પ્રશાંત દયાળ (દિવાલ: ભાગ-2): મહંમદની નજર હજી ઉડતા પતંગ અને આકાશમાં ઊંચે ઉડી રહેલી સમડીઓ ઉપર હતી, તે ખાસ્સા સમય સુધી આકાશમાં જોતો રહ્યો હતો. યુસુફનું ધ્યાન મહંમદ તરફ હતું. તે ઉભો થઈ મહંમદ ઉભો હતો ત્યાં દરવાજા પાસે આવ્યો અને મહંમદની નજર જ્યાં હતી તે તરફ જોતા પુછ્યુ મેજર ક્યા દેખ રહે હો.. મહંદમની ઉંચાઈ છ ફુટ બે ઈંચ હતી. બટકેની હાઈટ માંડ સાડા ચાર ફુટ હતી. મહંમદે બટેકાના માથાના વાળમાં હાથ ફેરવતા કહ્યુ કુછ નહીં બટકે મઝહરની યાદ આવી ગઈ, એટલું કહેતા તેણે ઉડતા પતંગ તરફ ઈશારો કરતા કહ્યુ મઝહરને પતંગનો બહુ શોખ છે, કદાચ તે પણ ઘરના છાપરા ઉપર ચઢી પતંગ ચઢાવતો હશે. પહેલા તો હું તેને પતંગ અપાવવા માટે લઈ જતો હતો પણ ખબર નહીં હવે તેને કોણ પતંગ અપાવતુ હશે. હવે તો તે મોટો પણ થઈ ગયો છે. કદાચ જાતે જ પતંગ લઈ આવતો હશે. બટકે ઉડતા પતંગ સામે જોઈ રહ્યો હતો. મહંમદે તરત બટકેના ખભા ઉપર હાથ મુક્યો અને બીજા હાથના ઈશારે પતંગની ઉપર ઉડી રહેલી સમડી તરફ ઈશારો કરતા કહ્યું બટકે જો પેલી સમડી તેને કોઈ દિવાલોના બંધન નડતા નથી, તે કેટલી ઉંચાઈ ઉપર ઉડે છે.

બટકે મહંમદના કહેવાનો ઈશારો સમજ્યો નહીં. તેણે પોતાની નજર મહંમદ તરફ ફેરવી સામે જોયુ અને કહ્યું સમજ્યો નહીં શુ કહેવા માગો છો તમે.. મહંમદ બટકેની નિર્દોષ આંખોમાં જોઈ રહ્યો, ઘણી વખત મહંમદને યુસુફ બટકેના વિચાર આવતા ત્યારે તે વિચલીત થઈ જતા હતા, તેને લાગતુ હતું કે બટકે ખોટો જેલમાં આવી ગયો, ખરેખર તેની જગ્યા અહીંયા ન્હોતી. મહંમદને એક બટકે માટે દુખ થતુ અને બીજુ પરવેઝ લંગડાની ચિંતા હતી. પરવેઝનું નામ યાદ આવતા મહંમદે બેરેકમાં પાછી નજર ફેરવી જોયુ તો પરવેઝ નમાઝની તૈયારી કરી રહ્યો હતો. નાનપણમાં લકવાની અસર થઈ હોવાને કારણે તે જમણા પગે લગડાતો હતો, તેના કારણે બધા લંગડાના નામે બોલાવતા હતા. હજી બટકેના સવાલનો જવાબ મળ્યો ન્હોતો, તેણે મહંમદનો હાથ પકડી પુછ્યુ સમડીને તમે શુ વાત કરતા હતા. મહંમદ જાણે નાના બાળકને પુછતો હોય તે રીતે તેણે બટકેના બન્ને ખબા ઉપર હાથ મુક્યા અને સહેજ નીચે નમી ધીમા અવાજે પુછ્યુ બટકે જેલની બહાર નિકળવાની અને સમડીની જેમ ઉંચા આકાશમાં ઉડવાની ઈચ્છા થતી નથી?


