમડા ચોક પાસે જ રહેતો હતો, તેનો જન્મ અને ઉછેર દરિયાપુરમાં જ થયો હતો. જેના કારણે તેણે 1985 અને 1993માં થયેલા કોમી તોફાનો પણ જોયા હતા, 1993ના કોમી તોફાનો ભયંકર હતા.  ફિરોજ ત્યારે નાનો હતો પણ પિતા સાથે તેણે કેળાની લારી ઉપર ઉભા રહેવાની શરૂઆત કરી હતી પણ કર્ફ્યુ લાગી ગયો હતો. જેના કારણે માર્કેટ પણ બંધ થઈ ગયુ, જેમ તેમ કરી ફિરોઝના પિતા અને માતાએ ઘરમાં જે હતું તેનાથી બાળકોને થોડા દિવસ જમાડી દીધા પણ હવે તો ઘરમાં પૈસા પણ ખલાસ થઈ ગયા. પડોશીને પણ કેટલા દિવસ મદદ કરે કારણ તેમના પડોશીમાં સ્થિતિ પણ કંઈ વધુ સારી ન્હોતી, બરાબર બાર દિવસ પછી જ્યારે બે કલાક કરફ્યુ ખુલ્યો ત્યારે ફિરોજના પિતા ઝડપથી જઈ માર્કેટમાંથી ઉધારમાં કેળા ભરી લાવ્યા હતા. બીજા દિવસે પણ ત્રણ કલાક માટે કરફ્યુ મુક્તિ મળી ત્યારે ફિરોજના પિતાએ લારી લઈ આસપાસના વિસ્તારમાં થોડો ધંધો કરી આવુ તેમ કહી નિકળ્યા હતા. ફિરોજ પણ પિતાની સાથે જવા નિકળ્યો પણ પિતાએ તેને કહ્યુ શહેરનો માહોલ સારો નથી, ગમે ત્યારે દોડવુ પડે તો તુ હમણા મારી સાથે આવતો નહીં અને ઘરે જ રહેજે, પાછો રખડવા જતો રહેતો નહી. તે દિવસે ફિરોજના પિતા ગયા અને એકાદ કલાકમાં દરિયાપુરમાં દોડધામ મચી ગઈ. પોલીસના વાહનો તરત માઈક ઉપર જાહેરાત કરવા લાગ્યા કે કરફ્યુ મુક્તિ રદ કરી દેવામાં આવી છે, તમામ લોકો પોતાના ઘરમાં જતા રહો.

