પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, દીવાલ-ભાગ-19) બીજા દિવસે જેલની સવારમાં એક ભારેપણુ હતું. જેલમાં હત્યા થઈ હોવાને કારણે પોલીસની કડકાઈ વધારી દેવામાં આવી હતી. સવારનું જમવાનું પુરૂ થયા પછી જેલ સિપાઈ મહંમદની બેરેક ઉપર આવી ગયા. હવે આ ટોળી પોતાની સ્કૂલમાં ભણવા માટે જવાની હતી. ભણવામાં કોઈને સૌથી વધુ રસ હતો તો એ મહંમદને હતો, તે ધ્યાન આપી ભણતો હતો, તે લેક્ચર લેવા આવતા મહિલા પ્રોફેસરને પ્રશ્ન પુછી ઘણી વખત મુંઝવી પણ નાખતો હતો. એક વખત પ્રોફેસરે મહંમદને હસતા હસતા પુછ્યુ કે મહંમદ તમે અહિયા ભણવા આવો છે કે મારી પરિક્ષા લેવા આવો છે. મહંમદ ત્યારે ઝંખવાણો પડી ગયો હતો, તેણે માફીના સ્વરમાં કહ્યુ ના ના તેવુ નથી, મારી જીજ્ઞાસાને કારણે હું પ્રશ્ન પુછી રહ્યો છુ. યુનુસ કૌશલ્ય કેન્દ્રમાંથી આવતા અને પાછા જતી વખતે મહંમદ તરફ જોયા કરતો હતો, તેને લાગી રહ્યુ હતું કે મહંમદ આખી જેલની રચના પોતાની મગજમાં ઉતારી રહ્યો હતો. એક દિવસ તે પોતાના ખીસ્સામા રોટલી લઈ આવ્યો હતો, જેના કારણે જેલ સીપાઈને તેની પેન્ટના ઉપસી આવેલા ખીસ્સામાં કંઈક છે તેવી શંકા ગઈ અને તેણે જ્યારે ખીસ્સા તપાસ્યા અને રોટલી નિકળી ત્યારે તેને આર્શ્ચય સાથે પુછ્યુ શુ કરો છો તમે રોટલીનું.. પ્રશ્ન સાંભળી મહંમદ હસી પડ્યો હતો. તેણે સીપાઈને જવાબ આપતા સામો સવાલ કર્યો રોટલીનું બીજુ શુ થાય, કેમ તમે રોટલીનું શુ કરો છો.. તેને લાગ્યુ કે સીપાઈ નારાજ થઈ જશે, માટે વાતનો ફોડ પાડતા ઉંચા વૃક્ષ ઉપર બેઠેલા વાંદરા તરફ ઈશારો કરતા કહ્યુ સાહેબ આ વાંદરાઓ ભુખ્યા હોય છે. પછી પોતાના બે કેરાલીયન સાથીઓ તરફ ઈશારો કરતા કહ્યુ આ અમારા મદ્રાસીઓ રોટલી ખાતા નથી એટલે હું રોટલીઓ વાંદરાઓને ખવડાવી દઉ છુ. મહંમદે મદ્રાસી કહેતા અબુના ચહેરા ઉપર નારાજગી આવી હતી એટલે તરત યુસુફ અબુના ખભા  ઉપ હાથ મુકતા કહ્યુ અરે મહંમદભાઈ આ મલ્લુ છે, મદ્રાસી નહીં.