 

 

 

 

 

વાત સાંભળતા જ બટકે મહંમદના ખભા ઉપર રહેલા બંન્ને હાથ હટાવી લેતા પહેલા એક નિસાસો નાખ્યો અને કહ્યુ મેજર જે ક્યારેય સાચુ થવાનું નથી તેનો વિચાર કરી તમે મને દુખી કેમ કરો છો. પહેલા મને લાગતુ હતું કે આજે જામીન થશે, આવતીકાલે જામીન થશે પણ સુપ્રીમ કોર્ટ સુધી બધે જ જામીન અરજી રદ થઈ ગઈ છે. હવે તો મારો જનાજો પણ અહિંયાથી નિકળશે તેવુ લાગે છે. બટકેની આંખમાં સહેજ ભીનાશ આવી ગઈ. મહંમદે તેની આંખના ભીના ખુણા સાફ કરતા કહ્યુ અલ્લાહ કંઈક કરશે, બટકેને તો જાણે અલ્લાહ ઉપરભી ભરોસો ઉઠી ગયો હોય તેમ તેણે કહ્યુ ગયા જન્મના કોઈ પાપ હશે. બાકી આ જન્મમાં તો મેં કંઈ ખોટુ કર્યુ નથી. મહંમદે તેના માથા ઉપર ટપલી મારતા કહ્યુ અરે તુ હિન્દુડા જેવી ગયા જન્મની વાત કરીશ નહીં, ઈસ્લામમાં ગયા જન્મ વિશે કંઈ લખ્યુ નથી. મદંમદના કુલ આઠ સાથીઓ આ જેલમાં હતા. જેમાં યુસુફ બટકે અને પરવેઝ લંગડો બંન્ને જ ગુજરાતી અને અમદાવાદના હતા, બાકીના મહંમદ સહિતના છ ગુજરાત બહારના હતા. જેમાં મહંમદ અને યુનુસ મધ્યપ્રદેશના વતની હતા, ચાંદ અને દાનીશ હૈદરાબાદના હતા અને અબુ અને રીયાઝ કેરળના હતા, જેમાં અબુ અને રીયાઝને બાદ કરતા બાકીના તમામ ગુજરાતી શીખી ગયા હતા. આમ તો તેમને આઠ વર્ષ આ જેલમાં થઈ ગયા હતા. તેમની બેરેકની આસપાસ બધો જ માહોલ ગુજરાતીમાં હતો, જેના કારણે તેઓ ગુજરાતી બોલવા પણ લાગ્યા હતા. અબુ અને રીયાઝ ભાંગી તુટી અને હિન્દી ગુજરાતીમાં પોતાનું કામ ચલાવી લેતા હતા. મહંમદ અને બટકે કંઈ પણ બોલ્યા વગર દરવાજામાં ઉભા રહ્યા હતા. 