પોલીસ દ્વારા કરફ્યુ મુક્તિ આપવામાં આવી ત્યારે દિલ્હી ચકલા પાસે બે ટોળા વચ્ચે પહેલા બોલાચાલી થઈ અને પછી પથ્થરમારો શરૂ થઈ ગયો હતો જેના કારણે ભયગ્રસ્ત લોકો દોડાદડી કરી રહ્યા હતા. ફિરોજની માતાને જ્યારે ખબર પડી કે પાછો કરફ્યુ લાગી ગયો ત્યારે તેને પોતાના પતિની ચિંતા થવા લાગી હતી, કારણ હજી તે ઘરે આવ્યા ન્હોતા. ફિરોઝ પોતાના પિતાની તપાસ કરવા નિકળતો હતો પણ તેની માતાએ તેને ના પાડી હતી. એક તરફ કરફ્યુ લાગી ગયો હતો અને ફિરોજ પણ નાનો હતો. ક્યાં અને કેવી રીતે પોતાના પિતાને શોધે તે પણ એક પ્રશ્ન હતો. કરફ્યુને કારણે માર્કેટમાં કરફ્યુ ખુલે ત્યારે પણ ડરના કારણે ગ્રાહકો આવતા ન્હોતા એટલે તેના પિતા દરિયાપુર-શાહપુર તરફ જઈશ તેવુ કહીને નિકળ્યા હતા અને તોફાન પણ તે વિસ્તારમાં જ થયા હતા. જેના કારણે ફિરોજની માતાને વધુ ડર લાગી રહ્યો હતો. ફિરોજની માતા ચપ્પલ પહેરી ઘરની બહાર નિકળી ત્યારે પણ ફિરોજ તેની પાછળ આવ્યો પણ તેની માતાએ તેને કહ્યુ તુ હમણાં ઘરમાં જ રહે. તેમ કહી તે લીમડા ચોકની બહાર નિકળી દરિયાપુર પોલીસ સ્ટેશન તરફ ચાલવા લાગી હતી. બહાર ઉભા રહેલા પોલીસવાળાને તેને રોકી અને ધમકાવતા કહ્યુ ખબર પડે છે કે કરફ્યુ લાગી ગયો છે, ચાલ પાછી જા. ફિરોજની માતાની આંખમાં આંસુ આવી ગયા, તેણે પોલીસવાળાને બે હાથ જોડતા કહ્યુ સાહેબ મારો ઘરવાળો હજી પાછો આવ્યો નથી, તેને શોધવા જવુ છે. પણ સાંભળે તો પોલીસ કેવી, પોલીસવાળાએ ડંડો ઉગામ્યો અને કહ્યુ સંભાળતુ નથી, ઘરે જા. ફિરોજની માતાએ પોતાના ઘુંટણ ઉપર બેસી પોલીસને બે હાથ જોડ્યા અને કહ્યુ સાહેબ મારે બીજે ક્યાંય જવુ નથી, તેમ કહી ત્યાંથી દેખાતા દરિયાપુર પોલીસ સ્ટેશન તરફ ઈશારો કરતા કહ્યુ પોલીસ સ્ટેશન જવુ છે, અમને કેટલાંક સાહેબ ઓળખે છે. બસ તેમને એક વખત કહી આવુ કદાચ તે તેમને શોધી કાઢશે. એક વૃદ્ધ પોલીસવાળાને તેની દયા આવી તેણે ફિરોજની માતાને કહ્યુ જલદી જતો રહો, પાછા અમારા સાહેબ આવશે તો અમારી ધુળ કાઢી નાખશે. ફિરોજની માતા ઉતાવળે પોલીસ સ્ટેશન ગઈ અને  પરિચીત પોલીસવાળાને વિનંતી કરી આવી હતી કે ફિરોઝના પિતા મળે તો તેમને જલદી ઘરે મુકી જજો. જો કે ત્રણ કલાક પછી એક પોલીસવાળો ફિરોજના પિતાના સમાચાર લઈ આવ્યો પણ તેણે કહ્યુ ફિરોજના પિતાને કોઈએ છુરો માર્યો છે અને તે વીએસ હોસ્પિટલમાં છે. ખરેખર તે પોલીસવાળાને ખબર હતી કે ફિરોજના પિતા મૃત્યુ પામ્યા છે, પણ તે ફિરોજના ઘરની સ્થિતિ જોઈ ત્યારે સાચુ બોલી શક્યો ન્હોતો.

આમ કોમી તોફાનમાં ફિરોજે પોતાના પિતા ગુમાવ્યા હતા પણ બહુ જલદી તે તેનું દુખ ભુલી પિતાના ધંધા ઉપર લાગી ગયો હતો. ફિરોજની કેળાની લારીની બાજુમાં કોઈએ સાયકલ મુકી હતી. જો કે માર્કેટમાં સાયકલ લઈ ખુબ લોકો આવતા હતા જેના કારણે ત્યારે કંઈ અજુગતુ લાગ્યુ નહીં. સાયકલની કેરીયરમાં એક થેલી પણ હતી, તે થેલી તરફ પણ કોઈનું ધ્યાન ગયુ નહીં. ફિરોજ લારી ઉપર રહેલા છેલ્લાં ત્રણ ડઝન કેળા એક ગ્રાહકને આપી કેક લેવા માટેની ઉતાવળમાં હતો ત્યારે સાયકલ ઉપર રહેલી થેલીમાં પ્રચંડ ધડાકો થયો અને ફિરોજ અને તેની સામે ઉભા રહેલો ગ્રાહક ત્યાં જ પડી ગયા. ફિરોજની લારીના ફુરચા ઉડી ગયા હતા, માર્કેટમાં ચારે તરફ ધુમાડો હતો. પહેલા તો બધાને પોતાનો જીવ બચાવવાની ઉતાવળ હતી, ફિરોજને કેક લેવા જવાનું હતું, જુબેદા અને તેની મમ્મી તેમની રાહ જોઈ રહ્યા હતા, પણ હવે ફિરોજ ક્યારેય ઘરે પાછો આવવાનો ન્હોતો. તે પણ પોતાને પિતાને મળવા નિકળી ગયો હતો. (ક્રમશ:)

દીવાલ ભાગ 21: ફ્લેશબેક: તેણે બુમ પાડી રાધિકાને કહ્યું જલદી ચાલો, રાજુ ત્યાં પડ્યો, બોમ્બ ફાટ્યો છે