પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, દીવાલ-ભાગ-20): તે દિવસે કોર્ટની મુદત હતી. જ્યા સુધી કોઈ પણ કેદીને સજા થાય નહીં ત્યાં સુધી તે કેદીને દર 14 દિવસે કોર્ટમાં રજુ કરવા પડે પણ ક્રાઈમ બ્રાન્ચે કોર્ટને અરજી આપી કહ્યુ હતું આ આરોપીઓ ઉપર ભયંકર આરોપ છે. તેમના સાથીઓ પૈકી હજી ઘણા પકડવાના બાકી છે. જેલમાંથી કોર્ટમાં લાવતી વખતે પોલીસ પાર્ટી ઉપર હુમલો કરી આ આરોપીએને ભગાડી જવાનો પ્રયત્ન થશે તેવી અમારી પાસે જાણકારી છે. તેના કારણે આ આરોપીઓને કોર્ટમાં રજુ કરવાને બદલે કોર્ટ જેલમાં ગોઠવવામાં આવે તેવી અમારી વિનંતી છે. ક્રાઈમ બ્રાન્ચની દલીલો સામે મહંમદ અને તેના સાથીઓના વકીલે ખુબ દલીલ કરી, તેમનો પોલીસ ઉપર આરોપ હતો કે પહેલા તો જે ગુનામાં પોલીસે તેમને પકડ્યા છે તેની સાથે તેમના અસીલોને કોઈ નિસ્બત નથી. પોલીસે તેમની ઉપર ખોટો કેસ કર્યો છે અને પછી આખી ઘટનાને મોટી બનાવવા માટે ક્રાઈમ બ્રાન્ચ તેમના અસીલો ભાગી જશે તેવી મનઘડંત સ્ટોરીઓ બનાવી કોર્ટને ગેરમાર્ગે દોરી રહી છે. જો કે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે ઓર્ડર કર્યો હતો કે કોર્ટના આદેશ વગર મહંમદ સહિત તેના કુલ આઠ સાથીઓને જેલની બહાર કાઢવા નહીં. જ્યારે પણ અનિવાર્યતા ઉભી થાય ત્યારે કોર્ટની પુર્વ મંજુરી લેવી. બીજા હુકમ સુધી હવે દરેક મુદતે કોર્ટ સાબરમતી જેલમાં જ મળશે અને જેલ સત્તાવાળાઓ જેલમાં કોર્ટ ઉભી કરવા માટે જરૂરી વ્યવસ્થા કરવી. આ વાતને પુરા સાડા સાત વર્ષ થઈ ગયા હતા. જજ દરેક મુદતે જેલમાં પોતાના કોર્ટ સ્ટાફ સાથે આવતા હતા. સાડા સાત વર્ષથી મહંમદ અને તેના સાથીઓ જેલની બહાર ગયા જ ન્હોતા. ગુજરાત સરકારે પણ ગુનાની ગંભીરતા જોતા આરોપીઓ સામે સીઆરપીસી 268ની કલમ લાગુ કરી હતી. આ કલમનો અર્થ થતો હતો કે આ કેદીને કોઈ પણ એજન્સી રાજ્ય સરકારની મંજુરી વગર જેલની બહાર કાઢી શકશે નહીં.