તે દિવસ જેલની બહારથી પતંગ કપાઈ બેરેકમાં આવી પડી હતી. મહંમદ કપાઈને બેરેકમાં આવી રહેલી પતંગને જોઈ રહ્યો હતો જેવી પતંગ બેરેકની જમીન ઉપર પડી તેની સાથે મહંમદ ઉભો થયો અને પતંગ પાસે જઈ તેણે કિન્યામાંથી દોરી કાપી પતંગ સાથે આવેલી દોરીનો લચ્છો બનાવી પોતાના ખીસ્સામાં મુકી દીધો હતો. રાત્રે સુતી વખતે યુનુસે પુછ્યુ મેજર આજે બેરેકમાં પતંગ કપાઈને આવી તમે જોઈ હતી. મહંમદે ત્રાસી નજરે યુનુસ સામે જોયુ અને તરત પોતાના માથા પાસે રહેલા બગલ થેલામાં હાથ નાખી દોરીનો લચ્છો બહાર કાઢતા પુછ્યુ તારે આ દોરી વિશે પુછવુ છેને..? યુનુસે હકારમાં માથુ હલાવ્યુ. મહંમદે આજુબાજુ જોયુ અને યુનુસના કાન પાસે મોઢુ લાવી ધીમા અવાજે કહ્યુ જેલમાં આપણને જે મળે તે બધુ જ કામ આવશે. બસ આપણે ધ્યાન તે વાતનું રાખવાનું છે કે આપણા કામની કઈ વસ્તુ ક્યા પડી છે અને તે આપણા પાસે કેવી રીતે આવશે. જો કે ત્યારે યુનુસને સમજાયુ ન્હોતુ કે પતંગની દોરી કઈ રીતે કામમાં આવી શકે. તેણે મહંમદને કંઈ પુછ્યુ નહીં કારણ મહંમદ તેને કંઈ કહેવાનો પણ ન્હોતો. ભણવાનું શરૂ કર્યુ તેની સાથે મહંમદમાં બીજો ફેરફાર પણ આવ્યો હતો, તે હવે પાંચ ટાઈમ નમાઝ અદા કરવા લાગ્યો હતો. જો કે જેલમાં તે આઠ વર્ષથી હતો, તે રમઝાન મહિના સિવાય ક્યારેય નમાઝ પઢતો ન્હોતો. એક વખત તે નમાઝ પઢી રહ્યો હતો ત્યારે જ એક જેલ સિપાઈ ત્યાં આવી પહોંચ્યો. નમાઝ પુરી થયા પછી તેણે મહંમદને કહ્યુ.. કેમ ભાઈ બહુ ધાર્મિક થઈ રહ્યા છો. સીપાઈએ જે રીતે મહંમદને પુછ્યુ તેની પ્રશ્ન પુછવાની સ્ટાઈલ અને પ્રશ્ન બંન્ને મહંમદને પસંદ પડ્યા ન્હોતા, તેણે પોતાનો સ્વર બદલતા કડકાઈમાં જ સામો પ્રશ્ન પુછ્યો કેમ સાહેબ અમે નમાઝ પઢીએ તેમાં પણ તમને વાંધો છે? સીપાઈ તરત વાત વાળી લેતા કહ્યુ અરે ના ભાઈ પહેલા તમે ક્યા નમાઝ પઢતા હતા? હવે નમાઝ પઢો છો એટલે પુછ્યુ, મહંમદે તેને કોઈ જવાબ આપ્યો નહીં. આ પહેલી વખતની ઘટના હતી કે જ્યારે મહંમદે જેલ સીપાઈ સાથે થોડી કડકાઈ સાથે વાત કરી કરી હતી.