યુસુફ આઠ વર્ષ પહેલાના દિવસોને યાદ કરી રહ્યો હતો. અમદાવાદના વાડીગામની પોળનો તે રહેવાસી હતો, તે નાનો હતો ત્યારે સામે પોપડીયાવાડમાં રહેતો હતો, તેના પપ્પાને સાયકલ રીપેરીંગની દુકાન હતી પણ પોપટીવાડનો માહોલ એવો હતો કે યુસુફના અબ્બાને એવુ લાગતુ હતું કે યુસુફ અહિયા રહેશે તો ભણશે નહીં અને ટપોરીગીરી કરશે, એટલે જ્યારે તેમણે વાડીગામમાં હિન્દુઓના મકાન વેચાવાની શરૂઆત થઈ ત્યારે એક મકાન ખરીદી લીધુ હતું. યુસુફ અમદાવાદમાં થતાં કોમી તોફાનનો સાક્ષી હતો, દિવસો સુધી કરફ્યુ લાગી જતો હતો જેના કારણે તેની સ્કૂલમાં રજા પડતી હતી. તોફાનોને કારણે અમદાવાદના કોટ વિસ્તારની અનેક હિન્દુ પોળો ખાલી થવા લાગી હતી. હિન્દુઓ પાસે પૈસા અને આખા અમદાવાદમાં રહેવા માટે અનેક વિસ્તારો હતા. હિન્દુ પોળો ખાલી થતી તે આસપાસના મુસ્લિમો જ તેમા મકાન ખરીદી લેતા હતા. યુસુફના અબ્બાની ઈચ્છા હતી કે તેમનો દિકરો ભણે અને સરકારી નોકરી કરે પણ યુસુફનું મન કંઈ શિક્ષણમાં લાગતુ ન્હોતુ, તેના કારણે થાકીને તેના અબ્બાએ તેને પોતાની જ સાયકલની દુકાનમાં કામ શરૂ કરી દેવાની સુચના આપી હતી. વીસમાં વર્ષે તેના નિકાહ પણ થઈ ગયા અને એકવીસમાં વર્ષે તે મુમતાઝનો પિતા પણ થઈ ગયો હતો, હજી મુમતાઝ એક વર્ષની હતી,એક દિવસ ક્રાઈમ બ્રાન્ચની જીપ તેની સાયકલની દુકાન ઉપર આવી ઉભી રહી. પોલિસવાળા નીચે ઉતરતા યુસુફના અબ્બા સામે જોતા પુછ્યુ યુસુફ કોન હે .. પિતા-પુત્ર સાયકલની દુકાને જ હતા, તેમની સાયકલની દુકાન દિલ્હી ચકલાથી પ્રેમ દરવાજા જવાના રસ્તા ઉપર પોલિસની તંબુ ચોકી પાસે જ હતી. પોલીસ કેમ આવી હશે અને યુસુફ અંગે કેમ પુછતી હતી તેવા અનેક પ્રશ્નનો યુસુફના પિતાને ઘેરી વળ્યા હતા. યુસુફે પિતા સામે જોયુ અને પછી પોલિસવાળા સામે જોતા પુછ્યુ શુ થયુ સાહેબ હું યુસુફ છુ, બોલો. પોલિસવાળા સામે ખુદ યુસુફ જ ઉભો છે તેવુ પોલિસવાળા સાચુ માની શકતા ન્હોતા, યુસુફ સામે જ ઉભો છે અને તે પોતે જ પોતાની ઓળખાણ આપી રહ્યો છે તેવી ખબર પડતા બધા પોલીસવાળા એકમદ એલર્ટ થઈ ગયા.


 

 

 

 

 

એક પોલિસવાળો આગળ વધ્યો અને તેણે યુસુફને બોચીમાંથી પકડી લીધો અને બીજા પોલિસવાળા કમરમાંથી પેન્ટથી પકડી લીધો. બંને પોલિસવાળાએ તેને એકદમ ધક્કો મારી પોલીસ જીપ તરફ ખેંચી જવા લાગ્યા. યુસુફ ડરી ગયો તેણે આંખોમાં ડર સાથે પિતા સામે જોયુ અને પછી પોલિસવાળાને પુછ્યુ સાહેબ કંઈક વાત તો કરો શુ થયુ? પોલિસવાળા ઉતાવળમાં જવાબ આપ્યો બધી વાતો ક્રાઈમ બ્રાન્ચમાં કરીશુ. યુસુફના પિતા આગળ વધ્યા તેમણે યુસુફને ખેંચી રહેલા પોલિસવાળાને રોકતા કહ્યુ સાહેબ સાહેબ શું થયુ કહો તો ખરા કેમ યુસુફને લઈ જાવ છો કયાં ગુનામાં પકડો છે?, તરત ત્રીજો પોલિસવાળો આગળ વધ્યો અને તેણે યુસુફના પિતાના હાથ પકડી તેમને દુર કરતા કહ્યુ ચાચા સાહેબે યુસુફને લઈ આવવાનો કહ્યો, અમને કંઈ ખબર નથી. અત્યારે કોઈ માથાકુટ કરશો નહીં, તમે ક્રાઈમ બ્રાન્ચ આવી જજો. લોકોનું એક નાનુ ટોળુ કુતૂહલવશ બધી ઘટના જોઈ રહ્યુ હતું. તેમને કંઈ સમજાય તે પહેલા પોલિસ યુસુફને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાંથી રવાના થઈ અને તેના પિતા થોડાક અંતર સુધી જીપ પાછળ પણ દોડ્યા હતા. તેમની આંખમાં આંસુ આવ્યા, તેણે જીપ ઝડપ પકડે તે પહેલા પિતાની આંખમાં આંસુ  જોયા હતા. (ક્રમશ:)

‘દીવાલ’ ભાગ-1 મહંમદે યુસુફ સામે જોતા કહ્યુ બસ દરવાજા ખુલને કા ઇંતજાર કરતા થા