પહેલા તો મહંમદ અને તેના સાથીઓ કોર્ટના આ હુકમ સામે ખુબ નારાજ થયા હતા. કારણ હવે તો જેલની બહાર તેમના નિકળવા ઉપર પ્રતિબંધ મુકાઈ ગયો હતો. પહેલા તો મહંમદને લાગ્યુ કે હાઈકોર્ટમાં આ નિર્ણયને પડકારવો જોઈએ પણ પોતે પણ વ્યવસાયે વકીલ હતો અને ક્રિમિનલ કેસોની પ્રેક્ટિસ કરતો હોવાને કારણે તેને અંદાજ આવી ગયો હતો કે આવા સંજોગોમાં હાઈકોર્ટ પણ ખાસ રાહત આપશે નહીં. ધીરે ધીરે બધા નવી વ્યવસ્થામાં ગોઠવાઈ ગયા હતા. મહંમદ અને તેના સાથીઓ માટે કોર્ટ જેલમાં જ લાગતી હતી. તેના કારણે જેલમાં એક ખાસ અલગ કોર્ટ રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો. જજ મુદત હોય ત્યારે જેલમાં જ આવતા હતા. મહંમદ વકીલ હોવાને કારણે તેને કોર્ટના નિયમો અને મરતબાની ખબર હતી. જજ આવવાના અડધો કલાક પહેલા મહંમદ અને તેના સાથીઓને જેલ પોલીસ કોર્ટમાં લાવી દેતી હતી. કોર્ટ ક્રાર્યવાહી ઉપર નજર રાખવા માટે ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી ટેરરીસ્ટ સ્કવોર્ડના અધિકારીઓ સહિત આઈબી ઓફિસર્સ પણ કોર્ટમાં હાજર રહેતા હતા, તે દિવસે જજ પોતાની ચેમ્બરમાંથી આવી રહ્યા છે તેવો પોકાર થયો હતો. આ પ્રકારનો એક શિરસ્તો છે કે પોકાર થાય એટલે કોર્ટમાં હાજર આરોપી સહિત તમામ પોલીસ અને કોર્ટ સ્ટાફ પોતાની જગ્યા ઉપર ઉભા થઈ જાય અને જજ આવી પોતાની ખુરશી ઉપર બેસે પછી બધા પોતાનું સ્થાન ગ્રહણ કરે છે. મહંમદે પહેલા પોતાના સાથીઓને કોર્ટને કઈ રીતે માન આપવુ જોઈએ તે શીખવાડ્યુ હતું.

જજ સુશીલા મહેતા પોતાની ચેમ્બરમાંથી આવે તે પહેલા પોકાર થતાં જેલમાં હાજર હતા તે બધા પોતાની જગ્યા ઉપર ઉભા થયા. પરંતુ જ્યારે પોલીસનું ધ્યાન મહંમદ અને તેના સાથીઓ તરફ ગયુ ત્યારે તેમને આશ્ચર્ય થયુ કારણ મહંમદ અને તેના સાથીઓ સહિત આઠેય આરોપીઓ પોતાની ખુરશી ઉપર બેસી જ રહ્યા હતા. કોર્ટના બેંચ ક્લાર્કે હાથનો ઈશારો કરી મહંમદને ઉભા થાય તેમ કહ્યુ, મહંમદે કલાર્ક સામે જોયુ અને પછી પોતાના સાથીઓ પૈકી કોઈ ઉભુ થયુ નથીને તેની ખાતરી કરવા તેણે પોતાના સાથીઓ તરફ એક નજર ફેરવી. કલાર્કની વાત મહંમદને સમજાઈ નથી, પહેલા તો પોલીસને તેવુ લાગ્યુ એટલે એક પોલીસ અધિકારી જજ આવે તે પહેલા ઝડપથી મહંમદ પાસે આવ્યા અને પોતાનું મોંઢુ નીચુ કરી મહંમદને ખભેથી પકડતા કહ્યુ ઉઠ જાઓ સાહબ આ રહે હે. મહંમદે પોલીસ અધિકારીએ પકડી રાખેલા ખભા ઉપરનો હાથ હટાવતા કહ્યુ વો આપકે સાબ હોંગે હમારે નહીં, હમે ઉઠના ચાહિયે કૌનસે કાનુન મેં લીખા છે. પોલીસ અધિકારી કંઈ દલીલ કરવા જાય તે પહેલા જજ સુશીલા મહેતા ચેમ્બરમાંથી નિકળી ડાયસ ઉપર આવ્યા, તેમને પણ આરોપીઓ કેમ બેસી રહ્યા છે તેવો પ્રશ્ન થયો. તેમના ચહેરા ઉપર તેમનો પ્રશ્ન સ્પષ્ટ રીતે વાંચી શકાતો હતો. જજે ક્લાર્કને કોર્ટની કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો. ક્લાર્કે નિયમ પ્રમાણે તમામ આરોપીઓ કોર્ટમાં હાજર છે તેની ખાતરી કરવા માટે આરોપીઓના નામ બોલવાની શરૂઆત કરી મહંમદ, યુનુસ,પરવેઝ, યુસુફ, ચાંદ, દાનીશ, અબુ અને રીયાઝ, પહેલા તો આરોપીના નામ બોલાય એટલે એક પછી એક બધા ઉભા થતા અને જજ બેસવાનો આદેશ આપે પછી બધા બેસી જતા હતા પણ આજે એક પણ ઉભા થયા નહીં. જેમ જેમ નામ બોલાતા ગયા, તેમ તેમ તેઓ હાજર હોવાની ખાતરી આપવા પોતાનો હાથ ઉંચો કરી રહ્યા હતા. જજ મહેતા પોતાની ચશ્માની દાંડી નીચી કરી તમામને જોઈ રહ્યા હતા. નામ બોલાવાઈ ગયા પછી કાર્યવાહી શરૂ કરતા પહેલા કોર્ટે આરોપીઓ સામે જોતા પુછ્યુ તમારે કોઈને કંઈ કહેવુ છે, કોઈ ફરિયાદ છે?