મહંમદ ધીરે ધીરે બદલાઈ રહ્યો હતો, તેના સ્વભાવ ચીડીયો થઈ ગયો હતો તેને બેરેકમાં રહેલા બીજા કેદીઓ સાથે પણ બોલાચાલી થઈ જતી હતી. મહંમદના બદલાઈ રહેલા સ્વભાવનું બેરેકના બીજા કેદીઓને પણ આશ્ચર્ય થઈ રહ્યુ હતું. પહેલા તો કોઈ બે કેદીઓ વચ્ચે ઝઘડો થાય તો મહંમદ ઉભો થઈ તેમને છુટા પાડતો હતો. હવે તો પોતે જ ઝઘડી પડતો હતો. બેરેકમાં સાંજે કેદીઓ વોલીબોલ રમતા હોય ત્યારે તે રેફરી થવાની પણ ના પાડતો હતો, તેણે પોતાને બધા કરતા અલગ કરી દેવાની શરૂઆત કરી હતી. જમવાનું આવે ત્યારે પહેલા તે લાઈનમાં ઉભો રહી જમવાનું લેતો હતો, પણ હવે તો લાઈન હોય તો પણ તે પોતાની થાળી લઈ સૌથી આગળ ઉભો રહી પોતાનું જમવાનું લઈ લેતો હતો. હવે ધીરે ધીરે મહંમદમાં થઈ રહેલા ફેરફારની નોંધ જેલ અધિકારીઓ લેવા લાગ્યા હતા. એક દિવસ જ્યારે જેલર કૌશીક પંડ્યા રાઉન્ડમાં આવ્યા ત્યારે પણ તેણે જેલરે પુછેલા પ્રશ્નનો ઉત્તર ઉધ્ધતાઈથી આપ્યો હતો. પંડ્યાને પણ આશ્ચર્ય થયુ હતું કે મહંમદ આવો કેમ થઈ ગયો છે? પણ કોઈને ખબર ન્હોતી કે મહંમદ આ બધુ ઈરાદાપુર્વક કરી રહ્યો હતો. હવે તેણે પોતાના સાથીઓ અને બેરેકમાં રહેલા બીજા કેદીઓને પણ પાંચ વખત નમાઝ પઢવાની ફરજ પાડવાની શરૂઆત કરી હતી. મહંમદ કટ્ટરતા તરફ જઈ રહ્યો છે અને મહંમદ જેલમાં પોતાની ગેંગ ઉભી કરશે તેવી આશંકા જેલ સુપ્રિટેન્ડન્ટ વસાવા સામે જેલ અધિકારીઓ વ્યક્ત કરવા લાગ્યા હતા. જેના કારણે સુપ્રિટેન્ડન્ટ વસાવાએ મહંમદની પ્રવૃત્તી શંકાસ્પદ થઈ રહી છે,તેવો રિપોર્ટ વડી કચેરીને અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને પણ આપ્યો હતો. મહંમદની બેરેકમાં હવે દર અઠવાડીયે ક્રાઈમ બ્રાન્ચ અને આઈજીપી ઓફિસનું ચેકીંગ શરૂ થઈ ગયુ હતું. મહંમદ અને તેના સાથીઓ પાસે વાંધાજનક કોઈ સામાન ન્હોતો પણ તે જ્યારે પણ ચેકિંગ આવે ત્યારે પહેલા પોતાનો અને પોતાના સાથીઓનો સામાન ચેક કરાવવાને લઈ આનાકાની કરતો હતો. પહેલા તો એકાદ બે વખત યુસુફે પોલીસની હાજરીમાં કહ્યુ મેજર હમ ક્યા ચોર ઉચકે હૈ , હમારે સામાન મેં ક્યા હે ચેક કર લેને દો સાબકો, મહંમદ આ સાંભળી ભડક્યો હતો. તેણે યુસુફને ધમકાવી નાખતા કહ્યુ સાલે ગુજરાતી પુલીસ સે ડરતે હો, મેં બોલા મેરા સામાન ચેક નહીં હોંગા તો નહીં હોંગા. પછી પોલીસ સામે ઈશારો કરતા કહ્યુ યે સાલે હમે ચેન સે જેલમે રહેને ભી નહીં દેતે. યુનુસ સમજી ગયો હતો કે પોલીસની સંખ્યા વઘારે છે. જો મહંમદ વધારે માથાકુટ કરશે તો મામલો બગડી જશે એટલે તેણે પોલીસની માફી માગતા કહ્યુ સાબ માફ કર દો મહંમદભાઈ કી તબીયત ઠીક નહીં હૈ, પણ મહંમદ આવુ કેમ કરી રહ્યો હતો તેની ખબર કોઈને ન્હોતી. (ક્રમશ:)

દીવાલ ભાગ 18 કેતનને જન્મટીપની સજા થઈ હતી તો પણ વૈદેહી લગ્ન કરવા તૈયાર હતી