હમણાં સુઘીની પરંપરા હતી કે કોર્ટ કંઈ પણ પુછે એટલે મહંમદ ઉભો થતો અને કોઈ ફરિયાદ નથી તેમ કહી બેસી જતો હતો. પરંતુ આજે કોર્ટે પુછ્યુ કે કોઈ ફરિયાદ છે એટલે મહંમદે યુનુસ તરફ જોયુ અને યુનુસે પોતાનો હાથ ઉંચો કર્યો અને પોતાની જગ્યા ઉપરથી ઉભા થતાં કહ્યુ સાહેબ જેલ પોલીસ અમને ખુબ ત્રાસ આપે છે, ઝડતીના નામે ગમે ત્યારે બેરેકમાં આવી જાય છે, અમારો સામાન ફેંકી દે છે અને અમને ફટકારે પણ છે. યુનુસની ફરિયાદ સાંભળી બધા સ્તબ્ધ થઈ ગયા. કોર્ટમાં હાજર જેલ પોલીસના અધિકારીઓ એકબીજા સામે જોવા લાગ્યા આવુ ક્યારે અને કોણે કર્યુ તેવુ તેમને ચહેરો એકબીજાને પુછી રહ્યો હતો. જજે યુનુસની ફરિયાદ સાંભળી જેલ અધિકારીએ સામે જોતા પુછ્યુ તમારે કંઈ કહેવુ છે, તરત જેલર કૌશીક પંડ્યા આગળ આવ્યા અને તેમણે સાવધાન ઉભા રહેતા કહ્યુ સર આવુ કંઈ ક્યારેય બન્યુ જ નથી. જો કે જજ મહેતાનો ચહેરો કહેતો કે તેમને પંડ્યાના બચાવ ઉપર ભરોસો નથી. પંડ્યાએ વધુ સ્પષ્ટતા કરતા કહ્યુ સર જેલમાં એક કેદીનું હમણાં જ મર્ડર થયુ હતું તેના કારણે ચેકિંગ કરીએ છીએ પણ કોઈ કેદીનો સામાન ફેંકી દીધો હોય અને કોઈને માર્યા હોય તેવુ બન્યુ નથી. પછી જેલરે મહંમદ સામે જોયુ અને જાણે કંઈક યાદ આવ્યુ હોય તેમ મહંમદ સામે ઈશારો કરતા કહ્યુ સર આ મહંમદ અમને ચેકિંગ કરવા જ દેતો નથી. દર વખતે તે સિપાઈ સાથે માથાકુટ કરે છે. જજએ ક્લાર્કને નોંધ લખાવાનો ઈશારો કર્યો અને નોંધાવ્યુ કે જેલ અધિકારીઓને તાકીદ કરવામાં આવે છે કે ચેકિંગ વખતે કેદીઓ સાથે દુરવ્યવહાર કરવો નહીં અને માર મારવો નહીં.. મહંમદે આ સાંભળ્યુ ત્યારે તેના ચહેરા ઉપર એક સ્મિત હતું, તેણે ત્રાંસી આંખે જેલર પંડ્યા સામે જોયું.

(ક્રમશ:)

દીવાલ ભાગ 19: બેરેકમાં પતંગ કપાઈને આવી જમીન ઉપર પડી, મહંમદે પતંગનો દોરો તોડી ખીસ્સામાં મુક્યો